સમાંતર - ભાગ - ૬ Shefali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમાંતર - ભાગ - ૬

સમાંતર ભાગ - ૬

આગળના ભાગમાં આપણે જોયું કે ઝલક ભૂતકાળમાં સરે છે. કેવી રીતે મા બાપે ગોઠવેલા સંબંધમાં પ્રેમનો એહસાસ ભળે છે. અને વિદિતભાઈની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવતા રાજ શું પગલાં લે છે. હવે આગળ..

*****

દરવાજા ઉપર ઊભા રહીને રાજ ઝલકના પરિવારની આર્થિક ચિંતા સાંભળી જાય છે. બીજા દિવસે એના પપ્પા ફોન પર આગ્રહ કરીને વિદિતભાઈને સાદાઈથી લગ્ન કરવા મનાવી લે છે ને આ વાત ઝલકના હૃદયને ખૂબ જ સ્પર્શી જાય છે.

"જોને પ્રેમે કરી છે આજે એવી એક રજૂઆત,
જાણે સમજણની પેલે પાર થઈ નવી એક શરૂઆત.!"

આમને આમ લગનનો દિવસ આવી ગયો. ભલે મર્યાદિત મહેમાનોને નિમંત્રણ હતું તો પણ એક એક વસ્તુનું ચીવટથી ધ્યાન રાખવામાં આવ્યું હતું. સાદગી અને સુંદરતાનો અનોખો સમન્વય હતો ચારે તરફ. એકબાજુ દીકરીના નવજીવનના મંડાણની ખુશી અને બીજી બાજુ દીકરીની વિદાયનો પ્રસંગ, વિદિતભાઈ અને ભાવનાબેનની આંખો સવારથી જ વારંવાર ભીની થઈ જતી હતી. કેટલાય દિવસથી બાંધી રાખેલા આંસુ આજે બંધ તોડીને વહી રહ્યાં હતા, તો બીજી બાજુ ઝલકની પણ એજ હાલત હતી.!

આગલા દિવસે મોડી રાત સુધી આખું કુટુંબ ઝલકને એક જ વાત પ્રેમથી કરી રહ્યું હતું કે ભલે એની આ ઘરમાંથી વિદાય થઈ જાય પણ આ હંમેશા એનું ઘર હતું અને રહેશે. ઝલક સમજી રહી હતી કે હવે ઘણા સમીકરણ બદલાઈ જવાના છે એની જિંદગીમાં અને એ કેટલાય દિવસથી આ બદલાવ માટે માનસિક રીતે તૈયાર થઈ રહી હતી તોય એ રડી પડે છે અને સાથે જ આખું ઘર પણ.!

"એક બાજુ પિયુ મિલનની વેળા તો બીજી બાજુ માવતરનો વિરહ,
કેવી ખુશીની ઘડી છે આ, જ્યાં આંસુ સંગ અરમાનોનો પ્રણય.!?"

રૂમમાં જઈને પણ મોડી રાત સુધી ઝલક, નિત્યા ને પાર્શ્વ મજાક મસ્તી કરતા રહ્યા. જાણે એક જ રાતમાં જીવનભરનું ભાથું લઈને જવાનું હોય એમ ઝલક ઊંઘવા જ નહતી માંગતી.! ભાવના બેને આવીને બધાને ટકોર કરી ત્યારે માંડ બધા જપ્યા.

લગ્નના દિવસે ઝલકના પરિવારના બધા જ સભ્યો સમયસર તૈયાર થઇને માંડવે પહોંચી ગયા હતા, તો બીજા કુટુંબી પણ મદદ માટે વેળાસર આવી ગયા હતા. થોડી વારમાં ઝલક પણ તૈયાર થઈને આવી ગઈ હતી. હાથમાં મહેંદી, મેકઅપ, વાળમાં લીધેલી સ્ટાઇલ ને પાનેતર પહેરેલી ઝલક ખૂબ જ સુંદર લાગતી હતી.!

તો બીજી બાજુ રાજના ઘરમાં પણ સવારથી એવા જ ઉત્સાહનું વાતાવરણ હતું. જાન જોડવાની હતી એટલે બધા જ આમંત્રિતો ઘરે આવી ગયા હતા. જેવું બેન્ડ વાગવાનું ચાલુ થયું મિત્રો અને પરિવારના સભ્યોએ ગરબા ગાવાનું ચાલુ કરી દીધું. ઓફ વ્હાઈટ ઝભ્ભો, મરૂન કોટી અને ચુડીદારમાં રાજ એકદમ દેખાવડો લાગતો હતો. નક્કી કરેલા સમય પર નાચતી ગાતી જાન નીકળી અને સમયસર લગ્નના સ્થળ પર પહોંચી ગઈ.

"માંડવે આવ્યો હતો મનનો માણીગર,
એને જોતા શરમથી બીડાયા અધર."

ગુલાબના ફૂલોથી શણગારેલી સુંદર ચોરીમાં બેસીને રાજે આગળની વિધિ પૂરી કરી, પણ હવે એની પ્રતીક્ષાનો અંત આવી ગયો હતો. એવામાં જ રૂમઝૂમ પગલે મામાનો હાથ પકડીને ઝલક આવતી દેખાય છે. એની સુંદરતા જોઈને રાજનું હૃદય એક ધબકાર ચૂકી જાય છે. ઝલકના ચોરીમાં બેસતા જ શુદ્ધ મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ આરંભ થાય છે. ફેરા લેવાયા છે, સપ્તપદીના વચનો અપાય છે ને સ્નેહીઓની હાજરીમાં ઝલક અને રાજ લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ જાય છે. આ સાથે જ એમના જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો જ્યાં સપ્તપદીના વચન સિવાય બંનેએ એકબીજાને સમજીને એકમેકનો સાથ આપવાનું મનોમન વચન લે છે.

બધી જ વિધિ સંપન્ન થતાં જમણવાર પણ પૂરો કરવામાં આવે છે. ઝલકના પપ્પાની એકદમ પ્રેમથી કરેલી સરભરાથી બધા જ પ્રભાવિત થઈ જાય છે. જોતજોતામાં જ આવે છે દીકરી વિદાયનો પ્રસંગ..

"એકબાજુ હૈયે દીકરીના નવજીવનનો ઉમંગ,
ને કાળજાના કટકાની વિદાયનો આવ્યો પ્રસંગ,
કેવી તે અવઢવ રહેતી હશે માવતરને ત્યારે.!?
જ્યારે લાગણીથી સિંચેલી દીકરીનો છૂટતો સંગ."

કુટુંબના એક એક સભ્યોને ગળે મળીને રડી રહેલી ઝલકને છૂટી પાડવી ખૂબ અઘરી થઈ રહી હતી. નિત્યા અને પાર્શ્વએ તો એનો હાથ જ પકડી રાખ્યો હતો તો ભાવનાબેન દીકરીથી છૂટા જ નહતા પડી રહ્યા.! પણ ઝલકની આંખો એના પપ્પાને જ શોધી રહી હતી. એના પપ્પા.. એના સુપર હીરો.. જે એના દિલની વાત વગર કહે જાણી જાય, ગમે તેવી પરિસ્થિતિમાં પણ બાળકોની સાથે ઉત્સાહભેર વર્તે.. એને સૌથી વધુ એમની ચિંતા થઈ રહી હતી કે એના ગયા પછી પપ્પાને કોણ સમજશે.!?

આખરે ઝલકની નજર થોડે દૂર ખૂણામાં એકલા રડતા પપ્પા ઉપર પડી. બધાને છોડીને ઝલક સીધી એ દિશામાં ભાગી અને પપ્પાને વળગી પડી. બંનેની આંખોમાં અવિરત આંસુ વહી રહ્યાં હતાં અને ઝલક તો જાણે એના પપ્પાને છોડવા જ નહતી માંગતી.! વિદાયનો સમય થઈ ગયો હતો, બધાએ મુશ્કેલીથી બંનેને છોડાયા. ત્યાં હાજર રહેલા મોટા ભાગના મહેમાનોની આંખો ભીની થઈ ગઈ હતી. અને આખરે કન્યાદાનની જેમ કન્યાવિદાયનો મંગલમય પણ કરુણ પ્રસંગ પૂર્ણ થયો.

નણંદ અને દિયરની મજાક મસ્તી સાથે ઝલકનું કંકુ પગલાં પાડીને રાજના ઘરમાં વિધિસર સ્વાગત થયું. કોડા - કોડીની રમતમાં જાણી જોઈને હારેલી ઝલક રાજના દિલ પર છવાતી જતી હતી, અને આખરે એ બે હૈયાના મિલનની ઘડી પણ આવી ગઈ.

ઘર મહેમાનોથી ભરેલું હોવાથી રાજ અને ઝલકની સુહાગરાત માટે હોટેલમાં રૂમ બુક કરવામાં આવ્યો હતો. ફૂલોથી સજાવેલો પલંગ, હવામાં ફૂલોની સુગંધ અને નિતાંત એકાંત..

"નવી જિંદગીની આજે નવી શરૂઆત થશે,
મનના અરમાનને આજે નવી ઉડાન મળશે.
ઝંખ્યો હતો જેવો સાથ શમણાંઓમાં એનો,
આજની મદહોશ રાતમાં એ આકાર લેશે.!"

ઝલક ફ્રેશ થઈને સાદા કપડાં પહેરીને બાથરૂમમાંથી બહાર આવી. રાજ પહેલા જ ફ્રેશ થઈને ઝલકની રાહ જોતો હતો. લાઈટ પિંક કલરના કપડામાં ઝલક ખૂબ જ સુંદર લાગી રહી હતી અને ઉપરથી ગાલ પર પડતાં શરમના શેરડા એના ચેહરાની સુંદરતાને અલગ ઓપ આપતા હતા. રાજ તો આંખનું મટકું પણ માર્યા વિના ઝલકને બસ જોતો જ રહ્યો ને આ જોઈને ઝલક સહેજ હસી પડી. એ સાથે જ એના ડાબા ગાલમાં પડતું ખંજન ખીલી ઉઠ્યું અને રાજનું હૈયું પણ..

રાજે રૂમની લાઈટ સાવ જ ઝાંખી કરી દીધી જેથી ઝલકની શરમ ઓછી થાય. જેવો એણે બાજુમાં બેઠેલી ઝલકનો હાથ પકડ્યો ને તરત જ ઝલક સંકોચાઈ ગઈ. ઝલકે મહેંદીમાં સંતાડેલું પોતાનું નામ રાજે શોધી ચૂમી લીધું. અને ઝલકની આંખોમાં જોયું. બંનેની આંખો મળી અને જાણે રાજને એનો જવાબ મળી ગયો. એ ઝલક ઉપર ઝૂક્યો, એના કપાળ, આંખ, ગાલ ઉપર ચુંબન કર્યા પછી એના અધર પર એક દિર્ધ ચુંબન કર્યું, તો ઝલક પણ એ ચુંબનના પ્રવાહમાં તણાઈ ગઈ અને એના હોઠ આપોઆપ જ રાજના હોઠ સાથે બીડાઈ ગયા. બંનેના શરીર ઉપરથી એક પછી એક કપડાં અનાવૃત થતા ગયા અને ફૂલોની મંદ મંદ સુગંધ વચ્ચે, ઝાંખા પ્રકાશમાં બે શરીર એકબીજામાં ઓગળતા ગયા.

બીજા દિવસે સવારે પલંગ પર ચોળાયેલા ફૂલો, સળ પડેલી ચાદર, ઝલકનું નીખરેલું રૂપ અને રાજનો ગર્વિષ્ઠ ચહેરો બધું જ એમના દામ્પત્ય જીવનના શુભ શરૂઆત તરફ નિર્દેશ કરતું હતું. બ્રેકફાસ્ટ કરવા બેઠેલા રાજની આંખોમાં ઝલકને એક મીઠો પ્રશ્નાર્થ દેખાતો હતો જેનો જવાબ આપવા માટે એનું હૈયું ઉછળતું હતું તો શબ્દો મૌન હતા. છતાં મનમાં રહેલા શબ્દોની સજાવટ ઝલકના ચહેરા ઉપર લાલાશ આપી રહી હતી.

"સાંભળને.. એક વાત કહું.!
મને ગમ્યું હતું..
તારું મને હળવેથી સ્પર્શવું,
ને પછી અધરને તારું તસતસતું ચુમવું..
તારા આગોશમાં મને ભરવું,
ને પછી એમાં મારું ઓગળવું..
આપણા અનાવૃત શરીરનું મળવું,
ને એકબીજામાં ભળી પ્રેમ યુગ્મ રચવું..
મારા ઉપર તારું આધિપત્ય જમાવવું,
ને પ્રેમથી મારું શરણું સ્વીકારવું..
એય.. સાંભળને.! એક વાત કહું.!!
મને ગમ્યું હતું..
તને મારું જીવન બનાવવું.!!"

*****
શું આગળ જતા પણ રાજ અને ઝલક વચ્ચે આવો જ પ્રેમ અને સમજણ રહેશે.!? અને નૈનેશનું ઝલકની જિંદગીમાં કઈ રીતે આગમન થયું એ જાણવા વાંચતા રહો સમાંતર..

©શેફાલી શાહ

તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_

જય જીનેન્દ્ર...
શેફાલી શાહ