હું રાહી તું રાહ મારી.. - 40 Radhika patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું રાહી તું રાહ મારી.. - 40

તે દિવસે શિવમના ઘરે સન્નાટો છવાય ગયો હતો.શિવમની સાથે સાથે સૌ કોઈ શિવમના જીવનથી જોડાયેલી આટલી મોટી હકીકતથી વાકેફ થઈ ગયું હતું.ચેતનભાઈએ હવે આશા ખોઈ દીધી હતી કે શિવમ હવે તેમની સાથે જોડાઈને રહેશે.તેમને પહેલેથી જ પોતાની જન્મ દેનારી માતાના હત્યારા ગણી શિવમ તેમને તરછોડી જતો રહેશે તે ડરથી શિવમથી હકીકત છુપાવી હતી.પણ આજ તે જ હકીકત ચેતનભાઈએ તેમના જ શબ્દોમાં શિવમને જણાવવી પડી.હકીકત જાણ્યા પછી શિવમના મનમાં ચોક્કસ સવાલો ઉઠશે, અને શિવમના મનમાં તે જ સવાલોએ જન્મ લઈ લીધો હતો.શિવમ અત્યારે તેના પપ્પાને કોઈ સવાલ પૂછતો હતો..
“પપ્પા –મમ્મી મે તમારી વાત સાંભળી અને તમે ચિંતા ન કરો.હું તમારા પર શંકા નથી કરી રહ્યો પણ મારા મનમાં એક પ્રશ્ન છે.શું હું પૂછી શકું?”શિવમ.
“હા બેટા ચોક્કસ.તારા મનમાં જે સવાલ છે તે તું કરી શકે.”ચેતનભાઈ.
“તમારું કહેવું એમ છે કે તમે અને મારા અસલી પિતા બંને સારા મિત્રો હતા.તમે સગા ભાઈઓની જેમ જ રહેતા હતા.તમારે સંતાનની ખોટ હતી જ તે પણ તે જાણતા હતા.તો પછી તેમણે મારી માં અને તમારા પર આટલો ખરાબ આરોપ કેમ લગાવ્યો? અને મમ્મી (દિવ્યા) પણ તો તમારી સાથે આવતા જ ને!!”શિવમ.
“તે માટે પણ એક વ્યક્તિ જવાબદાર છે.અમારા ભાઈ જેવા સંબંધોમાં તિરાડ પાડવા માટે આ વ્યુહ રચવામાં આવ્યો હતો.ગામમાં આપણી જે જમીન હતી તે વાવવા માટે મે ગામના જ એક વ્યક્તિને આપી હતી પણ તે જમીન વાવવાને બદલે જે પૈસા ખાતર લેવા માટે તેમને આપ્યા હોય તેનો દારૂ પી જતો હતો.આખરે પાક લેવાનો સમય આવે ત્યારે પાક ખૂબ જ ઓછો આવતો.દિવસે ને દિવસે જમીન પર ખરાબ અસર થતી હતી.તે માણસ ગરીબ હતો માટે મે 2-3 વર્ષ સુધી આમ જ ચાલવા દીધું.પછીના વર્ષે જ્યારે તારો જન્મ થયો ત્યારે મે જમીન તેના બદલે બીજાને વાવવા માટે આપી દીધેલી.બસ આ જ વાતથી ગુસ્સે થઈ તેણે પોતાની ગરીબીનું રોવાનું શિવરાજ પાસે ચાલુ કર્યું.આથી તેના પર દયા ખાઈને શિવરાજે પોતાની જમીન તેને વાવવા માટે આપી.
શિવરાજને ગરીબ લોકો પર ખૂબ દયા આવતી.પણ જો કોઈ ખોટું કરે તો તે માણસને શિવરાજના ગુસ્સાનું પણ ભોગ બનવું પડતું.શિવરાજ માણસ સાચો હતો પણ ખૂબ જ ગુસ્સાવાળો હતો.શિવરાજ વાડી પર રોજ એક ચક્કર લગાવી આવતો.આથી શિવરાજના ડરના લીધે તેણે બરાબર કામ કરવાનું ચાલુ કરી દીધું.તે સમયમાં મારૂ મોરબી આવવાનું રહેતું તો તે માણસને મારા માટે ખૂબ ગુસ્સો ઉત્પન્ન થતો.તેણે શિવરાજને મારા વિષે ખોટું કહેવાનું શરૂ કર્યું...કે પોતે જમીનની ખૂબ દેખભાળ કરતો હોવા છતાં તેને જમીન ન વાવવા આપી તેની રોજીરોટી છીનવી લીધી.
બસ આ જ વાત શિવરાજના મગજમાં ક્યાકને ક્યાક મારા માટે ગુસ્સો ઉત્પન્ન કરી ગઈ.પછી તે દિવસે ને દિવસે મારા વિરુદ્ધ શિવરાજને વાત કહ્યા કરતો.કહેવાય છે કે ‘રોજ થતો વરાળનો અહેસાસ પણ માણસ માટે એક દિવસ આગનું કામ કરે છે.’ અને તે દિવસે આગ લાગી ગઈ.હું અને દિવ્યા આવ્યા હતા અને દિવ્યા તારા માટે દૂધ લેવા ગઈ તે સમયે જ શિવરાજ ઘરમાં પ્રવેશ્યો.તેને લાગ્યું કે હું એકલો જ આવ્યો છું માટે તેને કહેવામા આવેલી વાતો તે સાચી માની તેણે ન કહેવાનું કહી દીધું.”ચેતનભાઈએ આખી વાતોનો ખુલાસો કરતાં કહ્યું.
“અમને આ વાતની ખબર પણ ન હતી પણ શાંતીભાભીના મૃત્યુ પછી અમને આ વાત હરેશભાઈ પાસેથી જાણવા મળી કે શિવરાજના મનમાં શંકા જાગી નહોતી પણ જગાડવામાં આવી હતી.” દિવ્યાબહેન.
“બેટા શાંતીભાભીએ ભલે આત્મહત્યા કરી હોય પણ અમારી બધાની નજરમાં તો તે હત્યા જ છે.તારા સગા પિતા શિવરાજની સાથે સાથે હું અને દિવ્યા પણ ક્યાકને ક્યાક ભાભીના મૃત્યુના જવાબદાર છીએ. તું મારાથી દૂર ન થા માટે અમે તારાથી આ વાત છુપાવી રાખી.તો પણ તને જો અમે ગુનેગાર લાગતા હોય તો તું ચોક્કસ અમને જે ઈચ્છે તે સજા આપી શકે.”ચેતનભાઈ.
“શું ક્યારેય મારા સગા પિતાએ મારી કોઈ પૂછપરછ કે કોઈ ચિંતા કરતો ફોન કે તમારી પાસેથી મારી માંગણી કરી?”શિવમ.
“ના ક્યારેય નહીં.”ચેતનભાઈ.
“બસ તો હવે મે નિર્ણય લઈ લીધો છે.જે માણસનો હું સગો પુત્ર છું તેણે મારી પરવાહ ન કરી અને જે માણસો સાથે મારો લોહીનો નહીં પણ પ્રેમનો સંબંધ છે અને મારી ખુશી ખાતર મારા માટે જ આજ સુધી આ બધુ સહન કર્યું અને મને સર્વશ્રેસ્ઠ બનાવ્યો છે તેમને હવે હું તમને તરછોડું તો મારાથી મોટો ગુનેગાર બીજો કોઈ ન કહેવાય.મારા માતાએ મને તમને સોપ્યો.તો બસ તે ઘડીથી જ હું તમારો પુત્ર બની ગયો.રહી વાત સુરત આવવાની તો તમે મારૂ બાળપણ સુધાર્યું હવે હું તમારા ઘડપણનો સહારો બનવા માંગુ છું.
હું એક જ વસ્તુ માંગીશ.તમે ભલે મને તમારી સંપતિમાં હક્ક ન આપો પણ મને તમારા ઘડપણનો સહારો બનવાનો હક્ક નહીં છીનવો મને આ હક્ક જોઈએ છે..આપશોને?” શિવમ.
“શિવમ તું જ મારી સૌથી મોટી સંપતિ છો.”ચેતનભાઈએ શિવમને ગળે લગાવતા કહ્યું.
દિવ્યાબહેન પણ શિવમને ગળે વળગી ગયા.
“..અને હા હજુ એક માંગણી છે મારી.”શિવમે તેના મમ્મી-પપ્પાથી દૂર થતાં કહ્યું.
ચેતનભાઈ અને દિવ્યાબહેન એક-બીજા સામે મુંજવણ ભરી નજરે જોવા લાગ્યા.
“હા બોલ ને બેટા.?”ચેતનભાઈ.
“હવે પોતાની જાતને દોશી માન્યા વગર ખુશ થઈ મારા લગ્નની તૈયારી કરો.તમારી વહુના આગમનની તૈયારી કરો.”શિવમે રાહીની સામે જોઈ હસીને ઈશારો કર્યો.
શિવમના બોલતા જ વાતાવરણમાં ખુશી પ્રસરી ગઈ.
“શું કહેવું છે વેવાઈ લગ્નની તૈયારીઓ માટે વાત કરી લઈએ?”ચેતનભાઈએ જયેશભાઇ સામે જોઈને કહ્યું.
“ચોક્કસ કેમ નહીં?”જયેશભાઇએ હસતાં કહ્યું.
***************************
જમવાનું પતાવી લગ્નની તૈયારીની વાતો કરી રાહીના ઘરના લોકોએ ઘરે જવા માટે રજા લીધી.
શિવમે રાહીને પછી ઘરે છોડી જવા માટે કહ્યું માટે રાહી શિવમને ત્યાં જ રોકાઈ હતી.
ત્યારપછી હરેશભાઇ પણ ઘરે જવા માટે રજા લેતા હતા ત્યારે શિવમે તેમને કહ્યું, “અંકલ, માફ કરજો મારે તમારી સામે ખોટું બોલવું પડ્યું પણ મારી મજબૂરી હતી.”
“માફી તો મારે માંગવી જોઈએ.મે તારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું.પણ બેટા મારી પણ તારી જેમ જ મજબૂરી હતી.”હરેશભાઈ.
“હું સમજી શકું અંકલ.તમે માફી નહીં માંગો.પણ મને એક વાત જણાવી શકશો?”શિવમ.
“હા બેટા પૂછ ને?”હરેશભાઈ.
“મારા સગા માતા ના પતિનું શું થયું?તે અત્યારે જીવિત છે?ક્યાં છે તે?”શિવમ.
“તે એકદમ ઠીકઠાક છે.આરામથી જીવન પસાર કરે છે.વધારે સંબંધ તો મે પણ નથી રાખ્યો ત્યારપછી તેની સાથે પણ હા એટલી ખબર છે કે તારા મમ્મીના મૃત્યુ પછી તેણે વિના સંકોચે બીજા લગ્ન કરી લીધા હતા.”હરેશભાઈ.
“ઠીક છે.”શિવમ આમ કહી પોતાના રૂમમાં જતો રહ્યો.
રાહી પણ શિવમની પાછળ તેના રૂમમાં ગઈ.જ્યારે રાહી રૂમમાં આવી ત્યારે શિવમ બાલ્કનીમાં ઊભો હતો.એક ફોટો તેના હાથમાં હતો.શિવમની આંખોમાં તે ફોટો જોતાં ભીનાશ આવી ગઈ હતી.રાહીને સમજાય ગયું કે આ ફોટો શિવમના મમ્મી ‘શાંતિ’ નો હતો.
“માં નો ફોટો જોઈને યાદ આવે છે ને?”રાહીએ શિવમની નજીક જઈ બોલી.
“હુમ્મ...”શિવમે ટૂંકમાં જવાબ આપ્યો.
“શિવમ હું આજે પણ તારી સાથે છું.”રાહીએ શિવમના હાથ પર પોતાનો હાથ રાખતા કહ્યું.
શિવમે રાહીને પોતાની નજીક લઈને બાથ ભરી કહ્યું, “ચિંતા નહીં કર. હું ઠીક છું. મારી સાથે તું જો છો.”
“શિવમ તું ખૂબ જ મજબૂત મનોબળ ધરાવે છે.આટલી મોટી વાતની જાણ થવા છતાં જે રીતે પોતાની જાતને સંભાળી છે તે જોઈને હવે હું મારા ભવિષ્ય માટે નિશ્ચિંત થઈ ગઈ છું.”રાહી.
“કેમ ભવિષ્ય માટે નિશ્ચિંત?હું સમજ્યો નહીં.”શિવમ.
“શિવમ એક છોકરી જ્યાં સુધીમાં મોટી થાય છે ત્યાં સુધીમાં સમાજ સામે ડરી –ડરીને જીવે છે.કોઈ પર પણ વિશ્વાશ કરવો એક છોકરી માટે ઘાતક સાબિત થઈ શકે છે.માટે તેને સંભાળીને જીવવું પડે છે.ત્યાં સુધી કે જ્યાં સુધી તેને સાથ આપવાવાળું કોઈ મજબૂત મનોબળવાળું વ્યક્તિ તેના જીવનમાં પ્રવેશ ન કરે.પણ મારા જીવનમાં હવે નિશ્ચિંત થઈ જવાનો સમય આવી ગયો છે.કારણ કે તું મારા જીવનમાં આવી ગયો છે.”રાહીએ શિવમને વધારે જોરથી જકડતા કહ્યું.
ત્યાં જ રાહીના ફોનમાં ફોન આવ્યો.ફોન અજાણ્યા નંબર પરથી હતો.રાહીએ ફોનમાં વાત કરી.ફોન મુક્તાની સાથે જ રાહી ગભરાય ગઈ.
“શું થયું રાહી?કોનો ફોન હતો?”શિવમ.
“વંશ.”રાહી.
“શું કહ્યું?”શિવમ.
“....કે તે આપણાં લગ્ન નહીં થવા દે.”રાહી.
“તું ચિંતા નહીં કર, તે હમણાં જ કીધું હું છું પછી તારે શું ચિંતા?”શિવમ.
“શિવમ તું વંશને નથી જાણતો.પોતે પોતાની વાત મનાવવા માટે કઈ પણ કરી શકે છે.પહેલાથી જ આપણાં જીવનમાં મુશ્કેલીઓ હતી.ખૂબ મહેનતથી હવે પરેશાનીઓ દૂર થઈ છે.ખબર નહીં હવે કઈ મુસીબત આપણી રાહ જોઈ રહી છે?” રાહીએ શિવમની આંખોમાં ડરથી જોતાં કહ્યું.
(ક્રમશ:)