"પ્રિયાંશી" ભાગ-8
મિલાપે કહ્યું, "તું 'હા' પાડે એટલે બસ મારા મનને શાંતિ. "
છેવટે પ્રિયાંશીને પોતાની હાર સ્વીકારવી પડી. અને મિલાપ જે ઘડી જે ક્ષણની વર્ષોથી રાહ જોઇ રહ્યો હતો, એ ક્ષણ આવી, પ્રિયાંશીએ મિલાપને "હા" પાડી.
મિલાપને તો જાણે જન્નતનું સુખ મળ્યુ હોય તેવો અહેસાસ થયો.
મિલાપે ઊભા થઈ પ્રિયાંશીને પોતાની બાથમાં ભીડી લીધી. પ્રિયાંશી એકદમ ચોંકી ઉઠી ! શરમથી તેની આંખો ઝૂકી ગઇ અને બંને ગાલ ઉપર લાલી પથરાઈ ગઈ, કેવી અદ્ભૂત ક્ષણ હતી એ !
તેણે મિલાપ પાસે એક શરત મૂકી કે, હમણાં તારે કોઈ ને આપણી કંઇ જ વાત કરવાની નહિ, જ્યારે સમય આવશે ત્યારે આપણે બધાને જણાવીશું.
મિલાપ પ્રિયાંશીની દરેક વાતમાં તૈયાર હતો. તેની ખુશીનો આજે કોઈ હિસાબ ન હતો. તેણે પ્રિયાંશીનો હાથ પોતાના હાથમાં લીધો અને ખૂબ જ પ્રેમથી તેને ચૂમી લીધો, આજીજી કરતો હોય તેમ તેણે પ્રિયાંશીને પૂછ્યું, " કિસ કરવા દઇશ ?"
પ્રિયાંશીએ માથું હલાવીને ઇનકાર કર્યો. મિલાપે કહ્યું, "ઓકે, પછી ક્યારેક " તે પ્રિયાંશીને ફોર્સ કરવા નથી ઇચ્છતો. પછી તેણે ધીમેથી પૂછયું, "શું ઓર્ડર કરું તારા માટે ?"
પ્રિયાંશીએ કહ્યું, "ગમે તે કંઇક એક વસ્તુ મંગાવી લેને ?"
મિલાપ: પણ,તું શું જમીશ, શું મંગાવુ એ તો કે ?
પ્રિયાંશી: ચીઝ સેન્ડવીચ મંગાવી લે.અને તારે જે મંગાવવું હોય તે.
મિલાપ: ઓકે, તેણે એક સેન્ડવીચ અને પોતાને માટે મૈસૂર મસાલા ઢોંસા ઓર્ડર કરી દીધા. જમ્યા પછી મિલાપે પૂછ્યું બોલ આઇસ્ક્રીમ કયો લઇશ.
પ્રિયાંશીએ ના પાડી પણ મિલાપે જીદ કરીને પોતાને ભાવતો રોસ્ટેડ આલમંડ મંગાવ્યો અને પ્રિયાંશીને પૂછ્યું મારી સાથે આઇસ્ક્રીમ શેર કરીશને ?
બંનેએ એક જ કપમાંથી આઇસ્ક્રીમ શેર કર્યો. પછી તે પ્રિયાંશીને પોતાની કારમાં તેના ઘરથી થોડે દૂર મૂકીને આવ્યો.
આજે તો મિલાપને આખી રાત ઊંઘ આવવાની ન હતી. તો આ બાજુ પ્રિયાંશીની હાલત પણ કંઇક એવી જ હતી. 'પ્રેમ' એ શું છે ? પ્રેમ કોને કહેવાય તે તેને હવે ખબર પડી હતી.
મિલાપ તો આખી રાત પ્રિયાંશી સાથે થએલી વાતો વાગોળતો રહ્યો અને જાણે હજી તે એની સામે જ છે તેવું તેને લાગ્યા કરતું. એક સેકન્ડ માટે પણ પ્રિયાંશીનો ખ્યાલ તેના મનમાંથી જતો નહીં. તેને આ બધી વાતો કોઇની સાથે શેર કરવી હતી પણ પ્રિયાંશીએ 'ના' પાડી હતી તેથી તે કોઈને કરી શકતો ન હતો.
બીજે દિવસે રવિવાર હતો એટલે પ્રિયાંશી આજે તેને જોવા મળવાની ન હતી. હવે તેને જોયા વગર એક દિવસ પણ પસાર કરવો મિલાપ માટે મુશ્કેલ હતો. ગમે તે કંઇક બહાનું શોધી તે પ્રિયાંશીને ઘરે જવાનું વિચારતો જ હતો એટલામાં પ્રિયાંશીનો ફોન આવ્યો, બંનેને એકસાથે એકબીજાને મળવાનો વિચાર આવ્યો.
પ્રિયાંશી: મિલાપ, મારી થીસીસ નોટ્સ તું લઇ ગયો છે તો મને તે આપી જઇશ ?
મિલાપને તો 'ભાવતું'તુ અને વૈદ્યે કીધું.'
મિલાપ: હા,હા ચોક્કસ હું આવીને આપી જવું છું.
થોડી જ વારમાં મિલાપ પ્રિયાંશીના ઘરે પહોંચી ગયો. જાણે વર્ષો પછી તેને પ્રિયાંશી જોવા મળી હોય તેવું તેને લાગ્યું.
બંને એકબીજાને જોઇને ખૂબ ખુશ થઇ ગયા.
પ્રિયાંશીની મમ્મીએ મિલાપને બેસવા અને ચા-નાસ્તો કરીને જવા ખૂબ કહ્યું પણ મિલાપ ત્યાં રોકાયો નહિ. બસ એનું કામ તો પૂરું થઇ ગયું હતું એને તો પ્રિયાંશીને જોવામાં અને મળવામાં રસ હતો. તે પોતાના ઘરે જવા નીકળી ગયો.
પ્રિયાંશી અને મિલાપ બંને હવે એક્ઝામની તૈયારીમાં પડી ગયા હતા. બંને ખૂબજ મહેનત કરતા હતા બંનેને એક બીજા કરતાં વધારે સારું રિઝલ્ટ લાવવું હતુ.
હસમુખભાઈની તબિયત હવે કથડતી જતી હતી. પ્રિયાંશી તેમને રોજ 'ના' પાડતી કે, " પપ્પા, હવે નોકરી છોડી દો. બસ,આ એક્ઝામ પૂરી થઇ જાય પછી હું હોસ્પિટલ જોઇન્ટ કરી લઉ છું તમે જરા પણ ચિંતા ન કરશો. હું તમારી દીકરી નહિ પણ દિકરો છું. "
અને હસમુખભાઈની આંખમાં પાણી આવી જતું તેમને થતું કે દીકરીને કેમ પારકા ઘરે મોકલવી પડતી હશે ? આવી સરસ ડાહી ખુદથી પણ વધારે વ્હાલી દીકરીને કેમ કરી સાસરે મોકલવી ? પારકાને હાથ તેને કેમ કરીને સોંપવી ?