Pentagon - 11 books and stories free download online pdf in Gujarati

પેન્ટાગોન - ૧૧

(સના અહીંની રાજકુમારી નથી એ જાણી બધાને નવાઈ લાગી. એની પાસેથી હવે સાચું જાણીને જ રહીશું એમ વિચારતા ચારેય મિત્રો ફરીથી ત્યાં એક કૌતુક જુએ છે અને કૂવા પાસે દોડેલા કબીરની પાછળ ભાગે છે...)

“ઓયે કબીર...ઊભો રહે યાર!"

આ વખતે બધા પહેલેથી જ ચેતેલા હતા. સાગર વધારે ઝડપથી ભાગેલો, એનું કસરતી શરીર કામ આવેલું અને એણે કબીરની આગળ જઈ એને ભેંટીને રોકી લીધો.

“આ વખતે તને કૂવામાં નહિ જ પડવા દઈએ." સાગરની પાછળ જ આવી પહોંચેલા રવિ અને સન્નીએ કબીરને પાછળથી પકડી લીધો હતો.

અચાનક થયેલા આ હલ્લાથી કબીર ભાનમાં આવી ગયેલો. એને પેલી યુવતી દેખાતી બંધ થઈ ગયેલી અને એ પૂરો ભાનમાં આવી ગયેલો. જોકે બધાએ એને રોકી લીધો એ એને ન હતું ગમ્યું. કબીરને ફરીથી એ યુવતી સાથે વાત કરવી હતી. કોણ જાણે કેમ પણ એને અંદરથી એવું લાગતું હતું કે આ યુવતી જ એને આ બધી મુસીબતમાંથી બહાર કાઢી શકશે! છેલ્લે એની જ મદદથી આ મહેલમાં બની રહેલી ઘટનાઓ વિશે જાણી શકાશે, એને રોકી શકાશે!

કબીરનો હાથ પકડી એના મિત્રો એને મહેલમાં ઢસડી ગયેલા. એ લોકોને હવે જેમ બને એમ જલદી સનાને પકડી આ બધું અહીંયા શું ચાલી રહ્યું છે એ પૂછવું હતું. એ લોકોને એ માટે રાહ ના જોવી પડી. જેવા એ લોકો મહેલમાં પ્રવેશ્યા ત્યાં હૉલ ની અંદર સના ઉભેલી દેખાઈ. એ બધા સામે જોઈ સહેજ મલકાઇ.

“સના અમારે અત્યારે જ તારી સાથે કેટલીક વાત કરવી છે!" રવિએ સનાની સામે જઈને ઉભા રહેતા કહ્યું.

“કહો કે જે કહેવું હોય આમેય હું અત્યારે સાવ નવરી છું!" સના એ ખાલી ખાલી બગાસું ખાવાનું નાટક કર્યું.

“તું અહીંની રાજકુમારી નથી!" સાગરે ગુસ્સાથી ઊંચા અવાજે કહ્યું.

“અં...હા યાર યાદ આવ્યું. હું અહીંની રાજકુમારી નથી તો?" સનાએ હસીને જાણે બધાનો મજાક બનાવી રહી હોય એમ કહેલું.

“તું અમને મળી ત્યારથી લઈને આજ સુધી તે અમને બધું ખોટું કહ્યું છે. તે અમને ગેરમાર્ગે દોર્યા છે." સાગરે વધારે ઊંચા અવાજે કહ્યું.

“બધું ખોટું નથી કહ્યું, વચ્ચે વચ્ચે કેટલીક વાતો સાચી પણ કહી છે." સનાએ નાટકીય રીતે આંખો પટપટાવી કહ્યું.

“રવિ આને કંઇ સમજાવ મારા હાથની એક ધોલ પડી જશે તો હાલ અક્કલ ઠેકાણે આવી જશે." કંટાળેલા સાગરે આખરે રવિની મદદ લીધી.

રવિ અને સન્ની બંને ચૂપ હતા. સના સાથે કેવી રીતે કામ લેવું એ હજી તેઓ વિચારી રહ્યા હતા. અચાનક સામે આવી ગયેલી સના સાથે શું વાત કરવી જોઈએ એ હજી એમને સમજાયું ન હતું. સાગર ગુસ્સો કરી રહ્યો હતો એ ખોટું હતું એ વાત બંને સમજતા હતા પણ સનાનું વર્તન જોઈ એમને સાગરને રોકવાનું મન ન હતું થઈ રહ્યું.

“સાગર થોડીવાર શાંતિ રાખ યાર!" બધાની નવાઈ વચ્ચે કબીર આ વખતે બોલ્યો, “સના તારે તારી સફાઈમાં જે કહેવું હોય એ હકીકત કહી દે. હવે અમે લોકો તારી જૂઠી વાતોમાં નહિ આવીએ. સારું એ જ રહેશે કે તું અમને બધું જે હોય એવું જણાવી દે."

“એ સાચું છે કે હું અહીંની રાજકુમારી નથી. હું અહીંના એક વેપારીની દીકરી છું અને આ મહેલમાં વરસોથી હું આવતી જતી રહી છું. અહીંની એક એક દિવાલ, એક એક ખૂણો હું જાણું છું. નાનપણમાં સાંભળેલું કે અહીંયા જે લોકો રહેવા આવે છે એમને કોઈ ને કોઈ અજીબ અનુભવ થાય છે અને એ અહીંથી ચાલ્યા જાય છે. મનેય બહુ શોખ હતો ભૂત જોવાનો અને એટલે જ હું અહીંયા આવતી. મારા પિતાજીને આ મહેલના લોકો સાથે ઘર જેવો સંબંધ હતો એટલે મને અહીંયા આવતી કોઈ રોકતું નહીં. રાજાસાહેબે પણ મહેલ છોડીને જતી વખતે અમને લોકોને જ અહીંનું ધ્યાન રાખવા કહેલું. મને ક્યારેય કોઈ ભૂત નથી દેખાયું. પણ અહીંયા કામ કરવા આવેલા માણસો, ક્યારેક કોઈ મહેમાન રાત રોકાયું હોય એને કોઈ ને કોઈ વિચિત્ર અનુભવ જરૂર થતો."
સના થોડીવાર અટકી અને બધા સામે એક નજર કરી.

“હું બે વરસ ભણવા માટે બહાર ગઈ ત્યાં મારી મુલાકાત પ્રોફેસર નાગ સાથે થયેલી. એ ભૂત પ્રેત ઉપર રિસર્ચ કરે છે. એમને વિશે વધારે તપાસ કરતા ખબર પડી કે એ પેન્ટાગોન નામની એક સંસ્થા ચલાવે છે. પેન્ટાગોન એ પાંચ સભ્યોની બનેલી એક એવી સંસ્થા છે જે નિર્દોષ લોકોને ભૂતપ્રેતની ચુંગાલમાંથી છોડાવે છે. પ્રોફેસરની વાતો સાંભળી મને થયું કે આ મહેલમાં જે કંઈ ઘટી રહ્યું છે એ વિશે એ જરૂર કંઈ માહિતી મેળવી શકે. મેં એમને અહીંની વાત કરી હતી. એમણે મને વચન આપેલું કે એ અહીં જરૂર આવશે. આ વિકમાં જ એ અહીંયા આવી જશે એવું એમણે મને જણાવેલું. પેન્ટાગોન ટીમના સભ્યો અહીં આવે અને એમનું કામ ચાલું કરે એ પહેલા મારે કેટલીક ઘટનાઓ રેકોર્ડ કરવી હતી. અહીંયા આપણે જે નરી આંખે જોઈએ છીએ, જે રેકોર્ડ થાય છે એ અને કેમેરાની આંખે જે દેખાય છે એ ઘટના અલગ છે. મારી વાત પર તમને ભરોસો નહીં થાય પણ એ હકીકત છે કે અહીંયા આપણા સિવાય પણ કેટલીક આત્માઓની અવર જવર છે જે આપણે નથી જોઈ શકતા પણ કેમેરામાં એ દેખાય છે. તમારા લોકોનું શૂટિંગ કરવાને બહાને હું એ આત્માઓને જ જોઈ રહી હતી. એ મને દેખાઈ ખરી પણ રેકોર્ડિંગમાં નથી દેખાતી!"

“તારી બધી વાત સાથે સહમત પણ તે અમારી સાથે અમને અહીંયા બોલાવીને આ નાટક શા માટે કર્યું? તને કેવી રીતે ખબર પડી કે અમે લોકો આવીશું જ અને તું અમારી ફિલ્મ ઉતારી શકીશ? ઉપરાંત પેલું વાઘનું પૂતળું અને એનું સાચું થઈ જવું?" કબીરે ફરી સવાલો કર્યા.

“આ બધા વિશે મને પણ પૂરી જાણકારી નથી. મેં બસ પ્રોફેસર નાગે મને જેમ કરવાનું કહ્યું એમ જ કરેલું. તમને અહીંયા બોલાવવા એ વાઘ અને માતાજીવાળી વાર્તાનું નકલી કાગળ મૂકવાનું, ગૂગલ પર આ મહેલ વિષે ખોટી વાતો ફેલાવવાનું બધું પ્રોફેસર ના કહેવા પર જ મેં કરેલું. એ અહીંયા આવવાના છે તમારા બીજા સવાલોના જવાબ એ જ આપી શકશે. તમે લોકો અહીં ઉભા કરાયેલા નકલી ભૂતથી ડરતા હો એ વખતે હું સાચા ભૂતને કેમેરામાં કેદ કરી શકું એટલે જ મે તમારી પાસે ફિલ્મનું શૂટિંગ કરવાનું કહી નાટક કરેલું. અફસોસ મને જે દેખાતું હતું એ રેકોર્ડ નથી થયું?"

એ દિવસ જ ગજબ ઉગેલો. છેક સાંજ સુધી બધા ગુમસુમ એક જ રૂમમાં બેઠી રહેલા. છેક સાંજે મહેલના કમ્પાઉન્ડમાં એક ગાડી આવીને ઊભી રહેલી....
ક્રમશ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED