Pentagon - 5 books and stories free download online pdf in Gujarati

પેન્ટાગોન - ૫

(જંગલમાં વાઘનું પૂતળું જોઈને ચારે મિત્રોને કોઈ એમને ઉલ્લુ બનાવી રહ્યું છે એવું લાગે છે, પણ કોઈ શા માટે આવું કરે? કબીરને એક યુવતી રઘુ સાથે ભાગતી દેખાય છે. મહેલમાં આવ્યા બાદ પણ એની નજરે એક સુંદર યુવતીનો ચહેરો પડે છે, હવે આગળ...)
કબીર સવારે વહેલો ઊઠીને બાહર ચક્કર મારી આવ્યો. એને રાત વાળી યુવતી કે એની કોઈ નિશાની ના મળી. એક અજીબ ઉદાસી એ અનુભવી રહ્યો હતો. જેનું ફક્ત થોડીક વાર માટે જ કાચની બારીમાં પ્રતિબિંબ જોયેલું એ સુંદર ચહેરો એની નજર આગળથી ખસવાનું નામ નહતો લેતો. એ કોણ હતી અને ફક્ત પોતાને જ કેમ દેખાઈ? હવે ફરી ક્યારે દેખાશે?
બંને સવાલો કબીરને હેરાન કરી રહ્યા હતા અને એની પાસે એક પણ સવાલનો જવાબ નહતો. એ ફરી મહેલમાં આવ્યો. દીવાનખંડમાં દાખલ થયો ત્યાં જ સામે રઘુને જોતા એનું મગજ છટક્યું.
“સાલા...તું દગા ખોર છે!"
કબીર એની સાવ નજીક જઈ એને આંગળી બતાવતા બોલેલો.
“ગાળ નહિ દો માલિક હું મારી ફરજ બજાવતો હતો." રઘુએ શાંતિથી કબીરની આંખોમાં આંખ મિલાવી કહ્યું.
“અબે માલિક મને કહે છે, જંગલમાં મારી સાથે આવેલો અને ત્યાં ફરજ કોની બજાવી રહેલો?" કબીરે ગુસ્સે થઈને રઘુનો કોલર પકડી કહેલું.
“છોડી દે એને એ મારા તરફની વફાદારી નિભાવી રહ્યો હતો. તારે જે વાત કરવી હોય એ મારી સાથે કર." ઉપરના માળેથી સીડીઓ ઉતરી નીચે આવી રહેલી એક યુવતીએ કહ્યું. એ હજી હાલ ઊઠી હોય એવું લાગતું હતું. એ હજી એના નાઈટ ગાઉનમાં જ હતી. આછા ગુલાબી રંગના ના એ ટુ પીસ નાઈટ ગાઉનમાં એ યુવતી સુંદર લાગતી હતી.
કબીર ઘડી ભર એ યુવતીને જોઇ રહ્યો. આ ગઇકાલ રાત વાળી જ યુવતી હતી એમાં કબીરને કોઈ શક નહોતો.
“તું ઉપરથી ક્યાંથી આવી.? અને આમ મારા મહેલમાં કોને પૂછીને,"
કબીર હજી એનું વાક્ય પૂરું કરે એ પહેલા જ એ રઘુ બોલી ઉઠ્યો, “માનથી વાત કરો એ અહીંના કુંવરી બા છે!"
“શું કહ્યું? કુંવરી બા? મતલબ આ મહેલની વારસદાર?" કબીર ઘડીભર વિચારમાં પડ્યો અને એની સામે આવીને ઊભેલી પાતળી, ઊંચી, ગુલાબી ચામડી વાળી છોકરીને જોઈ રહ્યો. એ ખરેખર સુંદર હતી. કોઈ રાજકુમારી જેવી.
“વારસદાર હોય તોય શું? આ મહેલ હવે મારી માલિકીનો છે. મારા ડેડીએ એને ખરીદી લીધો છે." કબીરે ફરી વાત ચાલું કરી.
“તારા ડેડી એ આ મહેલ ખરીદ્યો એ વખતે કેટલીક શરતો પણ માન્ય રાખેલી. એમાંની એક શરત એ હતી કે એ અમને આ મહેલમાં આવતા ક્યારેય નહિ રોકે. આ મહેલ અમારું ગૌરવ છે. અમારા વડવાઓની નિશાની. અમે જ્યારે ઇચ્છીએ ત્યારે અહીં આવીને રોકાઈ શકીએ છીએ."
એ યુવતીનો અવાજ એની વાત કરવાની રીત બધું એક એક રાજકુમારીને શોભે એવું હતું. કોઈ આડા દિવસે એ મળી હોત તો કબીર એને જરૂર આવકારત પણ કાલે રાત્રે જે કંઈ બની ગયું એનાથી એ નારાજ હતો.
આ લોકોનો અવાજ સાંભળી ઉપરના રૂમમાં સૂઈ રહેલા સન્ની અને રવિ નીચે આવી ગયા. અહીંયા આટલી સુંદર યુવતીને હાજર જોતાં જ બંને એને જ જોવામાં લીન થઈ ગયા.
સાગર પણ નીચે આવી ગયો અને આવતા જ એણે પૂછ્યું?"
“આ રઘુ રાત્રે ક્યાં ગાયબ થઈ ગયેલો..?" બોલતા બોલતા જ એ અટકી ગયો અને સના સામે એકટુક જોઈ જ રહ્યો.
“અબે ટોપાઓ મોઢું બંધ કરો લાળ ટપકે છે. એ અહીંની રાજકુંવરી છે, સના. સના બા... કહેવાનું." કબીર અકળાઈને બોલી પડ્યો.
સના બધા સામે જોઈને હસી પડી.
“કાલે રાત્રે હું જે યુવતીનો પીંછો કરી રહ્યો હતો એ આ જ છે. જે કેમેરો જંગલમાંથી મળ્યો એ પણ આ મેડમનો જ છે."
“હા એ કેમેરો મારો છે અને એના વડે હું તમારા લોકોની ફિલ્મ ઉતારી રહી હતી. હકીકતે હું યુરોપથી ઇન્ડિયા આવી જ છું એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવા. લોકોની અંધશ્રદ્ધાને હું પડદા પર બતાવવા ઈચ્છતી હતી. એના માટે મેં એક જૂની વાર્તા વાઘ અને માતાજી સાથે રાક્ષસ વગેરે લઈને લોકો આગળ સોશ્યલ મિડિયા પર મુકેલી. એના વિશે ઊંડાણ પૂર્વક એક આર્ટિકલ લખીને મારી વેબસાઈટ પર મુકેલો. એ જ સમયે ખબર નહિ કેવી રીતે પણ મારી પેપર ઉપર લખેલી વાર્તા આ કબીરના હાથમાં આવી ગઈ અને એને એમાં રસ પડ્યો. એણે એ વિશે સર્ચ કરવાનું ચાલું કર્યું અને હું એને ગમે એવી રસપ્રદ માહિતી આપતી ગઈ." સના થોડીવાર અટકી અને બધા સામે એક નજર ફેરવી. બધા ધ્યાનથી એની વાત સાંભળી રહ્યા હતા.
“તમે લોકો અહીંયા આવવા રેડી થયા અને મને કોમેડી હોરર ફિલ્મ બનાવવાનો આઈડિયા આવ્યો. અમે લોકોએ જંગલમાં અને આ મહેલમાં કેટલીક ટ્રિક કરી પૂતળા મૂક્યા હતા.
“એક તો અમે લોકોએ કાલે રાત્રે જ પકડી પાડેલું. પેલી હવામાં ઉડતી મીણબત્તી વાળું." રવિએ કહ્યું.
“હા મેં એક છોકરીનું ગીત સાંભળેલું રાત્રે, પણ એ છોકરી ન હતી દેખાઈ.” સન્નીએ કહ્યું.
“હવે રહેવા દે ને છોકરી દેખાઈ હોત તો ભાઈના શું હાલ થયા હોત એ કહું?" રવિએ મજાક કરતા કહ્યું.
“સના તે અમારો વિડિયો ઉતાર્યો એ તો બતાવ."
“હા..એક જ મિનિટ. તમે લોકોએ આ ગામની જમીન પર પગ મૂક્યો ત્યારની હું પડછાયાની જેમ તમારી સાથે જ હતી. જુઓ મેં કેટલું રેકોર્ડ કર્યું છે."
સનાએ કેમેરામાં રેકોર્ડ કરેલી ફિલ્મ એના લેપટોપ પર ચલાવી. બધા લોકો હસી મજાક કરતા એ ફિલ્મ માણી રહ્યા હતા ત્યારે કબીરની આંખો કંઇક અલગ જ જોઈ રહી હતી...
લેપટોપની સ્ક્રિન પર જંગલ દેખાઈ રહ્યું હતું. એ ઝાડીઓની વચ્ચેથી દૂર દૂર એક નાનકડો પ્રકાશ દેખાઈ રહ્યો હતો. ધીરે ધીરે એ પ્રકાશ નજીક આવતો ગયો. એ એક મીણબત્તી હતી. એ મીણબત્તી પકડીને ચાલી રહેલી એક યુવતી પણ દેખાઈ...
કબીર ધ્યાનથી જોઈ રહ્યો હતો. આ એ જ યુવતી હતી જેનો ચહેરો એણે કાલે રાત્રે જોયેલો. એ યુવતી લેપટોપની બહાર નીકળી આવી અને કબીર સામે એક ક્ષણ પૂરતું જોયું. તરત જ નજર વાળી લઈ એ આગળ વધી ગઈ. કબીર પણ જાણે ભાન ભૂલ્યો હોય એમ એ છોકરીની પાછળ પાછળ ચાલી નીકળ્યો...
બધા મિત્રો અને સના, રઘુ ફિલ્મ જોઈ હસી રહ્યાં હતાં. અચાનક રવિનું ધ્યાન ગયું કે કબીર ત્યાં હાજર નહતો. એણે બીજા લોકોને કબીર વિશે પૂછ્યું. કોઈને ખબર ન હતી. બધા ઊભા થઈ ગયા અને અલગ અલગ જગ્યાએ કબીરને શોધવા લાગ્યા. સાગર બહાર આવી કબીરને ખોળી રહ્યો હતો. એણે દૂર કબીરને ચાલ્યો જતો જોયો અને બૂમ મારી, પણ કબીરે એ સાંભળ્યું જ નહિ. સાગરે બીજા લોકોને બૂમ મારી બહાર આવવાનું કહ્યું અને એ કબીર પાછળ ગયો.
કબીરને એની આગળ પેલી સુંદર યુવતી સિવાય કંઈ દેખાતું નહતું. એ બસ એની પાછળ ને પાછળ ચાલે જતો હતો. એક કૂવા જેવી જગ્યાએ આવીને એ યુવતી અટકી હતી. એણે એની મીણબત્તી કૂવામાં ફેંકી દીધી અને કબીર સામે જોઈ રહી. કબીરને કોણ જાણે શું થઈ ગયું અને એ કૂવાની ખૂબ જ નજીક જવા લગ્યો.
જ્યારે સાગર અહીંયા પહોંચ્યો ત્યારે એણે જોયું કે કબીર કૂવાની પાળીની સાવ નજીક ઊભો હતો.. અચાનક સાગરને થયું કે જાણે એ કૂવામાં કૂદી પડવાની તૈયારી કરી રહ્યો હતો!
“આ કૂવામાં કૂદી ના પડે તો સારું... કબીર રૂક મેરે ભાઈ!" જોરથી બૂમ પાડીને સાગર કબીર તરફ દોડ્યો હતો પણ એ એક ક્ષણ મોડો પડ્યો. કબીર કૂવામાં છલાંગ લગાવી ચૂક્યો હતો...
ક્રમશ ..

બીજા રસપ્રદ વિકલ્પો