રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 13 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 13

રુદ્રની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૧૩

"મને કેમ એવું લાગે છે કે તમે પોતાની અસલી ઓળખ છુપાવી રહ્યાં છો?" મેઘનાનાં આ શબ્દો સાંભળી રુદ્ર એક ક્ષણ તો અચંબિત થઈ ગયો પણ બીજી જ ક્ષણે એને પોતાની જાત પર કાબુ મેળવી વિનમ્ર ભાવે કહ્યું.

"આવું લાગવાનું કારણ જાણી શકું?"

"એક સામાન્ય વેપારી આટલો બુદ્ધિશાળી, પ્રખર યોદ્ધા અને વધારામાં આટલો સુંદર કઈ રીતે હોઈ શકે. આ તો કોઈ રાજકુમારના લક્ષણ માલુમ પડે છે."

"હવે આ થોડું વધુ થઈ ગયું હોય એવું નથી લાગતું તમને? ક્યાં હું દર દર ભટકતો એક સામાન્ય મનુષ્ય અને ક્યાં કોઈ રાજકુમાર!" રુદ્ર પણ ગાંજ્યો જાય એવો નહોતો. કોઈપણ પરિસ્થિતિમાં મનનાં ભાવને કાબુમાં કઈ રીતે રાખવા એ વસ્તુ રુદ્રએ ગુરુ ગેબીનાથ પાસેથી સારી રીતે આત્મસાત કરી હતી.

"મને તો એ જ નથી સમજાતું કે આ તે કેવો નિયમ કે રાજાનો દીકરો જ રાજા બની શકે? હકીકતમાં તો એવું હોવું જોઈએ કે જે એ પદ માટે ઉત્તમ હોય, જેનામાં કુશળ રાજનેતાની ક્ષમતા હોય, જે ન્યાયસંગત હોય અને સદાય પોતાની પ્રજાની સુખાકારીનું વિચારી શકે એવી જ વ્યક્તિને રાજા બનાવવો જોઈએ એવું મારુ માનવું છે."

"ઉત્તમ વિચાર છે આપનો. પણ આવું કોઈ સ્ત્રી કરી શકતી હોય તો એને પણ પોતાનાં રાજ્યની ધુરી સંભાળવાનો એટલો જ અધિકાર છે જેટલો એક પુરુષને છે. તમારાં જેવી ઉચ્ચ વિચારો ધરાવતી મહિલા પણ શાસન કરી શકે એવું મારું અંગત મંતવ્ય છે."

"વીરા, હવે તો મને પાકો વિશ્વાસ છે કે તું કોઈ રાજકુમાર જ છે અને એ પણ પૃથ્વીલોકનો તો નહીં જ, કેમકે અહીંયા સ્ત્રીઓ રાજવહીવટમાં માથું મારે એ કોઈ વ્યક્તિને પસંદ નથી."

"તમે કહો છો તો માનવું જ રહ્યું રાજકુમારીજી, ભૂલી ગયો મેઘનાજી."

"ફક્ત મેઘના કહીશ તો વધુ સારું રહેશે."

"સારું મેઘનાજી..અરે મેઘના."

રુદ્ર અને મેઘના વચ્ચે એકાંતમાં થયેલો આ વાર્તાલાપ એકબીજાને નજીક લાવવાની સાથે એકબીજાનાં હૃદયમાં પરસ્પર માન વધારવા નિમિત્ત બન્યો. એકબીજાને નામથી સંબોધવાની સાથે શરૂ થયેલો આ વાર્તાલાપ આગળ જતાં પ્રેમમાં પરિવર્તન પામવાનો હતો એ અત્યારથી જ સ્પષ્ટ હતું.

******

રાતે રુદ્રએ જરા અને દુર્વાને પુનઃ ભોજનકક્ષની જોડે આવેલાં સંગ્રહકક્ષમાં આવવા જણાવી દીધું. રાત્રીનો પ્રથમ પહોર શરૂ થઈ ગયો હતો અને રાત્રીભોજ પૂર્ણ થઈ ચૂક્યો હોવાથી અત્યારે ભોજનકક્ષની નજીકમાં નીરવ શાંતિ અનુભવાતી હતી.

રુદ્ર અત્યારે પોતાનાં બંને મિત્ર ઈશાન અને શતાયુ સાથે સંગ્રહકક્ષમાં ઊભો-ઊભો જરા અને દુર્વાની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો. મેઘનાનો અંગરક્ષક હોવાં ઉપરાંત રાજ્યવહીવટની જવાબદારીનો અસ્વીકાર કર્યાં બાદ આ નિમ રાજકુમારનું માન અને કદ બંને નિમલોકોનાં સૌથી મોટાં શત્રુ એવાં અગ્નિરાજનાં રાજ્યમાં ઘણું વધી ચૂક્યું હતું. પોતાનાં સ્વપ્ન સુંદરી મેઘના સાથે આજે મનભરીને વાતો કરી હોવાં છતાં રુદ્ર અત્યારે કોઈ કારણથી ચિંતિત માલુમ પડી રહ્યો હતો.

"કેમ છો મિત્રો?" જરા અને દુર્વાનાં સંગ્રહકક્ષમાં આવતાં જ રુદ્રએ એ બંનેને ગળે લગાવી કહ્યું.

"અત્યારે તો દરેક વસ્તુ એનાં યથાયોગ્ય સ્થાને છે, પછી ખબર નહીં શું થાય?" દુર્વાએ બેફિકરાઈથી જવાબ આપતાં કહ્યું.

"ચિંતા ના કરશો, આ બંને મારાં મિત્ર ઈશાન અને શતાયુ છે. આ બંને અત્યારે મારાં કહેવાથી મુખ્ય રસોઈયાનાં સહાયક તરીકે અહીં જ સેવા આપી રહ્યાં છે." ઈશાન અને શતાયુને એકધ્યાને જોઈ રહેલાં જરાને જોઈ રુદ્રએ કહ્યું.

"એનો મતલબ કે તમે તો તમારું આયોજન ઘણું મજબૂત તૈયાર કર્યું છે!" શતાયુ અને ઈશાનને ગળે લગાવી જરા બોલ્યો.

"હવે સિંહનાં મોંમાં હાથ નંખાય આંગળી થોડી નંખાય. આપણે પાંચ મળીને હાથ બનીએ. એક એવો મજબૂત હાથ જે અગ્નિરાજને સમય આવે બરાબરની ટક્કર આપી શકે." મૌન ધારણ કરીને ઊભેલો શતાયુ બોલ્યો.

"બોલો રાજકુમાર, અહીં ઓચિંતા બોલાવવાનું કોઈ ખાસ કારણ?" જરાએ રુદ્રને ઉદ્દેશીને પ્રશ્ન કર્યો.

"આમ તો કારણ બહુ મોટું નથી છતાં એ ઉપર અત્યારથી ધ્યાન નહીં આપું તો આગળ જતાં આ કારણ મોટું રૂપ ધારણ કરી શકે છે." રુદ્રના આમ બોલતા જ એનાં ચારેય મિત્રોનાં કાન સરવા થઈ ગયાં.

"હું ઈશાન અને શતાયુ સાથે કુંભમેળામાં ભાગ લેવાં જવાનું બહાનું બનાવીને પાતાળલોકમાંથી પૃથ્વીલોક આવ્યાં હતાં. ગુરુ ગેબીનાથ અને મારાં પિતાશ્રી મહારાજ દેવદત્તની આનાકાની છતાં હું એમને મનાવીને અહીં આવવામાં સફળ રહ્યો. અહીં આવ્યાં બાદ એક પછી એક એવી ઘટનાઓ સર્જાઈ છે જેનાં લીધે હું પાતાળલોક સુધી કોઈ સંદેશ નથી પહોંચાડી શક્યો."

"હવે એ સમય આવી ચૂક્યો છે જ્યારે હું પિતાજીને મારાં અહીં આવવાનું સાચું કારણ જણાવી દઉં. મારાં આટલાં સમય સુધી પૃથ્વીલોક પર રહેવાથી એમની ચિંતા દિવસરાત વધી રહી હશે. આથી હું એવું ઈચ્છું છું કે પાતાળલોકમાં જઈને મહારાજ દેવદત્ત અને ગુરુ ગેબીનાથને મળી મારાં અહીં આવવાનાં કારણ વિશે અને અત્યારે હું અહીં રત્નનગરીની રાજકુમારીનાં અંગરક્ષક તરીકે હાજર છું એ અંગે જણાવવામાં આવે."

"તમે ચિંતા ના કરશો રાજકુમાર, આ કાર્ય તમે મારાં ઉપર છોડી દો. હું આવતીકાલે જ વિંધ્ય તરફ પ્રયાણ શરૂ કરી દઈશ. વીંધ્યાચલથી ત્રિદેવ માર્ગ થઈને પાતાળલોકમાં જતો માર્ગ મને ખબર છે. હું પાતાળલોક પહોંચી મહારાજ દેવદત્ત અને ગુરુ ગેબીનાથને મળી આપનો સંદેશો અવશ્ય વહેલી તકે પહોંચાડી દઈશ." જરાના અવાજમાં આત્મવિશ્વાસ વર્તાતો હતો.

"અતિ ઉત્તમ! જરા, તું પિતાજીને સમજાવજે કે હું જે કરી રહ્યો છું એ નિમલોકનો રાજકુમાર હોવાનાં નાતે મારી પ્રથમ ફરજ હતી. નિમલોકો પર વર્ષોથી થતાં અન્યાયનો હવે અંત કરવાનો સમય આવી ગયો છે. ગુરુદેવને પણ ચરણસ્પર્શ કરી મારાં નમસ્કાર કહેજે." રુદ્રએ જરાને ગળે લગાવી લાગણીશીલ સ્વરે કહ્યું.

"અવશ્ય એવું જ થશે." જરાનાં અવાજમાં સ્પષ્ટતા હતી કે એ પોતાને સોંપેલું કાર્ય યથાર્થ કરીને જ આવશે.

"હવે તો થોડું હસી લે મારાં ભાઈ! બીજું એ જણાવ કે રાજકુમારી જોડે બપોરે શું વાતો કરતો હતો?" શતાયુએ રુદ્રને હેરાન કરવાનાં ઉદ્દેશથી કહ્યું.

"શતાયુ સાચું કહે છે. મેં બપોરનાં સમયે જોયું હતું કે તું રાજકુમારીનાં કક્ષની બહાર નહીં પણ અંદર હતો." ઈશાન પણ શતાયુની સાથે જોડાયો.

"સાચું કહું તો હજુ મારે રાજકુમારીને વધુને વધુ ઓળખવાની જરૂર છે. એ કોઈ બાળગીત જેટલી સહજ છે તો સાથે કોઈ વેદ અને પુરાણની માફક ગૂઢ. ક્યારેય એની વાતો નિર્દોષ બાળક સમી લાગે તો ક્યારેક એની દલીલો કોઈ મોટાં અર્થશાસ્ત્રી જેવી. એક પળમાં એ એની ચરમ ગતિએ વહેતી નદી છે તો બીજી જ પળે શાંત સરોવર. એ એક એવું પુષ્પ છે જેની સુવાસ લાખો પુષ્પોમાંથી બનતાં અત્તરથી પણ વધુ છે. ક્યારેય એ સમજાતી નથી અને ક્યારેક એવું લાગે કે એ મારું ખુદનું જ પ્રતિબિંબ છે." પોતાનાં મિત્રોનાં સવાલનો જવાબ આપતી વખતે રુદ્રની આંખો આગળ રાજકુમારીનું મુખ તરવરતું હોય એવો ભાસ થતો હતો.

"ઉત્તમ..અતિ ઉત્તમ, મારો મિત્ર હવે કવિ પણ બની ગયો!" શતાયુના આ શબ્દો ત્યાં ઉભેલાં દરેકનાં ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરી ગયાં.

જરાને એની પાતાળલોક સુધીની યાત્રા માટે શુભેચ્છા પાઠવી રુદ્ર અને એનાં મિત્રોનું એ દળ વિખેરાયું. જરા જે દિવસે પાતાળલોકમાંથી પાછો આવશે એ દિવસે એ લોકો આ જ સમયે આ જ સ્થાને પુનઃ એકત્રિત થશે એવું રુદ્રએ પોતાનાં મિત્રોને જણાવી દીધું.

પોતાનાં પિતાજી અને ગુરુ ગેબીનાથ પોતાની વાત સમજી જશે એવી આશા સાથે રુદ્ર રાજકુમારી મેઘનાનાં શયનકક્ષ તરફ અગ્રેસર થયો. રાજા અગ્નિરાજ અને રાણી મૃગનયનીની ગેરહાજરીમાં રાત્રી દરમિયાન રાજકુમારીની સુરક્ષાની જવાબદારી બમણી થઈ ગઈ હોવાનું રુદ્ર જાણતો હતો આથી એને પોતાની ગેરહાજરીમાં રાજકુમારી મેઘનાની સુરક્ષામાં જે સૈનિકો ખડેપગે હાજર રહેતાં એમાં પોતાનાં મિત્ર દુર્વાનો સમાવેશ કરી દીધો હતો.

*******

બીજાં દિવસે સવાર થતાં જ રુદ્ર આરામ કરવાં હેતુથી પોતાને ફાળવેલાં શયનકક્ષ તરફ ચાલી નીકળ્યો. પોતાનાં સ્થાને જે સૈનિકો રાજકુમારી મેઘનાની સુરક્ષા હેતુ આવ્યાં એમાં દુર્વાને જોઈ રુદ્રને ઘણી રાહત થઈ.

મધ્યાહ્નનનું ભોજન ગ્રહણ કર્યાં બાદ રુદ્ર જ્યારે રાજકુમારીનાં શયનકક્ષ તરફ આવ્યો ત્યારે મેઘનાએ રુદ્રને પોતાનાં કક્ષમાં આવવા જણાવ્યું. રુદ્રના આવતાં જ મેઘનાએ પોતાનાં સખીવૃંદને ત્યાંથી જવા જણાવ્યું.

મેઘનાની સખીઓ જતી વેળાએ જે રીતે મેઘનાની સામે જોઈ જે હાવભાવથી હાસ્ય કરી રહી હતી એ જોઈ રુદ્રનાં ચહેરા પર લાલશ પથરાઈ ગઈ. સાથે રુદ્રને મનોમન એ વિચાર પણ આવ્યો કે શું રાજકુમારીએ પોતાની સખીઓ સમક્ષ પોતાનાં પ્રતિ એનાં હૃદયમાં શું ચાલી રહ્યું છે એ અંગે જણાવ્યું હશે?

"વીરા, એક કામ છે તારું!" મેઘનાનો સત્તાવાહી અવાજ સાંભળી પોતાનાં વિચારોમાં ખોવાઈ ચૂકેલો રુદ્ર પુનઃ હકીકતની દુનિયામાં પાછા આવતાં બોલ્યો.

"બોલો, આપના માટે હું શું કરી શકું?" વિનયતા સાથે રુદ્રએ કહ્યું.

"તમને પિતાજીએ મારાં અંગરક્ષક નિયુક્ત કર્યાં છે એનો અર્થ એ નથી કે તમારે માત્ર મારી સુરક્ષાને જ તમારું દાયિત્વ સમજવાનું, પણ સાથે-સાથે તમારું એ પણ દાયિત્વ બને છે કે હું આપમેળે પોતાનું રક્ષણ કરી શકું એ રીતે મને સક્ષમ બનાવવી." મેઘનાના અવાજમાં કોઈ ભાવ નહોતાં પ્રગટ થતાં.

"આનો તાત્પર્ય જણાવશો?" મૂંઝવણભરી નજરે મેઘના ભણી જોતાં રુદ્રએ પૂછ્યું.

"આજથી તમે મને દરરોજ એક યોદ્ધાની રીતે તૈયાર કરવા માટેની તાલીમ આપશો.!" મેઘનાની આ વાત સાંભળી રુદ્રએ આંચકો અનુભવતાં કહ્યું.

"શું કહ્યું હું તમને યુદ્ધકળાની તાલીમ આપું?"

"હા અને સાથે ઘોડેસવારીની પણ." મેઘનાનાં અવાજમાં રાજકુમારીને છાજે એવો મક્કમ ભાવ હતો.

"જેવી આપની ઈચ્છા." રુદ્રએ સસ્મિત કહ્યું. રુદ્ર હસી તો રહ્યો હતો પણ રાજકુમારી મેઘનાએ અચાનક રજૂ કરેલી આ ઈચ્છા સાંભળી એને અચરજ જરૂર થઈ હતી.

"તો પછી ક્યારથી શરૂ કરવી છે તમારી તાલીમ?" રુદ્રએ શાલીનતાથી પૂછ્યું.

"આજથી, અત્યારથી જ. હું તૈયાર છું જો તમે તૈયાર હોવ તો!" મેઘના પોતાનાં સેજ પરથી ઊભી થતાં બોલી.

"જો આપ તૈયાર હોવ તો હું પણ તૈયાર છું." રુદ્રના અવાજમાં આત્મવિશ્વાસ વર્તાતો હતો.

"તો ચાલો ત્યારે, બહાર બગીચામાં જઈને અભ્યાસનો આરંભ કરીએ." આટલું કહી મેઘના પોતાનાં શયનકક્ષનાં દ્વાર તરફ અગ્રેસર થઈ. રુદ્ર પણ કોઈ અસમંજસભરી સ્થિતિમાં મેઘના પાછળ દોરવાયો.

********

વધુ આવતાં ભાગમાં

શું મેઘનાની તાલીમ દરમિયાન કોઈ અઘટિત ઘટના બનશે? રુદ્ર જે આયોજનથી પૃથ્વીલોક પર હતો એને દેવદત્ત અને ગેબીનાથની સ્વીકૃતિ મળશે? અકીલાનો રુદ્ર પ્રત્યેનો દ્વેષભાવ આખરે રુદ્ર માટે કઈ નવી મુસીબતને નોંતરશે? નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ ક્યાં હતી? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)