Baar Dancer - 4 books and stories free download online pdf in Gujarati

બાર ડાન્સર - 4

બાર ડાન્સર

વિભાવરી વર્મા

ચેપ્ટર : 4

સવાર ધૂંધળી હતી. બસ્તીમાં પાણી ઓસર્યા હતાં પણ જેટલાં હતાં એ જાણે લાંબી સોડ તાણીને ગલીમાં એદીની જેમ પડ્યા હતા.

પાર્વતી એની સાંઠિકડા જેવી દીકરી જમુનાને ઉપાડીને નજીકની સરકારી હૉસ્પિટલે લઈ ગઈ. અહીં પણ ચારે બાજુ સુસ્તી હતી.

“યે ઇમરજન્સી કેસ થોડી હૈ ? ઓપીડી નૌ બજે ખૂલેગા, તબ તક રૂકના પડેગા.” કાઉન્ટર પર આળસ મરડીને બગાસું ખાતા કોઈ મૂચ્છડે એની સામું પણ જોયા વિના જવાબ આપ્યો.

રાહ જોયા વિના છૂટકો પણ ક્યાંહતો ? સાલી, એપાર્ટમેન્ટની શેઠાણીઓ ભલે ચિલ્લાયા કરતી. આજે જમુનાની ટાંગનો હિસાબ પતાવીને જ જવું છે. તરાના બી સાલી. એના આશિક જોડે રાત વિતાવીને હજી બિસ્તરમાં સુસ્તાતી હશે. વાપસ ફ્લેટ પર આવશે બી ખરી કે નહીં. ઉજાગરાથી થાકેલું પાર્વતીનુંદિમાગ હવે વિચારવા પણ માગતું નહોતું.

ઓપીડીવાળા દાક્તરલોગ નવને બદલે પોણા દસે આવ્યા. પાર્વતીનું નામ પહેલું હતું. છતાં કોઈ સાલી, શીફોન સાડીવાળી ઘૂસી ગઈ. દસ મિનિટે નીકળી. એ પછી દાકતરે ઉપર ઉપરથી જોઈને કાગળિયામાં કંઈ લખી દીધું. બે જ શબ્દ બોલ્યો : “એક્સ-રે કરાવો.”

એક્સ-રે ડિપાર્ટમેન્ટ હૉસ્પિટલના બિલ્ડિંગના બીજા છેડે હોય. સાલી બચ્ચી કંઈ લંગડી રમતી રમતી ત્યાં લગી જશે ? કોઈએ કીધું, “વ્હીલચેર લે લો.” સાલા જડસુ સ્ટાફ પાસે વ્હીલચેર કઢાવતાં અડધી કલાક થાય. વ્હીલચેર મળે પછી એક્સ-રે ડિપાર્ટમેન્ટમાં જવાનું, ફારમ ભરાવવાનું, પૈસા ભરવાના, રસીદ બતાડીને ફાઈલ હાથમાં લઈને લાઈનમાં બેસી રહેવાનું. સાલો, દોઢ ઘંટા પછી નંબર આવે. એક્સ-રેનો ફોટો પાડે, પછી પૂછો કે “ભાઈ, યે ફોટુ કબ મિલેગા ?” તો સાલાએ ભિખારીને હડે હડે કરતા હોય એમ જવાબ આપે.“એય, તેરે બાપ કા ઇસ્પિતાલ હૈ ક્યા ?જાઓ, એક ઘંટા બાદ આને કા ઓર રસીદ લાને કા, સમજી ?”

સાલો, એકને બદલે સવા ઘંટા પછી ખાખી કવરમાં મૂકેલી જમુનાની ટાંગની કાલી તસવીર જોવા મળે. જોડે ઇંગ્લિશમાં લખેલું કોઈ કાગળિયું હોય. એ લઈને પાછા ઓપીડી જવાનું. જઈનેજુઓ તો દાક્તરની કેબિન ખાલી !

“હાઈલા ! ચલે ગયે ?” પાર્વતીને ફાળ પડી.

“અબે, નહીં ચાચી ! ચાય પીને બેઠે હૈ... તુ ભી ચુસ્કી માર કે આ જા...”

અડધી કલાકે દાકતર પધારે... સાલી, ઢાઈ ઘંટાની પથારી ફિરાયા પછી જે ટાંગની તસવીર નિકલી એની સામું તો સાલો, પાંચ સેકન્ડ બી નથી જોતો.

“પ્લાસ્ટર લગેગા. ઓર્થોપેડિક મેં ચલી જાઓ.”

“મગર સાબ, બચ્ચીને રાતભર બુખાર હતો. આંખો બારબાર ચડી જતી હતી. એનું...”

“ઓ, હા...” અગાઉ જે તપાસ કરવાનું સાવ ભૂલાઈ ગયેલું એ તપાસ ડૉક્ટર હવે કરે છે ! જમુનાના પિંજર જેવા શરીર પર બે-ચાર ઠેકાણે સ્ટેથોસ્કોપ મૂકે છે. આંખોના ડોળા તપાસે છે, નાડી જુએ છે અને હા, સાવરણીના ઠૂંઠા જેવા હાથ પર જાડો કાળો પટ્ટો ચડાઈને, હવા ભરીને, પ્રેશર ચેક કરે છે. પાર્વતીને મનમાં વિચાર આવે છે. “ક્યા ચેક કર રૈલે હો સાબ, બેડ લક મેં હી પંચર હૈ તો બૉડી મેં પ્રેશરકિધર સે હોએગા ?”

પ્રેશર મશીનની લીટો ઉપર-નીચે થતો જોઈને જમુનાની સુક્કી આંખોમાં જરા નવાઈની ચમક આવે છે. પણ એ હજી થોડી ટકે એ પહેલાં દાકતર ફટાફટ પટ્ટો ખોલી નાંખે છે. ફાઈલમાં આડાતેડા લીટા ટાઈપનું કંઈ લખે છે.

“જનરલ વોર્ડ મેં ભરતી કરા દો. એક દો દિન દેખના પડેગા.” ફાઈલ બંધ કરતા દાક્તર પાર્વતી સામે પહેલીવાર જુએ છે. “પૈસા વૈસા હૈ ના ? કિ વો મરદ લાયેગા ?”

શેનો મરદ ? કેવો મરદ ? પાર્વતીને બે ઘડી માટે વિચાર આવી ગયો. સવારના દસ વાગ્યાથી હું આ જુવાન દાકતરની સામે છું. સાલાએ બપોરે બાર વાગે પહેલીવાર અને એ બી એક જ સેકન્ડ માટે મારી સામે નજર નાંખી. કેમ ? કારણ કે સાલી, હું બાર ડાન્સરના ડ્રેસમાં નથી. કારણ કે મેં મારી બૉડી અને મેલી-ઢીલી સાડીમાં લપેટીને રાખી છે. કારણ કે મારી નજરમાં હવસ નહિ, લાચારી છે.

સરકારી હૉસ્પિટલમાં જમુનાને ભરતી કરાવીને પાર્વતી જ્યારે એપાર્ટમેન્ટના ઝાંપે પહોંચી ત્યારે એક વાગી રહ્યો હતો. સાતમા માળવાળી ઉષા મેડમ જતાંની સાથે ચિલ્લાશે. “પાર્વતી ક્યાં હતી સવારની? કેટલી વાર તને કહ્યું કે...”

પાર્વતીનો ઘૂંટણ પણ આજે દર્દ ભૂલી ગયો હતો.

***

“અરે, ઇતના સબ હો ગયા ? મેરે કો ફોન કરના ચાહિયે ના ?”

તરાનાના ફ્લેટ પર બપોરે છેક અઢી વાગે પહોંચેલી પાર્વતીએ આખી કહાણી સંભળાવી ત્યારે તરાના બોલી ઊઠી.

“કિધર કરતી મેં ?” પારવ્તી જરા હસી. “નંબર તો હોના ચાહિયે ના ?”

તરાનાએ તરત જ પાર્વતીનો જૂનો સેકન્ડ હેન્ડ મોબાઈલ લઈને એના પોતાનો નંબર ‘તાહિરા-તરાના’ના નામે એન્ટર કરી દીધો.

“અબ સૂન. તેરી જમુના કલ સે મેરે ઘર મેં ચ રહેગી. ઔર તૂ ભી...”

પાર્વતી તાહિરાને જોતી જ રહી ગઈ. આઠ વરસ પછી મળેલી હાઈ-ફાઈ બની ગયેલી સહેલી શું ખરેખર એક કામવાળી બાઈને એની હાડપિંજર જેવી છોકરી સાથે ઘરમાં રાખશે ? તરાનાનો કોઈ આશિક ફ્લેટમાં આવે તો શું સમજે ?

“એય ! સોચ ક્યા રૈલી હૈ ?” તાહિરાએ પાર્વતીને ઢંઢોળી. “દૂબઈ ચલને કા હૈ કિ નંઈ ?”

પાર્વતીએ ઊંડો શ્વાસ લીધો. કાલની આખી રાતનો ઉજાગરો બદનને તોડી ચૂક્યો હતો. રાતના ગુસ્સાની આગ ઉપર અત્યારે રાખ વળી ગઈ હતી. સાલું, કેવી રીતે થશે આ બધું ?

“તાહિરા, મેરે સે હોએંગે ક્યા ?”

“ક્યું નંઈ હોએંગા, સાલી ? વો સાલા જુલ્ફી ભી ક્યા યાદ કરેગા.. તૂ જરા રુક...”

તાહિરા ફટાફટ મોબાઈલ પર આંગળીઓ ફેરવવા લાગી. ઊભાં ઊભાં ચાર પાંચ ફોન કર્યા પછી તાહિરા આખરે સોફા પર બેઠી. “ચલ અબી સ્માઈલ દે સાલી ! તેરા પાસપોર્ટ હો ગયા સમજ.”

“પાસપોર્ટ ?”

“અબે, મેરી ચિકની ચમેલી પારો... ! અપન કો દૂબઈ જાને કા હૈ કિ નંઈ ?”

“હાં...”

દૂબઈમાં પાર્વતીનો આશિક અને પતિ જુલ્ફી બીજી શાદી કરવાનો હતો. એ જ શાદીના જલ્સાની મહેફિલોમાં નાચવા માટે તરાના અને બીજી પાંચ ડાન્સરો ચીરી નાંખે એટલા રૂપિયાનો ચાર્જ લઈને જવાની હતી. તરાનાએ હમણાં જ ફોન પર ફોન ઠોકીને પાર્વતીને એ ગ્રુપમાં સામેલ કરાવી દીધી હતી. એટલું જ નહિ, પાર્વતીના પાસપોર્ટ-વિઝાનો વહીવટ પણ ફોન પર જ પતાવી દીધો હતો.

“અબે મેરી પારો... સ્માઈલ તો કર ?” તરાના એની સામે મોંઘો સ્માર્ટ ફોન ધરીને ઊભી હતી.

“ક્યું ?”

“ક્યું ક્યા ? યે તેરા ફોટુ તેરે પાસપોર્ટ કે લિયે હૈ, સ્ટુપિડ !” તાહિરા ઉર્ફે તરાના હસતી હતી. “અબી મોબાઈલ સે મેં ફટાફટ તેરી ફોટુ ભેજતી હું, કલ-પરસોં સાલા પાસપોર્ટ ભી રેડી હોએંગા... યાર, કિતની લિન્ક તો બના કે રખ્ખી હૈ તેરી તાહિરા ને !”

પાર્વતી વિચારમાં પડી ગઈ. શું સાલી પૈસાની આખી ગેમ હોય છે ? સવારે બિચારી જમુનાને ખાલી હૉસ્પિટલમાં ભરતી કરાવવા માટે ત્રણ કલાક સુધી હડદોલા ખાધા.. અને અહીં તરાનાએ બેઠાં બેઠાં છેક દૂબઈ જવા માટેના પાસપોર્ટ, વિઝા અને એર-ટિકિટનો ખેલ ખાલી દસ મિનિટમાં પાડી દીધો !

“હો ના હો પારો...” પાર્વતી મનમાં બબડી. “યે પૈસા સાલી બહોત કામ કી ચીજ હૈ...”

“પૈસે કી ચાબી હૈ મરદ, ઔર સાલે મરદ કી ચાબી હૈ હવસ...” પાર્વતીનો બબડાટ જાણે તાહિરા સાંભળી ગઈ હોય એમ તે બોલી.

પાર્વતી હજી એમ જ બેઠી હતી.

“અરે, બૈઠ કર મેરા થોબડા ક્યા દેખ રૈલી હૈ મેરી જાન ?” તાહિરાએ પાર્વતીના બન્ને ગાલ પર ટપલીઓ મારી. “અભી તો તેરા હાઈ-ફાઈ ડાન્સ ક્લાસ મેં એડમિશન કરાને કા હૈ...”

તરાનાની આંગળીઓ એના સ્માર્ટ ફોન પર ફરવા લાગી.

***

“બૉડી સ્વિંગ્સ...”

અંગ્રેજીમાં મલ્ટીકલરમાં છપાયેલું એક ફેન્સી વિઝિટિંગ કાર્ડ પાર્વતીના હાથમાં હતું. સાત ચોપડી ભણેલી પાર્વતીને એમાં શું લખેલું છે એની સહેજ પણ ખબર નહોતી. બસ, ખબર એટલી હતી કે અંધેરીના પૉશ વિસ્તાર એરિયામાં આવેલી આ ડાન્સિંગ સ્કૂલમાં જઈને ડાન્સ માસ્ટર રોમેલોનું નામ દેવાનું હતું.

તરાનાએ એને એડમિશન ફી માટે પૂરા ૫૦ હજાર રૂપિયાની કડકડતી નોટો આપી હતી. ટેક્સી કરીને કાર્ડમાં લખેલા સરનામે પહોંચવાનું હતું. પાર્વતીને સમજાતું નહોતું કે આટલી ઝડપથી આ બધું શી રીતે થઈ ગયું.

ટેક્સી ઊભી રહી. પાર્વતીએ ભાડું ચુકવ્યું. જરા ટેન્શનને કારણે કપાળ પર ઊપસી આવેલા પરસેવાની બુંદો સાડીના છેડાથી સાફ કરી બિલ્ડિંગના પહેલા માળે જ લાંબુ, ગુલાબી બોર્ડ લાગેલું હતું. ભાડાના છુટ્ટા પૈસા પાછાં લેતાં પાર્વતીએ ટેક્સીના મિરરમાં પોતાનો ચહેરો જોઈ લીધો. કેવી લાગતી હતી પોતે?

હજી વિખરાયેલા વાળ સરખા કરે ત્યાં ટેક્સી ઉપડી ગઈ.

પૉશ બિલ્ડિંગના ફૉયરમાં દાખલ થતાં જ પાર્વતી નર્વસ થવા લાગી હતી. હાઈલા, શું જગા છે ? રોજ અહીં ડાન્સિંગની પ્રેક્ટિસ કરવા આવવાનું ! બોલે તો, સાલી જુદી જ દુનિયામાં તારી એન્ટ્રી થઈ રહી છે પારો !

પહેલા માળે દાખલ થતાં જ પાર્વતીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. આખો ફ્લોર ‘બૉડીસ્વિંગ્સ’નો હતો. કાચના પહેલા દરવાજાની આરપાર આખો ડાન્સિંગ ક્લાસનો નઝારો દેખાઈ રહ્યો હતો. અંદર રિસેપ્શન આગળ બેચાર બ્યુટીપૂલ હાઈ-ફાઈ મેડમ કંઈક ફૉર્મ-બૉર્મ ભરી રહી હતી. બાજુમાં એકદમ પિક્ચરમાં જોવામળે એવા સફેદ દૂધ જેવા પોચાપોચા સોફા હતા. એમાં બેચાર બચ્ચાં લોગ ઊછળકૂદ કરી રહ્યાં હતાં.

“હાઈલા... શું સાલી જગા છે !” અંદર દાખલ થતાં પાર્વતી મનમાં બબડી.

હજી એને સમજ પડતી નહોતી કે ક્યાં જવું ? કોને મળવું ? આમતેમ બાઘા મારતી એ પાંચ મિનિટ તો ઊભી જ રહી. પછી એને અક્કલ આવી કે પેલા કમ્પ્યૂટર વગેરે લઈને જે હેવી લિપસ્ટિકવાળી મેડમબેઠી છે એની પાસે જવાનું છે.

પાર્વતી એ કાઉન્ટર પાસે જઈને ઊભી રહી,પણ પેલી લિપ્સટીકવાળી મેડમે એની સામે જોયું પણ નહિ. પાર્વતીએ ડાન્સિંગ ક્લાસની અંદર નજર નાંખી. અહીં પણ સાલા તોતિંગ કાચના જ દરવાજા હતા. અંદર સળંગ આખી દીવાલ પર ફૂલ-ટુ સાઈઝનો ચકાચક આઇનો લાગેલો હતો. આઇનાની સામે નાનામોટા ત્રણ-ચાર ગ્રુપમાં જવાન છોકરા-છોકરી લોગ ડાન્સની પ્રેક્ટિસકરી રહ્યાં હતાં. એ ડાન્સરોએ બી શું અજીબ કપડાં પહેરેલાં હતાં ! બધાની બોડીને ચપોચપ ફિટિંગ કલરિંગ બનિયાન અને એ જ બનિયાન ટાઈપનાં મટીરિયલનાં ચપોચપ પતલુન હતાં !

“સાલી, ઈધર તો કિસી કો લાજ-શરમ નંઈ લગતી રે બાબા !” પાર્વતીને થયું, બદન પર કપડાં એવાં ચીપકેલાં હતાં કે માનો, બૉડીની એક એક ડિટેલ દેખાતી હતી. અરે, જુવાન છોકરા-છોકરીનાં બદન તો છોડો, સાલી ૪૦-૪૫ સાલની ભદી બૉડીવાળી મેડમ લોગ ભી ચપચોપ કપડાં પહેરીને ટાંગો હલાવતીહતી.

“મૈં સાલી, ઐસે કપડો મેં કૈસી દિખેંગી ?” પાર્વતીને વિચાર આવતાં જ એણે સાડી સરખી કરી.

“એય, કબ સે ઈધર ખડી ક્યા દેખ રહી હૈ ?”

અચાનક રિસેપ્શનમાં બેઠેલી હેવી લિપસ્ટીકવાળીનું ધ્યાન પાર્વતી પર ગયું. “ઔર યે તુમ્હારા સફાઈ કરને કા ટાઈમ હૈ ક્યા ?”

“સફાઈ ?” પાર્વતી ચોંકી. “મૈં સફાઈવાલી નહીં હૈ.”

“તો ક્યા હૈ ?”

“મૈં ઈધર...” પાર્વતી સાડીનો છેડો સરખો કરતી નજીક ગઈ. “મૈં ઈધર એડ્મિશન લેને કો આયેલી હૈ.”

“એડમિશન ?” લિપસ્ટીકવાળી ચોંકીને એટલા મોટેથી બોલી ઊઠી કે આજુબાજુ ઊભેલી બે હાઈ-ફાઈ મેડમોનું પણ ધ્યાન ગયું.

“હાં... દેખોના... મેં પૈસે ભી લાયેલી હૈ...” પાર્વતીએ ઝડપથી સાડીનેા છેડાની ગાંઠ ખોલીને૫૦ હજાર રૂપિયાની ઢગલી કાચની ડેસ્ક ઉપર મૂકી દીધી.

“એય ! એય !” લિપસ્ટીકવાળી ચોંકી. “કિધર સે લાયી યે પૈસે ?” એણે તરત જ બૂમ પાડી. “અરે સિક્યોરિટીઈઈ..”

પાર્વતી બઘવાઈ ગઈ. “અરે નંઈ, તુમ ગલત સમજી મેડમ. મૈં મેરે કુ તરાના મેડમજીને ભેજી... વો ક્યા.. ” પાર્વતીને પેલા ડાન્સ માસ્ટરનું નામ પણ ઝટ યાદ ન આવ્યું “વો રોમેલા સર સે મિલને કા - ”

“રોમેલો સર ઈઝ નટ ઇન ઇન્ડિયા. હિ ઈઝ અબ્રોડ.”

“ક્યા ?”

“બોલા વો સુના નહિ ક્યા ?” પેલી બગડી. “સર ઇન્ડિયા મેં નહીં હૈ..”

“હાં મગર મેરે કો -” પાર્વતીને ગળે અચાનક શોષ પડવા લાગ્યો. “તરાના મેડમને બોલા... ઔર મૈં પૈસે તો લાયી હું ના ?”

“પૈસે ?” લિપસ્ટીકવાળી ગુસ્સાથી ઊભી થઈ ગઈ. “તુમ સમજતી ક્યા હો ?”

બાજુમાં ઊભેલી પેલી બે હાઈ-ફાઈ મેડમો તો દંગ થઈ ગઈ હતી. એમાંની એક બોલી. “ઇઝ ધિસ ધ કાઈન્ડ ઓફ પિપલ હુ કમ હિયર ટુ ડાન્સ ?સો ડિસધસ્ટિંગ..”

“આઈ એમ સૉરી મે’મ...” લિપસ્ટીકવાળી એમને નમ્રતાથી જવાબ વાળતા બહાર નીકળી.“સિક્યોરિટીઈ... ? સિક્યોરિટીઈ !”

એ બે વાર બોલી ત્યાં તો પાછળથી બે યુનિફોર્મવાળા ચોકીદારોએ આવીને પાર્વતીને પકડીને બહાર ઢસડવા માંડી.

“અરે ! અરે ! રુકો...” પાર્વતીના પગ ઘસડાઈ રહ્યા હતા. “મેરે પૈસે...”

“જસ્ટ ટેઈક ધિસ બ્લડી મની, ગિવ હર.. એન્ડ થ્રો હર આઉટ..”

હેવી લિપસ્ટીકવાળી મેડમનો ઑર્ડરછૂટ્યો ત્યાં બીજો એક જણ આવીને ૫૦ હજારની નોટો પાર્વતીના હાથમાં પકડાવી ગયો. આકા ફૉયરમાં જાણે તમાશો થઈ ગયો હોય તેમ સૌની નજર આ તરફ મંડાઈ ચૂકી હતી. આઈનાની સામે થંભી ગયેલા ડાન્સરો પણ આ તરફ જોઈ રહ્યા હતા. એકબે ડાન્સ ટીચર જેવા દેખાતા માણસો ઝડપથી બહાર આવી ગયા. પાર્વતી જાણે અહીં ઘૂસી આવેલી ગલીની કોઈ ગંદી કૂતરી હોય એ રીતે એને બહાર ધકેલી દેવામાં આવી. પાર્વતીને લાગ્યું કે બસ,‘હડે... હડે...’ કહેવાનું જ બાકી રાખ્યું હતું.

બહાર સડક પર આવી ગયા પછી પાર્વતીનું દિમાગ અચાનક બહેર મારી ગયું. શું સાલી, આ દુનિયામાં મારે એન્ટ્રી લેવાની છે ? તરાનાએ પણ એને શું હિસાબે આવી હાઈ-ફાઈ જગાએ મોકલી આપી?

“એ ચાચી ! બાજુ હટ ના ?”

એક રિક્ષા અચાનક બ્રેક મારીને છેક અડોઅડ ઊભી રહી. ત્યારે પાર્વતીને ભાન થયું કે આ મેલીઘેલી સાડી, પરસેવાથી નીતરતો ચહેરો, ઠેકાણા વિનાના વાળ અને વધી ગયેલી આ બૉડીમાં એ ‘ડાન્સર પારો’ નહીં ખરેખર ‘ચાચી’ લાગી રહી હતી.

રસ્તો ક્રોસ કરીને એણે ટેક્સી રોકી. “ભૈયા, વાપસ લે લો...”

***

એપાર્ટમેન્ટથી દોઢેક કિલોમીટર પહેલા એક ક્રૉસિંગ આગળ ટ્રાફિક જામ થઈ ગયો હતો. લાગતું હતું કે આગળ કોઈ એક્સિડન્ટ થયો છે. ટેક્સી દસ મિનિટથી ધુમાડા કાઢતી ઊભી હતી.

કંટાળેલી પાર્વતીએ પૈસા કાઢ્યા. “કિતના હુઆ ? સાલી, મેં ચલ કે જલ્દી પહુંચેગી...”

ટેક્સીના પૈસા ચૂકવી પાર્વતી ચાર રસ્તા ક્રૉસ કરીને જમણી તરફ વળી. અહીંથી એપાર્ટમેન્ટ બાજુ જવાનો એક શોર્ટકટ હતો. પાર્વતી એ ગલીમાં વળી.

ગલીમાં દાખલ થતાં જ જાણે શોરબકોર ગુમ થઈ ગયો. ગલી સાંકડી હતી. આજુબાજુ ક્રિશ્ચિયન લોકોનાં મકાનો હતાં. જૂની બાંધણીના મકાનો જોતી પાર્વતી આગળ વધતી હતી ત્યાં એની એક બોર્ડ પર નજર પડી.

“લૉર્ડ શિવા ડાન્સિંગ ગેરેજ.”

અંદરથી એક જૂના ગાયનની તરજ રિમિક્સ રિધમમાં સંભળાઈ રહી હતી.

“અજીબ દાસ્તાં હૈ યે...

કહાં શુરુ કહાં ખતમ...”

પાર્વતીના પગ અહીં જ થંભી ગયા. શું એની દાસ્તાન ખતમ થઈ ચૂકી હતી ? કે પછી આ જગાએથી ફરી શરૂ થવાની હતી ?

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED