Hu raahi tu raah mari - 41 books and stories free download online pdf in Gujarati

હું રાહી તું રાહ મારી.. - 41

રાહી અને શિવમના જીવનમાં આવેલી મુશ્કેલીઓનો આખરે અંત આવી ગયો આ આશાથી શિવમ અને રાહીના ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલવા લાગે છે.શિવમ અને રાહી પણ પોતે હવે જીવનમાં બીજી કોઈ મુશ્કેલીઓ નહીં આવે તે આશાએ પોતાના લગ્ન થવાની ખુશી માણી રહ્યા હોય છે.
ક્યાયને ક્યાય રાહી વંશના લીધે થોડો ડર અનુભવે છે પણ શિવમના વારંવારના સહકારથી ફરીથી પોતાનો ડર ભૂલી જાય છે.શિવમ અને રાહીના લગ્નને ત્રણ દિવસની જ વાર હોય છે.બધા મહેમાનોને આમંત્રણ અપાય ગયા હોય છે.
રાહીના હાથમાં મહેંદી મૂકાતા તે ફોટો ખેંચી શિવમને મોકલે છે.શિવમને ફોટો મળતા તે તરત જ રાહીને ફોન કરે છે.
“ખૂબ જ સરસ મહેંદી છે, પણ એક કમી છે.”શિવમ.
“આટલી તો સારી છે.તે જ તો ડીજાઇન પસંદ કરી હતી અને હવે કહે છે કે કમી છે!! શું યાર શિવમ હું ક્યારેય ઘણો સમય બેસી રહેવું પડે માટે મહેંદી ઓછી જ કરું છું.તારા માટે મે મહેંદી કરાવી હવે તું આમ બોલે છે?” રાહીએ ઉદાસ થતાં કહ્યું.
“અરે પણ મારી આખી વાત તો સાંભળ.હું એમ કહેતો હતો કે જો મહેંદી સાથે દુલહનનો ફોટો પણ હોત તો મહેંદી વધારે નીખરી ઊઠે.” શિવમે હસતાં કહ્યું.
“અચ્છા જી,તો આમ વાત છે? તારે ચહેરો જોવો છે એમ સીધું કહે ને..અહિયાં મારો જીવ જતો હતો કે તને મહેંદી ન ગમી.”રાહીએ શિવમને હસતાં જવાબ આપ્યો.
બંને પક્ષે પ્રેમની આપ-લે હસીને થતી હતી.રાહી અને શિવમના ચહેરા કોઈ જોવે તો સાફ નજર આવી જાય કે બંને એકબીજાના પ્રેમમાં છે તેવા ચહેરા નીખરી રહ્યા હતા.
“ચાલ હવે મને તારો મહેંદી સાથેનો ફોટો મોકલી આપ જલ્દીથી.”શિવમે આતુરતાથી કહ્યું.
“જી નહીં, આ સુવિધા ત્રણ દિવસ માટે ઉપલબ્ધ નથી.”રાહી.
“પણ કેમ?”શિવમ.
“કેમ કે લગ્ન પહેલા વર-વહુ એકબીજાને જોઈ ન શકે.”રાહી.
“ના આવું ન ચાલે રાહી.તું તો સમજ હું તને જોયા વગર કેમ રહી શકીશ?”શિવમ.
“તે તારી પરેશાની છે.”રાહીએ હસતાં કહ્યું.
“આ ખોટું કહેવાય.મારા જ લગ્ન અને હું જ મારી દુલહનને ન જોઈ શકું?”શિવમે નકલી ગુસ્સો કર્યો.
રાહીએ હસતાં ફોન રાખી દીધો અને પોતાની એક મહેંદીવાળા હાથ સાથેની સેલ્ફી લઈને શિવમને મોકલી આપી.( “તારા માટે કઈ પણ..” લખી રાહીએ મેસેજ કર્યો.)
સામેની બાજુએ શિવમને રાહીનો ફોટો મળતા તેણે ફોટાને ચૂમી લીધો.(“હાય!! મારી દુલ્હન કદાચ મને આમ ને આમ જ મારી નાખશે.”શિવમે મેસેજ કર્યો.)
****************************
લગ્નનો દિવસ પણ આવી ગયો.લગ્નની આગલી રાતે શિવમ-રાહીએ આખી રાત વાત કરી હતી.લગ્ન સાંજના સમયે હતા.આથી રાહીને લગ્નનો થાક ન લાગે માટે વીણાબહેને રાહીને સુવા દીધી હતી.
રાહી ઉઠી ત્યારે ઘડિયાળમાં સવારના ૯:૦૦ વાગી રહ્યા હતા.રાહીએ ઊઠી તૈયાર થઈ ઘરની બાજુમાં આવેલા શિવ મંદિરે દર્શન કરવા ગઈ.ઘર આખું મહેમાનોથી ભરેલું હતું.રાહી બધાને મળી પોતાના રૂમમાં જતી રહી.વીણાબહેન રાહી માટે ત્યાં જ નાસ્તો લઈ આવ્યા.રૂમમાં જ રાહી સાથે બેસી થોડીવાર વાતો થશે તે વિચારથી તે રાહીને પોતાના હાથે નાસ્તો કરાવવા લાગ્યા.
“મહેંદીનો કલર જો કેટલો સરસ આવ્યો છે નહીં મમ્મી?”રાહી પોતાના હાથની મહેંદી તેના મમ્મીને બતાવતા કહ્યું.
“હા બેટા.”વીણાબહેન રાહી સામે જોતાં કહ્યું.
“શું થયું મમ્મી? કેમ આમ આજ ઉદાસ થઈને વાત કરે છે?”રાહી.
“થોડા દિવસ પહેલા તારા લગ્ન નક્કી નહોતા થતાં માટે ચિંતા હતી અને હવે આજ તું જતી રહીશ હંમેશા માટે તો પણ ચિંતા થાય છે...તારું સાસરું ખૂબ સારું છે.શિવમ અને તેના ઘરના લોકો પણ તને સારી રીતે સમજે છે તો પણ બેટા,..જે દીકરીને નાનપણથી પોતાની નજર સામે જોઈ હોય તે હવે દૂર જતી રહેશે..બેટા તારી ખૂબ યાદ આવશે.તારા પપ્પા અને મારી વચ્ચે કાલ તે જ વાત થતી હતી.તે તો છેલ્લા ૩-૪ દિવસથી આમ ઉદાસ છે.”વીણાબહેને પોતાના મનની વાત પોતાની દીકરીને જણાવતા કહ્યું.
“મમ્મી હું તો મારા ઘરને છોડીને જાઉં છું તો મને પણ તો દુખ થતું જ હશે ને!! તમારે મારી હિંમત બનવાનું છે.તમે લોકો જ આમ ઉદાસ થઈ જશો તો કેમ ચાલશે?..અને હું ક્યાં હંમેશા માટે ત્યાં રહેવાની છું?હું આવતી – જતી રહીશને મમ્મી..તું ચિંતા ન કર.”રાહી.
“હા બેટા, તારી વાત સાચી છે.આ સમય તો દરેક માતા-પિતાના જીવનમાં આવવાનો જ છે.ચાલ હવે તું પણ ચિંતા ન કર અને તારા જીવનની શરૂઆત ખુશીઓથી કરજે.હવે તું નાસ્તો કરી લે.પછી સમયસર પાર્લરમાં પણ જવાનું છે.તું પહેલા જતી રહેજે.હું થોડું કામ પતાવી લઇશ પછીથી આવીશ.”વીણાબહેન.
રાહી થોડીવાર આરામ કર્યા પછી પાર્લરમાં જવાની તૈયારીઓ કરવા લાગી.પાર્લરમાં જતાં પહેલા તેણે શિવમને ફોન કર્યો.
“હું તૈયાર થવા માટે જાઉં છું.સમયસર આવી જજે.બહુ તૈયાર થવામાં સમય ન લગાવતો.”રાહીએ મજાક કરતાં કહ્યું.
“હું તો સમયસર આવી જઈશ પણ તું મારી દુલહનને કહેજે સમયસર માંડવે પહોંચી જાય.મારાથી હવે રાહ નથી જોવાતી.”શિવમ.
“રાહ તો મારાથી પણ નથી જોવાતી..પણ શિવમ ક્યાક વંશ..”રાહી.
“વંશ કઈ નહીં કરી શકે હું છું ને..તું હવે મહેરબાની કરીને ખોટા વિચાર કરવાનું છોડ.”શિવમે રાહીને સમજાવતા કહ્યું.
“ઠીક છે શિવમ હવે હું આ બાબતે કોઈ વાત નહીં કરું.”રાહીએ ફોન મુક્તા કહ્યું.
*******************

“તમને શું લાગે છે આપણે શિવરાજભાઈને શિવમના લગ્ન વિષે વાત ન કરી ને ઠીક કર્યું?”દિવ્યાબહેન.
“શિવમ આપણો દીકરો છે અને હું મારા દીકરાના લગ્નની જાણ તે વ્યક્તિને કરવી જરૂરી સમજતો નથી.”ચેતનભાઈ.
“..પણ શિવમને હવે તો બધી ખબર છે.તો પછી શું ચિંતા?મારા ખ્યાલથી તમારે એક વખત શિવમ સાથે આ બાબતે વાત કરી લેવી જોઈતી હતી.”દિવ્યાબહેન.
“મારી શિવમ સાથે વાત થઈ ગઈ છે.શિવમ મારી વાતથી સહમત છે.મારે હવે આ વિષે કોઈ વાત નથી કરવી.”ચેતનભાઈએ ત્યાં જ વાત પૂરી કરતાં કહ્યું.
************************
“સાંજના ૬:૦૦ વાગ્યાનો સમય હતો.શિવમ જાન લઈને રાહીને પરણવા આવી ગયો હતો.રાહીના પરિવાર દ્વારા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.પણ શિવમની નજર તો રાહીને જોવા આતુર હતી.
આખરે રાહી વરમાળા માટે મંડપ તરફ આવી રહી હતી.વિરાજ તેનો હાથ પકડી મંડપ તરફ લાવી રહ્યો હતો.શિવમ રાહીને જોતાં પોતાની હદયની ધડકન વધી ગયેલ અનુભવતો હતો.રાહી ગજબની સુંદર લાગી રહી હતી.આછા ગુલાબી કલરના ચોલીમાં રાહી એકદમ પરી જેવી લાગી રહી હતી.શિવમે મનોમન પોતાની મૃત માતાને યાદ કરી આભાર પાઠવ્યા અને પોતાના જીવનના આ અણમોલ પળમાં પોતાની સાથે હાજર રહેવા પ્રાર્થના કરી.
રાહી મંડપમાં આવી ત્યારે તેના ચહેરા પર રોજની માફક બેખોફ છોકરીને બદલે એક નવોઢા જેવી છટા નજરે આવી રહી હતી.તેની આંખો જુકેલી હતી.શરમના લીધે તે શિવમે ઊંચું ઉપાડીને જોવામાં સફળ નહોતી થતી.આખરે જ્યારે રાહી શિવમની સામે ઊભી રહી ત્યારે શિવમે કહ્યું, “શરમ ન કર રાહી.એક વખત મને પણ ઊંચું ઉપાડી જોઈ લે.હું કઈ તને રોજ રોજ વરના રૂપમાં જોવા નહીં મળું.”
રાહીના ચહેરા પર ધીમું હાસ્ય આવી ગયું.વરમાળની વિધિ પૂરી થયા પછી લગ્નની એક પછી એક વિધિ થવા લાગી.એક તરફ રાહીનું કન્યાદાન થતું હતું ત્યાં બીજી તરફ બધા મહેમાનો લીજત્ત્દાર ભોજનનો સ્વાદ માણી રહ્યા હતા.રાહી અને શિવમ હવે ખૂલીને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા.શિવાંશ,ખંજન અને વિરાજ પણ તે લોકો સાથે વાતોમાં જોડાયા હતા.વચ્ચે વચ્ચે રાહીને પપ્પા સામે જોઈ રડવું પણ આવી જતું હતું પણ પછી વિરાજ રાહીને કઇપણ કરી હસાવી દેતો હતો.વિરાજ પણ અંદરથી રાહીની વિદાયના લીધે દુખી હતો.પણ ખંજન વિરાજને રાહીની નજરથી છુપાવી રડતાં રોકી લેતો.
ધીમે-ધીમે લગ્નની વિધિઓ આગળ વધી રહી હતી.રાહીનો જે વંશને લઈને ડર હતો તે ધીમે ધીમે ઓછો થતો જતો હતો.મહેમાનો ભોજન પતાવી હવે બધા રજા લઈ રહ્યા હતા.કન્યાદાન,હસ્તમેળાપ જેવી વિધિ સંપન્ન થઈ ગઈ હવે ફેરાનો સમય હતો.લગભગ બધા મહેમાનો જતાં રહ્યા હતા.નજીકના મહેમાનો જ હવે હાજર હતા.
શિવમ અને રાહી ફેરા માટે ઊભા થયા ત્યાં જ લગ્નના હોલમાં કોઈ જોરથી બોલ્યું, “મારા વગર ફેરા કેમ પૂરા થશે?” આ સાંભળતા જ રાહી અને શિવમ સહિત બધાનું ધ્યાન ત્યાં ગયું.બધાના ચહેરા પર એક અજીબ ચિંતા ઊભરી આવી.….(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED