રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 12 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 12

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2

અધ્યાય:12

"મારાં અહીંથી માનસરોવરની યાત્રા માટે પ્રયાણ કરતાં જ રત્નનગરીનાં વહીવટીકર્તા તરીકેની જવાબદારી હું વીરાને સોંપુ છું. વીરા પોતાની કુશાગ્ર બુદ્ધિ અને નિર્ણયશક્તિનાં બળે રાજ્યનો વહીવટ ઉત્તમ રીતે નિભાવી શકશે એ વાતમાં કોઈ મીનમેખ નથી." રાજા અગ્નિરાજના આ શબ્દોની સૌથી પહેલી અસર અકિલા પર થઈ હોય એમ એ વિસ્મયમાં મુકાઈ ગયો.

રત્નનગરીનાં સર સેનાપતિ હોવાનાં નાતે પોતાને જ રાજ્યનાં વહીવટની જવાબદારી સોંપવામાં આવશે એવી પ્રબળ આશા અકિલાને હતી. કુંભમેળામાં જ્યારે અગ્નિરાજ જવાનાં હતા ત્યારે પણ એમને અકિલાને જ આ જવાબદારી આપી હતી પણ એ વખતે અકિલાને કુંભમેળામાં જવાની ઈચ્છા હોવાથી એને આ જવાબદારી પોતાનાં ભાઈ આરાનને સોંપી અને પોતે અગ્નિરાજ સાથે પ્રયાગરાજ ગયો હતો.

આ વખતે અગ્નિરાજ દ્વારા આરાન પોતાની સાથે આવવાનો હતો એની જાહેરાત કરવામાં આવી ચૂકી હતી એટલે અકિલા એ બાબતે આશ્વસ્થ હતો કે આ વખતે તો રત્નનગરીનો બધો કારભાર સંભાળવાનું દાયિત્વ એનાં શિરે જ આવશે. પણ રુદ્રને આ જવાબદારી સોંપાતા અકિલાની સ્થિતિ તો કાપો તો લોહી ના નીકળે એવી થઈ ચૂકી હતી.

અકિલાની સાથે રાજસભામાં હાજર દરેક દરબારીઓ પણ અગ્નિરાજની આ જાહેરાત સાંભળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ચૂક્યાં. અન્ય રાજ દરબારીઓની સાથે રુદ્રને પણ આ વાત સાંભળી અચરજ પેદા થયું.

જો અગ્નિરાજની ગેરહાજરીમાં પોતાને રત્નનગરીનો રાજ્ય વહીવટ મળી જાય તો નિમલોકો જોડે થયેલી અન્યાયી સંધિ મેળવવામાં સરળતા રહેશે એવું રુદ્ર વિચારતો હતો ત્યાં એની નજર દ્વેષ અને આવેશનાં ભાવ સાથે પોતાની તરફ જોઈ રહેલી અકિલા પર પડી. અકિલાના હાવભાવ પરથી રુદ્ર એટલું તો સમજી ચૂક્યો હતો કે અગ્નિરાજના આ નિર્ણયથી એ ખુશ નથી.

અકિલા પર નજર પડતાં જ રુદ્રએ પોતાનાં વિચારવાની દિશા બીજી તરફ વાળી લીધી. પોતે જો રત્નનગરી જેવાં વિશાળ રાજ્યનાં વહીવટની જવાબદારી સ્વીકારે તો પોતાને એક ઘડીનો પણ નવરાશનો સમય મળવાનો નહોતો જેમાં એ પોતાનું કાર્ય કરી શકે. આ ઉપરાંત આ જવાબદારી સ્વીકારી એ અકિલા જોડે કામ વગરની દુશ્મની વહોરી લેવાની કોઈ ઈચ્છા પણ નહોતો ધરાવતો.

"વીરા, મેં તને રત્નનગરીનો વહીવટ કરવાનું જે દાયિત્વ સોંપ્યું છે એનો તું સ્વીકાર કરીશ એવી મને આશા છે." રાજસભામાં બેસેલાં દરબારીઓ વચ્ચેની ગણગણ શાંત થતાં અગ્નિરાજ રુદ્રને ઉદ્દેશીને બોલ્યાં.

અગ્નિરાજના મુકવામાં આવેલા પ્રસ્તાવનો સ્વીકાર કરવો કે નહીં એ વિચારી રુદ્ર ઘડીભર તો અસમંજસભરી સ્થિતિમાં મુકાઈ ગયો. આખરે થોડું વિચારીને એ બોલ્યો.

"મહારાજ અગ્નિરાજ અને મહારાણી મૃગનયનીનાં એમનાં આ દાસનાં પ્રણામ સ્વીકાર કરે." નતમસ્તક થઈ શાલીનતા સાથે રુદ્રએ પોતાની વાતની શરૂઆત કરતા પહેલાં કહ્યું.

"મહારાજ, તમે મને રત્નનગરી જેવાં આર્યાવતનાં સૌથી વિશાળ અને કીર્તિવાન રાજ્યનાં રાજવહીવટનું દાયિત્વ સોંપી શકાય એ લાયક સમજ્યો એ બદલ હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી સમજુ છું."

"પંદર દિવસ પહેલાં જેને બે ટંક ખાવાનાં ફાંફા હતા એવાં વ્યક્તિને આટલી મોટી જવાબદારી મળતાં એ પોતાની જાતને ભાગ્યશાળી ના સમજે તો બીજું શું સમજે!" રુદ્રના આ શબ્દો સાંભળી અકિલા ભારોભાર ગુસ્સા સાથે સ્વગત બબડ્યો.

"આમ છતાં રાજન હું તમારાં આ પ્રસ્તાવનો અસ્વીકાર કરું છું. હોઈ શકે તો મને આ બદલ ક્ષમા કરજો." રુદ્રએ પોતાની વાત રાખતાં કહ્યું.

"પણ આ માટેનું કોઈ કારણ?" વીરા દ્વારા પોતાને સોંપવામાં આવેલાં આટલાં મોટાં કામનો અસ્વીકાર કરવામાં આવતાં અગ્નિરાજ વિસ્મયમાં મુકાઈ ગયાં. જે કાર્ય પોતાને સોંપવામાં આવે એવી ખેવના પોતાનાં રાજ દરબારનાં દરેક દરબારી કરતા હોય છે ત્યારે રુદ્ર દ્વારા આ પ્રસ્તાવનો અસ્વીકાર કરવો અગ્નિરાજ માટે અપાચ્ય બાબત હતી.

"મહારાજ, હું હજુ આ રાજ્યનાં ભૂગોળ, અહીનાં લોકોની રહેણીકરણી અને આપનાં રાજ્યનાં રાજ નિયમોથી વાકેફ નથી. તમે મને જે સમયગાળા દરમિયાન આ કાર્ય સોંપો છો એટલો સમય તો ફક્ત આ ત્રણ બાબતો વિશેનું જ્ઞાન અર્જિત કરવામાં જ ખર્ચાઈ જશે. તો પછી હું તમારું સોંપેલું દાયિત્વ કેમનું નિભાવીશ!" પોતે કેમ અગ્નિરાજના પ્રસ્તાવનો અસ્વીકાર કરી રહ્યો હતો એ વિશે જણાવતાં રુદ્ર બોલ્યો.

"પોતાને સોંપવામાં આવેલુ કાર્ય કરવામાં પોતે યોગ્ય ઉમેદવાર નથી એની જાહેરમાં કબૂલાત કરવી એ ખૂબ મોટી બાબત છે. કેમકે આમ કરવાની હિંમત દરેકનાંમાં હોતી નથી. તારી આ નિખાલસ કબૂલાત એ વાતની સાક્ષી પૂરે છે કે તને રાજ વહીવટ સોંપવાનો મારો નિર્ણય સહેજ પણ ખોટો નહોતો." અગ્નિરાજે રુદ્રના વખાણ કરતા કહ્યું.

"મહારાજ, આપને અનુરોધ છે કે આપ કૃપયા કોઈ અન્ય ઉચિત વ્યક્તિને આ જવાબદારી સોંપો." રુદ્રએ સહજતાથી કહ્યું.

"વીરા, હું ઈચ્છું છું કે આ માટે યોગ્ય વ્યક્તિનું નામ તું સૂચન કરે." રાજવહીવટની જવાબદારી આખરે કોને સોંપવી એનો નિર્ણય રુદ્ર પર છોડતાં અગ્નિરાજે કહ્યું.

અગ્નિરાજના આમ બોલતાં જ રુદ્રએ પોતાનાં સ્થાને ઊભા રહી રાજસભામાં મોજૂદ દરેક દરબારીની તરફ જોવાનું શરૂ કર્યું. રુદ્ર કોનું નામ સૂચિત કરશે એ વિચારી રાજ દરબારમાં હાજર દરેક દરબારીઓનાં હૃદયની ગતિ બમણી થઈ ગઈ.

રુદ્ર પોતાનાં નામની ભલામણ રાજા અગ્નિરાજને કરે એવી આશા સાથે બધાં લોલુપતાભરી નજરે રુદ્ર તરફ જોઈ રહ્યાં હતા.

"સર સેનાપતિ અકિલા, મહારાજ અગ્નિરાજ તમારી ગેરહાજરીમાં રત્નનગરીનો રાજ વહીવટ સંભાળવાની જવાબદારી જો કોઈને સોંપવા લાયક છે તો એ વ્યક્તિ છે સર સેનાપતિ અકિલા!"

"સેનાપતિ અકિલા રત્નનગરીનાં ભૂગોળ, લોકોની રહેણીકરણી અને રાજ નિયમોથી પૂર્ણ રીતે વાકેફ છે. અહીં મોજૂદ દરબારીઓમાં એમનાં જેટલો અનુભવ કોઈની જોડે નથી. મારાં મતે સેનાપતિજી તમારી ગેરહાજરીમાં સેનાપતિનું અને વહીવટકર્તાનું બેવડું પદ શોભાવવા માટે યોગ્ય ઉમેદવાર છે." રુદ્રના આ શબ્દો પર અકિલાને બે ઘડી તો વિશ્વાસ જ ના બેઠો. પોતે જેની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો એ વ્યક્તિ જ રાજ વહીવટકર્તા તરીકેનાં પોતાનાં પદનો ત્યાગ કરી એ પદ માટે પોતાનાં નામની ભલામણ કરે એ સાંભળી અકિલાને નવાઈ લાગી રહી હતી.

સાથે-સાથે રુદ્ર માટે પોતાનાં મનમાં જે ઈર્ષા અને દ્વેષભાવ હતો એ બદલ અકિલાને પસ્તાવાની લાગણી પણ થઈ રહી હતી. આમ છતાં અકિલાનું શાતિર મન આમ કરવાં પાછળ રુદ્રની કોઈ છુપી ચાલ હોવાનું માની રહ્યું હતું.

"વીરા, મારી ગેરહાજરીમાં અકિલાને આ કાર્ય સોંપવું ઉત્તમ વિચાર છે." અગ્નિરાજના આમ બોલતાં જ રુદ્ર પોતાનાં સ્થાને પુનઃ ગોઠવાઈ ગયો.

"તો સર સેનાપતિ અકિલા તમને રાજવહીવટનો ભાર સોંપવામાં આવે એમાં તમને કોઈ આપત્તી તો નથી ને?" અગ્નિરાજે અકિલાને ઉદ્દેશીને પૂછ્યું.

"મહારાજ તમારો દરેક પ્રસ્તાવ માનવો એ મારી જવાબદારીની સાથે મારી ફરજ પણ છે. સેનાપતિ અને રાજવહીવતકર્તાની બેવડી જવાબદારી નિભાવવી એક રીતે કપરું કાર્ય અવશ્ય સાબિત થશે પણ હું અને મારો પુત્ર બાહુક મળીને આ કપરું કાર્ય સરળતાથી પૂરું કરી શકીશું એનો મને વિશ્વાસ છે." જાણીજોઈને પોતાનાં પુત્ર બાહુકનો ઉલ્લેખ કરતા અકિલા બોલ્યો.

"ખૂબ સરસ, તો આવતીકાલે જેવાં જ અમે માનસરોવરની યાત્રા માટે પ્રસ્થાન કરીએ એ સાથે જ રત્નનગરી રાજ્યનો વહીવટ અકિલા સંભાળશે." રાજા અગ્નિરાજની આ જાહેરાત સાથે જ રાજસભામાં મોજૂદ સર્વે દરબારીઓએ અગ્નિરાજના જયનાદ સાથે રાજમહેલનું વાતાવરણ ગજવી મુક્યું.

રુદ્ર દ્વારા જાણીજોઈને પોતાને મળેલ વહીવટકર્તાનાં પદનો અસ્વીકાર કરી પોતાનાં પિતાજીનું નામ આ પદ માટે યોગ્ય હોવાનું જણાવવામાં આવતાં જ પોતાનાં પિતા અકિલાને આ હોદ્દો મળ્યો હતો. આ વાતનાં લીધે અકિલાના પુત્ર બાહુકના મનમાં રુદ્રનું જે સ્થાન હતું એ હવે વધુ ને વધુ ઉચ્ચ બની ગયું હતું.

સામે પક્ષે બાહુકનો પિતા અકિલા હતો, જે હજુપણ રુદ્રના આ ખુલ્લા મને લેવાયેલા નિર્ણયને પણ એની કોઈ ભેદી ચાલ સમજી રહ્યો હતો.

********

બીજાં દિવસે યાત્રાની સંપૂર્ણ તૈયારીઓ સાથે રાજા અગ્નિરાજનો કાફલો કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા માટે નીકળી પડ્યો. રસ્તામાં પડતી દરેક તકલીફોનાં નિવારણ અને જરૂરિયાતો માટેની નાનામાં નાની વસ્તુઓનો અગ્નિરાજના કાફલામાં સમાવેશ થતો હતી.

બે મહિનાનાં લાંબા સમય પછી અગ્નિરાજ અને મૃગનયની પાછાં આવવાનાં હોવાથી મેઘનાએ એમને ભારે હૃદયે વિદાય આપી. રત્નનગરીનાં સમસ્ત નગરજનો પણ હર હર મહાદેવનાં ગગનભેદી નાદ સાથે પોતાનાં મહારાજ અને મહારાણીને આ યાત્રા માટે વળાવવા છેક રત્નનગરીનાં પર્વેશદ્વાર સુધી ગયાં.

અગ્નિરાજના માનસરોવર માટે પ્રસ્થાન કરતા રત્નનગરી જેવાં વિશાળ રાજ્યનો વહીવટકર્તા બનેલો અકિલા અતિ પ્રસન્ન જણાતો હતો. અગ્નિરાજની ગેરહાજરીમાં પોતાને રાજા નહીં પણ પ્રજાનાં હિતેચ્છુ સેવક તરીકે વર્તવાનું હતું એ વાત ખુશીમાં ને ખુશીમાં શાયદ અકિલા ભૂલી ગયો હતો. જેનું પરિણામ આગળ જતાં શું આવવાનું હતું એ સમયનાં હાથમાં હતું!

રત્નનગરીનાં વહીવટકર્તાનાં પદનો હસતાં મુખે ત્યાગ કરી રુદ્ર પોતાની મુખ્ય ફરજ એટલે કે રાજકુમારી મેઘનાનાં અંગરક્ષક તરીકેનાં પોતાનાં ગમતીલા કાર્યમાં લાગી ગયો હતો.

અગ્નિરાજના યાત્રાએ નીકળ્યાંનાં બે પ્રહર જેટલો સમય વીતી ગયો હતો. મેઘના આ સમય દરમિયાન પોતાની સખીઓ સાથે વાર્તાલાપ કરી રહી હોવાથી એનાં અને રુદ્ર વચ્ચે કોઈ જાતનો સંવાદ શક્ય નહોતો બની શક્યો. પણ જેવી જ પોતાની સખીઓ ત્યાંથી રવાના થઈ એ સાથે જ મેઘનાનું ધ્યાન પોતાનાં કક્ષનાં દરવાજે ઊભેલા રુદ્ર તરફ ગયું.

"મહોદય, જરા અંદર આવશો." મેઘનાનાં આમ બોલતાં જ રુદ્ર કંઈપણ વિરોધ વગર મેઘનાનાં કક્ષમાં આવતાં બોલ્યો.

"બોલો રાજકુમારી, શું આદેશ છે?"

"આદેશ તો કંઈ નથી પણ હવે તમે મને રાજકુમારીનાં બદલે મેઘના કહેશો એ વધુ ઉચિત રહેશે."

"તો તમે પણ મને મહોદયની જગ્યાએ વીરા કહેશો તો એ પણ ઉચિત જ રહેશે."

રુદ્રના આ શબ્દો મેઘનાનાં ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરી ગયાં. મેઘનાનો હસતો ચહેરો જોઈ રુદ્રના હૃદયમાં પણ પુષ્પો વેરાવાની લાગણી ઉત્તપન્ન થઈ.

"એક વાત કહું વીરા?"

"બોલો ને!"

"મને કેમ એવું લાગે છે કે તમે પોતાની અસલી ઓળખ છુપાવી રહ્યાં છો?"

રાજકુમારી મેઘનાનાં આ શબ્દો રુદ્રના શરીરમાં વહેતાં રક્તને વેગવંતુ બનાવવાનું કામ કરી ગયાં. પોતાની અસલી ઓળખ રાજકુમારીથી છતી તો નહીં થઈ ગઈ હોય ને એમ વિચારી રુદ્રનું હૈયું ધામણની માફક ઊંચુ-નીચું થવાં લાગ્યું.

********

વધુ આવતાં ભાગમાં

શું મેઘના રુદ્રની સાચી ઓળખ વિશે જાણી હતી? અકિલાનો રુદ્ર પ્રત્યેનો દ્વેષભાવ આખરે રુદ્ર માટે કઈ નવી મુસીબતને નોંતરશે? નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ ક્યાં હતી? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)