સમાંતર - ભાગ - ૩ Shefali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

સમાંતર - ભાગ - ૩

સમાંતર ભાગ - ૩

આગળના ભાગમાં આપણે જોયું કે નૈનેશ પટેલ અડધી રાતે વ્યગ્ર હોય છે અને આ વ્યગ્રતાની સ્થિતિમાં ઝલક શાહને યાદ કરી રહ્યો હોય છે. તો જાણે ઝલક પણ એની વ્યગ્રતાને મહેસૂસ કરતી હોય એમ સફાળી જાગી જાય છે. ઝલક અને નૈનેશનું શું જોડાણ છે, એ જાણતા પહેલા આપણે ઝલકના જન્મથી લઈને એના ભણતર સુધીનો પરિચય મેળવ્યો. એમાં એની માનસિકતા અને સ્વભાવની ખાસિયતથી પણ આપણે વાકેફ થયા. ઝલકનું M.A નું બીજું વર્ષ ચાલતું હોય છે અને એના માટે રાજનું માંગુ આવે છે હવે આગળ...

*****

"અવઢવ દરેકની પોતાના વિચારો સાથે છે,
તોય અહીં સપના માત્ર દીકરીના હોમાય છે.
દીકરીની લાગણી અને સંસ્કારની પરિક્ષા,
જીવનના દરેક તબક્કે જોને કેવી લેવાય છે.!?"

ઝલકના મામા મામી ઝલક માટે રાજનું માંગુ લાવ્યા હોય છે. એના પપ્પા વિદિતભાઈને છોડીને બધા જ એને એક વાર જોઈ લેવાની તરફેણ કરતા હતા પણ આખરે ચર્ચાના અંતે નિર્ણય ઝલક પર છોડવામાં આવે છે. રાતે બાર વાગ્યા સુધી મુંઝવણમાં પડખા ઘસ્યા પછી ઝલક એક વાર મમ્મી પપ્પા જોડે ચર્ચા કરવાનું નક્કી કરે છે. એ દરવાજો ખખડાવવા જ જતી હોય છે અને એને મમ્મી પપ્પાની વાત સંભળાય છે. એના કાને થોડા શબ્દો પડે છે અને એ સમજી જાય છે કે એના લગ્નની જ વાત ચાલે છે એટલે એ દરવાજો ખખડાવવાની જગ્યાએ બહાર જ ઉભા રહેવાનું ઉચિત માને છે.

ભાવનાબેન અને વિદિતભાઈ ખૂબ જ ધીમા અવાજે વાતચીત કરતા હોય છે, પણ રાતની નિરવ શાંતિમાં દરવાજા આગળ ઉભેલી ઝલકને એના મમ્મી પપ્પાની વાત એક્દમ ચોખ્ખી સંભળાય છે.

"મને લાગે છે એક વાર જોઈ લેવું જોઈએ, રાજની નોકરી સારી છે અને હજી તો એની શરૂઆત છે, આગળ જતાં સેલરી અને હોદ્દો બધું વધશે. ભાઈ ભાભી કહેતા હતા છોકરો હોશિયાર છે, કંઈ સમજી વિચારીને જ એ લોકો વાત લાવ્યા હશે ને.! ઘર બેઠા માંગુ આવ્યું છે, તો જન્માક્ષર અને બીજો મેળ પડી જાય તો કરી જ નાખવું જોઈએ.!" ભાવનાબેન ભાર દેતા બોલ્યા...

"પણ હજી ઝલકનું ભણવાનું આ છેલ્લું વર્ષ બાકી છે. એને એક વાર ભણી લેવા દઈએ પછી શાંતિથી વિચારીશું. હજી નાની છે આપણી ઝમકુડી... આટલી ઉતાવળની જરૂર શું છે.!?" દીકરી વિદાયને ટાળવાની મથામણમાં વિદિતભાઈ બોલ્યા...

"સૌથી મોટી છે ઘરમાં.. એના પછી નિત્યાને પણ પરણાવવાની, અને પાર્શ્વના ભણવાનો ખર્ચો.. મર્યાદિત આવકમાં એક સાથે બધા ખર્ચાને નહીં પહોંચી વળાય અને ભાભીએ ખાત્રી આપી છે કે ઝલક ખુશ રહેશે, વળી નાતમાં એમની આબરૂ પણ સારી છે." લગભગ વિદિતભાઈની વાત કાપતા હોય એમ ભાવનાબેન બોલ્યા...

"હમમ.. વાત તો સાચી છે તારી ભાવના.! પણ મને લાગે છે કે આપણે ઝલકની મરજી એક વાર જાણી લેવી જોઈએ... આખરે એને પણ કાંઈક કહેવા, વિચારવાનો મોકો આપવો જોઈએ... " વિદિતભાઈનો અવાજ હવે સહેજ ઢીલો પડી ગયો હતો.

"આપણે એને ફોર્સ ના કરીએ, પણ મા બાપ તરીકે એનું સાચું ખોટું વિચારવાની અને એને સમજાવવાની આપણી ફરજ છે વિદિત.!! મને વિશ્વાસ છે આપણી દીકરી પર, એ ક્યારેય આપણું કહેલું ના ઉથાપે.! અને નક્કી કર્યા પછી પણ ક્યાં આગળ નથી ભાણાતું..!" ભાવનાબેન થોડા ગર્વ સાથે સમજાવટના સૂરમાં બોલ્યા..

"હવે આપણે ઊંઘી જવું જોઈએ, બહુ મોડું થઈ ગયું છે. જોઈએ ઝલક શું કહે છે પછી વિચારીશું." ચર્ચા પર પૂર્ણવિરામ મૂકતા ભારે હૈયે વિદિતભાઈ બોલ્યા..

જરા સરખો પણ અવાજ ના થાય એમ દરવાજાની બહાર ઊભા ઊભા ઝલક રડી રહી હતી. એણે દરવાજો ખખડાવવાનો વિચાર માંડી વાળ્યો હતો કારણ કે એને હવે ખબર હતી કે એણે શું નિર્ણય લેવો જોઈએ. એ ઢીલા પગે પોતાની પથારીમાં જઈને આડી પડે છે. ક્યાંય સુધી રડ્યા પછી એ પોતાના મનને મક્કમ બનાવી દે છે અને સવાર પડતા જ પોતાનો નિર્ણય ઘરમાં સંભળાવવાનું વિચારીને ઊંઘી જાય છે.

સવારે ચા નાસ્તો કરતા ટેબલ પર જ ઝલક એકદમ સ્વસ્થતા સાથે કહે છે કે, "ઘરના વડીલો જે નિર્ણય લે એ એને માન્ય છે."

દાદા દાદી, મમ્મી અને ઝલકના ભાઈ બહેન બધા એકદમ ખુશ થઈ જાય છે. ઝલકની મમ્મી ગર્વ સાથે તરત બોલી ઊઠે છે, "જુવો હું કહેતી હતી ને, આપણી દીકરી સમજુ છે.!"

પણ ઝલકના સ્વભાવ અને ભણવાના શોખથી માહિતગાર વિદિતભાઈને આશ્ચર્ય થાય છે અને તરત જ એ ઝલકની સામે જોવે છે. બે પળ માટે બંનેની આંખો મળે છે અને વિદિતભાઈ બધી વાત પામી જાય છે. એ કંઈ બોલવા જતા હોય છે પણ ઝલક એમને ઇશારાથી રોકી દે છે. સમયની નજાકત જોઈને વિદિતભાઈને પણ અત્યારે ચૂપ રહેવું જ યોગ્ય લાગે છે.

નાસ્તો પતાવીને બધા પોતપોતાના રૂટિનમાં પડી જાય છે. દાદા દાદી પરવારીને ભગવાનનું ધ્યાન ધરવા બેઠા હોય છે, મમ્મી રસોઈ બનાવવાના કામમાં, નિત્યા એની મોર્નિંગ કોલેજ માટે નીકળી ગઈ હોય છે અને પાર્શ્વ ટ્યુશન માટે... વિદિતભાઈને આ યોગ્ય સમય લાગે છે ઝલક જોડે વાત કરવાનો. એ ઝલકના રૂમમાં જાય છે. ઝલક પોતાની બુક્સ ગોઠવતા કોઈ વિચારોમાં ડૂબેલી હોય છે. વિદિતભાઈ એની નજીક જઈને એના ખભે હાથ મૂકે છે અને બેધ્યાન ઝલક એકદમ ચોંકીને પાછળ જોવે છે.

પાપ્પાને જોતા ઝલક થોડી છોભીલી પડી જાય છે. આંખોમાં ધસી આવેલા પાણીને રોકતા એ ફક્ત એટલું જ બોલી શકે છે, "પપ્પા તમે અહીંયા.!? કંઈ કામ હતું.!?"

"કેમ બેટા, કંઈ કામ હોય તો જ પપ્પા એમની ઝમકૂડીને મળવા આવે.!? એમનેમ કોઈ વાત કરવા ના આવી શકે.!? વિદિતભાઈએ સામો પ્રશ્ન કર્યો...

"જ્યારે તમે મને આમ ઝમકૂડી કહો છો ને પપ્પા, ત્યારે થાય આનાથી સુંદર પળ જિંદગીમાં કોઈ હોય જ નહીં.! બસ તમે અસ્ખલિત બોલ્યા કરો અને હું તમને સાંભળ્યા જ કરું.. તમે મને કાયમ ઝમકૂડી કહીને ના બોલાવી શકો પપ્પા.!? ઝલક લાગણીના આવેશમાં બોલી...

"મને ખ્યાલ છે બેટા, તને તારા ભાગનો પ્રેમ આપવામાં ક્યાંક મારાથી ઉણપ વર્તાઇ છે. પણ શું કરું.! જવાબદારીના ભાર નીચે હું આપણો સમય માણી જ ના શક્યો. તારા જન્મના બે વર્ષમાં જ નિત્યાનો જન્મ અને પછી પાંચમા વર્ષે પાર્શ્વનો.. મને ક્યારેય દીકરા અને દીકરીમાં અંતર નહતું લાગ્યું પણ તારા દાદા દાદીની ઈચ્છાને માન આપીને અમે ત્રીજું સંતાન લાવવાનો નિર્ણય કર્યો હતો. નિત્યાને તો તારાથી વધુ કોણ જાણે.! થોડી જિદ્દી અને ધાર્યું કરનારી છે એ... અને પાર્શ્વ, એના દાદા દાદીનો વધુ પડતો લાડકો, એમાં કદાચ તારા ભાગે સમય અને પ્રેમની ઓછી વહેંચણી થઈ... અને પરિસ્થિતિએ તને નાની ઉંમરમાં જ વધુ સમજદાર બનાવી દીધી." ચશ્માના કાચ પર ટપકી ગયેલા આંસુ લૂછતાં વિદિતભાઈ બોલ્યા...

"ના પપ્પા... આવું કેમ બોલો છો.!? મને કોઈ ફરિયાદ નથી તમારાથી કે ઘરમાં કોઈનાથી... પણ મારે સમજદાર નહતું બનવું પપ્પા, જીદ કરવી હતી, નિત્યા અને પાર્શ્વની જેમ જ.!" અને વિદિતભાઈને વળગીને ઝલક રડી પડે છે.

થોડી પળો વિદિતભાઈ એને એમ જ રહેવા દે છે, પછી ઝલકને દૂર કરતા બોલે છે કે, "સારું બેટા, મેં નિર્ણય કરી લીધો છે. હું તારા મામા મામીને ફોન કરીને જણાવી દઉં છું."

"ઊભા રહો પપ્પા, હમણાં જ કહ્યું ને મારે પણ જીદ કરવી છે.! બસ તો આજે તમારી ઝમકૂડીની આ જીદ પૂરી કરો. જો માનવાનું છે હોં પપ્પા.!! કોઈ બહાનું નહીં જોઈએ મારે.!!" ઝલક લાડ કરતી હોય એવા સ્વરે બોલી..

વિસ્મય અને દુઃખના ભાવથી વિદિતભાઈ ઝલકની સામું જોયા કરે છે.

"અરે.! ગભરાવ છો શું પપ્પા.!? તમારી આ દીકરીને તમારાથી વધુ કોણ જાણે છે દુનિયામાં.!? જાવ મામા મામીને ફોન કરીને મળવા માટે હા પાડી દો." એક દમ સંયત સ્વરે ઝલક બોલી..

વિદિતભાઈથી ડૂસકું છૂટી જાય છે.. ઝલક એમનો હાથ પકડે છે અને બોલે છે, "પપ્પા જેમ તમારાથી વધુ મને કોઈ નથી જાણતુંને એમ જ મારાથી વધુ તમને કોઈ નથી જાણતું.! મમ્મી પણ નહીં.! મેં કાલે રાતે તમારી અને મમ્મીની બધી વાત સાંભળી લીધી હતી અને પછી જ આ નિર્ણય લીધો જે મને એકદમ યોગ્ય જ લાગે છે. તમને વિશ્વાસ છે ને તમારી દીકરી પર.!?" વિદિતભાઈનો હાથ પકડીને ઝલકે કહ્યું...

"હા બેટા.." વિદિતભાઈ માંડ બોલી શક્યા...

"તો તમને મારા સમ, મારી આ જીદ તમારે પૂરી કરવી જ પડશે.!" હાથમાં પકડેલો વિદિતભાઈનો હાથ પોતાના માથે મૂકતા ઝલક બોલી...

વિદિતભાઈને લાગ્યું કે જો એ થોડી વધુ વાર ત્યાં ઊભા રહેશે તો પોતે અને ઝલક બંને ભાંગી પડશે એટલે એ તરત જ રૂમની બહાર નીકળી જાય છે.

"કોણ દીકરી ને વળી કોણ બાપ,
અહીં તો માત્ર સમજણનો પ્રતાપ.
એકમેકને એવા ઓળખે આ સંબંધો,
ના રહે જીવનમાં કમી, ના કોઈ સંતાપ."

*****

ઝલકે છોકરો જોવાનો નિર્ણય તો લઈ લીધો પણ હવે એના અભ્યાસનું શું થશે.? એના લગ્ન સુખરૂપ પાર પડશે કે એમાં કોઈ વિઘ્ન આવશે.? આવા ઘણા બધા સવાલના જવાબ મેળવવા તથા ઝલક અને નૈનેશ વચ્ચે શું જોડાણ છે એ જાણવા વાંચતા રહો, "સમાંતર"..

©શેફાલી શાહ

જય જિનેન્દ્ર...