Pentagon - 10 books and stories free download online pdf in Gujarati

પેન્ટાગોન - ૧૦

( જંગલમા વાઘના શિકારનું શૂટિંગ કરવા ગયેલ મિત્રોથી અલગ કબીર કોઈ બીજી જ દિશામાં આગળ વધ્યો હોય છે જ્યાં એને માતાજીની દેરી દેખાય છે, એક યુવતી દેખાય છે જે એને કુમાર કહી સંબોધે છે...)
ચારેય મિત્રો નાસ્તાના ટેબલ પર ગોઠવાઈ ગયા હતા. કબીર સિવાયના ત્રણે જણા ચિંતિત હતા અને આ બધી મુસીબતની જડ સના જ છે એમ માની તિરસ્કારથી એની સામે જોઈ રહ્યા હતા. સનાને જાણે એ લોકોની હાલત પર મજા આવી રહી હોય એમ મલકાતી રહી રઘુને કહી બધાની ડિશમાં આલુના પરોઠા અને દહીં પિરસાવી રહી હતી.

નાસ્તો કર્યા બાદ કબીરને લઈને બાકીના ત્રણે દોસ્ત ઉપરના ઓરડામાં ગયા હતા.
“કબીર તું ગાંડો તો નથી ગયો? મને કોઈ એક કારણ આપ હજી આ ભૂતિયા મહેલમાં રોકાઈ રહેવાનું?" રવિએ પૂછેલું.
“રવિ સાચું કહી રહ્યો છે યાર! મને પણ હવે તારી ચિંતા થઈ રહી છે. તું તારા વશમાં નથી કબીર. અમે લોકો તારા મિત્રો છીએ અમારી વાત માન અને હાલ જ અહીંથી નીકળી જા." સાગરે કબીરને સમજાવ્યો.

“કાલે મેં વાઘના પૂતળા પર જ ગોળી છોડી હતી. આગલી રાત્રે એ પૂતળું હતો અને કાલે રાત્રે એ સાચુકલો કેમનો થઈ ગયો? કેવી તરાપ મારેલી એણે મારા ઉપર. કબીરે છેલ્લા ટાઈમે ગોળીઓ ના છોડી હોત તો એ સાલો મારું જ ડિનર કરી નાખત." સન્ની રાતનું યાદ કરી અત્યારે પણ ધ્રુજી ઉઠેલો.
“મને આ છોકરી સના જ ગરબડ લાગે છે. રામ જાણે એ માણસ પણ છે કે નહીં! કયારેક તો એ જ કોઈ ચુડેલ જેવી લાગે છે." સાગર બોલી રહ્યો હતો પણ એની નજર કબીર તરફ હતી. એ અંદર આવતા જ પલંગ પર બેસી ગયેલો. બધાની વાત એ સાંભળતો જરૂર હતો પણ કોઈ જવાબ નહતો આપી રહ્યો એ જોઈ એણે કહ્યું, “આનું નક્કી ચસકી ગયું છે. કાલે કેટલી વખત કૂવામાં કૂદી પડેલો અને આજે સાવ સૂનમૂન છે!"

“કબીરની હાલત ખરેખર ચિંતા કરાવે એવી છે. તું કંઇક વાત કર દોસ્ત! તને શું થાય છે? શું દેખાય છે? કાલે રાત્રે તું ક્યાં ચાલ્યો ગયેલો?" રવિએ કબીરના બંને ખભે એના હાથ મૂકી, કબીરની આંખોમાં આંખો પરોવી કહેલું.

“મને નથી ખબર મને શું થઈ રહ્યું છે. કાલે રાત્રે હું જંગલમાં આગળ ભાગેલો ત્યાં મને માતાજીની દેરી દેખાઈ હતી અને પેલી યુવતી પણ, એણે મને કુમાર કહીને બોલાવેલો અને મેં એને ખૂબ નજીકથી જોઈ હતી. હું એને ઓળખું છું. જાણે રોજ એનો ચહેરો જોઉં છું, પણ ક્યાં એ મને યાદ નથી આવી રહ્યું. જ્યાં સુધી મને એ યાદ નહિ આવે મને ક્યાંય ચેન નહિ પડે." કબીર બોલ્યો એ જોઈ બધા રાજી તો થયા પણ એની વાતો સાંભળી ચિંતિત પણ થયા.

“તમારે લોકોએ પાછા મુંબઈ ચાલ્યા જવું જોઈએ. હું અહીંયા ક્યાં સુધી રોકાઇશ એનું કંઈ નક્કી નથી. એ યુવતીને મારી મદદની જરૂર છે. એ મને શું કરવા કહેશે એની મને સહેજ પણ ખબર નથી, હું એને ના નહિ કહી શકું."

“તને એકલો છોડીને મુંબઈ પાછા જવાનો તો સવાલ જ ઉભો નથી થતો યાર! જઇશું તો બધા સાથે અને કૂવામાં ધૂબાકો મારશું તોય બધા સાથે!" સન્નીએ કહ્યું અને બધા હસી પડ્યા.
“આજકાલની આપણી દોસ્તી થોડી છે. કેટલા અઘરા લાગે એવા કામ આપણે સાથે મળીને પાર પાડ્યા છે અહીંયા પણ બધું ઠેકાણે પાડી જ લઈશું." સાગરે કહ્યું.

“આતો સારું થયું કે આ મહેલમાં આપણે લોકો જ પહેલા આવ્યા. અંકલે અહીંયા કામ ચાલું કરાવ્યું હોત અને બીજા કોઈ માણસોને આપણા જેવો અનુભવ થયો હોત તો એ તો અહીં ભૂત છે એમ કહી ભાગી જ જાત. આગળ અહીંયા કામ કરાવતા અંકલને ખાસી મુસીબત આવત." રવિએ કહ્યું.

બરાબર આ જ વખતે કબીરના ફોન ઉપર એના પપ્પાનો ફોન આવેલો. કબીરે ફોન ઉઠાવ્યો અને સામાન્ય વાતચીત બાદ એણે મહેલમાં બની રહેલી ઘટના વિશે ઉલ્લેખ કરેલો.
“ડેડી અમે લોકો અહીંયા સોનાપુર આવ્યા ત્યારે આ મહેલ જે રાજા સાહેબ પાસેથી આપણે ખરીદેલ એમની ડૉટર સના અહીંયા આવેલી હતી. એનું કહેવું છે કે એમને અહીં મરજી પડે ત્યારે રહેવા આવી શકે એ શરતે જ મહેલની ડીલ ફાઈનલ થયેલી."

“મને આવી કોઈ વાત યાદ નથી કબીર! છતાં હું ફરીથી તપાસ કરાવું છું. રાજા સાહેબની કોઈ ડૉટર પણ છે? મને તો આ વાતની તે કહ્યું ત્યારે જ જાણ થઈ. તું ચિંતા ના કરતો હું કર્મવીરસિંહ સાથે વાત કરી લઉં છું. મને યાદ છે ત્યાં સુધી તો એમને કોઈ સંતાન નથી." કબીરના પપ્પા કે.કે.દિવેટિયાની વાત સાંભળી કબીર વિચારમાં પડી ગયો. ફોન મુકાઈ ગયા બાદ બધાની નજર કબીરને તાકી રહી હતી. કબીરે એમને જે વાત થઈ એ જણાવી.

“મને તો પહેલાથી જ એ છોકરી વિચિત્ર લાગી છે. આ રઘૂડાએ રૂપિયા ખાઈને એને અહીંની રાજકુમારી બનાવી દીધી અને આપણે લોકો બેવકુફોની જેમ એની વાતોમાં આવી ગયા." ક્યારનોય અકળાઈ રહેલો રવિ બોલી ઉઠ્યો.

“એ અહીંની રાજકુમારી નથી તો એ કોણ હોય શકે? આપણને લઈને જ એને ફિલ્મ બનાવવી છે એ જોયું. આપણે અહીં આવ્યા ત્યારની એ આપણને એના કેમેરામાં શૂટ કરી રહી હે. એ કોઈ એમ. ટીવી બકરા જેવી લાઈવ સિરિયલનું શૂટિંગ તો નથી કરી રહી? આપણને ઉલ્લુ બનાવી એ એની વ્યૂઅર શીપ વધારતી હોય અને આપણે બબુચકની જેમ એ જેમ કહે એમ કરી રહ્યા છીએ!" સાગરે એનો ડાઉટ કહ્યો.

“ભાઈ મને તારી વાત સાચી લાગે છે. પહેલા વાઘનું પૂતળું અને પછી સાચુકલો વાઘ, નક્કી એ છોકરી આપણને મામુ બનાવી રહી છે." સન્નીએ કહ્યું.

“સનાની અહીંયા વાત જ નથી. જે છોકરી મને દેખાય છે મારે એના વિષે જાણવું છે. એ મને કંઇક કહેવા માંગે છે અને એની વાત સાંભળી, એની મદદ કર્યા વિના હું અહીંથી નહિ જઈ શકું." કબીરની વાત સાંભળી પાછા બધા વિચારમાં પડ્યા. ફરીથી કબીરના પપ્પાનો ફોન આવ્યો,

“હા કબીર મારી વાત ધ્યાનથી સાંભળ, રાજા કર્મવીર સિંહ વરસો પહેલાં ભારત છોડીને વિદેશમાં સ્થાયી થયેલા અને એમણે ત્યાંની જ કોઈ સ્ત્રી સાથે લગ્ન કરેલા. લગ્નના થોડા વરસો બાદ એ સ્ત્રી મૃત્યુ પામેલી અને ત્યારબાદ રાજાએ ફરી લગ્ન જ નથી કર્યા. એમને કોઈ સંતાન પણ નથી. આ બધું હાલ રાજા કર્મવીર સિંહે જાતે કહ્યું. એ છોકરી જે પણ હોય એની પોલીસ ફરિયાદ નોંધાવી દે હું હાલ કમિશ્નર ભૂતડા સાથે વાત કરી ત્યાંના નજીકના પોલીસ સ્ટેશનથી માણસ મોકલવા કહું છું."
“ડેડી તમે પોલીસમાં વાત કરી રાખો અને જરૂર પડે મદદ કરવા કહેજો પણ હાલ એ છોકરીને પકડાવવી નથી. એણે આ નાટક કેમ કર્યું એનો જવાબ તો એણે આપવો જ પડશે." કબીરે મક્કમ થઈ કહ્યું.

“ઓકે માય ડિયર સન એઝ યુ વિશ બટ લેટ મી કલીયર, કોઈ જોખમ ના લેતા. તમે ચાર જણા અને એ એકલી છોકરી,"

“ઓહ કમ ઓન ડેડ... અમે એની સાથે કોઈ મિસ બિહેવ નહિ કરીએ." કબીરે એના પિતાને બોલતા અટકાવી એની વાત કહી. થોડી બીજી વાતો કરીને ફોન મુકાય ગયો.

“તો હવે મિશન સના ચાલું થાય છે, રાઇટ?" સન્નીએ કહ્યું અને બધાએ એક સાથે રાઇટ કહી એમનો હાથ ઉપર ઉઠાવી અંગૂઠો બતાવ્યો.

એ લોકો નીચે જઈને સનાને પકડીને હાલ જ બધી વાત પૂછવા ઉતાવળ થયા હતા. બધા ઊભા થઈ દરવાજે આવ્યા ત્યારે દરવાજો બંધ હતો. એ લોકો અંદર આવ્યા ત્યારે આ બારણું કોઈએ બંધ કરેલું કે નહિ એ અત્યારે કોઈને યાદ ન હતું. સન્નીએ બારણાને બહારની તરફ જોરથી ધક્કો માર્યો. જૂના વખતનો લાકડાનો મજબૂત દરવાજો હલ્યો પણ નહિ. ચારેય જણાએ એકબીજા સામે જોયું પછી એકસાથે જ હલ્લો કરીને બધા બારણે ભટકાયા... હજી બારણું તસનું મસ ના થયું.
“આપણે વાતોમાં હતા ત્યારે સના કે કોઈ એનો મળતિયો આવીને બારણું બહારથી બંધ કરી ગયો! હવે શું કરીશું?" સાગર કહી રહ્યો હતો અને એ જ વખતે કબીર એ બારણાની બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો.

“ત્યાં શું જોઈ રહ્યો છે?" એમ બોલતાં સાગરે પણ કબીર જોતો હતો એ બારી તરફ નજર નાખી.
એ બારીની બહાર એક નાની ગુડિયા જેવી રૂપાળી છોકરી દોરડા કૂદી રહી હતી. એની નજર પણ આ લોકો ઉપર જ હતી. એ બધા સામે જોઈ હસી હતી અને પછી દોરડા કુદવામાં જ ધ્યાન આપી રહી હતી. એની ઘેરદાર ઘાઘરી વારે વારે દોરડાં માં ફસાઈ જતી હતી. ત્યાં એક બીજી યુવતી આવી અને એણે એ બાળકીની ઘાઘરીનો એક છેડો પકડી, એને થોડો ઉપર ઉઠાવી કમરે ખોસી આપ્યો.
“હવે એ વચ્ચે નહિ આવે!" એ યુવતીએ કહ્યું અને થોડે દૂર ખસી પૂછ્યું, “તે તારા કુમાર ભાઈને ક્યાંય જોયો?"
“કુમારભાઈ તો હમણાં તમને જ શોધતા હતા. એ પેલા કૂવા બાજુ ગયા હતા." આટલું કહીને એ છોકરી ફરી દોરડા કૂદવા લાગી.
“ઠીક છે કુમાર ફરી અહીં આવે તો કહેજે હું એની કૂવા પાસે રાહ જોઉં છું!" એ યુવતી આ કહેતી વખતે પાછળ ફરી હતી અને કબીરની સામે જોઈ, એની આંખોમાં આંખો મિલાવી એવી રીતે બોલી હતી જાણે એ હાલ જ એની કૂવા પાસે રાહ જોઈ રહી હોય.
બીજી જ પળે બધું અદૃશ્ય થઈ ગયું.
“હાલ એક છોકરી અહીં દોરડા કૂદી રહેલી એ ગાયબ થઈ ગઈ!" સાગરે કહ્યું.
“તમને લોકોને એની સાથેની બીજી યુવતી ના દેખાઈ?" કબીરે પૂછ્યું.

બધાએ એક સાથે 'ના ' કહ્યું અને કબીર સામે જોયું,
“મને એ યુવતી ફરી દેખાઈ અને એણે મને કૂવા પાસે બોલાવ્યો છે." કબીર તરત પાછો વળ્યો અને બારણું ખોલી બહાર નીકળ્યો. આ વખતે બારણું એક ધક્કા સાથે ખુલી ગયેલું.

“ઓય ફરી કૂવામાં ના પડતો..." કહીને બાકીના ત્રણે એની પાછળ ભાગ્યા.
ક્રમશ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED