ડેલીએ દસ્તક Manisha Hathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ડેલીએ દસ્તક

' ડેલીએ દસ્તક '

અમારા નાનકડા ગામની નાનકડી ડેલી , વર્ષો જૂની અમારી ડેલી ...
ડેલીનું લાકડુ એટલે આખેઆખું સુકાય ગયેલુ ... જો ભૂલથી હાથ ઘસાઈ જાય તો લોહીના ટસિયા ફૂટી જાય . એવું કોહવાય ગયેલું હતું . સાંકળ તો ઉપર દેવાની અને નીચેની બેય સડી ગયેલી એવી કે ભંગારમાં પણ ના ચાલે ...

અમારી બાજુમાં રેતી ઇ નાની બાળ
એનુ નામ રાધી હતું .
અમારી ડેલીના આંગણે એ રોજ ડોકિયું કરતી અને ધીમી અવાજમાં બોલતી ' બા ...અને મારા કપાળ પર કરચલીઓ જામી જતી .
હું મનમા ને મનમાં બબડતી ' એ આવી ગઈ પાછી ...રોજેરોજની લપણી છે .
લાગે છે ગયા ભવની મારી માઁ ની લેણીયાત છે .
મારી માઁ ની સગી દીકરી હોય એમ
આવીને તરત મારી માઁ ના સાડલામાં લપાઈને મસ્તી કરતી . એના ગળા ફરતે હાથ નાખી એને ચુમ્મીઓથી નવરાવી દેતી .. મારી માઁ ને વાલ કરતા કરતા એ મારી સામે તિરછી નજરે જોઈ લેતી . કદાચ એ મારા ચહેરા પરનો અણગમો પારખી લેતી હશે . એટલે ફરી ઝટ દઈને મારી માઁ થી વિખૂટી પડી જતી .

મારી માઁ ને પણ છોકરા બહુ વાલા લાગતા . એટલે બાજુવાળી છોકરીને ખૂબ લાડ કરતી . જે માંગે ઇ ખવડાવતી -પીવડાવતી .

એ જ્યારે ઘરમાંથી જતી ત્યારે હું ખિજાતી અને માઁ ના ગાલ પર ધીરેથી ચૂંટીયો ભરતા બોલતી . ' મારી કરતા તો ઇ જ તને વાલી લાગે છે નઈ ? '

મારા બાપુ અત્યારે હોત ને તો એ મને એટલું જ વાલ કરતા ..હે ને માઁ ?
એમ બોલી માઁ ને વળગી પડતી .

જવાબ આપતા માઁ બોલી
' એવુ નથી દીકરા બિચારી નાની બાળ છે . એના દાદા-દાદી હારે રયે છે .
માઁ-બાપ છે નહીં .. તો ક્યાં જાય ??
ઐયા એને મારી આગળ હોરવે છે તો ભલે ને આવતી . તને ક્યાં આડી આવી ? ' ,

એમ તો મારી અને રાધીની ઉંમરમાં ખાસ્સું અંતર હતું . પણ તોય એનું ઘરમાં આવવું મને જરાય સોરવતું નહિ .

અમારું ગામ નાનકડું એવુ ગામ બાપુના ગયા પછી એમના કોઈ ભાઈબંધની શાળા હતી એમાં મને શિક્ષકની નોકરીએ રાખી લીધી હતી .
બપોરે જવાનું ને સાંજે પાંચ વાગે રજા પડતી .નાના-નાના બાળકોને ભણાવવાનું ...મહિને જે પગાર આવતો એમાંથી રોટલો નીકળી જતો .

એક દિવસ અચાનક મારી માઁ ની તબિયત લથડતા ગામને દવાખાને લઈ જતા હતા ત્યાં રસ્તામાં જ એણે શ્વાસ છોડી દીધો ...મારુ જીવન તો જાણે અંધકારમય બની ગયું . ખાલી ઓરડો , ખાલી પરસાળ ....માઁ નો અવાજ ઓરડામાં ને પરસાળમાં ગુંજતો રહેતો .
બે દિવસ , ચાર દિવસ...નીકળતા રહ્યા .. અચાનક મને બાજુવાળી રાધી યાદ આવી .. માઁ ના ગયા પછી ઇ પણ દેખાણી જ નથી .

રાધીનું ઘર એમ બાજુમાં જ હતુ પણ વંડી ઊંચી હોવાથી કંઈ દેખાતું નોતું .
હું ધીમે રહીને ડેલીની બાર નીકળી . ત્યાં વળી એના દાદીબા નો અવાજ કા'ને અથડાયો . કોઈની સાથે વાત કરતા હોય એવું લાગ્યું .
' બાજુવાળી નું મરણ થયું છે ત્યારથી રાધીને એવો અહાંગળો લાગ્યો છે કે માંદી પડી ગઈ છે . રોજનું કડું કરિયાતું આપું છુ , ઉકાળા કરી દવ છુ હવે ચાર દા' ડે મોઢા ઉપર કૈક તેજ આવ્યું છે .

ઘરમાં આવતા જ મારું મન પણ બેચેન બની ગયુ ..
શાળાઓમાં રજા પડી ગઈ હોવાથી એકલા એકલા આખો દી ઘરમાં કાઢવો ભારી પડતો હતો .
બાજુવાળા બા જોડે થોડીઘણી વાતો કરી લેતી પણ એનું મન ગોઠતું નહિ ..

એક દી વેલી સવારમાં જ ડેલીની સાંકળનો ખડખડ અવાજ આવ્યો . જોયું તો એનો હાથ અને આંખો દેખાય રહી હતી . મેં મારી ડોક જરા આગળ કરી એટલે એણે પણ પોતાનું મોઢું જરા આગળ કર્યું .
હું એક બે ડગલા ચાલીને ઓટલે બેઠી અને એ પણ એક બે ડગલાં ચાલી ડેલીને અઢેલીને ઉભી રહી .
મારા ચહેરા પર સ્મિત જોઈને એ પણ થોડું હસી ... ...એ પછી ડેલી ખુલ્લી હોવા છતા સાંકળથી ખખડાવી ધીમેથી બોલી ... બા ક્યાં ગઈ ? '
મેં પણ મારા બંને હાથ લાંબા કર્યા અને ધીરેથી બોલી ' આવીજા આજથી હું તારી બા છુ...

રાધી આવીને મને વળગી ગઈ અને મેં એને ચૂમ્મીઓથી નવરાવી દીધી .