Rudra ni premkahaani - 2 - 18 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 18

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૧૮

પચાસ સૈનિકોની ટુકડી સાથે અકીલા એ મેદાનમાં આવી પહોંચ્યો જ્યાં થોડાં સમય પહેલાં રુદ્ર મેઘનાને અશ્વરોહણની તાલીમ આપી રહ્યો હતો. રુદ્ર દ્વારા રાજકુમારી મેઘનાને શસ્ત્રવિદ્યાની તાલીમ આપવામાં આવી રહી છે, એવું જ્યારે અકીલાએ સાંભળ્યું ત્યારથી જ એનું મગજ રુદ્રની હત્યા માટેનું ષડયંત્ર બનવવામાં પરોવાઈ ગયું હતું.

રુદ્ર દ્વારા સામે ચાલીને અગ્નિરાજ દ્વારા આપવામાં આવેલ રાજ્ય વહીવટકર્તાનાં પદનો ત્યાગ કરી અકીલાનું નામ આ પદ માટે સૂચિત કરવામાં આવ્યું હતું. આમ છતાં ભવિષ્યમાં રુદ્ર પોતાનાં પુત્રનું સેનાપતિ બનવાનું સપનું તોડવામાં કારણભૂત બની શકે છે એવી શંકા હેઠળ અકીલાએ રુદ્રની હત્યા કરવાનું હીચકારું પગલું ભર્યું હતું. અકીલાના ષડયંત્રમાંથી તો રુદ્ર બચી ગયો પણ નસીબજોગે એ અને મેઘના બંને પૂર્ણ વેગમાં વહેતી રત્ના નદીમાં જઈ પડ્યાં હતાં. નદીનો વેગ એટલો હતો કે એ સંજોગોમાં તરીને બહાર નીકળવું પડકારજનક હતું. આ સંજોગોમાં રુદ્રએ મેઘનાને પોતાનાં ચુસ્ત આલિંગનમાં લઇ નદીનું પાણી એ લોકોને જ્યાં લઈ જાય ત્યાં લઈ જવા દેવાનું મન બનાવી લીધું હતું.

ઘટનાસ્થળે પહોંચી અકીલાએ એ બંને અશ્વ જોયાં જેને ત્યાં લઈને રુદ્ર તથા મેઘના આવ્યાં હતાં. એ બંને અશ્વ જ્યાં ઉભાં હતાં એની જોડે આવેલી ખાઈની કિનારેથી જમીનનો મોટો ટુકડો ખસીને નદીમાં ખાબક્યો હોય એવું જોતાં જ સમજાતું હતું. અકીલાએ નદીનાં પ્રવાહની ગતિનું અવલોકન કર્યું તો એને અનુમાન લગાડી લીધું કે પ્રવાહની વિરુદ્ધ તરવાની શકયતા નહીંવત છે એટલે મેઘના અને રુદ્રની તપાસ પ્રવાહની દિશામાં કરવી જોઈએ.

આમ જોઈએ તો જો રુદ્રનું મૃત્યુ થયું હોય તો અકીલા માટે ટાઢા પાણીએ ખસ જવા બરોબર હતું પણ અહીં પ્રશ્ન રાજકુમારી મેઘનાનાં જીવનનો હતો. રાજા અગ્નિરાજની ગેરહાજરીમાં જો મેઘનાને કંઈ થઈ ગયું તો પોતાની જાહેરમાં ફજેતી થશે એવાં ભયનાં લીધે અકીલાએ પોતાનાં સૈનિકોને ઢોળાવ પરથી હેઠે ઉતરી નદીની પ્રવાહની દિશામાં રુદ્ર અને મેઘનાની શોધખોળ કરવાનો આદેશ આપી દીધો.

*********

વેગવંતી રત્ના નદીનો પ્રવાહ રુદ્ર અને મેઘનાને ઢસડીને રત્નનગરીની સરહદે આવેલાં જંગલો સુધી લઈ આવ્યો. સતત એક ઘડી સુધી નદીનાં ઠંડા પાણીમાં રહેવાનાં લીધે રુદ્ર અને મેઘના જ્યારે કિનારે પહોંચ્યાં ત્યારે બંનેનાં શરીર પરનાં કપડાં વરસાદનાં પાણીથી ભીંજાઈ ગયાં હતાં. ભીંજાયેલાં કપડાંને લીધે મેઘનાનું શરીર પવનની દરેક લહેરખી સાથે થરથર કંપી રહ્યું હતું.

આમ છતાં એક વસ્તુ સારી હતી કે નદીનો પ્રવાહ આટલો વેગવંતો હોવાં છતાં રુદ્ર કે મેઘના કોઈનાં પણ ફેફસાંમાં નદીનું પાણી નહોતું ભરાયું અને એથી જ એ બંને અહીં સુધી જીવિત પહોંચી શક્યાં હતાં.

"વીરા, આપણે ક્યાં છીએ?" મેઘનાએ ઊંડો શ્વાસ લઈ શરીરમાંથી ઠંડી દૂર કરવાનો પ્રયત્ન કરતાં કહ્યું.

"સચોટ જગ્યા તો મને પણ નથી ખબર પણ આપણે રત્નનગરીની ઉત્તર તરફ આવેલાં જંગલમાં ક્યાંક છીએ." રુદ્રએ ચારેતરફ નજર કરીને કહ્યું.

"હવે શું કરીશું? કહેવાય છે કે આ જંગલોમાં માનવભક્ષી દૈત્યોનો વાસ છે." મેઘનાનાં મુખ પર ઉદ્વેગ જણાતો હતો.

"સૂર્યોદયનો વખત થવા આવ્યો છે. નજીકમાં આખું જંગલ રાતની કાળી ચાદર ઓઢી લેશે. એ થાય એ પહેલાં આપણે રાત્રી રોકાણ માટે જગ્યા શોધવી પડશે, કાલે સવાર થતાં જ આપણે અહીંથી નીકળવા માટે નદીનાં કિનારે કિનારે દક્ષિણ તરફ આગળ વધીશું તો ચોક્કસ રત્નનગરી પહોંચી જઈશું." રુદ્રની આ વાતનો મેઘનાએ હકારમાં ગરદન હલાવી સહર્ષ સ્વીકાર કરી લીધો.

આમ તો આનાથી પણ બદતર પરિસ્થિતિમાં પણ રુદ્ર પોતાની સુરક્ષા કરી શકવા સમર્થ હતો પણ અત્યારે મેઘના સાથે હોવાથી રુદ્ર એવી કોઈ નાની અમથી ભૂલ કરવાં નહોતો ઈચ્છતો જેથી મેઘનાને કોઈ નુકસાન પહોંચે.

રત્નનગરીની ઉત્તરમાં આવેલું આ જંગલ ખૂબ ગીચ અને બિહામણું માલુમ પડતું હતું. સૂર્યોદય થતાંની સાથે જ આ જંગલ વધુ ભયંકર દેખાવા લાગ્યું. એક ઘડી જેટલું ચાલ્યાં બાદ રુદ્ર અને મેઘના એક ટેકરી જેવી જગ્યાએ આવી પહોંચ્યાં.

"વીરા, ત્યાં આગળ ગુફા જેવું લાગે છે." મેઘનાએ જણાવેલી જગ્યાએ પહોંચીને રુદ્રએ જોયું તો એ ખડકોથી બનેલી એક નાનકડી ગુફા હતી. ગુફા શરૂ થતાં જ પુરી થઈ જતી હતી એટલે અંદર કોઈ રાની પશુ હોવાની ભીતિ નહોતી. રાત્રી રોકાણ માટે આ જગ્યા ઉત્તમ હોવાનું લાગતાં રુદ્રએ મેઘનાને ઉદ્દેશીને કહ્યું.

"મેઘના, આપણે અહીં જ રાત્રી રોકાણ કરીશું. રાતે કોઈ રાની પશુ અહીં ગુફામાં આવે નહીં અને આપણાં ભીનાં કપડાં સુકાય એ માટે આગની જરૂર છે અને આગ માટે સૂકાં લાકડાંની. જો તમને વાંધો ના હોય તો હું થોડી જ વારમાં આગ માટે જરૂરી લાકડાંની વ્યવસ્થા કરીને આવું." આવી પરિસ્થિતિમાં રુદ્ર એનાં જોડેથી એક ક્ષણ પણ અલગ ના થાય એવું મેઘના ઈચ્છતી હતી છતાં એને રુદ્રને હામી ભરતાં કહ્યું.

"પણ જલ્દી આવજો.!"

રુદ્ર ફટાફટ ગુફાની આજુબાજુનાં વિસ્તારમાં ફરીને સૂકાં લાકડાં અને સૂકું ઘાસ લઈને ગુફામાં મૂકી ગયો. ત્યારબાદ એ થોડી ડાળીઓ, પાંદડા અને આસપાસનાં વૃક્ષો પરથી જે મળ્યાં એ ફળ લઈને ગુફામાં આવી ગયો.

ગુફામાં પડેલાં બે પથ્થરોની મદદથી રુદ્રએ પહેલાં ઘાસ સળગાવ્યું અને ઘાસની મદદથી સૂકાં લાકડાં. એ નાનકડી ગુફામાં પેટાવવામાં આવેલી આ અગ્નિ રુદ્ર અને મેઘના બંનેને માટે હૂંફ આપવામાં કારગર નીવડી. આગ પ્રગટાવી દીધાં બાદ રુદ્રએ જોડે લાવેલી ડાળીઓ અને પાંદડાની મદદથી સુવા લાયક જગ્યા બનાવી.

"લે આજે તો આજ ખાઈને ચલાવવું પડશે." પોતે લાવેલાં ફળને મેઘના તરફ લંબાવતાં રુદ્રએ કહ્યું. મેઘનાને રુદ્ર દ્વારા પ્રથમ વખત પોતાને તુકારે બોલાવવું પસંદ આવ્યું હતું એ એનાં ચહેરા પર આવેલ સ્મિત પરથી જાણવું સરળ હતું.

"તું પણ ખાઈ લે." પોતાની તરફ એકીટશે જોઈ રહેલાં રુદ્રને જોઈ મેઘનાએ કહ્યું. એ પણ હવે રુદ્રને તુકારે બોલાવી રહી હતી.

ફળ આરોગી લીધાં બાદ મેઘનાને તરસ લાગતા રુદ્ર ગુફાની નજીકમાં ઊગેલા વાંસનો ઉપયોગ કરી થોડું પાણી ભરી આવ્યો. પૃથ્વીલોકનાં સૌથી મોટાં રાજયની રાજકુમારીને જંગલની એક ગુફામાં નિમલોકનાં રાજકુમાર દ્વારા આપવામાં આવેલું આ સામાન્ય ભોજન પણ અમૃત સમુ લાગી રહ્યું હતું.

રાત ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી હતી. જંગલના આ વેરાન વિસ્તારમાં વચ્ચે વચ્ચે નિશાચર પક્ષીઓ અને તમરાંનો તીણો અવાજ વાતાવરણને થોડો સમય ધબકતું કરી મૂકતું અને બીજી જ ક્ષણે હતું એનાં કરતાં વધુ વેરાન. આગની ગરમીથી હવે રુદ્ર અને મેઘનાનાં કપડાં સુકાઈ ગયાં હતાં. રુદ્ર માટે આ બધું સામાન્ય વાત હોય એમ એ સંપૂર્ણ સ્વસ્થ દેખાતો હતો, પણ મેઘનાનું શરીર હજુ પણ પવનની લહેરખી સાથે સૂકાં વૃક્ષની માફક ધ્રુજી ઉઠતું.

મેઘનાને ઠંડીથી ધ્રૂજતી જોઈ રુદ્રએ મેઘનાની હથેળી પર પોતાનાં હાથનાં ઘર્ષણ વડે એને હૂંફ આપવાની કોશિશ કરી જોઈ પણ મેઘના હજુ પણ ઠંડીથી કાંપતી હતી. રુદ્ર સતત પોતાનાં હાથને મેઘનાનાં ગાલ, કપાળ, પગની પાની અને હાથની હથેળીઓ પર ઘસીને એની ઠંડી ઉડાડવાની ભરપૂર કોશિશ કરી રહ્યો હતો.

"વીરા, એક વાત કહું?" અચાનક શાંતિનો ભંગ કરતાં મેઘનાએ કહ્યું.

"બોલને." રુદ્ર પોતાની સાથે હવે ખૂલીને વાત કરતો હતો એ જોઈ મેઘનાને આનંદ થયો.

"હું જે પૂછું એનો જવાબ સાચો આપીશ એવું મને વચન આપ પહેલાં."

"હમમ. હા પૂછો. હું દરેક પ્રશ્નનો સાચો જવાબ આપીશ."

"તું મને પ્રેમ કરે છે ને?" મેઘનાનો આ પ્રશ્ન સાંભળી રુદ્રને જાણે વજ્રાધાત લાગ્યો હોય એમ એની આંખો પહોળી થઈ ગઈ.

"બોલ, કેમ ચૂપ થઈ ગયો. મને ખબર છે કે તું મને પ્રથમવાર મળ્યો એ દિવસથી તારાં મનમાં મારાં માટે છુપી લાગણી હતી."

"એ તો એવું છે ને.."

"મારે સાચો જવાબ જોઈએ. તે વચન આપ્યું છે."

"હા, મેં તને જોઈ એ દિવસથી ખબર નહીં કેમ હું તને મનોમન પ્રેમ કરવા લાગ્યો. રત્નનગરીની રાજકુમારી મારાં નસીબમાં ક્યાંથી હોય એ જાણવાં છતાં હું સતત તારી ઝંખના કરતો રહ્યો. તારી સગાઈની જાહેરાત સાંભળી હું આઘાતમાં મૂકાઈ ચુક્યો હતો. આમ છતાં નસીબજોગે મહારાજ અગ્નિરાજ દ્વારા મને તારો અંગરક્ષક બનાવવામાં આવતાં તને પ્રાપ્ત કરવાની મારી ઈચ્છા બળવત્તર બની."

"મનનાં ઊંડે ખૂણે તારો મારાં તરફનો વ્યવહાર મને એ સંકેત આપી રહ્યો હતો કે તું પણ મને ઝંખે છે. તારી વાતો પરથી લાગતું કે તું પણ મારાં તરફ લાગણી ધરાવે છે. હું સ્વીકાર કરું છું કે જે દિવસથી તને જોઈ એ દિવસથી દરેક શ્વાસ લેવાની સાથે તારી યાદ હૃદયને ખુશ કરવાનું કામ કરતી હતી. હૃદયનો દરેક ધબકાર હવે તારાં નામનો જ ધ્વનિ કરતો હોય એવું પ્રતીત થાય છે."

"હા હું તને પ્રેમ કરું છું. સાચું કહું તો પ્રેમથી પણ વધારે કંઈ હોય તો એ કરું છું. તું મારાં માટે બધું જ છો. જગતનાં સઘળાં સુખ કરતાં તારી સાથેનું મિલન મારે મન મૂલ્યવાન છે. જો તું નહીં મળે તો મારાં જીવનમાં અન્ય કોઈ સ્ત્રીને હું પ્રવેશ નહીં આપું એ મેં વચન લીધું છે."

ઘણાં સમયથી મનમાં ધરબી રાખેલી લાગણીઓ જ્વાળામુખીનાં લાવાની માફક આજે બહાર નીકળી આવી હતી. પોતે આજે પોતાનાં મનની વાત મેઘનાને કહી શક્યો એનાં લીધે રુદ્રનાં ચહેરા પર જગ જીતી લેવાનો સંતોષ વર્તાતો હતો. પોતે તો પોતાનાં મનની વાત રાખી દીધી હતી પણ શું સાચેમાં મેઘના એને પ્રેમ કરતી હતી કે પછી એ પોતાનાં માટે મિત્રની લાગણી ધરાવતી હતી? એ પ્રશ્નનો જવાબ જાણવાં રુદ્રએ મેઘનાની તરફ નજર ઘુમાવી.

"વીરા, હું પણ તને એટલો જ પ્રેમ કરું છું જેટલો તું મને કરે છે. પણ પિતાજીએ મારી અનિચ્છાએ મારી સાત્યકી સાથે સગાઈ કરી દીધી હોવાથી હું આ વિષયમાં તને ખૂલીને કંઈપણ કહેવા અસમર્થ છું. જ્યારે પિતાજી માનસરોવરની યાત્રાએથી પાછા આવશે ત્યારે હું મારાં મનની વાત એમને ચોક્કસ જણાવીશ અને મને આશા છે કે એ આપણાં સંબંધને અવશ્ય સ્વીકૃતિ આપશે."

આટલું બોલતાં જ મેઘનાની આંખો ઝૂકી ગઈ, અઘરો સુકાઈ ગયાં અને શરીરમાંથી બધી ઠંડી ક્ષણમાં ગાયબ થઈ ચૂકી હતી. આ આવનારાં એ તોફાનની આગાહી સમાન હતું જે નજીકમાં એ નાનકડી ગુફામાં આવવાનું હતું!

*****

વધુ આવતાં ભાગમાં

રુદ્ર અને મેઘના પર ધ્યાન રાખી રહેલાં વ્યક્તિએ કોને સંદેશો મોકલાવ્યો હતો? રુદ્ર અને મેઘના જંગલમાંથી સહીસલામત બહાર નીકળી શકશે?નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ આખરે ક્યાં હતી? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED