ડિયર
મેરી સયાની દોસ્ત,
ક્યાંથી શરૂ કરું, એ ખબર નથી પડતી. શું કરું, જ્યારે પણ તારા વિશે વિચારીને કશું લખવાની કોશિશ કરું છું ને, આ મન અને મગજ વચ્ચે એવી ગડમથલ થાય છે ને, મારા શબ્દો જ કશે ખોવાઈ જાય છે. શું કરું, મારી સો કોલ્ડ "ડિયર તું" જો છે તું..!
હા, વર્ષો થઈ ગયા, પણ આજે પણ ઘણી વખત તારો એ વહેતી નાકવાળો "શેદાળો" ચેહરો સામે આવી જાય છે.
આપણી પહેલી મુલાકાત યાદ છે ?
અરે..! અમે હજુ બે ત્રણ દિવસ પહેલા જ તો તમારી બાજુમાં ઘરમાં રહેવા આવેલા ને..!
કદાચ 4-5 વર્ષના જ તો હતા આપણે..! ને તું અમારા ઘરે ત્યારે તારા મમ્મીની સાથે "મેળવણ" લેવા આવેલી,ત્યારે હું કદાચ મારી એ ફેવરિટ ગાડી "હન" વડે મસ્ત રમતો હતો. ત્યારે તારો એ કાલો અવાજ, "માલે પણ જોઈએ આ હન..!" અને મારા મમ્મીએ મારી બીજી ફેવરિટ ગાડી તને આપી દીધેલી. ત્યારે હું જે રોયો હતો, બાપ રે..!
ત્યારે માસૂમ એવી તું, મને રડતો જોઈ તારા ઘરે દોડતી ગઈ ને પોતાની પાસે રહેલી એ ઢીંગલી લઈ આવેલી મારા માટે. બસ, ત્યારે જ તો શરૂ થઈ આપણી મિત્રતા. સોરી, આપણી જીગરજાન મિત્રતા.
"તાલુ નામ શું છે ?" મેં તારી બાજુમાં આવીને પૂછેલું.
"ડિપાલી..!" ભલે હું ત્યારે ચાર-પાંચનો હતો, પણ આ મને હજુ યાદ છે.
સાચે, ડીપ તો બવ હતી તો..!
બસ, સાથે જ મોટા થવા લાગ્યા, એક જ બાલમંદિર, એક જ સ્કૂલ.ઘર હોય કે શાળા, આપણી જુગળબંધી તો સાથે જ હોય. સ્કૂલમાં રમતો ની ટીમમાં પણ બેય એક જ ટીમમાં હોવા જોઈએ, બાકી રાડારાળ
કોઈ પૂછે, "મનન ક્યાં છે ?"
જવાબ એ જ મળતો,"દીપલી ને ગોતો, મનન મળી જશે આપો આપ..!"
ઉફફ..! સાલું લખતા લખતા ય આંખ ભરાઈ આવી. શુ થાય, યાદો જ એવી છે ને પણ, કન્ટ્રોલ જ નય થતો ને..! 😏
આજે ડીપની યાદો છે, સરનામું નથી..🙄
સાથે વિતાવેલો સમય, તારા બર્થ ડે પર ખાઈ ગયેલી આખી કેક, પેલી સુપર મારીયોની ડબલ પ્લેયરમાં રમતી વેકેશનની વીડિયો ગેમ, એ લુડોમાં છક્કો ન પડતા પાસો સંતાડી દેવો, આજે પણ ડિટ્ટો યાદ છે મને.
યાર, આપણી પહેલી ફાઈટ યાદ આવી ગઈ. બીજા ધોરણમાં હતા આપણે ત્યારે. બસ, તે કિટ્ટી કરી નાખેલી મારા જોડે , ને બોલવાનું બંધ કરેલું. એ પણ પુરા સાત..લે દિવસ નહિ, કલાક માટે..! કારણ યાદ છે તને ? મને તો યાદ જ છે , પણ તને કહીશ તો તું પણ એ જ કહીશ કે તે આવું કરેલું ? હા પણ, કહું તને..થોડી તો થોભ.
વાત માત્ર આટલી હતી ; સોરી, મારો વાંક એ હતો કે એ દિવસે થપ્પો દાવ રમતા 'તા ત્યારે મારા ઉપર દાવ હતો, ત્યારે મેં તને શોધીને તારો થપ્પો કરી નાખેલો, ને દાવ તારા પર ચઢેલો. કેવી રોવા લાગેલી તું, ને તને જોઈને હું પણ..! ને ત્યાંથી રમત અડધી મૂકીને જ ભાગી ગયેલો ઘરે. અજબ હતી હો તું.
એ સાંભળ ને ..! ક્યાં છે તું આજે ? એટલું તો કહી દે મને.
એ સમય અઘરો હતો મારા માટે, જ્યારે તારા પપ્પાની બદલી થયેલી ને તમે બીજા શહેર ચાલ્યા ગયેલા. મમ્મીએ તો મને એટલે જ કહેલું કે મામાના ઘરે ગઈ છે, આવી જશે થોડા દિવસોમાં. પણ એ થોડા દિવસો જ ન થયા. ને તું ન આવી એટલે ન જ આવી.
આજે પુરા 16 વર્ષ થયાં આ વાતને. મિત્રો તો ઘણા મળ્યા આ જીવનમાં, પણ તારું સ્થાન લઈ શકે એવું કોઈ નહિ. આપણાં જમાનામાં તો ત્યારે સોશિઅલ મીડિયા પણ ક્યાં હતું, અરે ફોન પણ તો નહોતા ને.! એટલે બસ , જ્યારે ઈચ્છા થાય, તારી યાદ આવે, આ જ રીતે પત્ર લખી નાખું છું ડાયરીમાં.
કદાચ તું મળી જાય ક્યારેક, તો આપીશ તને. ફિલહાલ તો, રાત્રીના 1 વાગી રહ્યા છે, ને હું સુવા જાવ છું. હાહ , ખબર નહિ ક્યાં હશે તું..!
બસ, યાદ આવતા તેને મારી ડાયરીમાં એને પત્ર લખી હું સૂઈ ગયો. એ રાત્રે તો સપનામાં પણ તું જ આવી. જાણે આવીને મને બહોપાશમાં લઈ લીધો હોય.બસ, સપનામાં જ હતો એ સમયે તો..પણ તારો એ આભાસ ..!
કશુંક નવું : આ લઘુનવલ (એમ તો ટૂંકી વાર્તા જ કહી શકાય) લખવાનો પ્રયત્ન , કહું કે અખતરો માર્યો છે. હા, આ ભાગમાં માત્ર યાદ, વ્યથા ને પત્ર જ..! આવતા ભાગમાં કદાચ થોડું રોમાંચ તો થોડો રોમાન્સ તો થોડા ઇમોશન્સ.
ત્યાં સુધી, જો તમને પણ કોઈની યાદ આવતી હોય, એમના નામનો પત્ર લખી નાખો અને મોકલી પણ દેજો હો જો સરનામું ખબર હોય તો..!
બાકી, તમે ઇમેઇલ પણ મારી શકો છો તમારા પ્રતિભાવો અને હા, કોઈ ની યાદ માટે પત્ર લખ્યો હોય તો તનારી પણ વાર્તા શેર તો કરી જ શકો છો.