પેન્ટાગોન - ૪ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેન્ટાગોન - ૪


(કબીરને લાગ્યું કે કોઈ એમનો વિડિયો ઉતારી રહ્યું હતું અને એ એક યુવતી પાછળ ભાગેલો. બાકીના ત્રણ મિત્રો વાઘના પૂતળા પાસે ઉભા રહી ગયેલા.)
કબીરને હવે બરાબર ગુસ્સો આવી ગયેલો. એને કોઈ ઉલ્લુ બનાવી ગયું હતું. એને પોતાના પર જ ગુસ્સો આવી રહ્યો હતો કે એ આવી બધી વાતો માની કેમ ગયો. એણે વાઘની નજીક જતી વખતે નોટીશ કરેલું કે દૂરથી લાલ લાઈટ જેવું એક નાનકડું ટપકું દેખાયું હતું અને તરત જ પછી હળવી ગરગરાટી સંભળાયેલી, કબીરને ખ્યાલ આવી ગયો એ બાઈક સ્ટાર્ટ થવાનો અવાજ હતો અને તરત જ અવાજની દિશામાં દોડ્યો હતો.
એની શંકા સાચી હતી. એક બાઈક જઈ રહી હતી. ગીચ ઝાડી અને અંધારામાં હેડ લાઈટ બંધ રાખીને એ આગળ વધી રહેલી એટલે સ્પીડ ખૂબ ઓછી હતી. એને હતું કે થોડી જ વારમાં એ બાઈક પાછળ બેઠેલી વ્યક્તિને પકડી લેશે.
”અબે આ બાઈક પાછળ કેમ આવે છે? થોડી ઝડપ કર રઘુ?" અચાનક કોઈ છોકરીનો અવાજ આવ્યો. એના મોઢે રઘુ નામ સાંભળીને કબીરને વધારે ગુસ્સો આવેલો. એ જ એક એવો માણસ હતો જેણે શરૂઆતથી લઈને અત્યાર સુધી વાઘ વિષેની બધી માહિતી કબીરને. આપેલી.
“રઘુડા બાઈક રોક... ઊભો રહે તારી તો..." કબીર મુઠ્ઠીઓ વાળીને બાઈક પાછળ ભાગ્યો હતો.
કબીર અને બાઈક વચ્ચેનું અંતર ઓછું થતું જતું હતું. કબીરે પોતાને ઓળખી લીધો છે અને એ પોતાને રોકાઈ જવા કહી રહ્યો છે એ વિચારે રઘુનું ધ્યાન બેવડાયું હતું અને અંધારામાં અચાનક સામે ઝાડ આવી જતા એણે બ્રેક મારેલી. અચાનક વાગેલી બ્રેકથી પાછળ બેસેલી યુવતી એક બાજુ નમી પડેલી અને એના હાથમાં રહેલો કેમેરો નીચે પડી ગયેલો.
“ઊભી રાખ...બાઈક ઉભી રાખ, મારો કેમેરો..!" યુવતી બોલી રહી હતી અને રઘુએ બાઈક આગળ લઈ લીધેલી. યુવતી વળી વળીને પાછળ જોઈ રહી હતી. કબીર હવે થાક્યો હતો. વધારે દોડી નહીં શકાય એવું એને લાગી રહ્યું હતું અને ત્યાંજ એણે બાઈક ઉપરથી કશુંક નીચે પડતાં જોયેલું અને પેલી છોકરીનો અવાજ સાંભળેલો. એ નીચે પડેલા કેમેરા પાસે આવીને ઉભો હતો. સખત હાંફી રહેલો પણ એના ચહેરા પર એક હળવું સ્મિત હતું.
કબીર જંગલમાં એકલો જ દોડી ગયો છે એ વાત એના ભાઈબંધો ને થોડીક જ વારમાં ખબર પડી ગયેલી. એ ત્રણેય વાઘના પૂતળાને છોડીને કબીર જે દિશામાં ગયો હતો એ તરફ દોટ મૂકી હતી. થોડીક જ વારમાં એ લોકો કબીર પાસે પહોંચી ગયેલા અને એને એકલો ઉભો ઉભો હસતો જોઈને બધાને આશ્ચર્ય થયેલું છતાં કોઈ કંઈ પુછી ના શક્યું.
કબીરે નીચે પડેલો કેમેરો ઉઠાવી લીધો અને એના મિત્રો સામે એ ધરીને કહ્યું, “કોઈ આપણને ઉલ્લુ બનાવી ગયું. શા માટે એ પણ જાણી જ લઈશું. આ કેમેરામાં બધું દેખાઈ જશે. પેલો ગધેડો રઘુ પણ દગો કરી ગયો. હું એ સાલાને છોડીશ નહીં."
“મેં તો પહેલા કીધું હતું કે એનો ભરોસો કરવા જેવો નથી. શું ખબર એ આપણને અહીંયા કોઈ જ બીજા જ ઇરાદે લાવ્યો હોય." રવિએ પોતાની શંકા સાચી પડતા ખુશ થઈને કહ્યું.
“બીજ જ ઇરાદે એટલે?" સન્નીની સમજમાં રવિની વાત ન આવી.
“બીજા જ ઇરાદે એટલે આપણી બલી ચઢાવવા! વિચાર કર આવા જંગલમાં આપણા જેવા ચાર રૂપાળા યુવકોને રાતના સમયે કોણ બોલાવે? એ પણ પૂનમની રાત્રે?" રવિએ એવી રીતે કહ્યું કે સન્ની ગભરાઈ ગયો. જંગલની ઠંડી રાતમાં પણ એના કપાળે પરસેવો વળી ગયો હતો.
“ચૂપ કર યાર. આ કોઈ રામશે બ્રધર્સ ની સિરિયલ નથી ચાલી રહી." સાગરે કંટાળીને કહ્યું અને કબીરના હાથમાંથી કેમેરો લેતા કહ્યું, “હવે પાછા જઈએ, સરખી ઊંઘ લઈએ, પછી એ રઘુના બચ્ચાને સવારે જોઈ લેવાશે. આમેય આ કેમેરો જેનો છે એ લેવા તો એ આવશે જ ને."
“હા, ચાલો આપણે પાછા જઈએ." કબીરે કહ્યું અને એ આગળ ચાલતો થયો. આજે કંઈ જબરજસ્ત ખેલ ખેલવા મળશે એવું વિચારી રહેલા કબીરને અહીંયા દગો મળ્યો હતો અને ઉલ્ટાનું કોઈ એને બનાવી ગયું એ એનાથી સહન નહતું થઈ રહ્યું. પેલી અજાણી યુવતીનો અવાજ હજી એના કાનોમાં ગુંજી રહ્યો હતો. એકવાર એ હાથમાં આવી ગઈ હોત તો આજે બધી મર્યાદા છોડીને એને એક થપ્પડ તો મારી જ દીધી હોત...એમ વિચારતો એ મનોમન ધૂંધવાઈ રહ્યો હતો.
એ રાત્રે તો બધા ઘરે પહોંચીને સૂઈ ગયા પણ બધાને ઉતાવળ હતી સવાર ક્યારે પડે એની. સવાર પડતાં જ પહેલા તો પેલા રઘુને પકડીને ખોખરો કરવાનો હતો અને પછી કેમેરામાં શું રેકોર્ડ કર્યું છે એ જોવાનું હતું. એ વ્યક્તિ કોણ હતી અને શા માટે આ બધું કર્યું એ જાણવા સૌ આતુર હતા...
બધા લોકોને પોઢી ગયે કલાક જ થયો હશે કે અચાનક સંભળાઈ રહેલા એક ગીતના અવાજે બધાને ઉઠાડી દીધા.
“કહી દીપ જલે કહી દિલ..."
અત્યંત દર્દીલા અવાજે કોઈ સ્ત્રીનો પાતળો અવાજ વાતાવરણમાં રેલાઈ રહ્યો હતો. એ સ્ત્રીના અવાજની સાથે સાથે શિયાળની લારી જેવો અવાજ પણ આવી રહ્યો હતો જે ખરેખર ડરામણો હતો.
“આ અડધી રાત્રે કોણ હરામખોર હોરર ફિલ્મ જોઈ રહ્યું છે એ પણ ફૂલ વોલ્યુમ રાખીને?" રવિએ એનો ધાબળો હટાવી પથારીમાં બેઠા થઇ જતાં કહ્યું.
એની બાજુમાં જ સૂઈ રહેલો સન્ની પણ જાગી ગયેલો, એ પહેલેથી જ બેઠો થઈ ગયેલો અને ભયથી ચકળ વકળ થતી આંખે ચારેબાજુ જોઈ રહ્યો હતો.
“ચલ નીચે જઈને જોઈએ. કોઈ ફિલ્મ જોતું લાગે છે."
“આ ફિલ્મ નથી, એક જ ગીત કેટલું લાંબુ ચાલે? કોઈ છોકરી સાચુકલી ગાઈ રહી છે!" સન્નીએ રવિ સામે જોઈને કહ્યું.
“ચાલ બહાર જઈને જોઈએ."
સન્નીએ રવિ નો હાથ પકડી લેતા કહ્યું, “આટલી બધી ભૂતિયા ફિલ્મ જોઈને હું એક જ વાત શીખ્યો છું, રાત્રે કોઈ અજાણ્યો અવાજ સંભળાય તો બહાર નહિ જવાનું, માથે ઓઢીને પોઢી જવાનું! જે કંઈ તપાસ કરવી હોય એ સવારે...રાત્રે નહિ. આવા અવાવરૂ મહેલમાં તો જરાય નહીં." સન્ની ખરેખર માથે ઓઢીને સૂઈ ગયો.
“તુંય સાલા સાવ ડરપોક ને ડરપોક રહેવાનો. પડ્યો રે અહીંયા હું જાઉં છું." રવિ ઊભો થઈ ગયો અને બહાર નીકળ્યો.
“અરે ઊભો રહે. મને એકલો મૂકીને ક્યાં જાય છે? મને એટેક આવી ગયો તો?" સન્ની પણ એની રજાઈ ફગાવી ઊભો થયો અને રવિની સાથે બહાર નીકળ્યો.
બંનેએ ધ્યાનથી અવાજ સાંભળ્યો. એ સ્ત્રી હજી એની એ જ કડી ગાઈ રહી હતી. અવાજ નિચેથી આવી રહ્યો હતો.
“આને આટલી બે લાઈન જ આવડે છે? આગળ બીજું કંઈ કેમ નથી ગાતી?" સન્નીએ ગભરાયેલા અવાજે પૂછ્યું.
“કેમ કે આટલાથી જ ગણા લોકોનું પેન્ટ ભીનું થઈ જાય છે, ખોટું લાંબુ લાંબુ યાદ રાખવાની જરૂર જ ક્યાં છે!" રવિ સન્નીની હાલત જોઈને હસી રહ્યો હતો.
બંને જણા એકબીજાનો હાથ પકડી સીડીઓથી નીચે ઉતર્યા. નીચેના વિશાળ દીવાનખંડમાં અત્યારે કોઈ લાઈટ ચાલું ન હતી પણ ચાંદની રાત હોવાથી મોટી મોટી બારીઓમાંથી જરૂર પૂરતું અજવાળું આવી રહ્યું હતું. એ લોકો થોડે આગળ ચાલ્યા ત્યાં અવાજ વધારે તીવ્રતાથી સંભળાયો.
“રવિ...એ ચુડેલ અહીં જ છે. ચાલ પાછા ચાલ્યા જઈએ. સાગર અને કબીરને બોલાવીએ."
સન્ની રવિને રોકાવા માટે કહી રહ્યો હતો અને રવિ સામેની અંધારી ગલીમાં વળી ગયો હતો. એની પાછળ સન્ની પણ દોરવાયો. એ અંધારી ગલીમાં દૂર દૂર એક મીણબત્તી સળગતી દેખાઈ રહી હતી. એ હવામાં અધ્ધર લટકી રહી હતી. એ મીણબત્તીને અજવાળે એની પાછળની દીવાલે લટકી રહેલું વાઘનું માથું ખૂબ જ ભયાનક લાગતું હતું. જાણે એ જીવતો હોય અને અહીંજ જોઈ રહ્યો હોય. હમણાં એ ત્રાડ પાડીને કૂદી પડશે એવું એને જોઈને જ લાગે.
“આ બધા રાજાઓ પાપ કરીને ગયા. નિર્દોષ પ્રાણીઓને મારી મારીને એમની દીવાલે લટકાવતા ગયા અને એ બધાના ભૂત હવે આપણને મારીને ખાઈ જવાના. રવિ પ્લીઝ મારી વાત માની લે" સન્ની નીચે બેસી ગયો અને એણે રવિનો પગ પકડી લીધો, e લગભગ કરગરતો હોય એમ કહી રહ્યો, “ઉપર ચલ રવિ, મારે હાલ નથી મરવું. અમે કાલે સવારે જ અહીંથી ચાલ્યા જઈશું અને ફરી ક્યારેય આ મહેલમાં નહિ આવીએ. અમને જવા દો પ્લીઝ... અમે નિર્દોષ છીએ!"
“તું શું કરે છે સન્ની મારો પગ છોડ." રવિએ એનો પગ છોડાવવા સન્નીને પાછળ ધકેલ્યો ત્યારે જ અચાનક એ રૂમમાં લાઈટ આવી ગઈ. ક્યારનાય અંધારામાં બધું જોઈ રહેલા રવિ અને સન્નીની આંખો અંજાઈ ગઈ.
“અમને જવા દો, અમને જવા દો!" સન્ની આંખો બંધ કરીને બોલી રહ્યો હતો.
“ઊભો થા ચક્રમ."
કબીરનો અવાજ સાંભળીને સન્નીએ આંખો ખોલી હતી અને સાગર તથા રવિને ત્યાં હાજર જોઈ એ ઊભો થયો હતો.
કબીરે એક નાની ટોર્ચ સાથે આવીને સ્વીચ બોર્ડ શોધ્યું હતું અને પછી એક સાથે બધી ચાંપો દાબી દેતા રૂમમાં અજવાળું ફેલાઈ ગયું હતું. સામે સળગતી દેખાતી મીણબત્તી એક પાતળા લોખંડના સળિયા સાથે જોડાયેલી હતી જે એવી રીતે ગોઠવાયેલો હતો કે અંધારામાં દેખાય નહિ અને જોનારને મીણબત્તી હવામાં લટકી રહી હોય એવો ભાસ થાય. પેલું ગીત હવે બંધ થઈ ગયું હતું.
“કોઈક તો છે જે આપણને ડરાવવા માંગે છે, પણ એને કદાચ ખ્યાલ નથી કે એણે કોની સાથે પંગો લીધો છે! એકવાર એ હાથમાં ના આવી જાય ત્યાં સુધી હવે ચેન નહિ આવે." સાગર ગુસ્સાથી કહી રહ્યો હતો.
કબીર ચૂપ હતો. એની નજર કાચની બારી પર પડી રહેલા એક પડછાયા તરફ હતી. આછા ગુલાબી રંગના, શરીર સાથે ચપોચપ બેસી જાય એટલા ટાઇટ પંજાબી ડ્રેસમાં એક સ્વરૂપવાન યુવતી દેખાઈ રહી હતી. એ શાંત હતી. એના ચહેરા પર ના હસી હતી ના કોઈ દુઃખ. એના લાંબા વાળ હવામાં ઉડી રહ્યા હતા અને એ કબીરની સામે જ જોઈ રહી હતી. એની આંખોમાં કોઈ અજીબ તાકાત હતી જે કબીર જેવા છોકરીઓથી હંમેશા દૂર ભાગનાર યુવાનને આકર્ષી રહી હતી.
“ત્યાં શું જોઈ રહ્યો છે કબીર? પેલો સળિયો જોયો એના વડે જ આ લોકોએ મીણબત્તી ઉડાવી. ક્યાંક મ્યુઝિક સિસ્ટમ પણ છુપાવેલી હશે જ." સાગરે કબીરનો ખભો પકડી એને બીજી દિશામાં સહેજ વાળેલો, એક ક્ષણ માટે કબીરની નજર પેલી યુવતી તરફથી હટી હતી અને એ અલોપ થઈ ગઈ.
કબીરે ફરી એ કાચની બારી તરફ જોયું ત્યારે ત્યાં કોઈ યુવતી દેખાઈ ન હતી રહી. એ નજીક ગયો અને એ બારી ઉગાડી બહાર દૂર દૂર સુધી નજર ફેંકી પણ ત્યાં કોઈ જ નહતું! એ બારીની સામે આ ચારે જણાં ઊભા હતા અને હવે એમનો પડછાયો દેખાઈ રહ્યો હતો...

સવારે કબીર વહેલો ઉઠી ગયેલો. આમેય એને ઊંઘ નહતી આવી. એકવાર એને મન થઇ ગયું કે રાત્રે પેલી યુવતી પાસેથી મળેલો કેમેરો ચાલું કરીને જોઈ લે કે એમાં શું હતું પણ પછી યાદ આવ્યું કે સવારે બધા સાથે મળીને જ એ જોશે એવું સાગરે રાત્રે નક્કી કરેલું એટલે એણે એ વિચાર પડતો મૂક્યો. એ બહાર નીકળ્યો અને પેલી બારી જ્યાં રાત્રે એક અજાણી યુવતી દેખાયેલી એની બીજી બાજુ તપાસ કરી આવ્યો. ત્યાં બગીચો હતો. કેટલાક નાના મોટા છોડવા સિવાય કંઈ ન હતું.
ક્રમશ...