ડ્રાઇવરના કહેવા મુજબ અનિરુદ્ધ ક્યાં જાય છે અને શું કરે છે એ બાબતમાં એનું ખાસ ધ્યાન હોતું નથી પરંતુ છેલ્લે એ અનિરુદ્ધને લઈને શહેરની દક્ષિણમાં આવેલા જંગલની બહાર એક ગોડાઉનમાં ગયો હતો. ત્યાંથી અનિરુદ્ધ ઝડપથી આવીને ગાડીમાં બેસી ગયો હતો.
આર્યા એ તો હજુ પોલીસને પણ જાણ કરી ન હતી પરંતુ કલેકટર પર હુમલો થયો છે એ વાત ફેલાઈ ગઈ. જિલ્લાના પોલીસ વડા અને બીજી કેટલીયે ગાડીઓ આવીને અનિરુદ્ધના બંગલે ઊભી રહી ગઈ. ફરીથી આવી ઘટના ન બને એ માટે અનિરુદ્ધના બંગલે સિક્યુરિટી ગોઠવી દેવામાં આવી.
ડોક્ટરે અનિરુદ્ધનો ઘા સાફ કરવા માટે સ્વચ્છ કપડા માગ્યા. અનિરુદ્ધના ઘર માં કપડું ક્યાં મળશે એ આર્યાને ખ્યાલ ન હતો પરંતુ અનિરુદ્ધ ના બેડ ની સામે એક કબાટ હતો એ આર્યાએ ખોલ્યો. આવી રીતે અનિરુદ્ધનો કબાટ ખોલવો આર્યાને ગમતો ન હતો, પરંતુ એને એમ કર્યા સિવાય છૂટકો નહોતો. જોયું તો એમાં કોઈ છોકરીના કપડા પણ હતા, કદાચ એ અનન્યાના હશે એવું આર્યાએ વિચાર્યું. એણે આગળ દેખાતા બે નેપકીન લઈને કબાટ બંધ કરી દીધો.
ડોક્ટરે ઘા સાફ કરીને અનિરુદ્ધને ઇન્જેક્શન આપ્યું અને જરૂરી દવાઓ લખી આપી. અનિરુદ્ધ થોડો થોડો ભાનમાં આવી ગયો હતો. ડોક્ટરે અનિરુદ્ધને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી, પરંતુ આ નિર્ણય એ પોતે લઈ શકે એમ ન હતી.
ડ્રાઈવરે ઘેર જવાને બદલે આર્યા ને કહ્યું કે તે પોતે બહાર બેઠો છે, કશું કામ હોય તો જણાવજો.
તંદ્રાવસ્થામાં રહેલા અનિરૂદ્ધ સાથે આર્યા એના બંગલામાં એકલી પડી. અનિરુદ્ધ એ આર્યા નો હાથ પકડી રાખ્યો હતો, એ કદાચ માનતો હતો કે તેની પાસે બેસનાર અનન્યા છે. અનિરુદ્ધ ની આંગળીઓ પોતાની આંગળીઓ ને સ્પર્શ કરતી હતી અને આર્યાના શરીરમાં ઝણઝણાટી થઇ રહી હતી.
પહેલાના સમયમાં કોઈ નવવધૂ પહેલીવાર પોતાના પતિના હાથનો સ્પર્શ હસ્તમેળાપ વખતે કરતી અને એના હાથ માં જે રોમાંચ થતો એ જ રોમાંચ આર્યાને થઈ રહ્યો હતો જાણે!
આર્યાએ આસપાસ નજર ફેરવીને જોયું તો આ સરકારી બંગલો હતો છતાં પણ એનું ઇન્ટેરિયર જોરદાર હતું. આ કામ અનન્યાનું જ હશે એવું આર્યાએ માન્યુ. આમ પણ અનિરુદ્ધ જોરદાર હેન્ડસમ હતો પરંતુ એના બંગલામાં મોટા બારણાના કદની એની તસવીરો એનાથી પણ સુંદર હતી.
ડ્રાઇવરના કહ્યા મુજબ અનિરુદ્ધ સાથે કોઈ રહેતું ન હતું, તે એકલો જ આ બંગલામાં રહેતો હતો. અનિરુદ્ધ નો પરિવાર બીજા રાજ્યમાં હતો. અનિરુદ્ધના મિત્રોમાં એ કોઈને ઓળખતી ન હતી, જય શહેરની બહાર હતો એટલે એને જાણ કરવાનો કશો અર્થ ન હતો. આર્યાને યાદ આવ્યું કે એણે અનન્યાને જાણ કરવી જોઈએ જેથી પોતે ઝડપથી અનાથાશ્રમમાં પાછી જઈ શકે. અનન્યા જ નક્કી કરશે કે અનિરુદ્ધ ને કઈ હોસ્પિટલમાં દાખલ કરવો.
ડોક્ટર કહીને ગયા હતા કે અનિરુદ્ધને ખવડાવ્યા પહેલા દવાઓ ના આપવી. આર્યાએ અનિરુદ્ધ નો ફોન લીધો અને અનિરુદ્ધ ની ફિંગર પ્રિન્ટ લઈને ખોલ્યો. એણે અનન્યાનો નંબર જોડીને અનન્યાને જાણ કરી. અનન્યા એના મિત્રો સાથે મૂવી જોવા ગઈ હતી.
અનિરુદ્ધને ખોરાક આપવો જરૂરી હતો.
અનન્યા હજુ સુધી આવી ન હતી. આર્યાએ બંગલામાં પ્રવેશતાં જ રસોડું જોયું હતું. એ રસોડામાં ગઈ. એણે ત્યાં જોયું તો રસોઈ બનાવવા માટેની પુષ્કળ વસ્તુઓ હતી. આર્યાએ અનિરુદ્ધ માટે સૂપ બનાવ્યો.
ગરમાગરમ સૂપ લઈને એ અનિરુદ્ધ ના બેડરૂમ માં ગઈ.
એણે એ સૂપ અનિરુદ્ધને સહેજ મસ્તકેથી ઊંચો કરીને પીવડાવવાનું શરૂ કર્યું. તંદ્રાવસ્થામાં અનિરુદ્ધ સૂપ પી રહ્યો હતો. બરાબર એ જ સમયે અનન્યા આવી.
“તારી હિંમત કઈ રીતે ચાલી, અનિનું માથું તારા ખોળામાં રાખીને એને ખવડાવવાની, યુ મિડલ ક્લાસ…”
“જરૂરિયાતના સમયે મિડલ ક્લાસ માણસો જ કામ આવે છે. બાય ધ વે, મારું કામ હવે પૂરું થયું. આ દવાઓ છે. ભણેલા લાગો છો એટલે સમજાવવાની જરૂર નહીં પડે. સમય થયે આપી દેજો, તમારા અનિને.” છેલ્લું વાક્ય બોલતા અજાણપણે આર્યા ના અવાજમાં કડવાશ આવી ગઈ.
આર્યા ચાલતી થઈ, ચાલતા ચાલતા એણે, માય ડાર્લિંગ…. માય બેબી…. આ તને શું થઈ ગયું…. એવો અનન્યાનો લવારો સાંભળ્યો.
“આર્યાબેન…. તમારા જેવા નિસ્વાર્થ માણસો આ દુનિયામાં કોઈ જ હોય છે. ચાલો હું તમને તમારા ઘેર મૂકી આવું.”કહીને ડ્રાઇવર ઉભો થયો.
***
આર્યાને મોડેમોડે પણ પાછી આવેલી જોઈ માયાબહેનને હાશ થઇ. આખી ઘટના જાણી ત્યારે એમને આર્યા પર ગર્વ થયો. એમણે આર્યાને અનિરુદ્ધની મદદ કરવા બદલ શાબાશી આપી.
માયાબહેનના જવાની રાહ જોઈને જ ઊભી રહેલી બધી છોકરીઓ શરૂ થઈ. આર્યાના ધાર્યા મુજબ એ બધી અનિરુદ્ધ વિષે સવાલોનો મારો શરૂ કર્યો.
“ તને ખબર છે આર્યા મને આજે મસ્ત સપનું આવ્યું હતું. મારા સ્વપ્નમાં મેં જોયું કે અનિરુદ્ધનો સ્વયંવર હતો.” રેખાએ ચલાવ્યું.
“એ સ્વયંવરની શરત શું હતી?”
“અનિરુદ્ધ એ કહ્યું હતું કે જે પોતાના માથાના વાળ ગણીને સંખ્યા કહેશે એની સાથે જ હું લગ્ન કરીશ. અને તમને ખબર છે કોણ જીતી ગયું?”
“કોણ?” એકી સાથે બધી છોકરીઓ ને રેખાની વાતમાં રસ પડ્યો.
“હુ પોતે.”
“તમે કેવી રીતે?? એ તો કહો રેખાજી!” અવનીથી ન રહેવાયું.
“ સપનામાં મેં જોયું તો હું ટકલી હતી, એટલે હું જ જીતું ને!” રેખાએ કહ્યું અને આંખો હોલ ખડખડાટ હાસ્યથી ગૂંજી ઉઠ્યો.
***
અનિરુદ્ધને દવાના ઘેનમાં અને ઊંઘમાં આછો આછો કોઈનો ચહેરો દેખાતો હતો. એને લાગતું હતું કે આર્યા હજુ પણ એની માથે પસવારી રહી છે. એ સુંવાળો સ્પર્શ જાણે તેની ચામડી માં અંદર સુધી ઊતરી ગયો હતો. કોઈ સ્પર્શમાં આટલી આત્મીયતા હોઈ શકે? અનિરુદ્ધની બધી પીડા એ સ્પર્શે ઓગાળી દીધી હતી જાણે! એક કડક અને ગરમમિજાજી અધિકારીમાં કોઈ સંવેદનાભૂખ્યો યુવાન ઊભો થઈ રહ્યો હતો.
બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને અંદર અનિરુદ્ધ ના હૃદયમાં કંઈક સળવળી રહ્યું હતું અને ઊભુ થઈ રહ્યું હતું. એને લાગતું હતું કે જાણે હજુ પણ આર્યા એના બંને કોલર પકડીને એને વળગીને ઉભી છે. એ ક્ષણ જાણે ત્યાં જ થંભી ગઈ હતી.
એક-બે વાર અનિરુદ્ધ એ આંખો ખોલી પરંતુ એને અનન્યા દેખાઈ, આસપાસ નજર ફેરવી પણ આર્યા કશે ન હતી. અનિરુદ્ધે આંખો બંધ કરી દીધી.
ક્રમશઃ