બાર ડાન્સર - 9 Vibhavari Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાર ડાન્સર - 9

બાર ડાન્સર

વિભાવરી વર્મા

ચેપ્ટર : 9

“યે સાલી લાઇફ બોત કન્ફ્યુજ કરતી હૈ...”

એપાર્ટમેન્ટનાં પગથિયાં ચડી રહેલી પાર્વતીના મગજમાં જબરદસ્ત ખટાપટી ચાલી રહી હતી. લિફ્ટ આજે પણ બગડેલી હતી. સાતમા માળવાળી ઉષા મેડમ આજે પણ દિમાગ ચાટશે. “કેમ મોડી આવી ? આ રીતે મોડા આવવું હોય તો આવવાનું જ બંધ કર.”

અગાઉ એને ઉષા મેડમના મોં પર એક તમાચો મારવાનું મન થઈ આવતું હતું. પણ આજે સાલી દિમાગની ચાકી બીજી બાજુએ ચડી ગઈ હતી. બહારથી એ કંઈ બીજી હતી અને અંદરથી તો સાવ જ બીજી બની રહી હતી.

પાર્વતી આજકાલ કપડાં વ્યવસ્થિત પહેરતી હતી. અંબોડામાં વેણી નાંખતી હતી. આંખમાં કાજલ અને હોઠ પર લિપ-ગ્લોસ લગાડતી હતી. પેલો હલકટ ચોકીદાર પહેલાં હડકાઈ કૂતરીને જેમ ‘હડે હડે’ કરીને વાત કરતો હતો. એ સાલો, આજકાલ આંખો મટકાવીને “કાય પારવતી... કુટે ચાલ્લી, કાય કરતી સ રે...” એવી રીતે વાત કરતો થઈ ગયો હતો.

તરાનાએ જ્યારથી મરદોને રમાડવાની બે-ચાર ચાવીઓ શીખવાડી હતી. ત્યારથી પાર્વતીની આખી ચાલમાં ફેર પડી ગયો હતો. પણ બીજી બાજુ સાલા મરદો પહેલાં કરતાં વધારે ખતરનાક લાગી રહ્યાહતા. ભોંદુ રીંછ જેવો શર્મા હવે પાર્વતી બેડરૂમમાં આવે કે તરત બિસ્તરમાં ડુક્કરની જેમ આળોટીને ભલતી સલતી જગાએ પોતાની ચામડી ખૂજલાઈને પાર્વતીને સ્માઇલ આપ્યા કરતો હતો. સાલાએ એક દિવસ તો પાર્વતીનો હાથ પકડી લીધો હતો !

પણ પાર્વતીએદરવાજા ભણી જોઈને “મેડમ આ રૈલી હૈ...” કહીને હાથ છોડાવી લીધો હતો. હવે શર્માનું શું કરવું ? ક્યારેક સાલો રીંછની જેમ ચોંટી પડ્યો તો ?

પેલો ઉષા મેડમનો હેન્ડસમ હસબન્ડ તો સાવ જુદી જ રીતે પાર્વતીની પાછળ પડી ગયો હતો. સાલો એપાર્ટમેન્ટની અંદર નહિ, પણ પાર્કિંગમાં ભટકાઈ જતો હતો. તબિયતની ખબર પૂછવાને બહાને સાલો ખભા પર, પીઠ પર હાથ ફેરવતો હતો. એક વાર તો પાર્વતીની દીકરી જમુના માટે ચાર નવાં ફ્રોક લઈ આવ્યો ! પછી જાણે સમાજસેવક હોય એમ બોલ્યો. “બીજું કંઈ પણ જોઈએ તો મને કહેવાનું, સમજી ?”

હવે ફ્રોક લેવાની ના થોડી પડાય છે ? પણ જો આ તરાનાના હિસાબે ‘સજ્જન’ ટાઇપનો મરદ, વધારે ને વધારે ઘૂસતો આવશે તો સાલાને દૂર કેવી રીતે કરવો ? અને પેલો મગરમચ્છ ટાઇપનો મરદ, ચૌધરી તો હવે સૌથી ખતરનાક બની રહ્યો હતો.

પહેલાં તો ચૌધરી ચૂપચાપ છાપું પકડીને એની ધાર પાછળથી પાર્વતીને એની લોલુપ નજરોથી ચૂસતો હતો. પણ હવે તો હલકટ સોફામાં પહોળો થઈને જાંઘ ખુલ્લી કરીને બેઠો હોય છે ! ચહેરા ઉપર તો હજી પણ પહેલાં જેવી જ ચૂપકીદી હોય છે. મગરમચ્છ જેવી આંખો હવે એને શિકારની નજરે જોવા લાગી હતી. આ મગરમચ્છ કઈ ઘડીએ, કેવી રીતે એના પર અચાનક ધસી આવશે એ ડરથી પાર્વતીની છાતી સતત ધડકતી રહેતી હતી.

તરાનાએ ભલે એને મરદ સામે ગેઈમ બિછાવીને શતરંજ રમવાની બે-ચાર ચાલ શીખવાડી દીધી હતી. પણ આગળની ચાલ શી રીતે ચાલવી એની પાર્વતીને હજી ખબર નહોતી.

બસ, જો કોઈ મરદ સામે નજર મિલાવવામાં જરાય ગભરામણ નહોતી થતી તો એ સિર્ફ મૉન્ટેનો સર હતા. તરાના કહેતી હતી કે એ તો સૌથી ખતરનાક ‘માસ્તર’ ટાઇપનો મરદ છે. બહારથી ચિકની-ચપૂડી ડાહી-ડાહી વાતો કરીને તને ફસાવશે અને પછી એકવાર એવી દબોચી લેસે કે તું દુનિયા સામે ફરિયાદ બી નહીં કરી શકે.

શું મૉન્ટેનો સર ખરેખર એવા નીકળશે ? પાર્વતીના દિમાગની ખટાપટી ખતમ જ નહોતી થતી.

“સાલો,આઆખી જફા મેં માથે જ શા માટે લીધી ? ફક્ત દૂબઈ જઈને જુલ્ફીના થોબડા પર એક થપ્પડ મારવા માટે ?” પાર્વતી હજી વિચારોમાં ખોવાયેલી હતી.

***

‘લૉર્ડ શિવા ડાન્સિંગ ગેરેજ’માં એક બપોરે એ ડાન્સની પ્રેક્ટિસ કરતી રહી હતી ત્યારે ગેરેજના દરવાજામાંથી ત્રણ-ચાર ફોરેનર જેવા દેખાતા લોકો દાખલ થયા. એમના આવતાની સાથે જ આખા ગેરેજમાં ઇમ્પોર્ટેડ સેન્ટની ખુશબૂ ફેલાઈ ગઈ.

પાર્વતી તો જોતી જ રહી ગઈ ! સૌથી આગળ ચાલતો મરદ તો સાલો કોઈ ફોરેન પિક્ચરના હીરો જેવો લાગતો હતો. એકદમ ગોરો ગોરો ચહેરો, સોનેરી અને બ્લેક મિક્સ ટાઇપનાં ઘૂંઘરાલા બાલ, બિલકુલ મારબલના પથ્થરમાંથી બનાવીને લગાડી હોય એવી પહોળી કડક છાતી, મસલ્સવાળા હાથ-પગ અને એકદમ સ્માર્ટ ચાલ..

“મૉન્ટેનોસર !” આવતાંની સાથે એ સૌથી પહેલાંતો મૉન્ટેનો સરને ભેટી પડ્યો. બન્ને એકબીજાને ભેટીને ખૂબ હસ્યા. પછી પેલો ફોરેનર ટાઇપનો મરદ હિન્દીમાં બોલ્યો. “સર, મુઝે ભૂલ તો નહીં ગયે ના ?”

“હાઉ કેન આઇ ફરગેટ રોમેલો !” કહીને મૉન્ટેનો સરે પેલા મરદની પીઠ થપથપાવી. પેલો તરત જ મૉન્ટેનો સર આગળ ઝૂકીને એને પગે લાગ્યો.

પાર્વતીની તો આ જોઈને આંખો પહોળી થઈ ગઈ. “હાઇલા ! યે કહીં વો ‘બૉડી સ્વિંગ્સ’વાળા રોમેલો ડાન્સ માસ્ટર તો નહીં ?”

હકીકતમાં એ રોમેલો જહતો. એની સાથે બે ગોરી ઊંચી ફોરેનર યુવતીઓ હતી. કદાચ એ બંને પણ ઇન્ડિયન જ હશે પણ પાર્વતીને તો સાલી ફોરનેર જ લાગતી હતી.

રોમેલોએ એક યુવતીના હાથમાંથી એક મોટું રંગીન કવર લઇને મૉન્ટેનો સરના હાથમાં આપ્યું. “સર, મારા આ ડાન્સ સ્ટુડિયોને પાંચ વરસ પૂરાં થઈ રહ્યાં છે. આ ઇન્વિટેશન છે... પણ તમારે ગેસ્ટ બનીને ઑડિયન્સમાં નથી આવવાનું.”

એ હસ્યો,“સર, તમારે સ્ટેજ પરથી એક સ્પેશિયલ ડાન્સ પર્ફોર્મ કરવો પડશે. જસ્ટ ફોર મિ એન્ડ માય સ્ટુડન્ટ્સ...”

મૉન્ટેના સરના ચહેરા પર પેલું રમતિયાળ સ્મિત હતું. એમણે કવર ખોલ્યું. કાર્ડ જોયું. પછી કહે છે. “રોમેલો, આઈ એમ ઓલ્ડ નાવ.”

“નો સર, નો ! પ્લીઝ...” પેલી બે યુવતીઓ બોલી ઊઠી. રોમેલોએ મૉન્ટેના સરના બે હાથ પોતાના હાથમાં લેતા કહ્યું,“સર, યુ આર માય બેસ્ટ ટીચર. મૈં આજ જો કુછ ભી હું આપ કી વજહ સે હું. સર, યુ હેવ ટુ પર્ફોર્મ...”

“નહીં રોમેલો ! અબ મૈં કોન સા ડાન્સ કરી પાઉંગા ?”

“કૌન સા ?” રોમેલો હસ્યો. “સર યાદ હૈ, વો શિવ-પાર્વતીડાન્સ ? બસ વો પર્ફોર્મ કીજિયે !”

“હાં સર... યસ સર.. યુ મસ્ટ સર.. કમ ઓન સર..” પેલી યુવતીઓ કલબલ કરવા લાગી.

મૉન્ટેનો સરે એમના પહોળા ખભા પર પથરાયેલા કાળા-ધોળા વાળ હાથ વડે ઉલાળ્યા. “નો રોમેલો...ઔર અબ, પાર્વતી ભી કહાં હૈ ?”

પાર્વતી અચાનક પોતાનું નામ સાંભળીને આગળ આવી.

“સર, મુઝે બુલાયા ?”

પેલા ત્રણે ફોરનેર ટાઇપના મહેમાનોએ પાર્વતી સામે એ રીતે જોયું કે જાણે એ કોઈ નોકરાણી હોય. પણ મૉન્ટેનો સરના ચહેરા પર પેલું રમતિયાળ સ્મિત વધારે રમતિયાળ બન્યું.એ હસી પડ્યા.

“ઠીક હૈ, હમ શિવ-પાર્વતી ડાન્સ કરેંગે...”

***

“સર મૈં ?” પાર્વતી તો મૉન્ટેનો સરની વાત સાંભળીને અચાનક નવર્સ થઈ ગઈ. “મૈં... નહીં સર, મૈં સાલી, વો હાઈ-ફાઈ ટાઇપ કી ડાન્સિંગ ઇસ્કુલ મેં પાંવ રખને સે ચ ડર જાઉંગી. મૈં... નહીં... મેરે સે નહીં હોએંગા.”

“ક્યુંનહી હોગા?” મૉન્ટેનો સરે પાર્વતીની પીઠ પર હાથ મૂક્યો. અગાઉ જે રીતે એની કરોડરજ્જુ પર આંગળી ફેરવી હતી. એ જ રીતે પોતાની જાડી મજબૂત આંગળી ફરી એ જ જગ્યાએ ફેરવતાં તે બોલ્યા,“યે ડર હૈ ના? વો ભી સ્પાઇન મેં હી હોતા હૈ... ઉસે યહાં સે નિકાલ દો. સીના અપને આપ પ્રાઇડ સે આગે આયેગા ! કૉન્ફીડન્સ અપને આપ બૉડી કો ચાર્જ કર દેગા...”

“નહીં સર, મૈં અબ ક્યા બતાઉં ?” પાર્વતી ડરતાં ગભરાતાં બોલી. “યે રોમેલો માસ્ટર કા વો જો શો-રૂમ હૈ ના... ઉધર મેં પૂરાપૈસા લે કે ગઈ થી. બોલી, મેરે કુ ઇધર એડમિશન લેને કા. મગર.. ઉન્હોંને મેરે કુ ધક્કે માર કે બાહર નિકાલ દિયા થા.”

“કિસને, રોમેલો ને ?”

“નહીં. વો તો ફોરેન મેં તે, મુઝે તો શો-રૂમ કે સ્ટાફને...”

“શો-રૂમ નહીં, સ્ટુડિયો.” મૉન્ટેનો સર જરા હસ્યા. પછી એમની આંખમાં નવી ચમક આવી. “અબ તો મેરે બેસ્ટ સ્ટુડન્ટ રોમેલો કો ભી એક ઔર લેસન સિખના પડેગા..”

“મૈં સમજી નહીં સર.”

“ડોન્ટ વરી.” મૉન્ટેનો સર ખભા પરથી વાળ ઉલાળતા ઊભા થયા. પાર્વતીની નજીક આવીને તેની આંખોમાં આંખો પરોવીને બોલ્યા,“યે જો તુમ્હારા નામ હૈ ના, પાર્વતી ! વો એકદમ સહી હૈ.”

“મતલબ?”

“મતલબ તુમ હીં યે શિવ-પાર્વતી ડાન્સ કર સકતી હો, ક્યોંકિ તુમ મેં વો કૈલાશ પર્વત કી આગ હૈ...”

મૉન્ટેનો સર શું કરવે માગતા હતા એ પાર્વતીને જરાય સમજાયું નહીં, પણ એક વાતની એને સમજ પડી ગઈ હતી કે મૉન્ટેનો સર સાથે એણે શિવ-પાર્વતીનો ડાન્સ તો કરવો જ પડશે.

***

પાર્વતી ખૂબ જ નર્વસ થઈ રહી હતી.

એકક તો મૉન્ટેનો જેવા ધુરંધર સર, કે જેના ચેલા જ સાલા, રોમેલો જેવા ધાંસુ ડાન્સર હતા, એ લોકો બી મૉન્ટેનો સરને પગે લાગતા હતા. તો એવા જાલિમ ડાન્સર સાથે ડાન્સ કરવાનો ? સાલો, આ કંઈ શેટ્ટીના ‘દિવાના બાર’નો ‘ગિલાસતોડ’ ડાન્સ થોડો હતો ?

ઉપરથી મૉન્ટેનો સરનું બૉડી... ! સાલી છ ફૂટની હાઇટ, લાંબા ખભા પર પ્રસરેલા બાલ, મોટી જાડી મૂછો, અડધી વધેલી બરછટ દાઢી અને સર જ્યારે એની જોડે ડાન્સની પ્રેક્ટિસ કરે ત્યારે ટી-શર્ટ પણ કાઢી નાંખતા હતા ! સરની સફેદ બાલોતી ભરેલી પહોળી છાતી અને કડક છતાં મોટું પેટ... પાર્વતીની છાતી ક્યારેક ડરથી ધકધક થઈ જતી હતી.

પેટ તો પાર્વતીનું પણ ક્યાં નહોતું ? બત્રીસની ઉંમરે તો હોય જ ને ? પણ મૉન્ટેનો સર કહેતા હતા,“પેટને ભૂલી જા. બૉડીમાં માત્ર સ્પાઈન છે. એને યાદ કર. હંમેશા મારી આંખોમાં આંખો પરોવીને ડાન્સ કર..”

સરની આંખોમાં આંખો પરોવી રાખવાનું તો ઔર બી મુશ્કેલ હતું. પાર્વતીને લાગતું હતું કે સરની એ જાડી ભરાવદાર ભ્રમરોનીચેથી બે ડોળાનહીં, બલ્કે બે તગતગતા હીરા ચમકી રહ્યા હતા. ક્યારેક લાગતું હતું કે મૉન્ટેનો સરની આંખોનો જ આખો જાદુ હતો કે પાર્વતીને કશું કહીને કે બોલીને શીખવાડવાની જરૂર જ નહોતી પડતી.

મૉન્ટેનો સરે એક જ સૂચના આપી હતી,“પાર્વતી, તું બસ, મારો આઇનોબની જા. મારું બૉડી જે રીતે હલનચલન કરે છે ને, એનું સેમ ટુ સેમ રિફ્લેક્શન તારી બૉડીમાં થવુંજોઈએ... મગર વો પઢપઢ કે નહીં. અપને આપ હોના ચાહિયે.”

મૉન્ટેનો સરની ડાન્સ શીખવવાની સ્ટાઇલ જસાલી અલગ હતી. એક તો કોઈ કરતાં કોઈ સ્ટેપ શીખવાડતં જ નહોતા. બસ, સ્પીકર પર મૃદંગ, ડમરું, ઢોલ, તબલાં અને ગિટારની એક અટપટી રીધમ વાગતી રહેતી હતી. એના પર મનમાં આવે એવો ડાન્સ મૉન્ટેનો સર કરતા અને પાર્વતીએ એનો આઇનો બનીને, સરની આંખોમાં આંખો પરોવીને નાચતા રહેવાનું હતું.

સળંગ ચાર દિવસ, રોજના પાંચ-પાંચ કલાક આમ જ ચાલ્યું. એન્ટ્રી કેવી રીતે લેવાની, વચ્ચે સ્ટેપ શી રીતે બદલવાના, આગળ કયા સ્ટેપ રિપિટ કરવાનાં... કશું જ નહિ ! બસ, મૉન્ટેનો સરનો ‘મિરર’ બનીને નાચતા રહેવાનું !

પાંચમા અને છઠ્ઠા દિવસે પાર્વતીને એક અજીબ ટાઇપનો એહસાસ થવા લાગ્યો. એને લાગતું હતું કે મૉન્ટેનો સરનીઆંખોથી એ પોતાની આંખો નહોતી મિલાવી રહી. બલ્કે, સાલું ડાયરેક્ટ મૉન્ટેનો સરના દિમાગથી પાર્વતીના દિમાગનું કનેક્શન થઈ રહ્યું હતું !

એ દિવસે સળંગ ત્રણ કલાક ડાન્સ કરીને જ્યારે પાર્વતી પરસેવે રેબઝેબ થઈ ગઈ ત્યારે મૉન્ટેનો સરે મ્યુઝિક અટકાવ્યું. પાર્વતીના ખભા પર હાથ મૂક્યો અને હાંફતા અવાજે બોલ્યા,“નાવ યુ આર રિયલ પાર્વતી.”

પાર્વતીના શરીરમાંથી જ નહિ. સાલી દિમાગમાંથી જાણે એક બિજલીનો કરંટ દોડી ગયો. પણ આ વખતના બિજલીના કરંટમાં કંઇક જુદી જ વાત હતી. કોઈ ખલબલી, કોઈ ઝટકા નહિ, બલ્કે સાલું આખું તન-બદન ને દિમગ રોશનીથી ઝક્કાસ-ઝક્કાસ થઈ રહ્યું હતું !

***

નવમા દિવસે જ રોમેલોના ‘બૉડી સ્વિંગ્સ’ ડાન્સિંગ સ્ટુડિયોમાં પર્ફોર્મન્સ કરવાનો હતો. પાર્વતીહજી નર્વસ હતી. પણ મૉન્ટેનો સરે એના ખભે હાથ મૂકતાં કહ્યું હતું,“તુમને અંધેરે કમરે મેં બિના ઑડિયન્સકે ડાન્સ કિયા થા ના ? વો યાદ કરો.. બસ, વોહી કરના હૈ. સ્ટેજ પે મૈં ઔર તુમ નહીં.. શિવ ઔર પાર્વતી નૃત્ય કરેંગે... અપને આપ કો બિલકુલ ભૂલા દો...”

પરંતુ શી રીતે ભુલાવી શકે પાર્વતી એ દૃશ્યને ?‘બૉડી સ્વિંગ્સ’નો ઉપરનો આખો ફ્લોર એક નાના ઑડિટોરિયમ જેવો હતો. ચારસોથી પાંચસો એકદમ હાઇ-ફાઇ લાગતા લોકો બેઠા હતા. પાર્વતી તો એકને જોઇને બીજાને ભૂલતી હતી. એકથી એક સેઠાનીના ઠાઠ અલગ હતા. એકથી એક સેઠ લોગના ઠાઠ અલગ હતા. પૈસાવાલી ઊંચી ઊંચી પાર્ટીની ગોળમટોળ પબ્લિક તો ઠીક, મગર એ લોકોનાં બચ્ચાં લોગનાં કપડાં અને ચામડીની ચમક જોઈને પાર્વતીને લાગતું હતુંકે સાલી આ જ તો જન્નત છે !

આવી જન્નતમાં પોતે એક ગંદી બસ્તીની કામવાળી બાઈ ક્યાંથી પહોંચી ગઈ !જેવો ડાન્સ ચાલુ થયો કે બીજી જ સેકન્ડે પાર્વતીના દિમાગમાંથી બધી વાતો કોઇ જાદુની જેમ ગાયબ થઈ ગઈ.

મૉન્ટેનો સર શિવ ભગવાનના કૉશ્ચ્યુમમાં જબરદસ્ત લાગતા હતા. પાર્વતી પોતે જ્યારે એમની આંખોમાં આંખો પરોવીને ઊભી રહી ત્યારે એને પોતાને લાગ્યું કે ખુદ પાર્વતી માતા આકાશમાંથી અવતાર લઈને ડાયરેક્ટ એની બૉડીમાં આવી ગયાં છે.

સ્ટેજ ઉપરથી જે પરફોર્મન્સ થયો તે આ સ્ટુડિયોના કોઈ ટિચરે, કોઈ સ્ટુડન્ટે કે કોઈ ડાન્સ માસ્ટરે પણ કદી ના જોયો હોય એવો હતો. ચાલુ ડાન્સે તો જોરદાર તાળીઓના ગડગડાટ થતા જ હતા પણ ડાન્સ પૂરો થતાંની સાથે આખા હૉલની, સાલી ટોટલ પબ્લિક ઊભી થઈને ક્યાંય લગી તાળીઓ બજાવતી રહી.

પાર્વતી તો જાણે સાતમા આસમાનમાં હતી !

ડાન્સ પૂરો થયો કે તરત મૉન્ટેનો સર બેક-સ્ટેજમાં જતા રહ્યાં. પાર્વતી પણ જાણે હવામાં તરતી હોય એ રીતે ગ્રીન રૂમમાં દાખલ થઈ.

હજી એ પોતાનો મેકપ ઉતારે એ પહેલાં તો એક જીન્સ, ટી-શર્ટ પહેરેલી યુવતી એક કેમેરામેન સાથે દાખલ થઈ. “હાય, આઈ એમ આરતી. હું એક ન્યુઝ ચેનલની રિપોર્ટર છું. મૉન્ટેનો સરે મને કહ્યું કે તમારી લાઇફની સ્ટોરી ગજબની છે. તમે મને એક ઇન્ટરવ્યૂ આપશો ?”

***

પૂરા પોણા કલાક ચાલેલા એ ઇન્ટરવ્યૂમાં પાર્વતીએ પોતાના દિલની ભડાસ કાઢી નાંખી. પોતે મહારાષ્ટ્રના કોઈ ફાલતુ ગામડામાંથી અહીં મુંબઈ ક્યાંથી આવી પહોંચી અને સસ્તી બાર ડાન્સરમાંથી એક જુલ્ફી નામના આશિકની બૈરી શી રીતે બની... બધું જ કહી નાંખ્યું. સાલો પેલો હલકટ જુલ્ફી કેવો દગાબાજ નીકળ્યો. એ દગાબાજને છેક દૂબઈ જઈને એની જ શાદીમાં બે ટાંગ વચ્ચે કેવી લાત મારવાની છે એ વાત પણ પાર્વતીએ ગળામાં અટકેલા ઝેરની જેમ ઓકી કાઢી.

“કહીં વો જુલ્ફી...” કેમેરો બંધ કર્યા પછી પેલી રિપોર્ટ પોતાના મોબાઈલમાંથી એક ફોટો કાઢીને બતાડતાં પૂછ્યું,“કહીં વો જુલ્ફી... યે તો નહીં ?”

પાર્વતી ચોંકી ગઈ. ફોટોમાં જુલ્ફી જ હતો ! “આપ ઉસે જાનતી હૈ ?”

“અચ્છી તરહ.” પેલીએ શાંતિથી કહ્યું.“એ આજકાલ ઇન્ડિયાની છોકરીઓને દૂબઈમાં ડાન્સર તરીકે સપ્લાય કરવાનો ધંધો કરે છે.”

પાર્વતીના પગ નીચેથી જાણે જમીન સરકીગઈ. “મતલબ? મૈં જીસ ડાન્સટૂર મેં દૂબઈ જા રૈલી હું... વો ટૂર કા અસલી ઑર્ગેનાઇઝર સાલા, ખુદ જુલ્ફી ચ હૈ ?”

(ક્રમશ:)