પેન્ટાગોન - ૯ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

પેન્ટાગોન - ૯

(ચારેય મિત્રો સનાની ફિલ્મ શૂટ કરવામાં મદદરૂપ થઈ રહ્યા હતા. જંગલમાં સન્નીએ વાઘના પૂતળા પર ગોળી છોડેલી જે સાચુકલો વાઘ નીકળ્યો હતો એણે સન્ની પર વળતો હુમલો કરેલો. કબીરે સન્નીને બચાવ્યો અને એ વાઘની પાછળ જંગલમાં ભાગેલો...)

કબીર વાઘનો પીંછો કરતો કરતો જંગલમાં ઘણો આગળ નીકળી ગયો હતો. અહીંયા ઝાડીઓ વધારે ગીચ હતી. પગ પણ જોઈને મૂકવો પડે એવી પરિસ્થિતિ હતી. અહીંયા જો સહેજ શરતચૂક થાય અને વાઘ હુમલો કરે તો બચવું મુશ્કેલ પડે એવું હતું. કબીરે વિચાર્યું કે એણે પાછા ફરી જવું જોઈએ. જે રસ્તેથી આવ્યો હતો તે જ રસ્તે પાછો જવા એ આગળ વધ્યો.

સાચવીને પગ મુકતો કબીર એક હાથમાં ગન પકડી બીજા હાથે અચાનક સામે આવી જતા વેલાઓને ખસેડતો ચાલી રહ્યો હતો. અચાનક જ એની નજર સામે એક ફૂંફાડા મારતો સાપ દેખાયો. એને વેલો સમજીને કબીર હાથથી ખસેડવા જ જતો હતો કે ફૂંફાડાનો અવાજ સાંભળી એના હાથ અટકી ગયા. આ એક જ જનાવર એવું હતું જેનાથી કબીરને થોડો ડર લાગતો. એણે એ રસ્તો છોડી બીજી બાજુની ઝાડીમાંથી ચાલવાનું પસંદ કર્યું અને ત્યાં જ એ ખોટા રસ્તે ચઢી ગયો!

આ ઝાડી થોડી વધારે ગીચ હતી. ફરીથી કોઈ સાપ કે ઝેરી જંતુ ના આવી જાય એનું ધ્યાન રાખતો કબીર અંધારામાં જ આગળ વધી રહ્યો હતો. ઝાડીઓની વચ્ચે ચાંદનો પ્રકાશ નહિવત્ જેવો હતો છતાં કબીરે ટોર્ચ સળગાવવાનું મુલતવી રાખ્યું. પાછળથી વાઘ હુમલો ના કરે એમ વિચારી એક નજર આગળ અને એક નજર પાછળ રાખી કબીર આગળ વધી રહ્યો હતો. દસેક મિનિટ ચાલ્યા બાદ એ ગીચ ઝાડીમાંથી બહાર આવી ગયો હતો. જેવો એ બહાર નીકળ્યો એની નજર દૂર દેખાતી એક દેરી પર પડી. આ એવી જ દેરી હતી જેવી એણે ઓનલાઇન ફોટામાં જોઈ હતી. એ દેરી જ્યાં વાઘ રૂપે રહેલ રાક્ષસ માતાજીના દર્શન કરવા આવતો હોવાની વાત કરેલી...

હાલ એ વાઘ અંદર હશે તો? કબીરના મનમાં સવાલ જાગ્યો અને એ થોડીક વાર ઊભો રહી ગયો. એને એના મિત્રોને અહીંયા બોલાવી લેવાની ઈચ્છા થઈ આવી પણ એને પોતાને જ ખબર ન હતી કે હાલ એ ક્યાં હતો! જે થવાનું હશે એ થશે, મોત આવવાનું હશે તો અહીંયા પણ આવશે અને દેરીમાં પણ...એમ વિચારી એ આગળ વધ્યો.

દેરીના પ્રવેશદ્વાર આગળ આવીને એ ઊભો રહી ગયો. અંદર એક દીવો સળગતો હતો. જેનું અજવાળું છેક બહાર સુધી રેલાઈને આવતું હતું. કબીરને નવાઈ લાગી અહીંયા આ દીવો કોણ સળગાવી ગયું હશે? પછી થયું કે જંગલમાં રહેતા કોઈ માણસો અહીંયા આવતા હોવા જોઈએ. દીવો જેણે પણ પ્રગટાવ્યો હોય એનાથી કબીરને અંદર વાઘ નથી એ જોવામાં સરળતા થઈ ગઈ. એ દરવાજા આગળ ઊભો રહી અંદર નજર કરી રહ્યો હતો.

સામે જ એક વિશાળ કદની દેવીની મૂર્તિ હતી. એની આગળ માટીના કોડિયામાં દીવો સળગી રહ્યો હતો. અગરબત્તી અને થોડા જંગલી ફૂલોની સુગંધ આવી રહી હતી. અંદર થોડી ધૂળ, એક ઢોલ અને કેટલોક પૂજાનો સમાન પડેલો હતો. અંદરથી એક મોટા ઓરડા જેટલી મોટી એ દેરીમાં ચાર પાંચ માણસો આરામથી બેસીને પૂજા કરી શકે એટલી જગ્યા હતી. કબીરને થયું કે એણે અંદર જઈને દેવીને પગે લાગવું જોઈએ પણ બૂટ પહેરીને અંદર જવું એને યોગ્ય ના લાગ્યું અને અહીંયા બૂટ કાઢીને જવું એને મૂર્ખામી ભર્યું લાગ્યું. અંદર કોઈ સાપ, વીંછી કે ઝેરી જીવડું હોઈ શકે છે! એણે બહાર ઊભા ઊભા જ બે હાથ જોડીને દેવીને પ્રણામ કર્યા. આમ તો કબીર આ બધામાં માનતો ન હતો પણ હમણાં બે દિવસથી એની સાથે જે જે ઘટનાઓ બની રહી હતી એમાં એને દેવીની મદદની જરૂર હતી.

અચાનક કબીરને કાને કોઈના ઝાંઝરનો રણકાર અથડાયો. અહીંયા આ શેનો અવાજ આવ્યો? એમ વિચારી કબીર પાછળ ફર્યો તો ત્યાં કોઈ ન હતું. ચારે બાજુ ઝાડ અને સૂકા પાંદડા સિવાય કંઈ જ દેખાતું ન હતું. કબીરને થયું કે એનો વહેમ હશે. એ દેરી છોડી આગળ ચાલવા જ જતો હતો કે એ અવાજ ફરીથી સંભળાયો, આ વખતે એ વધારે સ્પષ્ટ હતો. એક જાટકા સાથે કબીરે પાછળ ફરી દેરીમાં નજર કરેલી અને એની આંખો ફાટી ગઈ.

અંદર એક યુવતી ઊભી હતી. જે કબીર સામે જોઈ હસી રહી હતી. આ એ જ યુવતી હતી જે ફક્ત કબીરને દેખાતી હતી. એક પળ માટે કબીરને થયું કે, એને હવે કોઈ નહિ બચાવી શકે. એના દોસ્ત દૂર હતા, એમને ખબર પણ ન હતી કે હાલ પોતે કઈ જગ્યાએ છે! કબીરે વિચાર્યું કે એ છોકરીની આંખોમાં જોઈ પોતે ભાન ગુમાવી બેસે છે તો આ વખતે એ એની આંખોમાં નહિ જોશે.

કબીર હજી વિચારી રહ્યો હતો અને એ યુવતી ચાલતી ચાલતી બહાર આવી છેક કબીરની સામે આવી ઊભી રહી ગઈ. કબીર નજર નીચે ઢાળીને ઊભો હતો. એનું ચાલત તો એ આંખો બંધ કરી નાખત...પણ સામે ઉભેલી યુવતી હવે શું કરશે એ જોવાની તાલાવેલી પણ જબ્બર હતી!

“હું તને કોઈ નુકશાન નહિ પહોંચાડું તું મારાથી ડર નહિ!" એ યુવતીએ કહ્યું.

એની વાત માનવી જોઈએ કે નહીં એ કબીર નક્કી ના કરી શક્યો પણ એનું મન કહી રહ્યું કે એની આંખોમાં નથી જ જોવાનું. એ નજર નીચે ઢાળીને ઊભો રહ્યો.

“તું મને ઓળખે છે. યાદ કર. મારો ચહેરો તે પહેલા પણ જોયો છે. અસંખ્યવાર એને તારી હથેળીઓમાં લીધો છે. મારા ગાલ પર હજી તારા હોઠના નિશાન છે. તું મને કેવી રીતે ભૂલી શકે?" એ યુવતી કહી રહી હતી. એનો અવાજ કબીરને જાણીતો લાગતો હતો. જાણે એ રોજ આ અવાજ સાંભળતો હતો.

“મારી સામે જો હું તને ચાહું છું! તું પણ મને ચાહે છે. વરસો લગી મેં તારી રાહ જોઈ છે અહીંયા અને હવે તું આવ્યો છે ત્યારે તારે ફક્ત મારી જ નહીં બીજી ઘણી સ્ત્રીઓની આત્માને મોક્ષ અપાવવાનો છે. આપણે કરેલા પાપની કદાચ આ રીતે પૂર્તિ થઈ શકે. મારી સામે જો કુમાર..."

હવે એ અવાજને અવગણવો કબીર માટે મુશ્કેલ હતું. “કુમાર" આ નામ કેમ આટલું બધું પોતીકું લાગે છે. કોણ છે આ યુવતી અને એમણે શું પાપ કરેલું એ જાણવા માટે પણ હવે એ યુવતી સાથે વાત કરવી જરૂરી હતી. આખરે કમને કબીરે નજર ઉપર ઉઠાવી અને એ યુવતી સામે જોયું.

પીળા અને લાલ કલરની ઘેરદાર ચણિયાચોળીમાં સજ્જ એ યુવતીએ માથે પીળા રંગની ઓઢણી ઓઢી હતી. મરક મરક હસતી એ કબીર સામે જોઈ રહેલી. એના એ માસૂમ ચહેરા પર નિર્દોષતા હતી. એ ભૂત કે કોઈ ભટકતી આત્મા છે એમ માનવા કબીરનું મન રાજી ન હતું. એના નાજુક ગાલ પર પોતાના હોઠની મહોર લગાવવા કબીર તૈયાર હતો. આજ સુધી ક્યારેય કોઈ છોકરીને જોઈને જે લાગણી ન હતી અનુભવાઈ એ હાલ કબીર અનુભવી રહ્યો હતો. એની આંખોમાંથી નકરો પ્રેમ વહી રહ્યો હતો જે આ અંધારામાં પણ કબીર જોઈ શકતો હતો. એ આંખોમાં જીવનભર ખોવાઈ જવા માટે કબીર તૈયાર હતો. કોઈ અગમ્ય આવેશને વશ થઈ કબીર આગળ વધ્યો હતો. એણે એનો હાથ લંબાવ્યો અને એ યુવતીના ખભે હાથ મુકવા પ્રયાસ કર્યો... પણ આ શું?

કબીરનો હાથ હવામાં જ ફરી રહ્યો હતો. સામે જે યુવતી દેખાઈ રહી હતી એ એક આભા માત્ર હતી! એક પડછાયા સમાન! એને અડવું શક્ય ન હતું. કબીર બેચેન થઈ ઊઠ્યો હતો. એની આ હાલત જોઈ એ યુવતી હસી હતી અને કહ્યું,

“મારા વ્હાલા આપણું મિલન થશે. જરૂર થશે પણ એ પહેલા આપણે આપણા કર્મોની સજા ભોગવવી પડશે." એ યુવતીએ એનો હાથ ઉપર ઉઠાવ્યો અને કબીરના માથા પર મૂક્યો. કબીરના કપાળ, આંખો, નાક અને હોઠ ઉપર ફરતો ફરતો એ હાથ ગળે આવ્યો ને કબીરને જાણે ઘેન ચઢ્યું હોય એમ એની આંખો બીડાવા લાગી. એ યુવતીએ એના બે હાથ અધ્ધર કર્યા એ સાથે જ કબીરનું આખું શરીર હવામાં ઉંચકાયુ અને ત્યાંથી થોડે દૂર સુધી હવામાં જ ઉડતું એ નીચે જમીન પર આરામથી લેટાવી દેવાયુ.

થોડીક જ વારમાં બાકીના મિત્રો કબીરને શોધતા ત્યાં આવી પહોંચ્યા અને કબીર અહીંયા કેમ આડો પડ્યો છે એમ વિચારી એની પાસે દોડી આવ્યા. કબીરના શરીર પર કોઈ ઘાવ ન હતો. એ લોકોએ કબીરને ઢંઢોળ્યો, એના મોંઢા પર પાણી છાંટ્યું અને કબીર ભાનમાં આવી ગયો. એ અહીંયા કેવી રીતે આવી ગયો? પેલી છોકરી ક્યાં ગઈ? આ લોકો અહીં કેવી રીતે પહોંચ્યા?

ઘણા બધા સવાલો હતા બધાના મનમાં પણ હાલ સૌ ચૂપ રહ્યા. બધા સહીસલામત હતા અને આ એમની અહીંયા છેલ્લી રાત હતી, સવાર પડતાં જ એ લોકો અહીંથી નીકળી જશે અને ઘરે પાછા ફરીને જેને જે પૂછવું હોય એની આરામથી ચર્ચા થશે એમ વિચારી બધા ગાડીમાં ગોઠવાઈ ગયા હતા.

એ રાત બીજી કોઈ મોટી ઘટના વગર આરામથી પસાર થઈ. બધા લોકો થાકેલા હતા. નિરાંતે ઊંઘ લીધા બાદ સવારે બધાને તાજગી વર્તાતી હતી સિવાય એક કબીર. એ હજી તૈયાર થઈ રહ્યો હતો. સન્ની, સાગર અને રવિ નીચે આવી સનાને એમની ગાડી વિશે પુછી રહ્યા હતા.

“રઘુ ગાડી લઈ આવ્યો? અમારે નીકળવું છે." સાગરે સનાને પૂછ્યું.

“તમારે લોકોએ તો કાલે જવાનું છે ને?" સના એ ખૂબ ભોળા ભાવે પૂછ્યું.

“કાલે એટલે આજે, અત્યારે જ કબીર તૈયાર થઈને આવે એટલે અમે નીકળી જઈશું!" સાગરે ગંભીર થઈને કહ્યું.

“તમે તમારું વચન ના તોડી શકો. તમે મને વચન આપેલું કે મારી ફિલ્મનું શૂટિંગ પૂરું કરાવી તમે લોકો કાલે જશો!"

“આ શું મજાક છે? કાલે ફિલ્મનું શૂટિંગ થઈ તો ગયું." રવિએ ગુસ્સે થઈને કહ્યું.

“મજાક હું કરી રહી છું કે તમે લોકો? ગઈ કાલ રાત્રે તમે બધા થાકેલા હતા અને સૂઈ ગયેલા, ફિલ્મનું શૂટિંગ કાલે કરીશું એમ કહીને." સના હસતા હસતા કહી રહી હતી.

“આ લોકો આપણને ફસાવી રહ્યા છે સાગર. રવિ આપણે હાલ જ અહીંથી નીકળી જઈશું. ગાડી તૈયાર ના હોય તો ભાડે વાહન કરી લઈશું." સન્ની કહી રહ્યો હતો. એ ડરેલો હતો એ એના અવાજ પરથી પરખાઈ જતું હતું.

“આપણે ચોક્કસ નીકળી જઈશું અને એ પણ આજે જ કબીર આવી જાય એટલી જ રાહ જોવાની છે." રવિએ કહી રહ્યો હતો અને ત્યારે જ કબીર નીચે આવી ગયો.

“કબીર આવી ગયો, ચાલો નીકળીએ." સન્નીએ ઉત્સાહથી કહ્યું.

“આપણે અહીં રોકાવું પડશે." કબીરની વાત સાંભળી સના સિવાયના બધા એને આશ્ચર્યથી જોઈ રહ્યા.

“કબીર અહીંયા રોકાવું સલામત નથી. તારી જાન ઉપર
ખતરો છે યાર!" સાગરે કહ્યું.

“તમારે લોકોએ જવું હોય તો જઈ શકો છું હું અહીંયા જ રોકાઈશ. મને કંઈ નહિ થાય!" ખૂબ ગંભીર અવાજે આટલું કહીને કબીર ટેબલ ઉપર ગોઠવાઈ ગયો.

સનાએ કબીર આગળ નાસ્તા માટે ડીશ મૂકી અને બાકીના સામે જોઈ કહ્યું, “તમે લોકો નાસ્તો કરીને જશો કે હાલ નીકળવું છે? તમને રઘુ મારી ગાડીમાં છેક તમારા ઘર સુધી ઉતારી જશે."

ત્રણે જણાએ એકબીજા સામે જોયું અને પછી એક એક કરીને ટેબલ પર ગોઠવાઈ ગયા. સના એ બધા આગળ ડીશ મૂકી અને રઘુને નાસ્તો પીરસવા કહ્યું!
ક્રમશ....