પ્રકરણ-૩ સાઈકલ ની સફર
શ્રદ્ધા ને શાળા માં ગોઠવાતા ખૂબ લાંબો સમય લાગી ગયો હતો. શિક્ષકો, શ્રદ્ધા ના માતા પિતા, શ્રદ્ધા ના દાદી અને શ્રદ્ધા ના બંને ભાઈબહેન એ બધા એ જ શ્રદ્ધા માં થોડો ભય દૂર થાય એ માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ હજુ પણ તેઓ સંપૂર્ણ રીતે સફળ થયા નહોતા. માત્ર આંશિક જ પરિવર્તન થયું હતું. અને પરિવર્તન માત્ર એટલું જ થયું હતું કે, એણે હવે રડવાનું બંધ કર્યું હતું. પણ એની બહેન નિત્યા નો પીછો છોડ્યો નહોતો.
શાળા શરૂ થઈ એને લગભગ બે વર્ષ જેવો સમય વીતી ગયો. શ્રદ્ધા હવે બીજા ધોરણમાં આવી ગઈ અને નિત્યા ચોથા ધોરણમાં પણ હજુ પણ એ રીસેસ ના સમયે નિત્યા પાસે જ ચાલી જતી એટલે નિત્યા ની સખીઓ એની મશ્કરી કરતી કે, "તું તો આ શ્રદ્ધા ની બહેન કરતાં મમ્મી વધુ લાગે છે. એ તારો પલ્લું છોડતી જ નથી. એ તો તને અત્યારથી જ મમ્મી બનવાની ટ્રેનિંગ આપે છે."
અને સહેલીઓ ની આ વાત નિત્યા ને બિલકુલ ગમતી નહીં એટલે ઘરે આવીને એ એની મમ્મી ને સખીઓ ચીડવતી એ વાત કહેતી એટલે એના દાદી તરત જ શ્રદ્ધા ના પક્ષમાં બોલી ઉઠતાં, "નિત્યા, તું મોટી છો એટલે તારે મોટી બહેન તરીકે નાની બહેનનું ધ્યાન રાખવું જોઈએ." અને અધૂરામાં પૂરું ભાઈ કુશલ પણ શ્રદ્ધા નો જ સાથ આપતો.
દાદીના આવા વાક્યો સાંભળીને નિત્યા છળી ઉઠતી અને બોલી ઉઠતી, "હા, બા મને ખબર છે તમને તો શ્રદ્ધા ને કુશલ બે જ વહાલા છે. હું તો તમને ગમતી જ નથી." એમ કહી એ પોતાના રૂમમાં જઈ રડવા લાગતી ત્યારે કુસુમબહેન એને સમજાવતાં, "બેટા, દાદી ને બધા બાળકો પર સરખો જ પ્રેમ હોય પણ તું મોટી પણ છો અને સમજદાર પણ છો એ તેઓ જાણે છે માટે એ શ્રદ્ધા નો પક્ષ લે છે. તમારા ત્રણેય ભાઈબહેનોમાં એ સૌથી નાની છે અને કુશલ પહેલો અને એક નો એક દીકરો છે એટલે દાદી એમનો પક્ષ લે છે." આમ તેઓ નિત્યા ને સમજાવતાં.
માતા ની આવી વાત સાંભળીને નિત્યા તરત બોલી ઉઠતી, "હું વચ્ચે ની દીકરી છું એમાં મારો શું વાંક?"
"તારો કોઈ વાંક નથી. બેટા. પણ તું સમજદાર છો એ તારી ખૂબી છે." એમ કુસુમબહેન એને સમજાવતાં અને નાનકડી નિત્યા સમજી પણ જતી. એ એની ઉંમર કરતાં વધુ સમજદાર હતી.
*****
સમય વીતી રહ્યો હતો. શ્રદ્ધા હવે આઠમા ધોરણ માં આવી ગઈ હતી. અને નિત્યા દસમા ધોરણ માં આવી ગઈ હતી. કુશલ કોલેજમાં આવી ગયો હતો. નિત્યા ને આ વર્ષ બોર્ડ પરીક્ષા નું વર્ષ હતું. એટલે એને વધુ સારી સ્કૂલમાં મોકલવાનું નકકી થયું હતું જેથી એ સારી શિક્ષા પ્રાપ્ત કરી શકે.
અત્યાર સુધી તો શ્રદ્ધા નિત્યા સાથે સ્કૂલમાં જતી હતી. પણ હવે નિત્યા ની સ્કૂલ તો બદલાઈ જવાની હતી. નિત્યા નો સાથ હવે છૂટી જવાનો હતો. શ્રદ્ધા ને સાઈકલ ચલાવતા તો આવડી ગઈ હતી પણ હજુ એ સાઈકલ માત્ર પોતાના ઘરની શેરી માં જ ચલાવતી હતી પણ હવે તો શ્રદ્ધા ને શાળામાં પણ સાઈકલ પર જ જવું પડે તેમ હતું. કૃષ્ણકુમારને નોકરી નો સમય એવો હતો કે એ શ્રદ્ધા ને મુકવા શાળાએ જઈ શકે નહીં. અને કુસુમબહેન અને સરસ્વતી બહેન એ બંને તો વાહન ચલાવવું જાણતા નહોતા. એટલે શ્રદ્ધા સાઈકલ પર સ્કૂલે જશે એવું નક્કી કરવામાં આવ્યું. પણ શ્રદ્ધા સાઈકલ પર એકલી જતા ખૂબ ડરી રહી હતી. એટલે શ્રદ્ધા ને શાળાએ એકલી જતી કરવા માટે કૃષ્ણકુમારને માતા ના હુકમને લીધે અઠવાડિયાની રજા લેવી પડી હતી.
શ્રદ્ધા સાઈકલ લઈને શાળાએ જાય એટલે કૃષ્ણકુમાર પણ રોજ એની પાછળ પાછળ સ્કૂટર લઈને જતાં. આવું બે-ત્રણ દિવસ ચાલ્યું પછી ચોથા દિવસે શ્રદ્ધા સાઈકલ પર શાળાએ જઈ રહી હતી ત્યારે કૃષ્ણકુમાર થોડીવાર એક જગ્યાએ ઉભા રહી ગયા. શ્રદ્ધા ને સાઈકલ ચલાવતા ચલાવતા હંમેશા પાછળ પપ્પા આવે છે કે નહીં એ જોવાની આદત હતી એટલે રોજની જેમ આજે પણ એણે પાછળ ફરીને જોયું તો પપ્પા દેખાયા નહીં. પોતાના પિતાને ન જોતાં એ ખૂબ જ ગભરાઈ ગઈ અને સાઈકલ સાથે જ તે જમીન પર પડી અને ત્યાંથી જ જોરથી "પપ્પા પપ્પા" ની બુમો મારવા લાગી. શ્રદ્ધા ના આવા આક્રંદ થી થોડે દૂર ઉભા રહેલા કૃષ્ણકુમાર આવ્યા અને બોલ્યા, "હજુ હું જીવું છું. મરી નથી ગયો. આવી રીતે જોરથી રાડો કેમ પાડે છે?" પિતાને સામે જોઈને શ્રદ્ધા ના જીવમાં જીવ આવ્યો. એ એકદમ એના પપ્પા ને વળગી પડી અને રડવા લાગી. પિતા એ એને શાંત પાડી. અને પછી એને શાળા એ મૂકી આવ્યા.
ઘરે આવીને સર્વ વૃત્તાંત બધાને કહી સંભળાવ્યો એટલે ફરી સરસ્વતી બહેને એમને કહ્યું, "કાલથી હવે શ્રદ્ધા એકલી જ સ્કૂલે જશે. કૃષ્ણ, તું તારી રજા કેન્સલ કરી ને નોકરી એ જઈશ."
માતાનો હુકમ થયો એટલે બીજા દિવસે શ્રદ્ધા ને સાઈકલ પર એકલી જ શાળાએ મોકલવામાં આવી. કૃષ્ણકુમાર અને કુસુમબહેન બંનેએ શ્રદ્ધા ને ઊંચકતા જીવે જવા દીધી. અને શ્રદ્ધા પણ સ્વ સાથે લડાઈ લડતી ઉંચક જીવે સાઈકલ પર ચાલી નીકળી. શ્રદ્ધા જ્યારે શાળા એ થી પાછી આવતી ત્યારે જ ઘરના બધા હાશકારો અનુભવતાં. આસપાસના પડોશી ઓ પણ શ્રદ્ધા સહીસલામત ઘરે આવી ગઈ છે કે નહીં એની ચિંતા કરતાં.
આ વાતને બે ત્રણ દિવસ વીતી ગયાં. શ્રદ્ધા હવે સાઈકલ પર શાળાએ જતી થઈ ગઈ હતી.
પણ એક દિવસ-
શાળા છૂટવાનો સમય થઈ ગયો છતાં શ્રદ્ધા શાળાએથી ઘરે ના આવી. શાળા છૂટ્યાને લગભગ એક કલાક જેટલો સમય થઈ ગયો હતો પણ શ્રદ્ધા હજુ ઘરે આવી નહોતી. શું થયું હશે શ્રદ્ધા જોડે?
*****
સાઈકલ ની સફર પર નીકળેલી આ શ્રદ્ધા,
શું ફેરવી શકશે એના જીવનચક્ર ના પૈડાં?
*****