તમાકુ નિષેધ દિન ૩૧ મે
ઝેરી ગુટકા-પળની મસ્તી,શું ઝીંદગી છે આટલી સસ્તી??!!
૩૧ મે –તમાકુ નિષેધ દિન ઉજવાય છે,ત્યારે લોક ડાઉનની કપરી પરિસ્થિતિમાં સહુથી વધુ ખરાબ હાલત જો કોઈની થી હોય તો એ છે બંધાણીઓની...પણ આ પણ કુદરતનો સંકેત સમજી જાગી જવાની ક્ષણ છે.વ્યસનીઓને કુદરત એક સુંદર મોકો આપી રહી છે,અલબત એ અઘરું છે કે તાત્કાલિક વ્યસન છોડવું,પરિણામે આવા લોકો ગમે ત્યાંથી એ મેળવવાનો જરૂર પ્રયત્નો કરી રહ્યા છે.પણ સરકારના ચુસ્ત નિયમોની અમલવારીને કારણે ફરજીયાત આ વ્યસનીઓ વ્યસનમુક્ત થવા જઈ રહ્યા છે એ લોક ડાઉન ના કપરા કાળ દરમ્યાનની સહુથી હકારાત્મક બાબત છે..
પુરાણકાળમાં બજર,તપકીર ને આજે તમાકુ કે જેને મેડીકલ સાયન્સ ધીમું ઝેર તરીકે ઓળખાવે છે, તેનો ભરડો આખા દેશમાં ખાસ તો યુવાધનને બરબાદ કરી રહ્યું છે ત્યારે દર વર્ષે ૩૧ મે તમાકુ નિષેધ દિને તમાં સેવન કરનાર સામે લાલબતી ધરવામાં આવે છે કે.. “જાગો..આ ધીમું ઝેર તમને સામાજિક,આર્થિક,શારીરિક,માનસિક બધી રીતે ખલાસ કરી નાખે,કુટુંબને પાયમાલ કરી દે એ પહેલા સભાન બની,તમાકુના નશામાંથી બહાર આવી જાવ.”
પહેલાના જમાનમાં અને આજે પણ ક્યાંક કોઈ મોટી ઉમરના લોકોમાં બજર ઉર્ફે તપકીર સુંઘવાની આદત હોય છે.તો કેટલાકને તમાકુના વિવિધ પ્રકારના માવા બનાવી ખાવાની આદત હોય છે.અને આજે તો સૌથી વધુ જેનું ચલણ ફેશનમાં છે તે ગુટકા વિવિધ સ્વરૂપે ને વિવિધ નામે બજારમાં મળે છે.જેના સૌથી વધુ બંધાણી તરુણો કે તરુણીઓ છે.
વ્યક્તિમાં જોવા મળતી આવી આદતો પાછળના અનેક કારણોમાં મુખ્ય જોઈએ તો એક તો ઘરમાં વડીલોની આદત જોઈ તેનું અનુકરણ કરતા બંધાણી બની જાય,બીજું ક્યારેક દોસ્તોના ગ્રુપમાં ધમાલ કરતા ટેસ્ટ ખાતર લીધેલ મસ્તી કાયમી આદત બની જાય છે અને સૌથી મોટું કારણ આજની પેઢીની ઘટતી જતી સહનશીલતા. જિંદગીના નાના કે મોટા પ્રસંગોમાં મળતી નિષ્ફળતાઓ પચાવી ન શકતા તરત હતાશા તરફ દોરાતું યુવાધન બહુ જલ્દી નશાનો શિકાર બને છે. ...
“અહીંથી આવો,તહીથી આવો,સરસ બનાવે માવો,,, ચોળો,મસળો,ખુબ જમાવો,જીવનનો કાવો!!”
ચરસ,ગાંજો,દારૂ કે તમાકુ વિવિધ પ્રકારના નશામાં ડૂબતી જતી વ્યક્તિને જયારે સમજ આવે છે ત્યારે બહુ મોડું થઇ ચુક્યું હોય છે.પુરેપુરા વ્યસનના બંધની થઇ ચુકેલા વ્યસની જાતે ઈચ્છે છતાં તેમાંથી મુક્ત થતા વાર લાગે છે.દેશમાં વ્યાપક રીતે ફેલાયેલ અને સૌથી વધુ નુકસાન કરતુ વ્યસન તમાકુ છે.જેમાં રહેલું નિકોટીન નામનું દ્રવ્ય થોડા સમય માટે જ્ઞાનતંતુને ઉતેજીત કરી,વ્યસનીને અલ્પજીવી આનંદ અને સ્ફૂર્તિ આપે છે પણ ટુંકસમયમાં એની અસર પૂરી થતા શરીરને લાંબા ગળે થતા કેન્સરના રોગ તરફ લઇ જાય છે.તમાકુને ગલોફામાં ભરી રાખી કે સિગારેટ,બીડીના ધુમાડામાં કલ્પ્નીય સ્વર્ગનો અનુભવ કરનારી વ્યક્તિ“બીડી સ્વર્ગની સીડી “ને બદલે હોઠ,ગાલ,જીભ,આતરડાના ભયાનક કેન્સરને નોતરી જાણીજોઈને પોતાને નરકના દ્વાર તરફ દોરી જાય છે...... બીગ બીના પેલા ગીતની જેમ ‘નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ,,,,’આ વાત જો સમજી વ્યસની લોકો આટલું ધ્યાનમાં રાખે તો જરૂર પોતાની અણમોલ જીંદગી બચાવી શકે:
*સૌપ્રથમ તો વ્યક્તિ એ જાતે જ મક્કમ બની દ્રઢ નિર્ધાર કરવો પડે અને મનને સમજાવવું પડે કે વ્યાસનથી ફાયદા નહિ પણ ગેરફાયદાઓ જ છે અને મારે આમાંથી બહાર આવવું જ છે.*વ્યસનથી છૂટવાનો સારામાં સારો ઉપાય નિયમિત યોગ,પ્રાણાયામ,કસરત,ધ્યાન અને નિયમિત જીવન શૈલી છે.*માનસિક તનાવ ,ડીપ્રેશન,ગુસ્સો જેવી બાબતોથી દુર રહેવા સકારાત્મક વાતાવરણ ઉભું કરીએ અને એવા જ વાતાવરણમાં રહીએ.*જેમને વારેવારે તમાકુ લેવાની આદત પડી ગઈ હોય તો તેમણે તમાકુને બદલે વરીયાળી,ધાણાદાળ ,તજ,લવિંગ,એલચી મમળાવવી.*વ્યસનીના સગા સંબંધીઓએ તેને મહેણટોણા ન મારતા કે જબરદસ્તી ણ કરતા તેનો વિશ્વાસ અને શ્રદ્ધા સંપાદન કરી પ્રેમ,સમજાવટ અને કુનેહપૂર્વક સહાનુભૂતિનો વહેવાર કરી,તેને વ્યસનમુક્ત થવામાં મદદ કરવી.ઉપરાંત હવે તો સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા પણ વ્યસનમુક્ત કરવા વિવિધ સહાયક પ્રવૃતિઓ થાય છે જેની પણ યથાયોગ્ય મદદ લઇ શકાય.
આમ આજના દિવસનું મહત્વ સમજીએ અને માત્ર આજે જ નહિ પણ કાયમ વ્યસનમુક્ત સમાજ બનાવવા સ્વયં જાગૃત થઇ અન્યને પણ કરી,દેશને વ્યસનમુક્ત સ્વસ્થ અને સારો નાગરિકયુક્તબનાવીએ એ જ સાચા નાગરિકની ફરજ બને..
“બીડી,પડીકી ને હોકો-ગુટકો,વહેલી પડાવે પોકો,
સમજે એને રોકો, ન સમજે એને ટોકો!!”