(જંગલમાં જે એમનો વિડિયો ઉતારી રહી હતી એ સના આજ મહેલની વારસદાર હતી, બધા એનાથી મોહિત થઈને એની વાતોમાં લીન હતા ત્યારે કબીરને કોઈ અલગ જ યુવતી દેખાઈ રહી હતી જેનો પાછળ જતા એ કૂવામાં કૂદી પડ્યો હતો...)
“કબીર...કબીર... રુક જા મેરે ભાઈ." સાગર કબીરને કૂવાની સાવ પાસે ઉભેલો જોઈ કંઇક અમંગળ બનશે એવું ધારી ચિલ્લાયો હતો અને એની તરફ ભાગ્યો હતો. એ એક ક્ષણ મોડો પડ્યો. જેવો એ કૂવા પાસે પહોંચ્યો કબીર ત્યારે જ કૂદી પડ્યો હતો.
કબીર ખૂબ સારો તરવૈયો હતો. કૂવાનું ઠંડુ પાણી શરીરે અડતા જ એ ભાનમાં આવી ગયેલો. પેલી યુવતી જેની પાછળ પાછળ એ આટલે સુધી આવ્યો હતો એ હવે ગાયબ હતી. કબીરને થયું જાણે એ ઊંઘમાં છે અને કોઈ સપનું જોઈ રહ્યો છે. પાણીમાં એના હાથપગ ચલાવતો એ પરિસ્થિતિને સમજવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે જ ઉપરથી સાગરનો અવાજ સંભળાયો. એ જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો.
“કબીર..? શું થયું? તું કૂવામાં કેમ કૂદી પડ્યો યાર? રવિ, સન્ની જલદી આવો...કબીર.."
“હું ઠીક છું યાર. બૂમો ના પાડ. જો કોઈ રસ્સી જેવું આસપાસ પડ્યું હોય તો અંદર ફેંક." કબીર હવે પૂરો ભાનમાં આવી ગયો હતો.
સાગરે આસપાસ નજર કરી. કૂવાની પાસે જ એક બાજુએ એક ડોલ પડી હતી અને એ ડોલ સાથે મજબૂત દોરડું બાંધેલું હતું. સાગરે એ ડોલ ઉઠાવી અને એની સાથે બાંધેલું દોરડું છોડવા પ્રયત્ન કરવા લાગ્યો. એ સમયે રવિ, સન્ની, સના અને રઘુ પણ ત્યાં પહોંચી ગયા હતા. બધાની આંખોમાં એક જ સવાલ હતો,
“શું થયું?”
સાગરે સામેથી જ કહ્યું, “કબીર અંદર પડી ગયો. હું એને બહાર કાઢવા આ દોરડું છોડી રહ્યો છું."
“અરે પણ એમાં દોરડું છોડવાની શી જરૂર છે. દોરડા સાથે જ ડોલ અંદર ફેંકને," રવિએ કહ્યું અને તરત સાગરના હાથમાંથી ડોલ લઈ કૂવા પાસે આવ્યો, “કબીર આ ડોલ સાથેની રસ્સી પકડી લેજે."
“જરા જોઈને નાખજે, મારા માથામાં ના મારતો." કબીરે રવિના હાથમાં મોટી, લોખંડની ડોલ જોઈને કહ્યું.
કબીરે દોરડું પકડ્યું અને બધાએ એનો બીજો છેડો ખેંચી કબીરને બહાર કાઢ્યો.
“પણ તું અંદર કેવી રીતે પડી ગયો?" સન્નીએ પૂછ્યું.
“આપણે બધા અંદર ફિલ્મ જોતા હતા તું એ છોડીને અહીંયા શું કરવા આવેલો?" રવિએ પૂછ્યું.
કબીર આખો પલળી ગયો હતો. એણે હાલ કોઈ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું અને એ અંદર ચાલ્યો ગયો. હવે બધાની નજર સાગર ઉપર હતી. સાગરે જે જે જોયેલું એ બધું જ જણાવ્યું...
સાગરની વાત પૂરી થઈ એટલામાં કબીર કપડાં બદલીને આવી ગયો હતો. એ અસમંજસમાં હતો કે બધાને એની વાત કહેવી કે નહિ? જે જે એની સાથે ઘટી રહ્યું હતું એ કોઈને પણ વિશ્વાસ થાય એવું નહતું. જ્યાં એને પોતાને જ ખબર નહતી કે એની સાથે શું થઈ રહ્યું. છે ત્યારે એ બીજાને શું જવાબ આપે?
“કબીર તું ઠીક છે ને ભાઈ?" સન્નીએ કબીરના ખભે હાથ મૂકીને પૂછ્યું.
“હા હું ઠીક છું. ફિલ્મ જોતા જોતા જ અચાનક હું વિચારે ચઢી ગયેલો અને પછી જાણે સપનામાં હોઉં એ રીતે ચાલતો ચાલતો હું ક્યારે કૂવા પાસે પહોંચી ગયો એની મને ખબર જ ના પડી. હું કૂવાનાં ઠંડા પાણીમાં પડ્યો પછી જ ભાનમાં આવ્યો." કબીર હજી જાણે સપનામાં હોય એવું બધાને લાગી રહ્યું. કબીરે જાણીને એને દેખાતી યુવતી વિશે કોઈ ઉલ્લેખ ના કર્યો.
“આ મહેલમાં ઘણાને ભ્રમ થાય છે. જૂનું બાંધકામ, બાજુમાં જ આવેલા જંગલ અને આટલા મોટા મહેલમાં માણસોની ઓછી વસતી કદાચ કારણભૂત હોય શકે." સનાએ કહ્યું.
“કાલે રાત્રે સાગરની આંગળી એના મોઢામાં આવી ગયેલી. બિલકુલ એવું જ થયેલું જેવું અમે જમવા બેઠા એ પહેલા રઘુએ કહેલું." સન્નીએ વાત ઉખેળી.
સનાએ સાગર સામે જોયું અને સાગરે એની આંગળી બતાવી જેની ઉપર આગલી રાત્રે એના જ દાંત વાગી ગયેલા.
સના સહેજ હસી અને કહ્યું, “આમાં નવાઈ જેવું કંઈ નથી. સાગર આ મહેલમાં આવ્યો, વાઘ વિશેની, રાક્ષસ વિશેની વાતો સાંભળી અને એ થોડો ડરેલો હતો, એ જ સમયે રઘુએ કહ્યું કે, ખાતી વખતે ધ્યાન રાખજો, ચિકન સાથે આંગળીઓ પણ ના ચાવી જાઓ. એ વાત સાગરના અજાગ્રત મનમાં નોટ થઈ ગઈ અને જ્યારે એ જમવા બેઠો ત્યારે એ ઘટના બની ગઈ જે એના મનમાં સચવાયેલી હતી. અહીં રઘુએ કહ્યું એટલે જ નહિ પણ સાગરે એ વાત બની શકે છે એમ માન્યું અને મનમાં થોડોક ડર્યો એટલે એની આંગળી ઘવાઈ."
“અમને લોકોને અહીં બોલાવી તને પણ કોઈ ફાયદો ના થયો, રાઇટ?" રવિએ પૂછ્યું.
“હા... તમારે લોકોએ મહેલમાં રાત્રે સૂતા સૂતા ડરવાની જરૂર હતી. જંગલમાં વાઘ ઉપર ઉપરાછાપરી ગોળીઓ છોડી એને પતાવી દીધો એમ માની તમારામાં કેવી શક્તિઓ આવી ગઈ એની રાહ જોવાની જરૂર હતી." સનાએ મોઢું લટકાવી, ઉદાસ થઈ ગઈ હોય એમ બોલી.
સના સામે જોઈ રહેલા સન્નીએ કહ્યું, “એક કામ કરને બધું ફરીથી શૂટ કર. આ વખતે અમને ખબર હોય એમ. અમે લોકો થોડી એક્ટિંગ કરી લેશું."
“શું વાત કરે છે યાર? એક્ટિંગ કરવી કંઈ ચણા ખાવા જેવું આસાન નથી." રવિએ મોઢું બગાડીને કહ્યું.
“આપણે એક્ટિંગ નહિ કરવાની. નેચરલ જ રહેવાનું. જેવા અત્યારે છીએ એવા જ બસ જ્યાં ડર લાગે એવું કંઈ દેખાય ત્યારે ડરવાની એક્ટિંગ કરવાની અને એ બધું નકલી છે એમ નહિ પણ અસલી હોય એમ માનીને વર્તવાનું." સાગરે પોતાનો આઈડિયા કહ્યો.
“શું સાગર તું પણ આમની ભેગો જોડાઈ ગયો." રવિએ ફરી મોઢું બગાડ્યું અને કબીર સામે જોયું..
ક્યારનીય ચૂપ ઉભેલી સના હવે બોલી, “થોડીક મારી મદદ થઈ જશે અને તમને લોકોને પણ મજા આવશે. પ્લીઝ યાર માની જાઓને."
“જો અમારી તારી સાથે કોઈ ઓળખાણ નથી અને તે જે રીતે અમારો પોપટ બનાવવાનો ટ્રાય કર્યો એ બધું જાણ્યા પછી પણ અમે લોકો તારી મદદ શા માટે કરીએ? રવિ ઊભો થઈ ગયો અને સોફામાં બેસી રહેલા કબીર પાસે આવીને બોલ્યો, “કબીર મને લાગે છે આપણે હવે પાછા ચાલ્યા જવું જોઈએ. જે કામને અંજામ આપવા આપણે અહીં આવેલા એ બધું ખોટું હતું એ જાણ્યા બાદ અહીંયા શા માટે રોકાવું પડે?"
“સના અમે લોકો તારી મદદ કરીશું. આજ રાતથી જ તારું શૂટિંગ ચાલું કરી દે." કબીરે શાંતિથી કહ્યું.
“સરસ હું બધું તૈયાર કરી લઉં. આજ રાતથી જ શૂટિંગ ચાલું... થેંક્યું સો મચ." સના ખુશ થઈ ગઈ અને અંદર ચાલી ગઈ.
“કબીર તું આ છોકરીની વાતોમાં આવી ગયો?" રવિ હવે ખરેખર ચિડાઈ ગયો.
“હું કોઇની વાતોમાં નથી આવી ગયો. હું એ જ કરી રહ્યો છું જે કરવા આપણે અહીંયા આવ્યા હતા."
“એમાં થ્રિલ હતી યાર. અહીંયા તો ખાલી એક્ટિંગ."
“ફિલ્મની વાત નથી કરી રહ્યો. એ સિવાય પણ આ મહેલમાં કશુંક છે." ફરીથી કબીર એકદમ ગંભીર થઈને કહી રહ્યો હતો.
“તું અમને બધાને બિવડાવી રહ્યો છે કબીર? ક્યારનોય શું આમ સિરિયસ થઈને બોલ્યા કરે છે?" સન્નીએ કબીર સામે હાથ કરીને કહ્યું.
“હા યાર સન્ની બરાબર કહી રહ્યો છે. તું કંઇક બદલાયેલ કેમ લાગી રહ્યો છે? હમણાં મેં તને જોયેલો તું તારી જાતે જ કૂવામાં કૂદી પડેલો." સાગરે પણ સન્નીની બાજુમાં આવી ઊભા રહી કહ્યું.
સોનાપૂરના મહેલના વિશાળ દીવાનખંડમાં ચાર છોકરાઓ બેઠા વાતો કરી રહ્યા છે. મહેલની દીવાલો પર પ્રાણીઓના કપાયેલા મસ્તક લટકી રહ્યા છે જે દિવસે સુંદર લાગતા હશે કદાચ પણ રાતના સમયે બિહામણા જ લાગે છે. ગોળાકારે ગોઠવાયેલા ચાર મોટા મોટા સોફામાંના એક પર કબીર અને રવિ બેઠા હતા. સાગર અને સન્ની એમની સામે ઊભા હતા. સાગરની વાત સાંભળી કબીર હસી પડ્યો! ખડખડાટ હાસ્ય એ હસી રહ્યો હતો. એ જાણે કબીર હતો જ નહીં. આજ સુધી કોઈએ એને આવી રીતે હસતો નહતો જોયો.
“સાચું કહું તો આને જોઈને મને બીક લાગે છે." સન્નીએ ધીમેથી સાગરના કાનમાં કહ્યું. સાગરે ફરી કબીર અને રવિ સામે જોયું. રવિ પણ ડઘાયેલો હતો. કબીર હજી હસી રહેલો.
“ચૂપ કર કબીર. અહીંયા આટલું બધું હસવું આવે એવું શું છે?" રવિએ ઘાંટો પાડીને કહ્યું. કબીર એનો બાળપણનો મિત્ર હતો અને એને એ સારી રીતે ઓળખતો હતો. હાલની એની જે હાલત હતી એવી પહેલા ક્યારેય નહતી જોઈ.
“હું કેમ હસી રહ્યો છું? સાલા બેવકુફો જે હું જોઈ રહ્યો છું એ તમને કેમ દેખાતું નથી? અહીંયા આવો, મારી પાસે બેસો,” કબીરે સાગર અને સન્ની બંનેને હાથ પકડી એમને પોતાની બાજુમા બેસાડ્યા અને પછી ફરી હસતા હસતા કહ્યું, “સામેનું ચિત્ર જુઓ!"
હવે સોફામાં બેઠેલા ચારેય ભાઈબંધ સામી દીવાલ ઉપર લગાડેલા મોટા તૈલચિત્ર તરફ જોઈ રહ્યા હતા.
દીવાલે લાગેલા એ મોટા ચિત્રમાં કોઈ ચિત્ર નહતું પણ જાણે ત્યાં જાણે કોઈ ફિલ્મ ચાલી રહી હતી. એક ગામનું દ્રષ્ય હતું એમાં. જ્યાં કેટલીક ઘરકામ કરતી સ્ત્રીઓ દોરેલી હતી. કોઈ કૂવામાંથી પાણી ખેંચી રહેલી, કોઈ રોટલો ઘડી રહેલી, કોઈ માથે ઘાસનો ભારો લઈને ચાલે જતી, કોઈ વલોણું વલોવી રહેલી... અને એ બધી જ એમની આ ક્રિયાઓ સાચે જ કરી રહી હતી."
“ફક યાર! વોટ ધ હેલ ઇઝ ગોઇંગ ઓન?" સાગરે કહ્યું.
“આ.. કઈ રીતે શક્ય છે? મને બધી છોકરીઓ હલતી, કામ કરતી દેખાઈ રહી છે." રવિએ આંખો ફાડીને કહ્યું.
“આ ચિત્ર મેં કાલે પણ ધ્યાનથી જોયેલું ત્યારે તો આ બધી અંદર ચોંટી ગયેલી હતી." સન્ની માંડ અટકી અટકીને આટલું બોલી શક્યો.
હજી કબીરની આંખો જે જોઈ રહી હતી એ આ લોકોને નહતું દેખાઈ રહ્યું. એ ચિત્રમાં કૂવામાંથી પાણી ખેંચી રહેલી છોકરી ભરેલી ડોલ લઈને ચિત્રની બહાર આવી હતી. ડોલમાનું પાણી ત્યાં જ દીવાલ પાસે નીચે ઢોળીને એણે કબીર સામે જોયું, એ આંખોમાં એક અજીબ કશિશ હતી. કબીર હસવાનું બંધ કરી પાછો ગંભીર થઈ ગયો. એ છોકરી એ જ હતી જે આગળ પણ કબીરને દેખાયેલી આ વખતે એ કબીર સામે જોઇને હસી હતી અને પછી ચાલવા લાગી. કબીર પણ ધીરેથી ઊભો થયો અને એની પાછળ જવા લાગ્યો...
બાકીના ત્રણે પેલું ચિત્ર જ જોઈ રહ્યા હતા. ત્રણેના મોઢા પર આશ્ચર્ય હતું. અચાનક સન્નીની નજર બાજુમાં ગઈ અને એ ધીમેથી બોલ્યો,
“કબીર અહીં નથી."
“હેં?" સાગર અને રવિ બંને એકસાથે બોલી ઉઠયા. બધાએ એમની વચ્ચે ખાલી પડેલી જગ્યા જોઈ અને એ જ પળે પેલું ચિત્ર સ્થિર થઈ ગયું.
“આ ક્યાં ચાલ્યો ગયો? આપણને ખબર પણ ના પડી!" રવિએ કહ્યું.
“ક્યાંક સવારે ગયેલો એ જગ્યાએ..." સાગર ઊભો થઈ ગયો.
“મને કબીરનો જાન ખતરામાં લાગે છે. કોઈ સાયો એની પાછળ પડ્યો લાગે છે" સન્ની બોલી રહ્યો હતો અને ત્યાં જ સાગર અને રવિ બંને બહારની બાજુએ દોડ્યા, “અરે ટોપાઓ મનેય સાથે લેતા જાઓ, આ ભૂતડીઓ વચ્ચે મુજ બાળકને મરવા છોડી જાઓ છો?" સન્ની પણ ભાગ્યો...
આ વખતે પણ એ લોકો સહેજ મોડા પડેલા. એ કૂવા પાસે પહોંચવા જ આવેલા ત્યારે કબીર છેક પાળી પાસે ઊભો હતો અને એ લોકોએ એને બૂમ પાડી એવો જ એ કૂવામાં કૂદી પડેલો...
ક્રમશ...