બાર ડાન્સર - 1 Vibhavari Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાર ડાન્સર - 1

બાર ડાન્સર

વિભાવરી વર્મા

ચેપ્ટર : ૧

“લિફ્ટ બિગડ ગૈલી આહે !”

તમાકુવાળા દાંત બતાડતો મરાઠી લિફ્ટમેન નફ્ફટની જેમ હસતો બોલ્યો. પાર્વતીને એવી દાઝ ચડી કે એના દાંત પાડી નાંખે...

આ સાલી, રોજની રામાયણ હતી. એક તો છ-સાત દિવસથી ઘૂંટણમાં દુઃખાવો થાય છે. એમાં સાલી, આ લિફ્ટની બબાલ... સાતમા માળવાળી ઉષા મેડમ જતાંની સાથે દિમાગ ખાશે : “પાર્વતી, કેમ મોડી આવી ? કેટલી વાર કહ્યું તને, કે મારે ત્યાં કામ કરવું હોય તો ટાઈમ સાચવવાનો...”

આજે તો કહી જ દેવું છે સાલીને, લે રાખ તારી નોકરી ને કર મારો હિસાબ ! આ શું રોજની ઝિકઝિક... તારી એકલીનું કામ થોડી લઈને બેઠી છું ? પાંચમા માળે શર્મા મેડમ છે. ચોથા માળે ગુપ્તા શેઠાણી છે. ‘ડી’ બ્લોકમાં સાલો પેલો હરામખોર ગંદી નજરવાળો ચૌધરી પણ છે.

પાર્વતી ફ્લેટના દાદરા ચડવા લાગી. દાદરા ચડવા સિવાય છૂટકો જ ક્યાં હતો ?

દસ દસ ઘરનાં કચરા-પોતાં અને બર્તનના કામ કરે છે ત્યારે માંડ માંડ પાર્વતીનું પૂરું થાય છે. દસ બાય બારની ખોલીનું ભાડું જ સાત હજાર છે. ઉપરથી દીકરીના ભણવાના ખર્ચા...

સાતમા માળે પહોંચતાં પાર્વતી હાંફી ગઈ. ઘૂંટણમાં રીતસરનો એક સબાકો બોલી ગયો. ઉષા મેડમ તો ઘરનો દરવાજો ખોલતાની સાથે, સાલી, દિમાગ ચાટવા લાગશે. પણ પાર્વતીને ઉષા મેડમની કચકચ સાંભળ્યા સિવાય છૂટકો નહોતો. સૌથી વધારે પૈસા એ જ આપતી હતી.

પાર્વતીએ સાડીના છેડા વડે પરસેવો લૂછતાં ઉષા મેડમના દરવાજાની બેલ દબાવી. દરવાજો ખૂલ્યો, પણ કચકચને બદલે આજે મેડમે ચૂપચાપ દરવાજો ખોલ્યો. ચહેરા પરથી લાગતું હતું કે એની ખોપડી અંદરથી સખત ગરમ છે.

સાલી, વાત શું છે ? પાર્વતી અંદર જઈને સાવરણી લાવીને, ડ્રોઇંગરૂમ સાફ કરવા લાગી. ઉષા મેડમને કામમાં ચોખ્ખાઈ બહુ જોઈએ. ઝીણો સરખો કચરો પણ રહી જાય તો તતડાવી નાખે. આપણે કચરો વાળતા હોઈએ તો સાલી, હિંચકા પર બેઠી બેઠી શકરા બાજની જેમ નજર રાખે.

પણ આજે એની નજર છાપામાં હતી. ધારી ધારીને કંઈ વાંચતી હતી. એની આંખોની ભ્રમર તંગ હતી. શું વાંચતી હશે ? સફાઈ કરતી કરતી પાર્વતી એની નજીક ગઈ. છાપામાં નજર નાંખી. પણ પોતે તો સાત ધોરણ ભણેલી, અને એ પણ મરાઠીમાં ! આ ગુજરાતી છાપામાં સાલું, શું પલ્લે પડે ? ત્યાં તો ઉષા મેડમ છાપું સંકેલતા બોલી :

“પાર્વતી, ખબર પડી ? આ મુંબઈના ડાન્સ બાર ફરીથી ચાલુ થઈ જવાના...”

પાર્વતીને ધ્રાસ્કો પડ્યો !

આ ઉષા મેડમને ક્યાંથી ખબર પડી કે એક જમાનામાં હું પણ બાર ડાન્સર હતી ? આજે આઠ આઠ વરસ થઈ ગયાં, બધાં ડાન્સ બાર બંધ થયાને... ઉષા મેડમ તો ઠીક, સાલા ફ્લેટના બીજા લોકોને પણ ખબર પડશે તો મારાં બંધાયેલા કામ જતાં રહેશે !

ઉષા મેડમના દિમાગમાં હજી ગુસ્સો હતો. એ બબડી : “કરો... ફરી ચાલુ કરો... બરબાદીનાં બજારો ફરી ચાલુ કરો...”

પાર્વતીએ ઉષા મેડમને આ પહેલાં કદી આવી હાલતમાં નહોતી જોઈ. એ ગુસ્સો જરૂર કરતી, પણ ચહેરો એકદમ પ્લાસ્ટર-પેરીસની મૂર્તિ જેવો કડક રહેતો હતો. પણ આજે મેડમના લમણાંની નસો ફાટફાટ થઈ રહી હતી.

પાર્વતીએ સાવરણી બાજુમાં મૂકી.

“મેડમ, બોલે તો કોઈ ટેન્શનની ખબર છે ?”

“ટેન્શન નહીં, બરબાદી !” ઉષા મેડમ અચાનક છાપું ફંગોળીને ઊભી થઈ ગઈ. “તને ખબર છે ? મારો હસબન્ડ એક બાર ડાન્સરની પાછળ પાગલ હતો ! રોજના દસ દસ હજાર ઉડાવીને આવતો હતો ! અમારા તો આનાથી શાનદાર બબ્બે ફ્લેટ હતા. એ પણ અહીં બોરવલીમાં નહિ, ત્યાં જૂહુમાં ! પણ એ મહાશયે પેલી રાંડની પાછળ ઉડાવી માર્યા ! એની પાછળ એટલા ઘેલા કે એને ઘાટકોપરમાં એક નવો ફ્લેટ અપાવેલો ! આજે પણ એ... એ... નાગણ ઘાટકોપરમાં રહે છે.”

પાર્વતીને સમજાતું નહોતું કે શા માટે ઉષા મેડમ જાણે પાર્વતી એની કોઈ ખાસ બહેનપણી હોય એ રીતે દિલની ભડાસ નિકાળી રહી હતી ? કદાચ ઉષા મેડમની બીજી કોઈ બહેનપણી હશે જ નહીં..

“માંડ માંડ એ નાચનારીથી પીછો છોડાવ્યો છે મૈં...” ઉષા મેડમે આર કરેલી વ્હાઈટ કોટન સાડીથી આંખનો ખૂણો લૂછ્યો. “પણ પાર્વતી, જો, ડાન્સ બાર ફરી ચાલુ થઈ જવાના...”

પાર્વતી કંઈ ન બોલી. ચૂપચાપ એનું કામ કરતી રહી.

બાર ડાન્સરતો પોતે પણ હતી. આશિકો તો એના પણ હતા. પણ એણે કદી આ ધંધો નહોતો કર્યો. બલ્કે, એક આશિકના ફંદામાં પોતે જ ફસાઈ ગી હતી...

પોતા કર્યા પછી વાસણ ઘસતાં પાર્વતીને જૂની જિંદગીના જવિચારો આવતા રહ્યા. એક પછી એક કેવી કેવી ભૂલો કરી હતી એણે...

“સાંભળ પાર્વતી.” ફ્લેટનું બધું કામ પૂરું કરીને પાર્વતી બહાર જતી હતી ત્યાં ઉષા મેડમે એને ઊભી રાખીને કહ્યું, “બી બ્લોકમાં એક નવાં મેડમ આવ્યાં છે, તરાના મેડમ. એને કોઈ સારી કામવાળી બાઈ જોઈએ છે. સમજી ? મેં તારું નામ દીધું છે. આજે જઈને મળી લેજે.”

“ઠીક મેડમ, કૌન સા માલા ?”

“ત્રણ. ત્રીજે માળે. થર્ડ ફ્લોર. બી બ્લોકમાં.” ઉષા મેડમ બોલી, “યાદ રહેશે કે લખી આપું ?”

“યાદ કાય કુ નંઈ રહેગા ?” પાર્વતી કોઈ બીજા જ સવાલનો જવાબ આપતી હોય એમ ગણગણી...

***

ઘૂંટણ હજી લબાકા મારતો હતો. પાંચમે માળે શર્મા મેડમનું ઘર એટલે ઉકરડો જોઈ લો ! આખા ઘરમાં જ્યાં જુઓ ત્યાં કપડાં રખડતાં હોય, રમકડાં વેરવિખરે હોય, બૂટ-ચંપલ છેક બેડરૂમમાંથી નીકળે, મોજાં કિચનમાં હોય અને કચરાટોપલી દસ-પંદર દહાડે ગાયબ હોય !

ઘરમાં જઈએ એટલે શર્મા મેડમ ટીવી સામે બેસીને કંઈ ખાતી જ હોય, સવારે જાઓ કે બપોરે, મેડમની સિરિયલ અને મેડમનું મોં, બન્ને ચાલુ જ હોય. જોકે અહીં કામની સફાઈ બહુ નહીં રાખવાની. બસ, ફટાફટ રખડતી ચીજોને ઠેકાણે કરવાની, સટાસટ ઝાડું-પોતું ફેરવવાનું, ધનાધન વાસણોને પાણીમાં નવડાવીને ધોઈ નાંખવાનાં, પછી મસ્તીથી ગરમાગરમ ચા બનાવીને અડધી પોતે પીવાની અને આખી શર્મા મેડમને આપવાની.

ચા પીતાં પીતાં શર્મા મેડમ એને સિરિયલની વાર્તાઓ કહે તે સાંભળવાની. પાર્વતીના દિમાગમાં હંમેશા બધી સ્ટોરીઓની ભેળસેળ થઈ જતી હતી. ઘરે ટીવી તો હતું નહીં. એટલે પંદર-વીસ મિનિટનું આ મનોરંજન એને માફક આવતું હતું. પણ પાર્વતીને આજે મનોરંજનમાં નહિં,‘ન્યૂઝ’માં રસ હતો.

શર્મા મેડમે જાહેરખબરનો બ્રેક પડતાંની સાથે ચાનો કપ ઉઠાવીને એક જોરદાર સબડકો લીધો કે તરત ખુશ થઈને બોલી, “ક્યું રી પાર્વતી ? આજ તો ચાય મેં અદરક-વદરક ડાલા હૈ ? મસાલા ભી સહી પડા હૈ ! બાત ક્યા હૈ ?”

“બાત કોઈ નંઈ, મ્યૈડમ.” પાર્વતીએ સાડીનો છેડો સરખા કરીને કહ્યું, “અદરક કા બાટલી ચાર દિન સે મિલતા નંઈ થા ના. આજ મિલ ગયા. છોટુ કે ઇસ્કુલ બૈગ સે !”

જાડી શર્મા મેડમ ફાંદ હલાવતાં હસવા લાગી, “સ્કૂલ બેગ સે !”

પાર્વતીએ લાગ જોઈને તરત વાત છેડી “મ્યૈડમ, યે બોલે તો, ડાન્સ બાર વાપસ ચાલુ હોનેવાલા.... ? અઈસા મ્યૈંને સૂના... ક્યા સચ હૈ ?”

શર્મા મેડમે મોં બગાડ્યું. “ક્યા ફરક પડતા હૈ ?ટીવી મેં ઉસસે ભી જાલિમ ડાન્સ આતા હૈ ! મૈં તો હમારે શર્માજી કો ઈધર ડ્રોઈંગરૂમ મેં બિઠા કે બિયર પિલાતી હું ! સાથ મેં બચ્ચે ભી ડાન્સ કરતે હૈં...”

શર્મા મેડમને ત્યાં ચા પતાવીને પાર્વતી ચોથા માળે ગુપ્તા શેઠાણીને ત્યાં પહોંચી. આ શેઠાણીતો આમેય પોતાના પલંગમાં જપડી રહેતી હતી. ભાગ્યે જ કંઈ વાત કરતી, પણ પાર્વતીના મનમાં ખટાપટી ચાલી હતી. શું ખરેખર ડાન્સ બાર ફરી ચાલુ થવાના છે ?

‘ડી’ બ્લોકમાં પેલા ગંદી નજરોવાળા ચૌધરીને ત્યાં ગયા વિના છૂટકો નહોતો. ઘૂંટણની પીડા જરા ઓછી થઈ હતી. પણ ચૌધરી તો મગજની પીડા હતો. પાર્વતી કચરો કાઢતી હોય કે પોતાં કરતી હોય, હરામખોર ચૌધરી એની લોલુપ નજરોથી પાર્વતીની ઝૂકેલી છાતીને જ જોયા કરતો... હલકટ ! જોકે પચાસ-પંચાવનની આસપાસનો આ ચૌધરી પાર્વતીને ધારી ધારીને જોયા સિવાય કદી આગળ વધ્યો નહોતો. હાથ-બાથ પકડવાની તો વાત દૂર રહી, ચૌધરી કદી “કૈસી હો પારવતી ?” એવું ય પૂછ્યું નહોતું. વિધુર માણસ હતો. ટિફિન મંગાવીને ખાતો હતો. એટલે વાસણ તો થતાં જ નહોતાં. પણ પાર્વતી એના કપડાં ધોઈ આપતી હતી. છતાં કપડાંને લઈને પણ ચૌધરીએ કદી કોઈ ગંદી વાત કરી નહોતી, પણ આ નજર...

પાર્વતીને એના ડાન્સ બારના દિવસો યાદ આવી ગયા. એ વખતે રંગીન રોશનીમાં ચળકતા પોતાના હિલોળા લેતા બદનને ધારી ધારીને લોલુપ નજરે જોનારા કંઈ ઓછા હતા ? ઊલટું, સાલાઓ એનો હાથ પકડતા, નજીક આવીને નોટો ઉછાળતા, ફ્લાઇંગ કિસ મારતા. “આતી હૈ ક્યા?” એવું આંક મિંચકારીને પૂછતા.

પણ એ નજરો જુદી અને આ ચૌધરીની નજર જુદી. જ્યારે પાર્વતી ચૌધરીના ફ્લેટમાં આવતી એ દરેક વખતે એને એમ લાગતું કે પોતે કબૂતરી છે અને ચૌધરી શિકારની તાકમાં બેઠેલો બિલાડો છે. ક્યારે તરાપ મારશે એ કહેવાય નહિ...

પણ ચૌધરી પૈસાની બાબતમાં ચોખ્ખો હતો. કોઈ કચકચ વિના રૂપિયા આપી દેતો હતો. બે મહિના પહેલાં પાર્વતીની દીકરીને સખત ન્યુમોનિયા થઈ ગયો હતો ત્યારે આ ચૌધરીએ જ ઈલાજ માટે ૫,૦૦૦ એડ્વાન્સ આપ્યા હતા. સામે ચાલીને. બીજી કોઈ કામવાળી બાઈઓ ચૌધરીનું કામ બાંધવા તૈયાર થતી નહોતી. કહેતી કે “સાલા હલકટ માણુસ આહે...” પણ પાર્વતીએ માત્ર પૈસા ખાતર એનું કામ બાંધેલું.

ચૌધરીના ઘરનું કામ પતાવ્યા પછી, બીજાં ચાર ઘરનાં કામ કરતાં કરતાં પાર્વતી થાકીને લોથ થઈ ગઈ હતી. ઘૂંટણનું દર્દ વકરી ચૂક્યું હતું. ‘સી’ બ્લોકની ચોથા માળવાળી સિંધણ મેડમે એને રાતની વધેલી ચટપટી ખાટી કઢી અને પુરી-ચાટ આપી હતી. પાર્વતીને ભૂખ કકડીને લાગી હતી એટલે એ દીવાલને ટેકે ઊભડક બેસીને સટાસટ ઝાપટી ગઈ. પણ અડધા જ કલાકમાં એ ખટાશે એની ઔકાત બતાડી. પાર્વતીના ઘૂંટણમાં એક જોરદાર લબકારો થયો.

પાર્વતીના મોંમાંથી ચીસ નીકળી ગઈ.

***

‘બી’ બ્લોકના ત્રીજે માળે તરાના મેડમનો ફ્લેટ શોધીને પાર્વતીએ જ્યારે ડોરબેલ મારી ત્યારે બપોરનો એક વાગી ગયો હતો. ફરી દોઢ વાગતાંમાં તો સાલાં, એનાં બપોરના વાસણ ઘસવાનો રાઉન્ડ ચાલુ થઈ જશે... આ પગને તો આરામ જ નથી મળતો.

દરવાજો ખૂલતાં જ જે તરાના મેડમ દેખાઈ એને પાર્વતી જોતી જ રહી ગઈ !

અરે, આ તો તાહિરા હતી ! શેટ્ટીના ડાન્સ બારમાં નાચતી એની ખાસ સહેલી !

પાર્વતીની જીભ પર “સ્સાલી તાહિ !!” એવું આવી જ ગયુ, પણ તારાના મેડમનું ઠંડુ ડાચું જોઈને એ ચૂપ થઈ ગઈ. અત્યારની તરાના અને એ જમાનાની તાહિરામાં આસમાન-જમીનનો ફરક હતો. તાહિરા તો સાલી, હંમેશા મચ્છીની જેમ જ મચલતી અને બુલબુલની જેમ ચહેકતી ચીજ હતી. જ્યારે આ ?

આ તો યાર, કોઈ હાઈ-ફાઈ સોસાયટીની મે’મ લાગતી હતી. દૂધ જેવી વ્હાઈટ કલરની એમ્બ્રોઈડરીવાળી કુરતી નીચેચપોચપ બ્લુ કલરની કેપ્રી હતી. દરવાજો ખોલીને એ પોતાના ખુલ્લા બાલને બન્ને હાથથી પાછળ કરીને બક્કલ લગાડતી ઊભી હતી.

“ક્યા હૈ ?”

“બાઈ મંગતી, ઐસા બોલી થી ના ?” પાર્વતીએ ધીમેથી કહ્યું. “સી બિલોકવાળી ઉષા મૈડમ મૈરે કુ બોલી... આપ કે પાસ જાને કા, કર કે...”

“હં... નામ ક્યા બતાયા ?”

“ઉસા, ઉસા મ્યેડમ.”

“અરે, ઉસા કા નંઈ, તેરા નામ.” તરાના દરવાજે એક હાથ ટેકવીને અદામાં કમર હલાવતી તેને નીચેથી ઉપર રમતિયાળ નજરે જોતીહતી.

“વો તો કીધર બતાયા ?” પાર્વતી જરા હસી પડી.

“તો બતા ના ?” તરાના મેડમ પણ હસી.

“મ્યૈ... પારવતી. બોલે તો પારો.” પાર્વતીએ જાણી જોઈને એનું જૂનું નામ ‘પારો’ કહ્યું.

એ નામની અસર થઈ, પણ જરા ધીમેથી. પહેલાંતો તરાનાએ એને ફરી વાર ઉપરથી નીચે સુધી નજર નાંખીને જોઈ, પછી ચહેરો ધારી ધારીને જોયો. પાર્વતીના શરીરની વધી ગયેલી ચરબીવાળા ભાગ જોયા, ફરીથી ચહેરો જોઈને એણે લગભગ ચિચિયારીપાડી :

“ચ્યાઈલા ! !!” તરાનાએ પાર્વતીની ચરબીવાળી ખુલ્લી કમર પર ચૂંટિયો ભર્યો.“શેટ્ટી કે ‘દિવાના’ બાર વાલી પારો ?!! ”

પાર્વતીએ નીચું મોં રાખી હસતાં હસતાં સાડીનો છેડો માથે ઓઢતાં કહ્યું,“હૌ મેડમ!”

“અબે મેડમવાલીઈઈઈ....” તરાનાએ એને અંદર ખેંચી. “કિતને સાલોં બાદ મિલી ? કિધર હૈ તૂ ? ક્યા કરતી હૈ ?”

“દેખોના..” પાર્વતી જરા ફિક્કું બોલી, “યહી ચ કરતી મૈં... બાઈ કા કામ.”

તરાના જરા અટકી ગઈ. આટલાં વરસે મળેલી જૂની ડાન્સર સહેલી જો ઘરકામ કરનારી બાઈ હોય અને પોતે લક્ઝૂરિયસ ફ્લેટની માલિક બની ગઈ હોય તો બહેનપણીઓ વચ્ચે એક અંતર તો પડી જ જાય ને ?

તરાનાએ પાર્વતીના ખભે હાથ મૂક્યો, “ઔર વો તેરા આશિક કિધર હૈ ?વો, જુલ્ફી...”

પાર્વતીએ આંખો નીચી કરી લીધી. “તાહિરા, વો તો મુઝે છોડ કે દૂબઈ બાગ ગયા.”

“ઓહ...” તરાનાએ એનો ખભો થપથપાવ્યો. “મગર તેરેકો એક બચ્ચા ભી હોનેવાલા થા ના ?”

“બચ્ચી હુઈ.” પાર્વતીની આંખ ભીની થઈ. “મેરે સાથ હૈ. જમુના ઇસ્કુલ જાતીહૈ... પાંચ સાલ કી હો ગઈ ના ? બસ, ઉસી કે લિયે જી રૈલી હું મૈં...”

આટલું કહેતાં કહેતાં પાર્વતીની આંખોમાંથી આંસુ દદડી પડ્યાં. તરાનાએ એને પોતાની છાતી સરસી ચાંપી લીધી. થોડીવાર એને રડવા દીધી.

પછી પાર્વતીને ફ્રીઝમાંથી લેમન જ્યૂસનો ગ્લાસ કાઢીને આપતા તરાનાએ પૂછ્યું :

“બોલ, ફિર સે ડાન્સર બનેગી ? ડાન્સ બાર વાપસ ખૂલનેવાલે હૈં...”

“ક્યા તરાના ?” પાર્વતી ફિક્કું હસી પડી. “મૈરી બોડી તો દેખ ? કૈસે ડાન્સ કરેગી મૈં ?”

તરાના એની બાજુમાં બેઠી. ખભા પર હાથ મૂકીને તેણે પાર્વતીની આંખોમાં આંખો પરોવી એક જ સવાલ પૂછ્યો : “પાર્વતી, તેરી જમુના કો પઢાના હૈ કિ નહીં?”

પાર્વતીની આંખોમાં એ ક્ષણે નાનકડા સપનાનો એક રંગીન ઝબકારો થયો. પણ શું એ શક્ય હતું ?

(ક્રમશ:)