Baar Dancer - 3 books and stories free download online pdf in Gujarati

બાર ડાન્સર - 3

બાર ડાન્સર

વિભાવરી વર્મા

ચેપ્ટર : 3

જે ઘડીએ બહાર ગોરંભાયેલા આકાશમાં વીજળીનો જબરદસ્ત કડાકો થયો એ જ ઘડીએ પાર્વતીના દિમાગ પર જાણે વીજળી ત્રાટકી.

“હાં, જુલ્ફી !” તરાનાએ કહ્યું, “તેરા આશિક, તેરા દીવાના ઔર તેરા શૌહર જુલ્ફી ! વો દૂબઈ મેં શાદી કર રહા હૈ...”

પાર્વતીનું દિમાગ સુન્ન થઈ ગયું. સાલો, હલકટ જુલ્ફી ! હું પેલી સરકારી હોસ્પિટલમાં બચ્ચીને જનમ આપી રહી હતી ત્યારે પણ ના દેખાયો, સાત દિવસપછી મને અને મારી ઈયળ જેવી માંદલી બચ્ચીને કીધા વિના દૂબઈજતો રહ્યો. આટઆટલાં વરસ સુધી સાલા હરામખોરે એક ફોન પણ ના કર્યો... અને હવે ખબર પડે છે કે સુવ્વર શાદી કરી રહ્યોછે !

“એક બાત સમજ લે...” તરાનાએ પાર્વતીના ખભે હાથ મૂકતાં ફરી કહ્યું, “સારે મરદ એક જૈસે ચ હોતે હૈં. તેરા જુલ્ફી ભી કોઈ લયલા-મજનુવાલા મજનુ નહીં થા...”

“લેકિન તાહિરા ?” પાર્વતીનો ચહેરો દર્દ અને ગુસ્સાથી ધ્રૂજી ઊઠ્યો. “મૈં, સાલી, કર ભી ક્યાસકતી રે ?”

પાર્વતીની આંખોમાં હતાશા અને લાચારીના આંસુ તગતગી રહ્યાં હતાં. તરાનાએ હથેળી વડે પાર્વતીની આંખો લૂછી.

“તું બહોત કુછ કર સકતી હૈ.” તરાનાએ કહ્યું, “સાલે કે મુંહ પર થૂંક કર ઉસ કી દો ટાંગ કે બીચ મેં લાત માર કર, ઉસ કો ભરી મહેફિલ મેં સબ કે સામને નંગા કર સકતી હૈ ! પાર્વતી, યે હી ચ તો તેરા ચાન્સ હૈ... લાઈફ-ટાઈમ ચાન્સ...”

લાઈફ-ટાઈમ ? પાર્વતીના હોઠ કડવાશથી હસ્યા. શું સાલી આ તે કંઈ લાઈફ છે ? અને શું સાલો આ ટાઈમ ચાલી રહ્યો છે !

“બોલ પાર્વતી, ક્યા બોલતી હૈ ?”

તરાનાનો સવાલ ધોધમાર વરસતા વરસાદના ઘોંઘાટમાં ડૂબી રહ્યો હતો. દૂબઈમાં ડાન્સર તરીકે જઈને બરોબર છેલ્લી ઘડીએ તમામ લોકોની સામે જુલ્ફીના ડાચા પર કચકચાવીને એક થપ્પડ રસીદ કરવાનું ખરેખર મન થઈ રહ્યું હતું. પણ શું એ શક્ય હતું ?

“તરાના, મેરી બૉડી દેખ... મેરા ઘૂટના સાલા દરદ કરતા હૈ, મૈં નાચ નહીં સકતી.”

“મૈં સિખાયેગી ના ?”

“મગર મેરે પાસ પાસપોર્ટ ભી કિધર હૈ ?”

“તૂ એક બાર હાં બોલ, મૈં સબ કરેગી.” તરાનાની આંખોમાં ગજબની ચમક હતી. પાર્વતી હજી ડગુમગુ હતી.

“તાહિરા યાર...” પાર્વતી ભાંગી પડી.“મૈં... મેરી તકદીર મેં હી યે સબ નહીં હૈ...”

“તકદીર ?” તરાનાએ તરત જ પાર્વતીની હથેળી પોતાના હાથમાં લીધી. “આ જો... આ શું છે ? તારી હથેળીમાં તકદીરની જે લકીરો છે ને ? એમાં સાલી આ એક વધારાની લકીર પણ છે! એ લકીર પાર્વતી, મારા તકદીરની છે !”

પાર્વતીની હથેળીમાં જે ચાકુના ઘા વડે એક ઘા પડી ગયો હતો. એ બતાડતાં તરાના બોલી :“એ રાતે પેલા ભડવાની ચુંગાલમાંથી મને બચાવવા માટે તેં એનું ઉગામેલું ચાકુ તારી આ જ હથેળીમાં પકડી લીધું હતું ! યાદ છે ને ? બસ એ, રાતથી મારી તકદીરે પલટો માર્યો... એટલે પાર્વતી, એટલું સમજી લે કે તારી હથેળીમાં મારી પણ એક લકીર છે. અને એ લકીરનો મારો પણ એક હક છે..”

“પણ તાહિરા, પંદર દિવસમાં આ બધું શી રીતે થશે ?”

“મૈં હું ના ?” તાહિરાએ પાર્વતીનો ચહેરો પોતાની બંને હથેળીમાં પકડી લીધો. “બસ એક વાર તું હા બોલ...”

પાર્વતી તાહિરાને જોતી જ રહી ગઈ. એક સાથે એક ડઝન મરદોને પોતાની પાંચેય આંગળી પર રમાડતી આ ઔરત શું ચાહતી હતી ?મુઝફ્ફરાબાદથી શાદીની લાલચ આપીને એને મુંબઈમાં લાવી ભડવાઓના હાથે વેચી મારનાર શકીલ સામેનો આ તાહિરાનો બદલો હતો ? કે પછી એમને મરદોનો અસલી ચહેરો બતાડીને પોતે જ દુનિયામાં જીવી રહી છે એ દુનિયામાં મને લઈ જવા માગે છે ?

“તાહિરા, મૈં સોચ કે બતાયેગી, શામ કો...”

વિચારોમાં ઘૂમરી લેતા દિમાગ સાથે પાર્વતી જ્યારે તરાનાના ‘બી’ બ્લોકની લિફ્ટમાંથી ઊતરીને ગ્રાઉન્ડ ફ્લોરપર આવી ત્યારે ધોધમાર વરસતા વરસાદી વાદળાંઓ વારંવાર ધડબડાટી બોલાવી રહ્યાંહતાં.

***

હજી તો જમુનાને સ્કુલે લેવા જવાનું હતું.

એપાર્ટમેન્ટના સિક્યોરિટી ગાર્ડની કેબિનમાં મૂકેલી છત્રી કાઢીને પાર્વતીએ વરસતા વરસાદમાં ખોલી. છત્રીના કાણામાંથી પાણી ટપકી રહ્યું હતું. આખા રસ્તે ધોધમાર વરસાદને કારણે ખળખળ અવાજ કરતાં પાણી વહી રહ્યાં હતાં. પાર્વતીએ સાડીનો મરાઠી સ્ટાઈલમાં કછોટો માર્યો, ચંપલ છત્રીના દંડા પર લટકાવી અને સ્કૂલની વાટ પકડી.

મ્યુનિસિપાલિટી સ્કૂલે પહોંચી ત્યારે આખા ગ્રાઉન્ડમાં પાણી જ પાણી હતું. સ્કૂલમાં સન્નાટો હતો.બધા ક્લાસનાં બારીબારણાં બંધ હતાં. ઑફિસ રૂમના ઓટલા પર બે-ત્રણ જણા જોડે ચરસની ચિલમ મારતો ચોકીદાર બેઠો હતો. પાર્વતીની જોતાં એણે નજરથી જ સવાલ ફેંક્યો.

પાર્વતીએ કહ્યું : “મેરી બેટી જમુના..”

“પતા નહીં... બચ્ચે તો કબ કે છૂટ ગયે...” ચોકીદારે ચિલમનો કશ લઈ વરસાદી ભેજમાં ઘેરો ધુમાડો છોડ્યો.

જમુના ઘરે ગઈ હશે એમ માનીને પાર્વતીએ પોતાની બસ્તી તરફ પગ ઉપાડ્યા. વરસાદનું તાંડવ વધતું જતું હતું. અત્યાર સુધી તો પાર્વતી પાકી સડક પર ચાલતી હતી,પણ બસ્તીનો વિસ્તાર આવતાં જ સડકના હાલ બેહાલ હતા. સડકમાં ખાડા તો છોડો, સડક જ સાલી ક્યાં દેખાતી હતી ?

બંને બાજુ ઝૂંપડાંઓ અને કાચાં મકાનોની હાર અને વચ્ચેધડધડ ધસી રહેલું મેલું મટોડિયું વરસાદનું પાણી... ફાટેલી છત્રીમાંથી ટપકતાં પાણીમાં પાર્વતીનું ઉપલું શરીર લગભગ આખું ભીંજાઈ ગયું હતું. નીચેનો ભાગ વરસાદની જોરદાર વાછટોથી પલળી ચૂક્યો હતો. ગલીમાં ઘૂંટણથી ઊંચા પાણી હતાં.

પાર્વતી માંડ માંડ એની ખોલી સુધી પહોંચી. ખોલીનો લાકડાનો દરવાજો દોઢ ફૂટ પાણીમાં ડૂબેલો હતો. પાર્વતીએ ગલીમાં દૂર દૂર સુધી નજર કરી. જમુના ક્યાંય દેખાતી નહોતી. ક્યાં હશે એ માંદલી છોકરી ? બે મહિના પહેલાંજ એ છોકરી વરસાદને કારણે ન્યુમોનિયાની પથારી પકડીને રૂ.૫૦૦૦નો ખર્ચો કરાવી ચૂકી હતી. સાલી, આજે ફરી પલળી હશે, ફરી ન્યુમોનિયા થશે, ફરી બીજા રૂ. ૫૦૦૦ની વાટ લાગશે...

ગુસ્સાથી ધૂંધવાતા દિમાગ સાથે પાર્વતીએ એની ખોલીના દરવાજાનું સસ્તું તાળું ખોલ્યું. દરવાજો ખૂલતા જ અંદરનો જે સીને દેખાયો એ જોઈને પાર્વતી ડઘાઈ ગઈ. ઘરનું તમામ રાચરચીલું વરસાદનાં પાણીમાં પલળી ચૂક્યું હતું. સત્તર ઠેકાણેથી છાપરું ટપકતું હતું. રસોઈના વાસણ એક બાજુ પાણીમાં તરી રહ્યાં હતાં તો બીજી બાજુ જમુનાની નિશાળની ચોપડીઓનાં પાનાં...

હે ભગવાન ! આ છોકરી છે ક્યાં ?

દરવાજો ખોલીને તે બહાર નીકળે છે ત્યાં સામે રહેતા ઈસ્માઈલચાચા દેખાયા. ધોધમાર વરસતા વરસાદમાં ઈસ્માઈલચાચા એમના બંને હાથોમાં જમુનાને ઉપાડીને ઊભા હતા. માંદલી, જમુનાને માથે ને પગે પાટાપિંડી હતી.

“હાય હાય ! શું થયું, જમુનાને ?” પાર્વતીને ધ્રાસ્કો પડ્યો.

“ઇસ્કુલ વહેલાં છોડી મૂકી હતી...” ઈસ્માઈલચાચા બોલ્યા. “બારિશથી બચવા તારી બેટી ઝડપથી રસ્તો ક્રૉસ કરવા ગઈ ત્યાં એક બાઈકવાળાએ ટક્કર મારી દીધી...”

પાર્વતીને ઊભાં ઊભાં જ તમ્મર આવવાં લાગ્યા.

“એ હરામી તો ભાગી ગયો, પણ કોઈએ જમુનાને સડક પરથી બેઠીયે ના કરી. આ તો હું એ બાજુથી જ પાછો આવી રહ્યો હતો ત્યાં...”

પાર્વતીએ જમુનાને પોતાના હાથમાં ઉઠાવી લીધી. જમુના બિચારી ડર, ગભરાટ અને વરસાદની ઠંડીથી ધ્રૂજવા લાગી હતી. “જમુના, તેરે કુ ક્યા હો ગયા ?”

“માથામાં ખાસ ઈજા નથી, પણ પગમાં ફ્રેકચર થઈ ગયું છે.” ઈસ્માઈલચાચા બોલ્યા. “હાડવૈદ પાસે પાટો બંધાવ્યો છે પણ હોસ્પિટલમાં જઈને પ્લાસ્ટર કરાવવું પડશે... પાટાના પૈસા મેં આપી દીધા છે.”

પાટાના પૈસા તો ઈસ્માઈલચાચાએ આપ્યા, પણ હવે આ હૉસ્પિટલના ખર્ચાનું શું ? જમુનાની બત્રીસીતો અત્યારથી કકડવા લાગી હતી. બિચારી માયકાંગલી દીકરી... એક તો હતી જ ખેંખલી જેવી, એમા આ ટાંગ તોડીને આવી.

દરવાજો હડસેલીને પાર્વતી એની ખોલીમાં આવીને પૂતળાની જેમ ઊભી હતી. એના બે હાથમાં ભીંજાયેલા હાડપિંજર જેવી જમુના લબડી રહી હતી અને એના બે પગની આજુબાજુ ઘરનાં થાળીવાડકા ગોળગોળ ફરી રહ્યા હતાં.

બસ, એ ક્ષણે પાર્વતીની કમાન છટકી.

“સ્સાલાઆઆઆ..... હરામખોર... જુલ્ફીઈઈઈ...” એના ગળામાંથી ચીસ નીકળી ગઈ.

પણ આકાશમાં ચારેકોર ફરી વળેલાં કાળાં વાદળોમાં જે ભયંકર ધડબડાટી થઈ રહી હતી એમાં પાર્વતીની ચીસ પાડોશીઓને પણ સંભળાઈ નહીં.

***

ધોધમાર વરસાદ આખી બપોર વરસતો રહ્યો. જમુનાની હાલત પહેલાં કરતાં ખરાબ થઈ ગઈ હતી. ફ્રેકચરવાળા પગને માંડ માંડ ટિપાઈના ટેકે ગોઠવીને તેને પ્લાસ્ટિકની ખુરશીમાં બેસાડી હતી. એના શરીરની ધ્રુજારી વધી રહી હતી. દાંત વધુ ને વધુ કકડી રહ્યાં હતા.

પતરાની પેટીમાંથી મહામુસીબતે જમુનાનાં કપડાંની એકાદ કોરી જોડી શોધી કાઢીને પાર્વતીએ એને જેમતેમ કરીને પહેરાવી હતી. ખોલીનું પાણી દોઢ ફૂટથી વધીને બે ફૂટે પહોંચી ગયું હતું. જમુનાની આંખો ચકળવકળ થવા લાગી હતી.

પાર્વતીને ડર લાગી રહ્યો હતો કે આ માયકાંગલી ક્યાંક બેહોશ ના થઈ જાય. પણ આવા વરસાદમાં એને લઈને જવું ક્યાં ? સાંજના પાંચેક વાગે ગલીના નાકે એક બિહારી ડૉક્ટર આવતો હતો.

ચારેક વાગે વરસાદનું જોર ઓછું થયું, છતાં ઝરમર તો ચાલુજ હતી. અડધા કલાક પછી સાવ બંધ થયો ત્યારે પાર્વતી ખોલીનો દરવાજો ઉઘાડી બહાર નીકળી. આખી ગલીમાં ગંદુ પાણી ફેલાયેલું હતું. અડોશપડોશના લોકો બચેલી ઘરવખરીને માથે ઉપાડી બીજે ક્યાંકજતા રહેવાનો વહીવટ કરી રહ્યા હતા. ઈસ્માઈલચાચાના દરવાજે તાળું લટકતું હતું. બાજુવાળો મોહન અને એનો પડોસી રામલખન પણ આખા કુટુંબ સાથે ક્યાંક જતા રહ્યા હતા.

ગલીમાં કંઈક વિચિત્ર પ્રકારનો સન્નાટો હતો. પાર્વતીના પગમાં હજી ડહોળું પાણી વગર અવાજે ઘૂઘવી રહ્યું હતું.

“હવે તો બિહારી ડૉક્ટરે દવાખાનું ખોલ્યું હશે.” પાર્વતીએ જમુનાને દવાખાને લઈ જવાનું વિચાર્યું. પણ લઈ શી રીતે જવી ? એની એક ટાંગ તો નકામી થઈ ચૂકી હતી.

ઉપાય એક જ હતો. પાર્વતીએ જમુનાને પોતાના ખબે બેસાડી.

ડૉક્ટરને ત્યાં પહોંચતાં પહોંચતાં પાર્વતી થાકીને લોથ જેવી થઈ ગઈ. એક તો રસ્તામાં પાણી, ઉપરથી ક્યાં ખાડો કે ક્યાં ગટર એની ખબર ના પડે. અને ત્રીજું, ખભા પર બેસાડેલી જમુના અચાનક ગમે ત્યારે બેલેન્સ ગુમાવીને લબડી પડતી હતી.

બિહારી ડૉક્ટરે એને સૂવડાવીને એક ભલતું-સલતું ઈન્જેક્શન આપ્યું. ડબલાંઓમાંથી કાઢીને ચાર જુદા-જુદા રંગની બાર ગોળીઓનાં પડીકાં પાર્વતીના હાથમાં પકડાવીને બિહારી બોલ્યો : “દોઢસો રૂપિયા.”

પાર્વતીએ સાડીની ગાંઠ છોડીને પ્લાસ્ટીકની કોથળીમાંથી પૈસા આપ્યા.

“કલ સુબહ આ કર દિખા જાના.” બિહારી પૈસા લેતાં બોલ્યો.

“દાગતર બાબુ, એક બિનતી હૈ.” પાર્વતીએ હાથ જોડ્યા. “સુબહ તક મેરી બેટી કો દવાખાના મેં રખોગે ? મેરી ઝોંપડી મેં વો સોએગી કીધર ?”

“અરે નહીં નહીં... ઈ કા ધરમસાલા સમજા હૈ ?” બિહારી બગડ્યો. “અગર તોહાર છોરી કો રખેંગે તો સુસરા પુરા મહોલ્લા હમરે દવાખાને મેં ઘૂસ જાવેગા.”

હવે ઉપાય એક જ હતો. તરાના.

દવાખાનાની બેન્ચ પર જમુનાને બેસાડી પાર્વતી કછોટો મારીને નીકળી પડી. શું સાલા, નસીબના ખેલ છે ? આટલા વરસે એક જિગરજાન બહેનપણી પાછી મળી અને એ પણ એની પાસે કામવાળીની નોકરી માગવાને બહાને ! અને હવે ? હજી નોકરી પાકી થાય એ પહેલાં તો એની દીકરીને તરાનાને ઘેર સૂવડાવવી પડશે.

પાર્વતી તકદીરના બેડ લકની આ સાલી, વિચિત્ર રમત પર વિચાર કરતી એપાર્ટમેન્ટ પર પહોંચી ત્યારે એના બેડ લકમાં બીજો વળાંક આવ્યો. હજી એ ગેટમાં દાખલ થાય છે ત્યાં જ તરાનાને તેણે એક મોંઘી કારમાંથી એક સૂટેડબૂટેડ માણસની અડોઅડ બેસીને બહાર જતી જોઈ !

પાર્વતીની નજર કાર પર નહીં, તરાના પર હતી. અને તરાનાની નજર ? પેલા મરદની છાતીમાં પરોવાયેલી હતી. મરદોને પટાવવામાં ઉસ્તાદ તરાના અત્યારે એવી સેક્સી રીતે પેલાના પડખામાં ઘૂસીને બેઠી હતી કે પાર્વતી સમજી ગઈ...

હા, પાર્વતી સમજી ગઈ, કે આ વરસાદી મોસમમાં પેલા કરોડપતિ મરદની હવસ એવી ફૂંફાડા મારીને બેઠી થઈ ગઈ હશે કે આજે રાત્રે તો એ તરાનાને... છેક સવાર લગી...

કાર ગેટની બહાર જતી રહી. હવે શું ? પાર્વતી પાસે તરાનાનો ફોન નંબર પણ નહોતો.

એપાર્ટમેન્ટમાં વારાફરતી બધાના ઘરમાં જે કંઈ કામો હતાં તે પતાવીને પાર્વતી પાછી બસ્તીમાં પહોંચી ત્યારે રાતના દસ વાગી ચૂક્યા હતા. બિચારી જમુના દવાખાનાની બહારના ઓટલે લાકડાની બેન્ચ ઉપર હજી સુધી બેસી રહી હતી. હા, એનો તાવ ઉતરી ગયો હતો.

પાર્વતીએ જમુનાને ખભે ઉપાડી. ઘરે જઈને રાંધવા માટે ચૂલો પણ સળગે એવી હાલત ક્યાં હતી ? બસ્તીની એક ચાલુ હોટલ પરથી પાર્વતીએ વડાપાંવ બંધાવ્યા.

પણ છેક ઘરે આવ્યા પછી પાર્વતીના મગજમાં જે સવાલ ઊઠ્યો એનો એની પાસે કોઈ જવાબ નહોતો. સવાલ એ હતો કે રાતના સૂવું ક્યાં ? ઘરમાં પાણી હજી ઊતર્યાં નહોતાં.

- આખરે પાર્વતીએ પ્લાસ્ટિકની ખુરશીમાં બેસીને જમુનાને ખોળામાં સૂવડાવીને આજની આ ગોઝારી કમનસીબ રાત ગુજરવાનો નિર્ણય કર્યો.

***

પાર્વતી આખી રાત જાગતી રહી.

આખી બસ્તીમાં વરસાદને કારણે વધારે પડતી ઠંડક હતી, પણ પાર્વતીના દિમાગમાં હવે આગ જલી રહી હતી. સાલી, આ હાલત માટે જવાબદાર કોણ ? નથી કમાઈનાં ઠેકાણાં, નથી બચ્ચીની પઢાઈનાં ઠેકાણાં, નથી એના ઈલાજના ઠેકાણાં કે નથી પોતાના શરીરના ઠેકાણાં..

સણકા મારતા ઘૂંટણ સાથે આજનો દિવસ તો જેમ તેમ કરીને કાઢ્યો, પણ આ સાલી, જિંદગી શી રીતે જશે ?

આખી રાત આ ગુસ્સાની આગમાં સળગતી પાર્વતીને એક જ માણસનો ચહેરો દેખાતો રહ્યો. જુલ્ફીનો ચહેરો..

તરાના સાચું જ કહેતી હતી, “સાલે, હર મરદ એક જૈસે હી હોતે હૈ...” આજે પાર્વતીએ જુલ્ફીને જેટલો ધિક્કાર્યો એટલો તો એ દિવસે પણ નહોતો ધિક્કાર્યો, જ્યારે એ સાત દિવસની જમુનાને મૂકીને દૂબઈ ભાગી ગયો હતો.

“બસ, અભી બહોત હો ગયા જુલ્ફી...” પાર્વતીએ છેક પરોઢિયે નિરધાર કરી લીધો. “મૈં દૂબઈ આ રૈલી હું... તેરે સે જવાબ માંગને !”

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો