Angat Diary - Operation books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - ઓપરેશન

અંગત ડાયરી
============
શીર્ષક : ઓપરેશન
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ


આપણી જિંદગીનો હિસાબ શું?
જન્મ્યાં, ભણ્યાં, નોકરીએ લાગ્યાં, પરણ્યાં, હર્યા-ફર્યા, માતા-પિતા બન્યાં, સાસુ-સસરા બન્યાં, રિટાયર્ડ થયાં અને મૃત્યુની પ્રતીક્ષા કરતા બેઠાં. શું લાગે છે પૃથ્વી પર એકડા-બગડા કરવા આવ્યાં હતાં કે અવયવ-વિસ્તરણ, ઉધાર-જમા, કોસ-સાઈન-કોસેક કરવા કે કમ્પ્યૂટરની ચાપો દાબવા આવ્યા હતા? કે પછી સાયકલ, બસ, મોટર, ટ્રેન અને પ્લેનમાં ફરવા? કે પછી 'ચકલી ઉડે ફરર..'થી 'રામનામ સત્ય હૈ'ની કે પછી ઘોડિયાથી ઠાઠડી સુધી યાત્રા કરવા?

પૃથ્વી પર વસતા સાડા સાત અબજ લોકોમાંથી હું તો કદાચ ચારસો-પાંચસો કે હજાર-બારસોને માંડ મળી શકીશ. લગ્ન પ્રસંગે આપણે લગભગ એટલાનું જ લિસ્ટ બનાવીએ છીએ ને? વિચારું છું તો ધ્રુજી ઉઠું છું. હું મળીશ એના કરતાં જેને કદી નહીં મળું એનો આંકડો બહુ મોટો છે. પૃથ્વી પરના, અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ તો જવા દો, આપણા ખુદના દેશના વડાપ્રધાન સાથે પણ હું આ જિંદગીમાં હાથ નથી મિલાવી શકવાનો, એ કેવી વિચિત્ર વાત!
તમે નહીં માનો, જંગલમાં રખડતા એકય હરણને ખબર નથી કે માનવ જાત એને ‘હરણ’ના નામે ઓળખે છે. જંગલ તો જવા દો, ફળિયામાં ચણતી ચકલી પણ નથી જાણતી કે આપણે એનું નામ ‘ચકલી’ પાડ્યું છે. કોણ જાણે આ ચકલાં, હરણાં કે મરઘા-બતકાએ આપણું, માનવનું, નામ શું પાડ્યું હશે? તમને ખબર છે?

તમે એક જ જગ્યાએ એ સ્ટેચ્યુની હાલતમાં કેટલી મિનિટ, કલાક કે દિવસ ઊભા રહી શકો? આ સજીવ વૃક્ષો જન્મથી મરણ સુધી એક જ જગ્યાએ ઊભા ઊભા ડોલ્યે રાખે છે, ચાલતા તો નથી, બોલતાય નથી, સાવ મૂંગા મૂંગા. શું વૃક્ષો બહેરા પણ હશે? આ પ્રશ્નનો જવાબ વૈજ્ઞાનિકો ભલે ગમે તે આપે, વૃક્ષો પાસેથી એનો અહેસાસ શું છે એ કદી જાણવા નહીં મળે.

આપણું જીવન ક્ષેત્ર ખરેખર બહુ લિમિટેડ છે. દસ બાય દસની રૂમમાં, છસો કે બારસો ચોરસ ફૂટના મકાનમાં કે બંગલામાં છાતી ફૂલાવીને ‘રાજાશાહી’ ભોગવતા આપણે એ પણ નથી જાણતા કે આપણાં મકાનના બાંધકામમાં વપરાયેલી ઇંટો ક્યા મજૂરે બનાવી હતી, આપણા રૂમનો કબાટ ક્યા કારીગરે ઘડ્યો હતો, આપણે જે મોબાઈલ વાપરીએ છીએ એના સ્પેરપાર્ટસ કોણે જોડ્યા, એ બધું તો જવા દો, જે શાક આજે આપણે જમવાના છીએ એ ક્યા ખેડૂતે ઉગાડ્યું એનું નામ પણ આપણને ખબર નથી.
મોબાઈલનો ડેટા જેમ ફેસબુક, વોટ્સએપ અને યુ ટ્યુબ એમ ત્રણ જ એપમાં નેવું-નવ્વાણું ટકા વપરાઈ જતો હોય છે એમ જિંદગીના રોજના જાગૃત અવસ્થાના સોળ કલાકો ઓફિસ અને ટીવી પાછળ ખર્ચી નાખનાર માનવસમાજને ખબરેય નથી કે એ ‘બિમાર’ છે.
તમને શું લાગે છે? અત્યારે આખી માનવ જાત જે ઓપરેશન થિયેટરમાં બેઠી છે, એને કયો રોગ લાગુ પડ્યો છે? શું સમગ્ર ‘માનવજાતનું મન’ આ રોગમાંથી મુક્ત થવા આતુર છે ખરું?

જિંદગી ત્રણ રીતે જીવી શકાય.
માણસની રીતે, ઈશ્વરની રીતે અને જાનવરની રીતે...

આપણે જયારે પણ રામના મંદિરે દર્શન કરવા ઊભા હોઈએ અને આપણને જીવનમાં આપણે ઓળંગેલી ‘મર્યાદાઓ’ બદલ અફસોસ થાય, આપણે કૃષ્ણની છબી સામે જોતા હોઈએ અને આપણને આપણી ‘અકર્મણ્યતા’ ડંખે, આપણે ગાંધીજીના ફોટાને જોતા હોઈએ અને આપણામાં સત્ય સળવળે તો સમજી લેજો કે હજુ ચાન્સીસ છે, આપણામાં ઈશ્વરત્વ હજુ મૌજૂદ છે.

ભ્રષ્ટાચારની નોટો લેતી વખતે જેનો હાથ કંપતો હોય, ખોટું બોલતી વખતે હૃદય રડતું હોય, ગરીબનો હક્ક મારતી વખતે એની આંખોમાં આંખ પરોવતા ડર લાગતો હોય તો સમજી લેજો હજુ એનામાં માણસાઈ મરી પરવારી નથી. જે વ્યક્તિ પોતાની ફરજ, માત્ર ઓફિસની જ નહીં, પરિવારની - સમાજની - નાગરિક તરીકેની - ફરજ પૂરેપૂરી ઈમાનદારીથી નિભાવતી હોય તો માની લે જો કે એનામાં મનુષ્યત્વ ધબકી રહ્યું છે. પણ જેને ઉપરની મનુષ્યત્વ કે ઈશ્વરત્વ વાળી બેમાંથી એકેય રીત ગમી ન હોય તો તે વ્યક્તિ પશુત્વના વાયરસથી ઇન્ફેકટેડ હોવાનો ‘ખતરો’ છે.

પશુત્વ, મનુષ્યત્વ અને ઈશ્વરત્વની ઓળખ માટે વિકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિનો રેપિડ ફાયર રાઉન્ડ રમવા જેવો છે. ઘઉંના લોટના સીધા ફાંકડા ભરવા એ વિકૃતિ-પશુત્વ, ઘઉંના લોટની રોટલી બનાવી ખાવી એ પ્રકૃતિ-મનુષ્યત્વ અને ઘઉંના લોટની પૂરણપોળી બનાવી જમવી એ સંસ્કૃતિ-ઈશ્વરત્વ, નગ્ન કે અર્ધનગ્ન રખડવું વિકૃતિ, નોર્મલ વસ્ત્રો પહેરવા પ્રકૃતિ અને મેચિંગ-ડિઝાઈનર-શોભે એવા વસ્ત્રો પહેરવા એ સંસ્કૃતિ, ગાળો વિકૃતિ, સરળ શબ્દોની વાક્યરચના પ્રકૃતિ અને સુવાક્યો-શ્લોકો સંસ્કૃતિ, લોકડાઉનમાં કારણ વગર રખડવા નીકળવું વિકૃતિ-પશુત્વ, અનિવાર્ય કારણસર નીકળવું પ્રકૃતિ-મનુષ્યત્વ અને માનવ સમાજની સેવા માટે ડોક્ટર, પોલીસ, સેવાકર્મી કે અન્ય જીવનજરૂરી વ્યવસ્થા માટે ફરજ પરસ્ત બની નીકળવું એ સંસ્કૃતિ-ઈશ્વરત્વ.

થોડી ભારે વાતો થઇ ગઈ. આપણી સૌની ઈચ્છા છે કે સમગ્ર માનવજાત જયારે ઓપરેશન થિયેટરમાં છે ત્યારે ઓપેરેશનના અંતે આપણને ‘આઈ એમ સોરી’ ને બદલે ‘કોન્ગ્રેચ્યુલેશન્સ.. ઓપરેશન સફળ થયું’ એવો ફેંસલો સાંભળવા મળે. મારું માનવું છે કે જો આપણે એવી અન્ડરસ્ટેન્ડિંગ સાથે ઝઝૂમીએ કે, આ ઓપરેશન આપણી ભલાઈ માટે છે, આપણામાં મરવાની અણીએ પહોંચેલા મનુષ્યત્વ માટે છે, આપણી રગેરગમાં વ્યાપી રહેલા પશુત્વના નિકાલ માટે છે, તો જ આવડું મોટું અને ખર્ચાળ ઓપરેશન એના લોજીકલ અંજામ સુધી પહોંચી શકે.

મિત્રો, બહુ જ થોડા સમયમાં આપણે ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળવાના છીએ. તમારા ફળિયામાં જ જિંદગી વિતાવનાર ખીલેલાં ગલગોટા કે જાસૂદ કે ગુલાબનાં પુષ્પની જેમ ઈશ્વરના ફળિયામાં તમે રમવા નીકળવાના છો ત્યારે સોળે કળાએ ખીલેલાં, મઘમઘતાં, હસતાં, ગાતાં, ફૂલગુલાબી મિજાજ સાથે નીકળશો તો ઈશ્વરને પણ ‘ઓપરેશન સફળ’ થયાનો ગર્વ થશે.

આજનો રવિવાર ઘરમાં પ્રસન્નચિત્તે, રુટિન તોડીને, કોઈની શેહશરમ રાખ્યા વિના ‘મૌજ-એ-દરિયા’ કરવાની પ્રેક્ટિસ કરીએ તો કેવું?
બાકી તમે ખુદ સમજદાર છો...

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED