બાર ડાન્સર - 2 Vibhavari Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાર ડાન્સર - 2

બાર ડાન્સર

વિભાવરી વર્મા

ચેપ્ટર : 2

“ડાન્સ બાર વાપસ ખૂલનેવાલે હૈ... બોલ, ફિર સે ડાન્સર બનેગી ?”

તરાનાના સવાલથી પાર્વતી વિચારમાં પડી ગઈ. માત્ર આઠ જ વરસ પહેલાં બન્ને સહેલીઓ શેટ્ટીના ‘દિવાના બાર’માં સાથે ડાન્સ કરતી હતી. પણ આજે ?

આજે તરાના એક લક્ઝૂરિયસ ફ્લેટની માલિકણ હતી અને પાર્વતી ઘેર ઘેર કચરાં-પોતાં કરી ખાતી બાઈ... પાર્વતીનું શરીર વધી ગયું હતું. ઘૂંટણમાં સતત દુઃખાવો થતો હતો. જુલ્ફી નામનો એનો એક આશિક હતો તે એને પરણ્યો તો ખરો, પણ એને એકલી મૂકીને દૂબઈ જતો રહ્યો હતો. પાર્વતીના નસીબમાં ગરીબી હતી. હાડમારી હતી અને પાંચ વરસની જમુના નામની એક માંયકાંગલી પાતળી સરખી દીકરી હતી.

“ડાન્સ ?” પાર્વતી તરાના સામે જોઈને ફિક્કું હસી. “મેરી બોડી તો દેખ ? કૈસે ડાન્સ કરેગી મૈં ?”

તરાનાએ પાર્વતીના ખભે હાથ મૂકી તેની આંખોમાં આંખો પરોવીને સવાલ કર્યો, “પાર્વતી, તેરી જમુના કો પઢાના હૈ કિ નહીં ?”

પાર્વતીની આંખોમાં એ ક્ષણે નાનકડા સપનાનો રંગીન ઝબકારો થયો. જમુના ભણીગણીને ગ્રેજ્યુએટ બને... નોકરી કરે... મોટી અફસર બને...

“મગર સાલા, યે કઈસે હોએંગા ? તાહિરા, મેરી સાલી, બેડ લક એકદમ ખરાબ હૈ...”

તરાનાનું અસલી નામ તાહિરા હતું.

“બેડ લક ?” તાહિરાનો અવાજ ભીનો થઈ ગયો. “પાર્વતી, મૈં કોન્સા ગુડ લક લેકર મુંબઈ આયી થી ? મેરા ગુડ લક તો તૂ થી પારો...”

પાર્વતીને આજથી દસેક વરસ પહેલાંની એ રાત યાદ આવી ગઈ.

રાત્રે દોઢેક વાગે શેટ્ટીનો ‘દિવાના બાર’ બંધ થયા પછી અંધેરીની એક સૂમસામ ગલીમાં ચાલતી એ ઘરે પાછી જઈ રહી હતી. પાર્વતીનું ઘર શું, એક નાનકડી ભાડૂતી ખોલી હતી. એમાં ત્રણ છોકરીઓ સાથે રહેતી હતી. ત્રણ અલગ અલગ ડાન્સ બારમાં ડાન્સ કરીને ગુજરાન ચલાવતી હતી.

ગલીના એક વળાંક પર પાર્વતીને અચાનક એક ચીસ સંભળાઈ “બચાઓ...!”

પાછળ ફરીને જુએ છે તો એક માસૂમ કળી જેવી પંજાબી ડ્રેસ પહેરેલી છોકરીની પાછળ બે માણસો દોડી રહ્યા હતા. પેલી છોકરી આવીને તરત જ પાર્વતીને વળગી પડી. “બચા લો ! મુઝે બચા લો ! વરના યે લોગ મુઝે...”

પેલી છોકરી આગળ કંઈ કહે એ પહેલાં કાળાં ટી-શર્ટ પહેરેલા પેલા બે જણા નજીક પહોંચી ગયા હતા. એકે ચાકુ ઉગામ્યું. “એ સાલી, હટ જા ! યે હમારા માલ હૈ !”

“માલ ?” પાર્વતીની ખોપડી છટકી, “સાલે ભડવે ! માલ કિસ કો બોલતા હૈ ?”

“યે તેરી ગોદ મેં જો છૂપ રૈલી હૈ ના ? વો ! છોડ ઉસ કો, વરના...”

“વરના ક્યા ?” પાર્વતીએ પેલી છોકરીને પોતાની પાછળ ખસેડતાં બે હાથ કમર પર મૂકીને ડોળા કાઢ્યા. “વરના ક્યા કરેગા તૂ ?”

પેલાએ જબાનથી જવાબ આપવાને બદલે સીધું ચાકુ ઉગામીને પાર્વતી પર વાર કર્યો. પણ પાર્વતી તૈયાર હતી. જોરથી ચાકુને પોતાની મુઠ્ઠીમાં પકડીને ખેંચી લીધું. મુઠ્ઠીમાંથી લોહીની ધાર વછૂટી ગઈ... છતાં પાર્વતીએ દાંત કચકચાવી ચાકુ એના હાથમાંથી છોડાવી એના જ પેટ પર ચલાવી દીધું !

પેલાના પેટ પર આઠ ઇંચ લાંબો ચીરો પડી ગયો. અંદરથી ધડધડ વહી રહેલા લોહીને જોઈને એની આંખો ફાટી ગઈ. એ તરત ભાગ્યો. એને જોઈને એનો સાથીદર પણ ભાગી છૂટ્યો..

“અબે રૂક સાલે ભડવે...” મુઠ્ઠીમાં દદડતા લોહી સાથે પકડેલું ચાકુ લઈને પાર્વતી એમની પાછળ દોડી હતી.

એ રાતથી તાહિરા પાર્વતીની સાથે જ રહેવા લાગી હતી. તાહિરાની કહાણી અજીબ હતી. મુઝફ્ફરાબાદથી એનો પ્રેમી શકીલ શાદીનો વાયદો કરીને એને અહીં મુંબઈમાં ભગાડી લાવ્યો હતો. ચાર-પાંચ દિવસ સસ્તી હોટલમાં રંગરેલિયાં મનાવ્યા પછી શકીલે તાહિરાનો સોદો કરી નાખ્યો હતો. તાહિરાએ સોદાની વાત સાંભળી લીધી હતી એટલે એ ભાગી છૂટી. સળંગ ચાર દિવસથી તે આ અજાણ્યા શહેરમાં પોતાનો જીવ બચાવતી ભાગતી રહી હતી. જો આજે પાર્વતીએ પેલાના પેટ પર આઠ ઇંચનો ચીરો ના પાડ્યો હોત તો...

ખેર, બીજા દિવસે સવારે પાર્વતી તાહિરાને ‘દિવાના બાર’ના માલિક જગન્નાથ શેટ્ટી પાસે લઈ ગઈ હતી. “શેટ્ટી સા’બ, યે લડકી કો અપને પાસ રખ લો. વરના બેચારી બરબાદ હો જાયેંગી..”

શેટ્ટીએ એને ‘દિવાના બાર’માં ડાન્સર તરીકે રાખી લીધી હતી. પણ પાછળથી ખબર પડી કે શેટ્ટી પણ કંઈ કમ નહોતો. એ પણ પહોંચેલી ચીજ હતી. શેટ્ટીએ એક બાજુ પોલીસ કમ્પલેન કરાવી હતી, તો બીજી તરફ રેડ લાઈટ એરિયાના દલાલને દબાવી ધમકાવીને તાહિરાનો સોદો સસ્તામાં કરી લીધો હતો. ચાર વરસ સુધી તાહિરાની કમાણીમાંથી શેટ્ટી ૧૦ ટકા એકસ્ટ્રા કમિશન કાપી લેતો હતો.

“પાર્વતી, અગર તૂ ના હોતી તો સોચ. સાલી, આજ મૈં કિધર હોતી ?” તાહિરાએ કહ્યું. “મેરી જિંદગી મેં ગુડ લક તો તૂ લેકર આયી...”

પાર્વતી વિચારમાં પડી ગઈ. શું સાલી આ જિંદગી છે ? આજે તાહિર તરાના બનીને આ ફ્લેટની માલિકન બનીને બેઠી છે અને પોતે એના ઘરે કચરા-પોતાં-બર્તનનું કામ માગવા આવી છે ! શું ગુડ લક ? અને સાલું, શું બેડ લક ?

‘દિવાના બાર’માં જ્યારે પેલો જુલ્ફી એની પાછળ જાન લૂંટાવતો હતો. ત્યારે પાર્વતી પોતાના જાતને ગુડલકમાં જોતી હતી. તાહિરા એને વારંવાર કહેતી, “પાર્વતી, મરદ કી જાત કા કોઈ ભરોસા નહીં. યે સાલા જુલ્ફી નાટકબાજ હૈ. તેરે સે શાદી કરેગા ક્યા ?”

પણ જુલ્ફીએ એની સાથે બિન્દાસ મેરેજ કર્યા. જુલ્ફી મુસલમાન હતો અને પાર્વતી હિન્દુ, છતાંય મેરેજ કર્યા. એ રાતે ‘દિવાના બાર’માં બધી બાર ડાન્સરોએ ભેગી થઈને પાર્વતીને જબરદસ્ત પાર્ટીઆપી હતી. સૌ આખી રાત મુંબઈની સડકો પર નાચ્યા હતા. શેટ્ટીએ કહ્યું હતું “પાર્વતી, કભી કભી બાર મેં આતી રહના...”

ત્યારે જુલ્ફીએ શેટ્ટીનુંગળું દાબી દેવાની એક્ટિંગ કરતા કહ્યું હતું,“સાલે શેટ્ટી, અગર મૈં ને પાર્વતી કો તેરે બાર મેં દેખા તો મૈં તુઝે માર ડાલુંગા...”

પાર્વતીએ હંમેશ માટે ‘દિવાના બાર’ અને ડાન્સ બારની આખી દુનિયાને અલવિદા કરી હતી. જુલ્ફી સાથે એ માહિમના એક સસ્તા ભાડાના ફ્લેટમાં રહેવા લાગી હતી. શાદી પછી જુલ્ફીએ બારમાં જવાનું છોડી દીધું હતું પણ શરાબ છૂટતી નહોતી. કોઈ દવાની કંપનીમાં નોકરી હતી પણ કમિશન ઘટતું જતું હતું. પાર્વતીપ્રેગનન્ટ થઈને ઘરે બેઠી હતી. જ્યારે જુલ્ફીનું ભટકવાનું વધી ગયું હતું.

એક દિવસ પાર્વતીને ખબર મળ્યાકે જુલ્ફીને પોલીસે પકડી ગઈ છે. જુલ્ફીએ દવા છોડીને ડ્રગ્સનું કમિશન કમાવાનું ચાલુ કર્યું હતું ! એને ખુદને પણ ડ્રગ્સની આદત પડી હતી. પાર્વતીને જ્યારે આઠમો મહિનો જતો હતો ત્યારે જુલ્ફી જેલમાંથી અંદર-બહાર, અંદર-બહાર થયા કરતો હતો.

આખરે માહિમની સરકારી હોસ્પિટલમાં જ્યારે પાર્વતીએ જમુનાને જન્મ આપ્યો એ દિવસે તો જુલ્ફી, સાલો દેખાયો પણ નહિ ! સાત દિવસ પછી ખબર પડી કે નાલાયક ઇન્ડિયા છોડીને દૂબઈ ભાગી ગયો છે.

“સાલા, કિસ કા ગુડ લક ? કિસ કા બેડ લક ?” પાર્વતી વિચારોમાં ખોવાયેલી હતી. શાદીએ પાર્વતીને બરબાદ કરી નાંખી હતી. જ્યારે તાહિરા ? આજે તરાના મેડમ બની ગઈ છે ! એ કોને પરણી હશે ?

પાર્વતીના મનમાં ઘૂમી રહેલા સવાલોની સાથે ફ્લેટની બહાર આકાશમાં કાળાં વાદળો ઘેરાઈ રહ્યાં હતાં.

પાર્વતી તાહિરાને પૂછવા જતી હતી ત્યાં એનો મોંઘો મોબાઈલ મ્યુઝિકલ રિંગ ટોન વાગવા લાગ્યો. સ્ક્રિન પર ડિસ્પ્લે થયેલું નામ જોતાં જ તાહિરા તરાના બની ગઈ. એના ચહેરા પર જુદા જ પ્રકારનું સ્માઈલ આવી ગયું.

“હાય જાનુ... વ્હેર આર યુ ?” અવાજમાં ખોટાં રિસામણાં મિક્સ કરતાં એણે લટકો કર્યો,“કબ સે તુમ્હારેફોન કા વેઈટ કર રહી થી મૈં...”

તરાના વાત કરતાં કરતાં ઊભી થઈને બાલ્કનીમાં જતી રહી. પાર્વતી એને ઇર્ષ્યાથી જોતી રહી. કેવાં લાડ લડાવી લડાવીને વાત કરતી હતી ! ક્યારેક ‘જાનુ’ તો ક્યારે ‘મુનુઉઉ’... ક્યારેક ડિયર ડાર્લિંગ...’ તો ક્યારેક ‘મેરે શયતાન જાનવર...’ કહીને એ વારંવાર ફોનમાં કિસ કર્યા કરતી હતી. ઘડીક પ્યાર, ઘડીક તકરાર, ઘડીક ગુસ્સો, તો ઘડકી ઊભરાઈ ઊભરાઈ જતું વહાલ... સાલી તરાનાના અવાજમાં કેટલી જાતનાં અલગ અલગ તરાના સંભળાઈ રહ્યાં હતાં !

ખાસ્સી અડધી કલાક ફોન પર વાત કર્યા પછી તરાનાએ ફોન મૂક્યો. એના ચહેરા પરથી ચમક હજી ઓછી થઈ નહોતી.

“કૌન થા ?” પાર્વતીએ પૂછ્યું. “તેરા શૌહર ?”

“નહીં રે !” તરાનાએ તરત મોં બગાડ્યું. “કૌન સા શોહર ? મૈંને શાદી હી કહાં કી હૈ ? યે તો મેરા આશિક થા.”

“આશિક ?” પાર્વતીની આંખો પહોળી થઈ ગઈ.

“યે ફ્લેટ ઉસીને મુઝે દિયા હૈ.” તરાનાએ નટખટ રીતે આંખો નચાવી.“સાલે કો ઇતના ભાવ તો દેના પડેગા ના ?”

પાર્વતી ગૂંચવાઈ ગઈ, “મતલબ કિ -”

“અરે, મેરે આજકાલ ચાર આશિક હૈં,તું સમજેગી નહીં.” તરાના ઊભી થઈને કિચનમાં ગઈ. “બોલ, ચાય, કૉફી ક્યા પીએગી ?”

પાર્વતી હજી ઉલઝનમાં હતી. તરાનાએ સાલીએ શાદી નથી કરી, એના ચાર ચાર આશિક છે, એક આશિકે તો આ સાલો, તીસ-ચાલીસ લાખનો ફ્લેટ આપી દીધો છે... તો તાહિરા આખરે કરે છે શું ?

તાહિરે એની મૂંઝવણ પામી ગઈ. “પાર્વતી, હું તો તને પહેલેથી જ કહેતી હતી, મરદની જાતનો કોઈ ભરોસો નથી. પણ તું તો જુલ્ફીના પ્યારમાં પડેલી હતી ને ? જ્યારે મને શકીલની હલકટાઈનો પાકો અનુભવ હતો. એ પછી શેટ્ટીએ પણ આખરે તો મારો સોદો જ કર્યો ને ? દિવાના બારમાં જેટલા પણ મરદો આવતા એમની નજરમાં મને તો એક જ ચીજ દેખાતી હતી, હવસ.. અને શેટ્ટી એ હવસનો જ ફાયદો ઉઠાવતો હતો. હું તો આખી ગેમ શેટ્ટીના દિવના બારમાં જ શીખી ગઈ. પાર્વતી તું ભોળી હતી. તને એમ કે કસ્ટમરો ફક્ત તારો ડાન્સ જોઈને પૈસા ઉછાળે છે. અને કસ્ટમર લોગ આપણી ઉપર જે નોટો ઉછાળે છે એમાંથી આપણનેતો ખાલી ૪૦ ટકા મળે છે. ૬૦ ટકા શેટ્ટી લઈ જાય છે. સાલો, દરેક હવસખોર ઘરાક આપણને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવાની કોશિશ તો જરૂર કરતો હોય છે. બસ, એ જ ચાન્સનો મેં ફાયદો ઉઠાવ્યો.”

“મતલબ કે દિવસના ટાઈમે તું શરીરનો સોદો...?”

“શરીરનો નહિ, મૂરખ, શરીરના આકર્ષણનો સોદો !” તરાના હસી. “દરેક મરદનું દિમાગ એક જ ડિરેક્શનમાં ચાલે છે. સાલો પતિ થઈ જાય, બાપ થઈ જાય કે દાદો થઈ જાય, એની ખોપડીના એક ખૂણામાં હંમેશાં એક જ ખુજલી ચાલતી રહે છે. બસ, એ ખુજલીને જરા સરખી રીતે ભડકાવતા રહીએ તો મરદ સાલો પાગલ થઈ જાય છે ! અને પાર્વતી, હવસમાં પાગલથયેલા મરદ એની ખુજલી ખાતર કંઈ પણ આપી દેવા તૈયાર હોય છે. પાર્વતી, એક વાત સમજ, હવસ પહેલાંનો મરદ લાખ રૂપિયા લૂંટાવવા તૈયાર હશે, પણ હવસમટી ગયા પછી સાલાને એની બે બદામની પણ વેલ્યુ નથી હોતી.”

“એટલે તાહિરા, તું...” પાર્વતી માંડમાંડ બોલી. “આ હવસની રમત રમીને આટલું બધું કમાઈ ગઈ ?”

“મરદને પ્યાર નહીં, સાલાઓને પ્યારનું નાટક જોઈએ છે ?” તરાનાએ ગરમાગરમ કૉફી બે પ્યાલામાં રેડી. “એક વાર શાદી થઈ જાય પછી કઈ બીબી પ્યારનું નાટક કરે છે ? મરદ ઘરે આવે તો સત્તર જાતની કચકચ કરવા લાગે છે. સાલો બહાર ગયો હોય તો બાવીસ વખત ફોન કરીને પૂછશે, ક્યાંછો ? શું કરો છો ? ઘરે ક્યારે આવો છો ? સાલી, યે ભી કોઈ તમીઝ હૈ બાત કરને કી ? પાર્વતી, જે માણસનો હમણાં ફોન હતો ને, એ મને દિવસમાં ચાર વાર ફોન કરે છે. એ ના કરે તો હું કરું છું. ફોન પર હું સિર્ફ પ્યારની જ નહિ, સેક્સની પણ વાતો કરું છું ! સાલી, કઈ બીબી આવી વાતો કરશે ? પાર્વતી, સોદો શરીરનો નહિ, નાટકનો છે. શરીર તો હું સાલાઓને બહુ તડપાવી તડપાવીને આપુંછું !”

પાર્વતી દંગ થઈ ગઈ. તાહિરા ઉર્ફે તરાના મેડમ છેલ્લાં આઠ વરસથી આ રીતે રૂપિયા બનાવે છે ? અત્યારે જો એના ચાર આશિક છે તો અગાઉ કેટલા ફસાવ્યા હશે ? પેલી સાતમા માળવાળી ઉષા મેડમનો ધણી પણ આવી જ કોઈ તરાનાકે તારિકાનો શિકાર બની ગયો હશે ને ?

“તાહિરા, તું કહે છે ડાન્સ બાર ફરી ચાલુ થવાના છે અને તું કહે છે કે મારે પણ ફરી બાર ડાન્સર બનવું જોઈએ...” પાર્વતીએ સવાલ કર્યો. “તો શું મારે આ જ બધું કરવા માટે ડાન્સર બનવાનું છે ?”

“પાગલ હૈ તૂ... એકદમ યેડી !” તરાના હસી પડી. “થોડા હિસાબ ભી નહીં સમજતી ?”

“કૈસા હિસાબ ?”

“જરા સમજ.” તરાનાએ પાર્વતીને સોફામાં બેસાડી. “આજે તું દસ ઘરનાં કામો કરીને કેટલું કમાય છે ? એમાંથી અડધા રૂપિયા તો ભાડામાં જતા હશે. બાકીના જે બચે એમાંથી તને શું મળે ? સાલી, બે મહિને એક નવી સાડી પણ નહિ આવતી હોય. બીજી બાજુ પાર્વતી, વિચાર કર, ડાન્સ બારમાં તુ ખાલી ડાન્સ જ કરે, બીજી કોઈ જફામાં પડ્યા વિના ખાલી ડાન્સ જ કરે તો કેટલા મળે,ખબર છે ? કમ સે કમ રોજના ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા ! યાર, થોડું તો દિમાગ લગાવ ?”

પાર્વતી હવે હિસાબની ગણતરીમાં પડી ગઈ. ભણેલી હતી માત્ર સાત જ ચોપડી, એટલે હિસાબ તો પાકો ક્યાંથી હોય ? છતાં આઠ વરસ પહેલાં જે કમાણી હતી એટલી જ કમાણી આજે થાય તો પણ મહિને આરામથી બે-ત્રણ હજાર રૂપિયા બચે. પણ હવે આ દુઃખના ઘૂંટણ અને વધી ગયેલી બૉડી સાથે કયો ડાન્સ બારવાળો એને ડાન્સર બનાવશે ?

પાર્વતી તરાનાને પૂછવા જતી હતી ત્યાં ફરી એનો ફોન આવ્યો. “યસ યસ... હો જાયેગા… ઠીક હૈ.. ડન.” વગેરે કહીને તરાનાએ ફોન મૂકતાની સાથે જ પાર્વતીના બંને ખભા પકડીને આંખો નચાવી પૂછ્યું :

“બોલ પારો, ડાન્સ ટૂર પે દૂબઈ ચલેગી ?”

“દૂબઈ ?” પાર્વતીને કંઈ સમજાયું નહીં.

“કીસી કી શાદી હૈ ! બડે ધૂમધામ સે હોનેવાલી હૈ ! યહાં સે છે લડકિયા જાયેગી ! પ્લેન મેં આના, પ્લેન મેં જાના, મસ્ત હોટલ મેં રહને કા, ચાર નાઈટ ડાન્સ કરને કા... ઔર વાપસ ! બોલ, ચલેગી ?”

“મગર... મેરે સે હોએંગા ?” પાર્વતી મૂંઝાઈ ગઈ.

“ક્યું નહી હોગા ?” તરાના ઊછળી રહી હતી. “મૈં સિખાઉંગી ના ? અભી તો પંદરા દિન હૈ...”

“વો તો ઠીક હૈ, મગર પરદેસ મે... કોઈ ઐસી વૈસી બાત હો ગઈ તો ?

પાર્વતીને જે ડર હતો તેને આંખમાં વાંચીલેતાની સાથે જ તરાનાનો ચહેરો બદલાઈ ગયો. તેણે ફોન સોફામાં ફેંકતા કહ્યું, “ઐસી વૈસી બાત તો હોગી હી કૈસે ?... શાદી તો તેરે ઉસ જુલ્ફી કી હો રહી હૈ !”

એ જ ઘડીએ બહાર ગોરંભાયેલા આકાશમાં વીજળીનો જબરદસ્ત કડાકો થયો.

“જુલ્ફી ?”

“હા...” તરાનાએ કહ્યું, “અભી ભી સમજ લે, સબ મરદ એક જૈસે હોતે હૈં...”

બહાર ધોધમાર વરસાદ તૂટી પડ્યો.

(ક્રમશ:)