Shraddha ni safar - 8 books and stories free download online pdf in Gujarati

શ્રદ્ધા ની સફર - ૮

શ્રદ્ધાની સફર - ૮ એક ઓર વિયોગની સફર

શ્રદ્ધાના જીવનમાં એનો ભાઈ સાથે નો વિયોગ થયા પછી હવે બહેનના વિયોગ ની ઘડી પણ નજીક આવી ગઈ હતી. ભાઈ બેંગ્લોર ગયા પછી હજુ બહેન એના જીવનમાં હતી એનું એને સાંત્વન હતું પરંતુ હવે લગ્ન પછી બહેન પણ એના સાસરે જતી રહેવાની હતી.
નિત્યાના લગ્ન રંગેચંગે લેવાઈ રહ્યા હતા. લગ્નના આગળના દિવસે દાંડીયા રસમાં શ્રદ્ધા નો આખો પરિવાર ખૂબ નાચ્યો હતો. શ્રદ્ધા પણ એમાં બાકાત નહોતી. નાનાથી લઈને મોટા સુધીના પરિવારના દરેક સદસ્યો એ ખૂબ આનંદ કર્યો હતો.
આજે લગ્નનો દિવસ હતો. દૂરથી જાન આવી રહી હતી. નાચતી નાચતી જાન લગ્નમંડપ ના આંગણે પહોંચી. શ્રદ્ધા એના જીજાજી નું સામૈયુ કરવા માથે કળશ અને હાથમાં પૂજા ની થાળી લઈને આવી રહી હતી. એણે ગુલાબી રંગના ચણિયાચોળી પહેર્યા હતાં. ગુલાબી વસ્ત્રોમાં સજ્જ શ્રદ્ધા ખૂબ સુંદર લાગી રહી હતી. એણે એના જીજાજી રવિનું સામૈયું કર્યું. ત્યારબાદ સાસુમા કુસુમબહેન એ જમાઈને કંકુ ચોખાથી વધાવ્યા અને એમનું નાક ખેંચ્યું. ત્યારબાદ નિત્યા લગ્નમંડપમાં આવી અને એણે રવિને હાર પહેરાવ્યો. નિત્યા અને રવિની નજર મળી અને એ જ સમયે જાણે ઈશ્વર આ બંને ને આશીર્વાદ આપતા હોય એમ મેઘરાજાએ તે બંને પર અમીછાંટણા વરસાવ્યા. હાર પહેરાવીને નિત્યા જતી રહી.
ત્યારબાદ કૃષ્ણકુમાર અને કુસુમબહેન એ દીકરી નિત્યા નું કન્યાદાન કર્યું અને તેમણે દીકરીનો હાથ જમાઈ રવિ ના હાથમાં સોંપ્યો. એ ક્ષણ દરમિયાન કૃષ્ણકુમાર અને કુસુમબહેન બંનેની આંખો થોડી ભીની થઈ ગઈ.
હવે લગ્નની વિધિ નો આરંભ થયો. સફેદ રંગનું અને લાલ કિનારીવાળું પાનેતર પહેરીને નિત્યા લગ્નમંડપમાં આવી પહોંચી. બંનેનો હસ્તમેળાપ થયો. ત્યારબાદ બંને એ સપ્તપદી ના સાત વચન એકબીજાને આપ્યા અને લગ્નમંડપમાં ચાર ફેરા ફરી અને બંને એકમેકના બની રહ્યા. રવિ અને નિત્યાના લગ્ન સંપૂર્ણ થયા.
અને અંતે વિદાયનીએ ઘડી આવી જ પહોંચી જે દરેક દીકરીના જીવનમાં આવે છે. વિદાયનો આ પ્રસંગ કેવો અનેરો છે કે જેમાં એક નવા સંસારના ઉત્સાહની સાથે પોતાના પરિવારથી વિખૂટા પડવાની ઉદાસી પણ દીકરી ના મનમાં હોય છે.
નિત્યા અને રવિ પહેલાં રવિના માતાપિતા ને અને પછી અનુક્રમે રવિના ઘરના બધા વડીલોને પગે લાગ્યા. ત્યારબાદ બંને સરસ્વતી બહેન પાસે આવ્યા. નિત્યા ને જતી જોઈને સરસ્વતી બહેન પણ પોતાના આંસુ ખાળી શક્યા નહીં. એ નિત્યા ને ભેટીને રોઈ પડ્યા અને તેમણે એ બંનેને હંમેશા ખુશ રહો એવા આશીર્વાદ આપ્યા. એ પછી રવિ અને નિત્યા કુસુમબહેન અને કૃષ્ણકુમાર પાસે આવ્યા. એ બંને એ પણ ભીંજાતી આંખે નિત્યાને અને રવિને ખુશ રહો એમ આશીર્વાદ આપ્યા અને કૃષ્ણકુમાર રવિકુમાર ને બે હાથ જોડીને રડતાં હૃદયે માત્ર એટલું જ બોલી શક્યા, "મારી દીકરીને સાચવજો. એનું ધ્યાન રાખજો."
રવિએ બે હાથ જોડીને પોતાના સસરાને કહ્યું, "પપ્પાજી, તમે નિત્યાની બિલકુલ ચિંતા ના કરશો. હું એનું ધ્યાન રાખીશ. હું તમારા પાસેથી માત્ર એટલું જ ઈચ્છું છું કે તમે બધા એને હસતે મોઢે વિદાય આપો." એટલું કહી એણે કૃષ્ણકુમાર ની આંખમાં આવેલા આંસુ લૂછયા.
હવે નિત્યા ભાઈ કુશલ પાસે આવી. એણે એને "આવજે ભઈલા" એટલું કહ્યું. કુશલ ની આંખમાં આંસુ નહોતા. એણે હસતે ચેહરે નિત્યા ને વિદાય આપી. નિત્યા પણ હજુ રડી રહી નહોતી. હવે નિત્યા શ્રદ્ધા પાસે આવી. એ એને ભેટી અને શ્રદ્ધા "બેન" એટલું કહીને ખૂબ જ રડવા લાગી. શ્રદ્ધાને રડતી જોઈને નિત્યા એ અત્યાર સુધી ખાળી રહેલા આંસુ એની આંખમાંથી ચોધાર વહેવા લાગ્યા. બંને બહેનો એકમેકને ભેટીને રડી પડી. નિત્યા ને શ્રદ્ધા ની ખૂબ ચિંતા હતી. કારણ કે, એ જાણતી હતી કે જે શ્રદ્ધા હંમેશા મારા અથવા કુશલ પર આધારિત હતી તે હવે એકલી બધું કેવી રીતે મેનેજ કરશે?
શ્રદ્ધા ને ભેટીને નિત્યા એ એને કહ્યું, "બેન, હવે મમ્મી પપ્પા અને દાદીને સાચવવાની જવાબદારી તારી છે. તું બધાનું ધ્યાન રાખજે અને હિંમતથી સાચવજે."
"હા, બેન, તું બા અને મમ્મી પપ્પા ની ચિંતા ન કર. હું એમનું બરાબર ધ્યાન રાખીશ."
શ્રદ્ધાની આ વાત સાંભળીને નિત્યાને શ્રદ્ધા એની ઉંમર કરતાં પણ મોટી અને એક જવાબદાર વ્યક્તિ લાગવા માંડી. એણે શ્રદ્ધામાં આવેલા આ આમૂલ પરિવર્તનની નોંધ લીધી. અને એણે પતિ રવિ સાથે સુખપૂર્વક ત્યાંથી સાસરિયા તરફ પ્રયાણ કર્યું. રવિ અને નિત્યા ની ગાડી દૂર સુધી દેખાતી બંધ ન થઈ ત્યાં સુધી આખો પરિવાર એને જોતો જ રહ્યો. અને ધીમે ધીમે કાર અદ્રશ્ય થવા લાગી.
*****
બહેન કેરા વિયોગ ને શ્રદ્ધા કરી ગઈ પાર!
કોણ બનશે હવે શ્રદ્ધાના જીવનનો આધાર?
મંઝીલ સર કરવાને હજુ તો ઘણી છે વાર.
શું સફર ખેડવા નીકળશે એ ઘરની બહાર?
*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED