રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 16 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 16

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૧૬

રત્નનગરીમાં જ્યાં રાજકુમાર રુદ્ર નિમલોકો સાથે મનુષ્યો દ્વારા કરવામાં આવેલી અત્યાચારી અને અન્યાયી સંધીનો નાશ કરવાની ઈચ્છા સાથે અગ્નિરાજના મહેલમાં પહોંચી ચૂક્યો હતો ત્યાં પાતાળલોકમાં રુદ્રનું પૃથ્વીલોકમાંથી પાતાળલોકમાં પુનરાગમન નહીં થતાં ચિંતિત રાજા દેવદત્ત ગુરુ ગેબીનાથનાં આશ્રમે પહોંચી ચૂક્યાં હતાં.

દેવદત્ત જ્યારે ગેબીનાથનાં આશ્રમમાં પહોંચ્યાં ત્યારે ગેબીનાથ ધ્યાનમાં બેઠાં હતાં. ત્રિકાળ જ્ઞાન ધરાવતાં ગેબીનાથને રાજા દેવદત્તનાં આશ્રમમાં પગ મુકતાં જ એમનાં આગમનની જાણ થઈ ગઈ એટલે તેઓ પોતાની ધ્યાન પ્રક્રિયામાં વિરામ લઈ પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યાં. ગેબીનાથને જોઈ દેવદત્ત એમની તરફ આગળ વધ્યો, જોડે પહોંચી ચરણસ્પર્શ કરતાં બોલ્યાં.

"પ્રણામ ગુરુવર."

"નિરોગી ભવ. અહીં આમ ઓચિંતું આવવાનું પ્રયોજન?" રાજા દેવદત્તના ચહેરા પરથી એમનાં મનનાં ભાવ વાંચી ગયાં હોય એમ ગેબીનાથે પ્રશ્ન કર્યો.

"ગુરુવર, કુંભમેળાને પૂર્ણ થયે વીસેક દિવસથી વધુ સમય થઈ ગયો. આટલાં દિવસ વીત્યાં છતાં રુદ્ર હજુ નથી આવ્યો એટલે મને એની ચિંતા થાય છે."

"રાજન, તમારો પુત્ર સૂર્ય જેવી તેજસ્વીતા અને ભગવાન પરશુરામ જેવી યુદ્ધ કુશળતા ધરાવે છે. આજ સુધી મેં એનાં જેવો શાલીન અને ગુણી વ્યક્તિ જોયો નથી. આવનારાં સમયમાં એ સમગ્ર નિમલોકોની સાથે પૃથ્વીવાસીઓનું ભાવિ પોતાનાં હાથે લખવાનો છે. તમે નાહકની ચિંતા ના કરશો એ જ્યાં હશે ત્યાં હેમખેમ હશે."

"ગુરુવર, આપ ઉચિત કહી રહ્યાં છો. હું મારી જાતને ભાગ્યવંત સમજુ છું કે મારે રુદ્ર જેવો પુત્ર છે. હું જાણું છું કે આ ત્રણેય જગતમાં કોઈની જોડે એટલું સામર્થ્ય નથી જે રુદ્રને નુકશાન પહોંચાડી શકે છતાં એક પિતા તરીકે તમે મારી ચિંતા સમજી શકો છો."

"અવશ્ય રાજન, હું તમારાં મનની વાત સમજુ છું. થોડી રાહ જોવો રુદ્ર પાછો આવી જશે અથવા એનો કોઈ સંદેશો અવશ્ય પહોંચી જશે." ગુરુ ગેબીનાથનું વાક્ય હજુ પૂર્ણ થયું હતું ત્યાં દૂરથી અશ્વનાં આગમન રૂપે એનાં દોડવાનો સ્વર વાતાવરણમાં ગુંજી ઉઠ્યો.

અશ્વસવારે પોતાનાં અશ્વને ગુરુ ગેબીનાથનાં આશ્રમની અંદર લાવીને થોભવ્યો અને અશ્વ પરથી ઉતરીને ગેબીનાથ અને દેવદત્ત જ્યાં ઊભાં હતાં એ દિશામાં અગ્રેસર થયો. એ જરા હતો. દેવદત્ત અને ગેબીનાથનાં ચરણસ્પર્શ કરી જરાએ વિનમ્રતાપૂર્વક કહ્યું.

"નિમલોકનાં ઉદ્ધારક મહારાજ દેવદત્ત અને પરશુરામ શિષ્ય ગુરુ ગેબીનાથને કિલાક્ષ કબીલાનાં દિવંગત સરદાર ગામાનાં જ્યેષ્ઠ પુત્ર જરાના કોટી કોટી વંદન!"

વર્ષો બાદ જરાને જોયો હોવાં છતાં દેવદત્ત અને ગેબીનાથ બંને એને જોતાં જ ઓળખી ગયાં. જરાને આ રુપમાં જોઈ એ બંનેને આનંદ થયો છતાં દેવદત્ત અને ગેબીનાથને જરાના અચાનક ત્યાં કરવામાં આવેલાં આગમનનું અને પોતાનાં પિતા ગામાની આગળ દિવંગત લગાડવાનું પારાવાર આશ્ચર્ય થયું.

"શું કહ્યું ગામાનું અવસાન થઈ ગયું?" રાજા દેવદત્તના અવાજમાં પોતાનાં એક સમયનાં મિત્ર ગામા માટેની લાગણી સાફ વર્તાતી હતી.

દેવદત્ત દ્વારા પૂછવામાં આવેલાં આ પ્રશ્નનાં ઉત્તરમાં જરાએ કિલાક્ષ કબીલા પર રાજા અગ્નિરાજ દ્વારા થયેલાં આક્રમણ અને ગામાની કરપીણ હત્યા અંગેની વિતક સંભળાવી. આ આક્રમણનું કારણ નિમલોકો સાથે ગામાની નિકટતા હોવાનું પણ જરાએ આ સાથે જણાવ્યું.

"ખૂબ દુઃખ થયું મારાં પરમમિત્રનાં આવાં અકાળે થયેલાં મૃત્યુનાં સમાચાર સાંભળીને." દેવદત્તે જરાને આશ્વાસન આપતાં કહ્યું.

"જરા, અહીં આમ ઓચિંતા આવવાનું કારણ જણાવીશ?" ગુરુ ગેબીનાથે જરાને સાંત્વના આપ્યાં બાદ સવાલ કર્યો. જેનાં જવાબમાં જરાએ દુર્વા અને પોતાની રુદ્ર સાથે થયેલી મુલાકાત, વાનુરાનાં મેદાનાં પ્રચંડ દ્વંદ્વમાં રુદ્રનું વિજયી થવું, રુદ્રનું મેઘનાનાં અંગરક્ષક બનવું, અગ્નિરાજનાં રાજમહેલમાં પ્રવેશ અને રુદ્રની યોજના વિશે વિસ્તૃત જાણકારી આપી.

"શું કહ્યું રુદ્રએ વાનુરાનાં મેદાનમાં વિજય મેળવ્યો?" જરાની વાત સાંભળી સ્તબ્ધ બનેલાં રાજા દેવદત્તનો પ્રથમ પ્રતિભાવ કંઈક આવો હતો.

"હા મહારાજ, અને એ પણ હારુન જેવાં દૈત્યને માત આપીને!" જરાના અવાજમાં રુદ્ર માટે માન જણાતું હતું.

"રુદ્ર જાણીજોઈને પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો હોય એવું લાગે છે. જો મને આ વિષયમાં જાણકારી હોત તો હું એને પૃથ્વીલોક પર જવાની પરવાનગી જ ના આપત." ચિંતિત સુરે દેવદત્તે કહ્યું.

"રાજન, સાચું કહું તો મને ખબર હતી કે રુદ્ર કુંભમેળામાં ભાગ લેવાં જવાનું બહાનું બનાવીને કંઈક નવી જ યોજના બનાવી રહ્યો છે." ગેબીનાથની આ વાત સાંભળી રાજા દેવદત્ત આંચકા સાથે બોલ્યો.

"શું કહ્યું ગુરુવર, તમને ખબર હતી કે રુદ્રનાં મનમાં શું ચાલી રહ્યું હતું?"

"હા." ગેબીનાથે ટૂંકમાં પતાવ્યું.

"તો તમે એને રોક્યો કેમ નહીં?" દેવદત્ત હજુ પણ રુદ્રનાં પૃથ્વીલોક પર મોજુદ હોવાની વાતને લઈને ચિંતિત જણાતો હતો.

"દેવદત્ત, રુદ્ર સૂર્યનાં કિરણ સમો તેજસ્વી છે, એ અત્તરની જેમ સુવાસિત અને નદીની માફક ચંચળ છે. એની ઈચ્છાનો અસ્વીકાર કરવાનો અર્થ હતો કે નિયતીને રોકવી. રાજન, તમારાં પુત્ર થકી જ આ જગતનું અને સમગ્ર નિમલોકનું કલ્યાણ થવાનું છે. વર્ષોથી અન્યાયનો ભોગ બનેલાં પોતાનાં લોકોને ન્યાય બનાવવા જતી વેળાએ એને રોકવો અપરાધ છે."

"મને વિશ્વાસ છે કે રુદ્ર એનું ઈચ્છિત કાર્ય પૂર્ણ કરીને જ રહેશે. તમે પણ મારી માફક પોતાનાં પુત્રની ક્ષમતા પર વિશ્વાસ રાખતાં શીખી જાઓ."

"આપે સત્ય કહ્યું ગુરુવર. એ મારો પુત્ર પછી છે પણ પહેલાં નિમલોકોનો રાજકુમાર છે. પોતાનાં લોકોનાં ભલા માટે જે કંઈપણ કરવું પડે એ કરવું એનું દાયિત્વ છે. મને વિશ્વાસ છે કે રુદ્ર એનાં કાર્યમાં અવશ્ય સફળ થશે." આંખો બંધ કરી, આશ્રમની જોડે સ્થાપિત ભવાની મંદિર તરફ નતમસ્તક થઈ દેવદત્તે કહ્યું.

આ દરમિયાન ગુરુ ગેબીનાથે મનોમન પોતાનાં ઇષ્ટદેવને યાદ કરી કંઈક આહવાન કર્યું. આમ કરતાં જ એમનાં હાથમાં એક શંખ પ્રગટ થયો.

"જરા, આ શંખ તું રુદ્રને આપી દેજે. એને કહેજે કે ગુરુ ગેબીનાથનાં આશીર્વાદ સદાય એની સાથે છે. એને જ્યારે પણ મારો સંપર્ક સાધવો હોય ત્યારે એકવાર આ શંખ વગાડે અને પછી આંખો બંધ કરે. આમ કરવાથી હું એની સાથે અહીં બેઠાં બેઠાં સંપર્ક સાધી શકીશ."

"ધન્યવાદ ગુરુવર." ગુરુ ગેબીનાથ જોડેથી શંખ લઈને પોતાનાં ખભે લટકાવેલી કપડાંની ઝોળીમાં મુકતાં જરાએ કહ્યું.

"જરા, તારામાં મને તારા મહાન પિતાજીની છબી દેખાય છે. હું સદાય એમની મિત્રતાનો ઋણી રહીશ. તું રુદ્રને જઈને કહેજે જે એના પિતાજીનાં આશીર્વાદ પણ એની સાથે જ છે. એ ચોક્કસ પોતાનાં કાર્યમાં સફળ થશે." દેવદત્તે પોતાનાં પુત્રની માફક જ જરાનાં માથે હાથ મૂકી હેતથી કહ્યું.

"જરા,તું લાંબી યાત્રા પરથી આવ્યો છે એટલે અત્યારે અહીં જ રોકાઈ જા અને શાંતિથી કાલે સવારે જ નિકળજે." ગુરુ ગેબીનાથનો પ્રસ્તાવ જરાએ સહર્ષ સ્વીકારી લીધો કેમકે લાંબી મુસાફરી બાદ એને થાક પણ લાગ્યો હતો અને ભૂખ પણ.

*********

રાજકુમારી મેઘનાની ઈચ્છા મુજબ રુદ્ર એને લઈને ઘોડેસવારી શીખવવા રત્નનગરીનાં મુખ્ય નગરની બહાર એક ખુલ્લાં મેદાનમાં આવી પહોંચ્યો. મેઘનાને આમ તો ઘોડેસવારી થોડી ઘણી અવડતી હતી પણ કોઈ તોફાની ઘોડા પર કઈ રીતે સવાર થઈને એને કાબુમાં લેવો એ મેઘનાને શીખવું હતું.

મુખ્ય નગરની બહાર નદીકિનારે એક વિશાળ ખુલ્લા મેદાનમાં રાજકુમારી મેઘના અને રુદ્ર અલગ-અલગ અશ્વ પર સવાર થઈને આવ્યાં હતાં. મહેલથી મેદાનમાં આવતી વખતે રુદ્રએ થોડાં તોફાની લાગતાં અશ્વની લગામ પકડી હતી જ્યારે મેઘના જે અશ્વ પર સવાર હતી એ શાંત સ્વભાવનો હતો.

"રાજકુમારી, તમારો આજે ઘોડેસવારીમાં પ્રથમ દિવસ છે માટે હું તમને આ અંગેની થોડી જાણકારી આપી દઉં. તમે જાણો છો મનુષ્યની માફક પ્રાણીઓ પણ એક ભાષા જાણે છે."

"કઈ ભાષા?" મેઘનાનાં સ્વરમાં વિસ્મયભર્યું હતું.

"એ ભાષા છે પ્રેમની. મૂક લાગતાં આ જીવોને પણ લાગણી હોય છે, એમને પણ હૂંફ અને પ્રેમની ભૂખ હોય છે. જો તમારે ઘોડેસવારીમાં નિપુણ થવું હશે તો તમારે તમારાં અશ્વને તાકાતની બદલે પ્રેમથી કાબુમાં લેતાં શીખવું પડશે." પોતે જે અશ્વની લગામ પકડીને ઉભો હતો એનાં માથે હાથ ફેરવતાં રુદ્ર બોલ્યો.

"તમારી આ વાત હું ધ્યાન રાખીશ ગુરુવર." મેઘનાની આવી ટિપ્પણી રુદ્રના ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય કરી ગઈ.

"તો ચલો ત્યારે તમે જાતે જ આ અશ્વ પર સવાર થાઓ અને ઘોડેસવારીનો આનંદ લો." રુદ્રના આમ બોલતાં જ મેઘના રુદ્રની જોડે આવી અને રુદ્રના હાથમાંથી લગામ પોતાનાં જમણાં હાથમાં લઈ, ડાબા હાથથી અશ્વને પંપાળવા લાગી. આ દરમિયાન મેઘનાની આંખો એ અશ્વની આંખો પર કેન્દ્રિત થઈ. મેઘનાએ સાચેમાં અનુભવ્યું કે મૂંગા પશુઓને પણ લાગણીનો અનુભવ થતો હશે.

"હર હર મહાદેવ!" નાં હુંકાર સાથે મેઘનાએ કૂદીને અશ્વ પર પોતાનું સ્થાન લઈ લીધું. બીજી જ ક્ષણે મેઘનાએ પોતાની મોજડીને હળવેકથી અશ્વની એક તરફ થપકાવી એને આગળ વધવા ઈશારો કર્યો. પોતાનાં સવારની ઈચ્છાને અનુસરતો એ અશ્વ મેઘનાની મરજી મુજબ આગળ વધવા લાગ્યો.

મેઘનાને આ રીતે આસાનીથી એક તોફાની અશ્વ પર કાબુ મેળવતા જોઈ રુદ્રને રાહત થઈ. મેઘના પણ પૂરાં જોશ સાથે અશ્વની લગામ ખેંચીને મેદાનમાં આમથી તેમ દોડાવી રહી હતી. પ્રથમ દિવસે જ ઘોડેસવારીની તાલીમ દરમિયાન આટલી નિપુણતાથી અશ્વ ચલાવવની ખુશી મેઘનાનાં મુખ પર વર્તાતી હતી.

રુદ્ર દૂરથી જ મેઘનાને ઘોડેસવારી કરતાં જોઈ મલકાઈ રહ્યો હતો. અચાનક રુદ્રએ નોંધ્યું કે મેઘના જે અશ્વ પર સવાર હતી એનાં હાવભાવ બદલાઈ ચૂક્યાં હતાં. એ કોઈ તકલીફમાં હોય એમ પોતાનું માથું આમ-તેમ ધુણાવી રહ્યો હતો. કંઈક અઘટિત થવાનાં ભણકારા વાગતાં રુદ્રએ મેઘનાને તત્ક્ષણ અશ્વ પરથી હેઠે ઉતરી જવાં કહ્યું.

રુદ્રની વાત માની મેઘનાએ જોરથી લગામ ખેંચી પોતાનાં અશ્વને રોકવાની કોશિશ કરી પણ આમ કરતાં એ અશ્વ અટકવાનાં બદલે જોરજોરથી હણહણવા લાગ્યો. આમ થતાં પુનઃ મેઘનાએ અશ્વની લગામ બળપૂર્વક ખેંચી. બીજી વખત જાણે કોઈ મોટી પીડામાં હોય એમ એ અશ્વ કંઈ સમજ્યા વિચાર્યા વગર રત્ના નદીની દિશામાં આગળ વધ્યો જ્યાં નદી પહેલાં મોટી ખાઈ હતી.

પોતાની નજરો સમક્ષ મેઘનાનાં જીવ પર આવેલું આ સંકટ જોઈને રુદ્રએ એકપણ ક્ષણનો વ્યય કર્યાં વિનાં મેઘના જે અશ્વને લઈને આવી હતી એ અશ્વ પર છલાંગ લગાવી એની પર સવાર થઈ ગયો. જે રીતે મેઘના સવાર હતી એ અશ્વ ઉફાન ઉપર વહેતી રત્ના નદી તરફ ભાગી રહ્યો હતો એ જોઈ રુદ્ર માટે એને રોકવો લગભગ અશક્ય બાબત હતી, છતાં રુદ્રએ આમ કરવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હતો.

"હર હર મહાદેવ!" પોતાનાં ઈષ્ટદેવનું નામ લઈ રુદ્રએ પોતાનાં અશ્વને મેઘના જેની ઉપર સવાર હતી એ અશ્વ તરફ ભગાવી મુક્યો.

********

વધુ આવતાં ભાગમાં

રુદ્ર અને મેઘના પર ધ્યાન રાખી રહેલો વ્યક્તિ આખરે કોણ હતો? રુદ્ર મેઘનાનો જીવ બચાવી શકશે?નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ ક્યાં હતી? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)