રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 15 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 15

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૧૫

બીજા દિવસે બપોરનું ભોજન લઈ લીધાં બાદ રુદ્ર જ્યારે મેઘનાના કક્ષમાં પહોંચ્યો ત્યારે મેઘના યુદ્ધ અભ્યાસ માટે સંપૂર્ણ તૈયાર માલુમ પડતી હતી. આજે એનાં ચહેરા પર રાજકુમારીને હોય એવાં નાજુક ભાવને બદલે યુદ્ધમેદાનમાં જતાં કોઈ ક્ષત્રીયની માફક દૃઢ ભાવ દ્રશ્યમાન થઈ રહ્યાં હતાં.

"રાજકુમારી, તૈયાર છો ને?" રુદ્રએ મેઘનાનાં કક્ષમાં પ્રવેશ કરતાં કહ્યું.

"એકાંતમાં મેઘના કહી શકો છો.!" સસ્મિત આટલું કહી મક્કમ ડગલે મેઘના ઉદ્યાન તરફ ચાલી નીકળી જ્યાં એની તાલીમ માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. મેઘનાની પાછળ રુદ્ર પણ ઉદ્યાન તરફ અગ્રેસર થયો.

આજે તો મેઘનાએ તાલીમ માટેનાં સ્થાને પહોંચતાં જ પોતાની તલવાર હાથમાં લઈને અમુક સમય એને હવામાં વીંઝી એકલે હાથે જ થોડો અભ્યાસ કરી લીધો.

"તો રાજકુમારી, આજનાં યુદ્ધ અભ્યાસનો પ્રારંભ કરીએ એ પહેલાં હું તમને એક મહત્વની વાત કહેવા માંગું છું. આ વાત તમને તમારી તાલીમ દરમિયાન ખૂબ જ મહત્વની થશે." રુદ્ર સાચેમાં એક યુદ્ધકળા શીખવતો ગુરુ હોય એમ પોતાની વાત કહી રહ્યો હતો.

"કાલે જ્યારે તમે બીજી વખત પ્રહાર કરવાનો આરંભ કર્યો ત્યારે તમે ઉપરાછપરી કેટલાંય ઘા કરીને પોતાની શક્તિ વેડફી દીધી અને એટલે જ જ્યારે મેં એક શક્તિશાળી પ્રહાર કર્યો તો તમારી અંદર એક તલવારને પકડી શકો એટલી પણ શક્તિ નહોતી બચી."

"યુદ્ધમાં તમારી શસ્ત્ર ચલાવવની ઝડપ સસલાં જેવી હોવી જોઈએ પણ એ માટે કાચબા જેવી ધીરજ પણ ધરવી પડે. જ્યારે તમારો દુશ્મન થોડો ગાફેલ હોય, બેધ્યાન હોય અને એની શક્તિ થોડી ક્ષીણ થઈ ચૂકી હોય ત્યારે જ તમારે એની ઉપર પૂરતી તાકાત વાપરી પ્રહાર કરવો જોઈએ. એ પહેલાંનાં તમારાં પ્રહાર વ્યવસ્થિત, સંતુલિત અને નિશાના પર તો હોવાં જ જોઈએ પણ જોડે એ ધ્યાન રાખવાનું કે એમાં તમારી શક્તિનો વ્યય ના થાય."

ગુરુ ગેબીનાથ દ્વારા પોતાને આપવામાં આવેલું આ અમૂલ્ય જ્ઞાન રુદ્ર અત્યારે રત્નનગરીની રાજકુમારી મેઘનાને પોતાનાં જ આગવા અંદાજમાં પીરસી રહ્યો હતો.

"તો હવે મારી આંખોમાં જોવો અને સાથે પોતાની આંખોને બાજની માફક પોતાનાં નિશાન પર રાખી પ્રહાર કરવાનો આરંભ કરો!" રુદ્રના આમ બોલતાં જ મેઘનાએ યલગાર કરી પોતાની તલવારના પ્રહાર કરવાનાં શરૂ કર્યાં. રુદ્રએ કહેલી દરેક વાતનું યોગ્ય રીતે અનુકરણ કરી મેઘના આજે ગતરોજ કરતા વધુ કુનેહથી પોતાની તલવાર ચલાવી રહી હતી.

પ્રથમ પ્રયાસમાં જ મેઘના પોતાની તલવારને અડધી ઘડી સુધી પકડી રાખવામાં સફળ થઈ. રુદ્ર અને મેઘના જે રીતે તલવારબાજી કરી રહ્યાં હતાં એ જોઈને કોઈને સ્વપ્નેય એવો વિચાર આવવો અશક્ય હતો કે એ બંને એકબીજાને મનોમન પ્રેમ કરે છે.

ત્રણ ઘડી સુધી રુદ્ર મેઘનાને ઉત્તમ રીતે તલવાર ચલાવવની કળાનાં દરેક બારીક ભાગ સમજાવતો રહ્યો. બીજાં દિવસની તાલીમ પૂર્ણ થઈ એ પહેલાં મેઘનાની તલવાર એકવાર છેક રુદ્રની ગરદન સુધી આવી પહોંચી હતી. બીજાં દિવસે પોતે જે રીતે પૂરી શક્તિ અને બુદ્ધિ લગાવીને તલવારબાજીની તાલીમ મેળવવામાં સફળ રહી એ વાતનો આનંદ મેઘનાનાં ચહેરા પર મહેસુસ થઈ રહ્યો હતો. ત્યાં હાજર અન્ય લોકોએ પણ આજનાં દિવસની તાલીમનાં અંતે તાળીઓ વગાડી મેઘનાનું અભિવાદન કર્યું, હા એ વાત અલગ હતી કે પહેલી તાળી વગાડનાર બીજું કોઈ નહીં પણ રુદ્ર હતો!

*********

જે રીતે પોતે બીજા દિવસે તલવાર ચલાવવામાં સફળ રહી એ વાતનાં લીધે ત્રીજા દિવસે મેઘના બમણાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે રુદ્રની સાથે રાજ ઉદ્યાનમાં આવી પહોંચી. રુદ્ર ઈચ્છતો હતો કે હવે મેઘનાને પ્રહાર કરવાની સાથે આત્મરક્ષણ પણ શીખી લેવું જોઈએ જેથી એ તલવારબાજીનાં દરેક દાવમાં નિપુણ બની શકે.

"રાજકુમારી, યુદ્ધમાં દુશ્મનને મારવા જેટલું જ જરૂરી છે સ્વયં જીવિત રહેવું. જો ઈતિહાસમાં તમારું નામ સુવર્ણઅક્ષરે અંકિત કરવું હશે તો યુદ્ધ અંતે તમારાં ખોળિયામાં પ્રાણ હોવાં જરૂરી છે. અને એ માટે જરૂરી છે તમારું સ્વરક્ષણ કરતાં શીખવું. તલવારનાં દ્વંદ્વ દરમિયાન તમારે જેમ આક્રમણ માટે તલવાર અને એમ રક્ષણ માટે ઢાલનો ઉપયોગ કરવો આવશ્યક છે."

"ઢાલનો ઉપયોગ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે એ ઢાલ મજબૂત હોવાની સાથે વજનમાં હલકી છે. કેમકે જેટલું વધુ વજન એટલો જ તમારાં હલનચલનમાં વધુ અવરોધ. અને જો આ કારણથી સ્વરક્ષણમાં એક ક્ષણની પણ વાર થઈ તો તમારું કામ પૂરું થઈ ગયું સમજો. તો હવે તમે બીજાં હાથમાં એક ઢાલ પણ રાખશો, જેથી મારી તલવારનો પ્રહાર વિફળ કરી શકો."

રુદ્રના આ પ્રારંભિક ભાષણ પછી મેઘનાએ પોતાનાં ડાબા હાથમાં એક ઢાલ લીધી અને રુદ્રની સામે આવીને ઊભી રહી. રુદ્રએ જાણીજોઈને મેઘનાનાં શરીરની જગ્યાએ એને પકડેલી ઢાલને નિશાન બનાવવાનું શરૂ કર્યું. રુદ્ર માનતો હતો કે આજનો દિવસ મેઘના ઢાલનો શક્ય એટલો ઉપયોગ કરવા સહજ થઈ જવી જોઈએ.

આખરે પરસેવે રેબઝેબ કરી મુકનારી મહેનત ભરી તાલીમનો ત્રીજો દિવસ પૂર્ણ થયો. મેઘના જેમ-જેમ સમય પસાર થતો હતો એમ-એમ વધુ આત્મવિશ્વાસ મેળવી રહી હતી. રુદ્ર પણ આ જોઈ ખુશ હતો કે એની શિષ્યા ખૂબ ત્વરિત ગતિએ યુદ્ધકળાનાં પાયાનાં નિયમોને આત્મસાત કરી રહી છે.

મેઘનાને યુદ્ધકળામાં નિપુણ કરવાની તાલીમનાં એક પછી એક દિવસો પસાર થવાં લાગ્યાં. એક અઠવાડિયાની અંદર રુદ્રની સહાયતાથી મેઘના તલવાર ચલાવવામાં સારી એવી મહારથ પ્રાપ્ત કરી ચૂકી હતી. હવે આગળ જતાં દરેક દિવસની સાથે મેઘના તાલીમ દરમિયાન અને તાલીમ પછી પણ રુદ્રની જોડે વધુને વધુ સમય પસાર કરી રહી હતી.

મેઘનાનો પોતાની તરફનો વર્તાવ જોઈને રુદ્ર સમજી ચૂક્યો હતો કે મેઘના પણ એને પસંદ કરવા લાગી છે. મેઘના એક એવી રાજકુમારી હતી જેની સગાઈ થઈ ચૂકી હતી એટલે રુદ્ર કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ પર નહોતો આવી શકતો. આ જ કારણોસર રુદ્ર પોતાનાં મનની વાત મેઘના સમક્ષ રાખવા યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો.

પ્રથમ અઠવાડિયે તલવાર ચલાવતા શીખી લીધાં બાદ મેઘનાની ઈચ્છા હવે કટાર અને ભાલો ચલાવતાં શીખવાની હતી. તલવાર ચલાવવામાં મેઘનાએ સારી એવી કુશળતા મેળવી લીધી હોવાથી રુદ્ર એને બે-ત્રણ દિવસની અંદર સરળતાથી કટાર અને છરીનો ઉપયોગ કરવા તાલીમબદ્ધ કરી શક્યો. ભાલાનો ઉપયોગ કરવાં માટે બાવડામાં બળની આવશ્યકતા જરૂરી હતી એ જાણતો હોવાં છતાં રુદ્રએ ઘણી મહેનત કરીને મેઘનાને એમાં પણ નિપુણ કરવામાં સફળતા મેળવી.

દિવસે અને દિવસે રુદ્ર મેઘનાની વધુને વધુ નજીક આવી રહ્યો હતો. મેઘનાની આંખો પણ હવે સતત રુદ્રને જ શોધતી માલુમ પડી રહી હતો. બપોરનું અને રાત્રીનું જમવાનું હવે રુદ્ર મેઘનાનાં કક્ષમાં એની સાથે બેસીને જમતો. આવી જ એક રાતે રાત્રિભોજ લીધાં બાદ રુદ્રને ઉદ્દેશીને મેઘનાએ કહ્યું.

"વીરા, મને લાગે છે કે મારે હવે ઘોડેસવારી શીખવી જોઈએ."

"પણ મેઘના તમારે તો હજુ ઘનુષવિદ્યાની તાલીમ બાકી છે. એ પૂર્ણ થશે પછી ચોક્કસ હું તમને ઘોડેસવારી શીખવીશ." મેઘનાની મંત્રમુગ્ધ કરી દેતી આંખોને જોઈ રહેલો રુદ્ર બોલ્યો.

"પણ મેં કહ્યું ને કે મારે પહેલાં ઘોડેસવારી શીખવી છે અને ત્યારબાદ બીજું બધું!" પોતાનાં બંને ખભા ઊંચા કરી હઠ કરતાં મેઘના બોલી.

દુનિયામાં ત્રણ હઠ સૌથી પ્રબળ બાળ હઠ, રાજ હઠ અને સ્ત્રી હઠ. અહીં તો મેઘના ત્રણેયનો સમન્વય હતી. એ મહારાજ અને મહારાણી માટે હજુ બાળક હતી, રુદ્ર માટે એનાં મનમાં વસેલી સ્વપ્ન સુંદરી અને રત્નનગરીની પ્રજા માટે રાજકુમારી. એટલે રુદ્ર જોડે એની વાત માન્યા સિવાય કોઈ છૂટકો હતો જ નહીં.

"સારું તો આવતીકાલે જ તમને હું ઘોડેસવારી માટે તાલીમ આપવાનો આરંભ કરી દઈશ, હવે તો ખુશ ને?" મેઘનાની હઠ આગળ નતમસ્તક થઈને રુદ્ર બોલ્યો.

"બહુ જ ખુશ, બહુ બહુ ખુશ!" ઉત્સાહનાં આવેગમાં મેઘના આટલું કહી રુદ્રને ભેટી પડી.

મેઘનાની આ ઓચિંતી હરકત માટે રુદ્ર તૈયાર નહોતો. મેઘનાનાં શરીરનો આટલી નજીકથી સ્પર્શ થતાં એનું હૈયું બમણી વેગે ધડકી ઉઠ્યું, હાથ પગ ઠંડા પડી ગયાં. પોતાનાં છાતીનાં ભાગે થઈ રહેલો મેઘનાનાં સ્તનયુગમનો સુંવાળો સ્પર્શ રુદ્રનાં શરીરમાં કંપન પેદા કરી રહ્યો હતો. એક તરફ એને થતું હતું કે મેઘનાને પોતાનાંથી અળગી કરે તો બીજી તરફ રુદ્ર વિચારતો કે આ ક્ષણ અહીં જ અટકી જાય તો કેટલું સારું!

જાણે સમય થંભી ગયો હોય એમ રુદ્ર આ અવિસ્મરણીય પળને પોતાનાં હ્રદયમાં અંકિત કરવાની પુરજોશ કોશિશ કરી રહ્યો હતો. આખરે અમુક ક્ષણો બાદ રુદ્ર જાણે સ્વપ્નની દુનિયામાંથી પાછો આવ્યો. કોઈ બીજું આ દ્રશ્ય જોઈ જશે તો ખોટું સમજશે એ વિચારી રુદ્રએ ખોંખારો ખાઈને મેઘનાને અલગ થવાં ઈશારો કર્યો.

"અરે એ તો ખુશીમાં ને ખુશીમાં!" રુદ્રથી અલગ થતાં જ મેઘનાએ પોતાનો ચહેરો બીજી દિશામાં ઘુમાવી, પોતાની આંખ પર આવેલી લટને કાનની પાછળ ગોઠવી લજ્જામિશ્રિત સ્વરે હળવેકથી કહ્યું.

"કોઈ વાંધો નહીં." જાણે મોટો ઉપકાર કરી રહ્યો હોય એમ રુદ્ર આ શબ્દો બોલ્યો. પણ હકીકત એ હતી કે છેલ્લાં શ્વાસ સુધી જેનાં સથવારાની તમે ઝંખના કરી હોય એનું સામે ચાલીને ગળે ભેટવું એ તમારાં માટે વાંધાજનક ક્યાંથી હોય!

"તો પછી હું વિદાય લઉં." આટલું કહી રુદ્ર મેઘના જ્યાં બેઠી હતી એ શૈયા પરથી ઊભો થયો.

"શુભ રાત્રી!" મેઘનાનાં આ ચાસણી જેવાં શબ્દોનાં પ્રત્યુત્તરમાં શુભરાત્રી કહીને રુદ્ર ફટાફટ કક્ષનાં દરવાજા તરફ અગ્રેસર થયો.

ઘણાં સમય પછી પણ મેઘનાનાં ગળે લાગવાની ઘટનાને મનમાંથી નીકળવામાં રુદ્ર અસમર્થ રહ્યો. જ્યાં સુધી પોતે પોતાની યોજનાને યોગ્ય મુકામ સુધી ના પહોંચાડે ત્યાં સુધી અન્ય કોઈ વ્યક્તિને એનાં અને મેઘના વચ્ચે વધી રહેલી નજદીકી વિશે જાણ થવી ના જોઈએ એવું રુદ્રનું દૃઢપણે માનવું હતું. પણ શું સાચેમાં એવું શક્ય હતું ખરું?

રુદ્ર અને મેઘનાની જાણ બહાર રાજમહેલમાં એક વ્યક્તિ હતો એની નજર એ બંને પર કેન્દ્રિત હતી. રુદ્ર અને મેઘના વધુ સમીપ આવે એ પહેલાં એ બંનેના સંબંધ વિશે પોતાનાં માલિકને જાણ કરવાનું મન એ વ્યક્તિ બનાવી ચૂક્યો હતો.!

**********

વધુ આવતાં ભાગમાં

રુદ્ર અને મેઘના પર ધ્યાન રાખી રહેલો વ્યક્તિ આખરે કોણ હતો? રુદ્ર જે આયોજનથી પૃથ્વીલોક પર હતો એને દેવદત્ત અને ગેબીનાથની સ્વીકૃતિ મળશે? અકીલાનો રુદ્ર પ્રત્યેનો દ્વેષભાવ આખરે રુદ્ર માટે કઈ નવી મુસીબતને નોંતરશે? નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ ક્યાં હતી? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)