Rudra ni premkahaani - 2 - 14 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 14

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૧૪

મેઘનાનાં આદેશ પર રાજમહેલનાં મુખ્ય ઉદ્યાનમાં યુદ્ધ અભ્યાસ માટેની સંપૂર્ણ ગોઠવણ કરી દેવામાં આવી હતી. યુદ્ધ અભ્યાસ માટે ઢાલ, તલવાર, કટાર ઉપરાંત ધનુષ-બાણ અને ભાલાને પણ ઉદ્યાનની વચ્ચે બનેલાં લંબચોરસ બાંધકામની મધ્યમાં રાખવામાં આવ્યાં. આજથી પહેલાં ક્યારેય મેઘનાએ આવી કોઈ યુદ્ધ તાલીમ મેળવી નહોતી એટલે ત્યાં મોજુદ સૈનિકો અને રાજમહેલમાં કામકાજ સંભાળતા અન્ય કાર્યકર્તાઓ પણ રાજકુમારીની આ તાલીમ જોવાં એકઠાં થયાં.

"રાજકુમારી, બોલો આજે પ્રથમ દિવસે કયાં હથિયારથી શરૂ કરીશું?" રુદ્રએ ત્યાં સ્થિત હથિયારો તરફ ઈશારો કરતા કહ્યું.

"તલવાર!" મેઘનાએ એક ત્રણ હાથ લાંબી તલવાર હાથમાં લેતાં કહ્યું.

"રાજકુમારી તમારી પસંદ ઉચિત નથી. તમે જે તલવાર પસંદ કરી એની ધાર તમારાં હાથની લંબાઈથી વધુ છે. આવી તલવારનો ઉપયોગ કરવો ઘણીવાર પ્રશિક્ષિત યોદ્ધા માટે પણ અશક્ય બની જતું હોય છે કેમકે તમે આટલી વધુ ધાર ધરાવતી તલવારને ઈચ્છિત રીતે ઘુમાવી નથી શકતાં. માટે એવી તલવાર પસંદ કરવી ઉચિત છે જેની ધારની લંબાઈ તમારાં હાથ બરાબર હોય અથવા થોડી નાની હોય." આટલું કહી રુદ્રએ ત્યાં પડેલી અન્ય તલવારોમાંથી એક બીજી તલવાર ઉઠાવીને મેઘનાનાં હાથમાં મૂકી.

"આભાર!" મેઘનાએ આંખો પટપટાવીને કહ્યું.

"આ તલવારની મુઠ કહેવાય, તમારે મુઠ પર પકડ ઢીલી રાખવી કે મજબૂત એ તમને આગળ જેમ-જેમ તાલીમ લેશો એમ-એમ સમજાઈ જશે. કોઈપણ સંજોગોમાં પોતાનું શસ્ત્ર હાથમાંથી હેઠે ના મૂકે એને જ ખરો યોદ્ધા કહેવાય. સાચા યોદ્ધાનાં હાથમાંથી હથિયાર ત્યારે જ પડે જ્યારે એનો શત્રુ નિષ્પ્રાણ થાય અથવા એ પોતે!" મેઘનાનો હાથ તલવારની મુઠ ઉપર મૂકાવતાં રુદ્રએ કહ્યું.

"દરેક યોદ્ધા પોતપોતાની પસંદગી મુજબ અલગ-અલગ બનાવટની તલવારનો ઉપયોગ કરતો હોય છે. તમારાં હાથમાં છે એ તલવાર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી તલવાર છે, જેની એક બાજુ તીક્ષ્ણ ધાર હોય અને બીજી બાજુ સપાટ ભાગ. તમે આ તલવારને મજબૂતાઈથી પકડો અને મારી સામે આવીને ઊભા રહી જાઓ."

રુદ્રની દરેક વાતનું શબ્દશઃ પાલન કરતી મેઘના રુદ્રની સામે આવીને ગોઠવાઈ ગઈ.

"જ્યારે પણ યુદ્ધમેદાનમાં ઉતરો ત્યારે સૌથી પહેલાં તમારાં શસ્ત્ર કે અસ્ત્રને વંદન કરી, ભગવાન પરશુરામને યાચના કરો કે આ હથિયાર તમારું અંત સુધી રક્ષણ કરે." રુદ્રએ આંખો બંધ કરી પોતાનાં હાથમાં રહેલી તલવારને કપાળે સ્પર્શ કરાવ્યો. મેઘના પણ રુદ્રને અનુસરી.

"હવે એક બીજી મહત્વની વસ્તુ, જ્યારે તલવારનું દ્વંદ્વ હોય ત્યારે તમારાં દુશ્મનથી એટલાં અંતરે ઊભું રહેવું જેથી તમે સરળતાથી સ્વરક્ષણ કરી શકો અને સાથે-સાથે સરળતાથી તમારાં પ્રતિદ્વંદી પર પ્રહાર કરી શકો." આટલું કહી રુદ્ર મેઘનાથી પાંચ ડગલાં દૂર આવીને ઊભો રહી ગયો.

"તો હવે તમે મારી ઉપર પ્રહાર કરો અને હું તમારાં પ્રહારને વિફળ બનાવીશ." રુદ્રના આમ બોલતાં જ મેઘનાએ પોતાની તલવારને વધુ કસકસાવીને પકડી અને તીવ્રતાથી આગળ વધીને રુદ્રના ધડનાં ભાગે તલવારને વીંઝી. રુદ્રએ આસાનીથી મેઘનાનો ઘા અસફળ બનાવ્યો અને વિજળીવેગે મેઘનાની તલવાર જોડે સંપર્કમાં રહેલી પોતાની તલવારને વર્તુળાકાર ઘુમાવી મેઘનાની તલવારને સહજતાથી દૂર ફેંકી દીધી.

માત્ર પચ્ચીસ-ત્રીસ ક્ષણોમાં રુદ્રની તલવાર મેઘનાની ગરદન સુધી આવી પહોંચી હતી અને સામે પક્ષે મેઘના નિઃસસ્ત્ર હતી. રુદ્રએ પોતાની તલવારને પાછી લીધી અને ઈશારાથી મેઘનાને જઈને દૂર પડેલી તલવાર ઉપાડી લાવવા કહ્યું.

મેઘના દોડીને પોતાની તલવાર તરફ ગઈ અને પુનઃ તલવાર ઉઠાવી રુદ્રની સામે ગોઠવાઈ ગઈ.

"રાજકુમારી, તમે જ્યારે દુશ્મન પર હુમલો કરો છો ત્યારે ક્યારેય એનાં શરીર પર હુમલો કરવાનું ના વિચારશો. દ્વંદ્વ ભલે આપણે યુદ્ધમેદાનમાં લડીએ પણ એમાં વિજય ત્યારે જ સંભવ બને જ્યારે તમારાં પ્રતિદ્વંદીનાં મનનાં વિચારોને જાણી લેવામાં આવે." રુદ્ર હવે એક યુદ્ધશિક્ષકની ભૂમિકામાં આવી ચૂક્યો હતો.

"હમમ..!" હકારમાં પોતાની ગરદન હલાવી મેઘનાએ પોતે રુદ્રની વાતને આત્મસાત કરી રહી હોવાનાં સંકેત આપ્યાં.

"જો તમારાં પ્રતિદ્વંદીનાં મનનાં વિચારોને જાણવાં હોય તો ખૂબ જ બારીકાઈથી એની દરેક પ્રતિક્રિયાયાને નોંધો. એની બંને આંખોની કીકીઓ કઈ દિશામાં ઘૂમે છે, એનાં પગની દિશા કઈ તરફ છે અને એનો શસ્ત્ર ધરાવતો હાથ કયાં ખૂણેથી તમારી તરફ આવે છે એનું દ્વંદ્વનાં દર ક્ષણે નિરીક્ષણ કરો. હવે ફરીવાર પ્રહાર કરો ત્યારે તમારી તલવાર હાથમાંથી છટકવી ના જોઈએ અને જો એક પ્રહાર વિફળ બને તો તત્ક્ષણ મારી ઉપર બીજો પ્રહાર કરવાં પોતાની જાતને તૈયાર કરો. તો ચલો હવે ઉગામો તમારી તલવાર!" રુદ્રના આમ બોલતા જ મેઘનાએ પુનઃ પોતાની તલવારને રુદ્રના તરફ વીંઝી. આ વખતે મેઘનાની તલવાર વીંઝવાની ગતિ અને ચોકસાઈ બંને આગળનાં પ્રયાસ કરતાં ઘણું સારું હતું.

મેઘનાએ આ વખતે પોતાની તલવારને રુદ્રના નિઃસસ્ત્ર હાથ તરફ વીંઝી હતી જેને રુદ્રએ એક ડગલું પાછું હટી પોતાની તલવાર વડે રોકી લીધી. મેઘનાએ રુદ્રના દરેક શબ્દોને સમજ્યા હોય એમ એને શીઘ્રમાં શીઘ્ર પોતાની તલવારને પાછી લીધી અને રુદ્રના પેટની દિશામાં તલવારનો પ્રહાર કર્યો, આ વખતે પણ રુદ્ર મુસ્તેદ હોવાથી પોતાનું શરીર બીજી દિશામાં નમાવી મેઘનાનો ઘા નિષ્ફળ બનાવી દીધો.

મેઘનાએ હવે જાણે તલવાર ચલાવવાનું શીખી લીધું હોય એમ પોતાની તલવારને ખૂબ જ ઝડપથી રુદ્ર પર ચલાવવાનું શરૂ કરી દીધું. રુદ્ર માટે તો રાજકુમારીનાં આ બિનઅનુભવી પ્રહારોને વિફળ બનાવવા સામાન્ય બાબત હતી. રુદ્રએ મેઘનાને એની મરજી મુજબ પોતાની ઉપર પ્રહાર કરવાં દીધાં.

રુદ્ર ભલે મેઘનાને યુદ્ધકળાની તાલીમ આપી રહ્યો હતો છતાં એનું ધ્યાનનો પોતાનાં હૃદયની રાણી મેઘનાનાં મુખ પર કેન્દ્રિત હતું. તલવાર વીંઝતી વખતે મેઘનાની કીકીઓનું ચકળવકળ થવું, એનાં શરીરની લચક અને એનાં મુખની ભાવભંગીમાઓ જોવાની એકપણ તક રુદ્ર નહોતો ચૂકી રહ્યો. ક્યારેય મેઘના રુદ્રની એટલી નજીક આવી જતી હતી કે એનાં લીધે રુદ્ર એનાં શ્વાસોની સુવાસનો પણ આનંદ માણી શકતો હતો.

આખરે રુદ્ર દ્વારા પોતાનાં પાંચ ડઝનથી વધુ પ્રહારોને નિષ્ફળ બનાવવામાં આવતાં મેઘના શારીરિક રીતે થાકી ચૂકી હતી. એનામાં દ્વંદ્વ પહેલાં જે સ્ફૂર્તિ હતી એ હવે ક્ષીણ થઈ ચૂકી હતી. તલવારનો પ્રથમ વખત ઉપયોગ કરવા પર મેઘનાના હાથમાં ચીરા પડી ગયાં હતાં જેમાંથી નીકળતું રક્ત તલવારની મુઠ પર દ્રશ્યમાન થવાં લાગ્યું હતું. હવે આજની તાલીમને અહીં જ રોકી દેવી જોઈએ એમ વિચારી રુદ્રએ અતિ ત્વરાથી પોતાની તલવારનો મેઘનાની તલવાર સાથે ટકરાવ કર્યો, રુદ્ર દ્વારા ઉપયોગ કરવામાં આવેલાં બળનો પ્રતિરોધ કરવો પ્રખર યોદ્ધા માટે પણ મુશ્કેલ થઈ પડે એમ હતું ત્યારે આ તો હજુ પ્રથમ વખત તલવાર પકડી રહેલી મેઘના હતી.

રુદ્રના આ શક્તિશાળી પ્રહારના લીધે શારીરિક રીતે થાકી ચૂકેલી મેઘનાની તલવાર છટકી ગઈ અને પુનઃ રુદ્રએ પોતાની તલવાર મેઘનાની નાજુક ગરદન નજીક લાવી અટકાવી દીધી.

"રાજકુમારી, આજનો યુદ્ધઅભ્યાસ હવે અહીં જ અટકાવી દેવો જોઈએ!" રુદ્રએ પોતાની તલવાર પોતાનાં મ્યાનમાં રાખતાં કહ્યું.

"સારું." મેઘનાએ ગરદન હલાવી હામી ભરી. આમ છતાં જાહેરમાં પોતાને મળેલી આવી માતનાં લીધે મેઘનાનું હૃદય ક્રોધથી ભરાઈ ગયું હતું. રુદ્ર કંઈક કહેવા ઈચ્છતો હતો પણ એની કોઈ વાત સાંભળ્યાં વગર પગ પછાળીને મેઘના ત્યાંથી ચાલતી થઈ.

"તાત્કાલિક રાજવૈદ્યનાં જોડેથી ઘા પર લગાવવાનો ઔષધીય મલમ લઈને રાજકુમારીનાં શયનકક્ષમાં આવો." ક્રોધવેશ થઈને ત્યાંથી પોતાનાં કક્ષ તરફ જતી મેઘનાને જોઈ રુદ્રએ ત્યાં હાજર એક સૈનિકને આદેશ આપતાં કહ્યું.

રુદ્ર જ્યારે મેઘનાનાં કક્ષની બહાર પહોંચ્યો એની થોડી વારમાં રુદ્રએ મલમ લેવાં મોકલેલો સૈનિક હાથમાં એક તાંબાનું કુલડી જેવું પાત્ર લઈને રુદ્રને સોંપી ગયો. રુદ્રએ એનો આભાર માન્યો અને એ પાત્ર લઈને મેઘનાનાં કક્ષમાં પ્રવેશ્યો.

રુદ્રએ અંદર પ્રવેશીને મેઘના તરફ જોયું તો હજુ એનાં ચહેરા પર ક્રોધ દ્રશ્યમાન થઈ રહ્યો હતો. મેઘનાનાં ક્રોધની ચિંતા કર્યાં વિનાં રુદ્ર પલંગમાં બેસેલી મેઘનાની નજીક જઈને બેસી ગયો.

"રાજકુમારી, તમારો જમણો હાથ આગળ ધરો. હું તમારાં ઘા ઉપર મલમ લગાવી દઉં."

"આ ઘા તો ક્ષત્રિય માટે ઘરેણું કહેવાય!"

"એ ત્યારે ઘરેણું બને જ્યારે દુશ્મન તરફથી એ પ્રાપ્ત થયાં હોય, સ્વયંથી મળેલાં ઘા ઘરેણું ના કહેવાય." મેઘનાની અનિચ્છા છતાં રુદ્રએ એનો જમણો હાથ પોતાનાં હાથમાં લઈ તાંબાની કુલડીમાં મોજુદ ઘટ્ટ લીલાં રંગનો મલમ મેઘનાની હથેળી પર લગાવવાનું શરૂ કર્યું.

"રાજકુમારી, આ તમારી તાલીમનો પ્રથમ દિવસ હતો અને પ્રથમ દિવસે જ તમે હાર સ્વીકારી લીધી."

"કોને કીધું મેં હાર સ્વીકારી છે?" હજુ મેઘનાનો ક્રોધ એનાં સ્થાને કાયમ હતો.

"મારાં મતે જે વ્યક્તિ સ્વયં પરનો કાબુ ગુમાવી દે અને ક્રોધ કરે એનો મતલબ તો એ જ થયો એને પોતાની જાતે હાર સ્વીકારી છે. ક્રોધ, મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. ક્રોધમાં લીધેલો દરેક નિર્ણય અવિચારી અને આત્મઘાતી હોય છે. જો તમે યુદ્ધમેદાનમાં ક્રોધ કરો તો એ તમને યુદ્ધની પુર્ણાહુતી પહેલાં જ માત આપવાં સક્ષમ છે."

"લાડકોડથી ઉછરેલી એક રાજકુમારી તરીકે તમે પ્રથમ દિવસે જે શીખ્યાં એ પરથી તો એ સાબિત થાય છે કે આગળ જતાં તમે એક પ્રખર યોદ્ધા બની શકો છો." રુદ્ર દ્વારા કહેવામાં આવેલી આ વાતો સાંભળી મેઘનાનો ક્રોધ અદ્રશ્ય થઈ ગયો અને ચહેરા પર સ્મિત રમવા લાગ્યું.

"ચલો, મલમ લાગી ગયો. તમે આરામ કરો. કાલ સુધીમાં ઘા રૂઝાઈ જશે પછી આપણે આગળ યુદ્ધ અભ્યાસ કરીશું." આટલું કહી રુદ્ર મેઘનાનાં કક્ષનાં પ્રવેશદ્વાર તરફ અગ્રેસર થયો.

"એક બાજુ શરીરનાં ઘા પર મલમ લગાવે અને બીજી તરફ હૈયામાં અગણિત ઘા કરે, કોણ છે તું?" રુદ્રને જતાં જોઈ મેઘના મનોમન જે કંઈ બોલી એ પરથી એ સાબિત થતું હતું કે એ હવે રુદ્ર તરફ ખેંચાણ અનુભવી રહી હતી.

એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર રુદ્ર અને મેઘના વચ્ચે શરૂ થઈ ચુકેલો આ પ્રણય કઈ ગતિએ આગળ વધવાનો હતો એ તો ફક્ત આવનારો સમય જ જણાવી શકે એમ હતો.

*********

વધુ આવતાં ભાગમાં

શું મેઘનાની તાલીમ દરમિયાન કોઈ અઘટિત ઘટના બનશે? રુદ્ર જે આયોજનથી પૃથ્વીલોક પર હતો એને દેવદત્ત અને ગેબીનાથની સ્વીકૃતિ મળશે? અકીલાનો રુદ્ર પ્રત્યેનો દ્વેષભાવ આખરે રુદ્ર માટે કઈ નવી મુસીબતને નોંતરશે? નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ ક્યાં હતી? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED