અનિરુદ્ધ નો ગુસ્સો આજે સાતમા આસમાને હતો. આર્યાએ જોયું તો ખરેખર ફાઈલમાં ઘણી ભૂલો હતી અને પહેલાની જેમ આજે પણ ઘણા પેજ પર કાર્ટુન્સ હતા. આ કઈ રીતે શક્ય બને? પોતે ફ્રેશ થવા જાય એ જ અરસામાં આ કામ થાય છે એ વાત તો નક્કી હતી.
આર્યા એ મનોમન નક્કી કર્યું કે પોતે કોઈ પણ ભોગે સાચા ગુનેગારને શોધી કાઢશે. પરંતુ એ પહેલા આ ફાઇલનું કામ પૂરું કરવું જરૂરી હતું એટલે એણે પોતાનું મન કામમાં પરોવ્યુ.
સાંજે બધા ઘેર જવા માટે ચાલતા પણ થયા. આર્યાનું કામ હજુ અડધે જ પહોંચ્યું હતું. પટાવાળો બહાર બેઠો હતો. આર્યાના સારા સ્વભાવને કારણે એને પણ આર્યા માટે લાગણી હતી પરંતુ અનિરુદ્ધની બીકે એ પણ કશું બોલી શકતો ન હતો.
“ભરત, જરૂરી કામથી બહાર જાઉં છું, બે કલાકમાં પાછો આવીશ. પેલા મેડમ ને કહેજે કે એમના ઘેર આવું સોફ્ટવેર હોય તો ઘેર કામ લેતા જાય. એમના ઘેર તો ક્યાંથી હશે? એ મેડમ ને એમના માતા-પિતાએ પોતાનું કામ તો કરતાં શીખવ્યું નથી તો કોમ્પ્યુટર તો ક્યાંથી લાવી આપ્યું હોય? તારે જવું હોય તો છુટ્ટી છે.” કહેતો અનિરુદ્ધ ત્યાંથી ચાલ્યો ગયો.
આર્યાએ બધું સાંભળી લીધું હતું, એ અનિરુદ્ધને સમજી શકતી ન હતી. તેણે ભરતને કશી ચિંતા ન કરવા કહ્યું અને ફરીવાર પોતાનું કામ કરવા લાગી ગઈ.
“ભરતભાઈ, તમે ચિંતા કર્યા વગર જાઓ. મારું કામ પૂરું થાય એટલે હું પણ જતી રહીશ.”
“પણ તમને આમ એકલા મૂકીને….
વળી એવું લાગે છે કે વરસાદ પણ તૂટી પડશે હમણાં. વાતાવરણ ખૂબ ખરાબ છે. ”
“ તમે જરા પણ ચિંતા ના કરશો, મારા ઘેર ફોન કરી દઉં છું અને કામ પૂરું થાય એટલે હું તરત જતી રહીશ.”
આર્યાએ આગ્રહ કરીને ભરતને પણ ઘેર મોકલી આપ્યો અને માયાબહેનને પણ જાણ કરી દીધી. એ પોતાનું કામ કરવામાં મશગૂલ હતી. પોણા ભાગ જેવું ટાઈપિંગ અને કરેક્શન તો તેણે કરી પણ નાખ્યું હતું. પરંતુ આજે કદાચ કુદરત પણ એની સાથે ન હતી.
ઓક્ટોબર મહિનો શરૂ થઈ ગયો હોય અને વરસાદી વાતાવરણ હોય એવું ભાગ્યે જ બનતું હતું. આ વર્ષે ઘણી વસ્તુઓ એવી બની રહી હતી, જે ભાગ્યે જ બનતી હોય. આવનાર દિવસોમાં જાણે કોઈ મોટી ઘટના બનવાની હોય એના કુદરત સંકેત આપી રહી હતી.
ખૂબ જોરથી પવન ચડ્યો હતો અને વાદળો ગાજી રહ્યાં હતા. વીજળીના કડાકા બોલી રહ્યા હતા. વરસાદ તો નહીવત જેવો પડી રહ્યો હતો પરંતુ વાવાઝોડું વધતું જતું હતું. આમ તો આર્યા નીડર છોકરી હતી પરંતુ આજે એના માટે અજાણી જગ્યા અને એકાંત બંને ભેગું થયું હતું.
એણે પોતાના કામની ઝડપ વધારી, જેથી બને એટલી ઝડપે એ ઘેર જઈ શકે. એક ક્ષણ માટે તો એને થયું કે કલેકટર અને એનું કામ જાય તેલ લેવા..... બધું ફગાવીને જતા રહેવાની ઈચ્છા થઈ પરંતુ પોતાના લીધે આખા જિલ્લાની આબરૂ ખરાબ થાય એ યોગ્ય ન લાગ્યું. એ કામ કરવા મચી પડી.
એક જોરદાર કડાકો થયો અને કચેરીની બધી લાઈટો બંધ થઈ ગઈ. ઇન્વર્ટર ઓટોમેટીક ન હતું અને શરૂ કરતા આર્યાને આવડતું પણ ન હતું અને એ ખરાબ પણ હતું. એણે કદાચ ભરતને મિકેનિક સાથે વાત કરતાં સાંભળ્યો હતો.
કચેરીમાં મીણબત્તી ક્યાં હશે એ એને ખબર ન હતી. એણે પર્સમાં હાથ ફેરવીને પોતાનો મોબાઈલ બહાર કાઢ્યો અને બેટરી શરૂ કરી. એમાંથી ખાસ પ્રકાશ નહોતો પડતો પરંતુ આછું દેખાતું હતું.
આવું આર્યા સાથે કદી બન્યું ન હતું. અંધારામાં એકલા રહેવાનો પ્રસંગ તો બન્યો જ ન હતો કારણકે એવડા મોટા અનાથાશ્રમમાં હંમેશા બધા સાથે જ રહેતા. એ ખૂબ ગભરાઈ ગઈ હતી. શું કરવું એ સૂઝતું ન હતું. જય ને ફોન કરવાની ઈચ્છા થઇ આવી પરંતુ એણે ઇચ્છા દબાવી દીધી. નાની નાની વાતમાં એને પરેશાન કરવો સારો નહીં. વળી, એ જરૂરી કામે રાજસ્થાન ગયો હતો એટલે નાહક એને પરેશાન કરવો નથી એવું એણે વિચાર્યું.
જેમ જેમ પવનના સુસવાટા અને વીજળીના કડાકા વધતા જતા હતા એમ એના હૃદયના ધબકારા પણ વધતા જતા હતા. એને પરસેવો વળવા માંડ્યો હતો. અચાનક એને કોઈ નો પડછાયો દેખાયો. એ પહાડી શરીર નો પડછાયો હતો. અનિરુદ્ધ ભરતને થોડી વારમાં પાછુ આવવાનું કહી ગયો હતો પરંતુ એ અનિરુદ્ધ નો પડછાયો તો બિલકુલ ન હતો. તો પછી કોણ હશે એ વિચારે એનું હૃદય બેસી જતું હતું જાણે.
આર્યાનુ ગળુ સુકાઈ ગયું હતું, એના ગળામાંથી કોણ છે એમ માંડ કરીને રાડ નીકળી. ધીમે ધીમે એ પડછાયો જાણે નજીક આવતો હતો. આર્યા ખૂબ ડરી ગઈ હતી. બે- ચાર ચીસો સંભળાઈ. એણે મોબાઇલ ના આછા પ્રકાશ માં જોયું તો એ પડછાયાની બાજુમાંથી અનિરુદ્ધ આવતો દેખાયો અને એ પડછાયો દૂર જતો રહ્યો.
આર્યા ખૂબ ડરી ગઈ હતી. દોડીને એ અનિરુદ્ધને જઈને વળગી પડી, માયાબહેને જેમ વળગતી હતી એમ જ. આર્યા ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી.
આર્યા- અનિરુદ્ધના આ પ્રથમ મિલનનું કુદરત પણ સાક્ષી બનવા માગતું હોય એમ વીજળી અને કડાકા વધી ગયા. આર્યાનો ફોન સતત વાગી રહ્યો હતો પરંતુ એના પ્રત્યે એક પણનું ધ્યાન ગયું નહીં.
અનિરુદ્ધે એને રડવા દીધી. અનિરુદ્ધના મગજમાં ઝબકારો થઈ ગયો કે પેલો પડછાયો કોનો હશે, એણે એ માણસને પકડવાની કોશિશ કરી પરંતુ હાથમાં ન આવ્યો ન હતો, એણે પોતાના બંને હાથ ખિસ્સામાંથી બહાર કાઢ્યા અને આર્યા ફરતે વીંટાળી દીધા. ડરી ગયેલી આર્યાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આર્યાને અનિરુદ્ધને વળગીને કંઈક અજબ હુંફ અને લાગણી થવા લાગી. અનિરુદ્ધ પણ બેધ્યાનપણે એના વાળમાં પોતાનો હાથ ફેરવવા લાગ્યો.
"મને તો એમ કે તું ખૂબ જ બહાદુર છે." અનિરુદ્ધ બોલ્યો અને આર્યા એને વધારે સજ્જડ રીતે વળગી પડી.
અચાનક આર્યાને લાગ્યું કે એનો હાથ ભીનો થયો છે. એણે અનિરુદ્ધ ના બંને કોલર પોતાના બંને હાથ વડે પકડ્યા હતા અને એ કોલર ની બરાબર નીચે અનિરુદ્ધ ની છાતીએ આર્યાએ જોયું તો આખો શર્ટ લોહી વાળો લાલ બગડ્યો હતો. શર્ટમાંથી લોહી બહાર નીકળવા લાગ્યું હતું. અત્યારે જ આવીને જાણે કોઈ અનિરુદ્ધ ઉપર ઘા કરી ગયું હતું.
આર્યા ડરીને અનિરુદ્ધથી છૂટી પડી ગઈ, દૂર ખસી ગઈ. અનિરુદ્ધને આટલું લોહી નીકળવા છતાં એના મોંમાંથી એક ચીસ પણ નીકળી નહીં. અનિરુદ્ધ પાસે જઈને શર્ટની સહેજ નીચે જોયું તો ત્યાં એને ઊંડો ઘા વાગ્યો હતો. આટલું બધું લોહી આર્યાએ પહેલીવાર જોયું હતું.
“સર…. સર…. આ તમને શું થયું? કેવી રીતે વાગ્યું?” આર્યાને અનિરુદ્ધ કંઈ જવાબ આપે એ પહેલાં જ અનિરુદ્ધને ચક્કર આવવા લાગ્યા.
આર્યાએ અનિરુદ્ધને પકડી રાખ્યો. અનિરુદ્ધે આર્યાના ખભે માથું ઢાળી દીધું. એ તેને દોરીને ગાડી તરફ લઈ જવા લાગી. ચાલતા ચાલતા એણે ભરતને ફોન કરીને ઓફિસ બંધ કરી જવા કહ્યું. અનિરુદ્ધને વાગ્યું છે એ વાતથી અત્યાર સુધી અજાણ એવા ડ્રાઈવરે અનિરુદ્ધનુ જખમ જોઈને એને ગાડીમાં બેસાડવામાં મદદ કરી.
બંને થઈને અનિરુદ્ધને એના બંગલે લઈ ગયા. આર્યાએ પોતાના જાણીતા ડોક્ટર ને ફોન કરીને બોલાવી લીધા. અનિરુદ્ધ ઘેર પહોંચતા સંપૂર્ણ બેભાન થઈ ગયો હતો.
ક્રમશઃ