શ્રદ્ધા ની સફર - ૨ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રદ્ધા ની સફર - ૨

પ્રકરણ-૨ શાળા ની સફર

આજથી શ્રદ્ધા ના શાળાજીવનનો આરંભ થવાનો હતો. આજથી હવે એ જ્ઞાન ના માર્ગ તરફ પ્રથમ પગલું માંડવા ની હતી. ત્રણ વર્ષ ની શ્રદ્ધા નો આજે બાલમંદિર માં પ્રવેશ થવાનો હતો. હજુ હમણાં જ એણે મે મહિનામાં ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હતા અને અત્યારે જૂન મહિનામાં એ શાળા માં પ્રવેશ કરવાની હતી.
નાનકડી શ્રદ્ધાનો શાળા નો પહેલો દિવસ હતો એટલે એના માતા પિતા બંને એને શાળાએ મુકવા આવ્યા હતા. અને એની બહેન નિત્યા તો શાળા માં ત્યાં જ ભણતી હતી એટલે કૃષ્ણકુમાર અને કુસુમબહેન ને શ્રદ્ધા ની થોડી ચિંતા ઓછી હતી. કારણ કે બંને જાણતાં હતા કે તેમની મોટી દીકરી નિત્યા શ્રદ્ધા ને સંભાળવા માટે બિલકુલ યોગ્ય હતી. નિત્યા શ્રદ્ધા કરતાં ચાર વર્ષ મોટી હતી એટલે એ અત્યારે બીજા ધોરણમાં ભણતી હતી.
શ્રદ્ધા અને એના માતા પિતા એ શાળા ના પ્રાંગણમાં પ્રવેશ કર્યો પણ આ શું? શ્રદ્ધા તો શાળા ને જોઈને ખૂબ જ રડવા લાગી અને મને ઘરે જવું છે સ્કૂલમાં નથી જવું એવી જીદ પકડીને ખૂબ જ રડવા લાગી.
જ્યારથી શ્રદ્ધા નું શાળા માં એડમિશન લીધું હતું અને ફી ભરી હતી ત્યારથી કુસુમબહેન શ્રદ્ધા ને માનસિક રીતે શાળા માટે તૈયાર કરી રહ્યા હતા. અને નાનકડી શ્રદ્ધા એ માટે પોતાની જાતને તૈયાર પણ કરી રહી હતી પણ અત્યારે એ બધું જ જાણે વ્યર્થ લાગી રહ્યું હતું.
શ્રદ્ધા આવી રીતે રડવા લાગી એટલે એને જોઈને શાળાના બીજા નવા આવેલા બાળકો પણ રડવા લાગ્યા. પરંતુ શાળા ના શિક્ષક એ બધાં વાલીઓ ને પોતાના બાળકને મૂકી ઘરે જતાં રહેવા કહ્યું. બધા પોતાના બાળકોને શિક્ષક ના ભરોસે મૂકીને ચાલ્યા ગયા સિવાય કે કૃષ્ણકુમાર અને કુસુમબહેન. એમને ત્યાં જ ઊભેલા જોઈને શિક્ષકે તેમને ઘરે જવા કહ્યું ત્યારે શ્રદ્ધા ના પિતા થી બોલ્યા વિના ના રહેવાયું. એમણે શિક્ષક ને કહ્યું, "આ મારી દીકરી શ્રદ્ધા છે. સ્વભાવે થોડી ભીરુ છે એટલે અમને બંને ને એની ખૂબ ચિંતા રહે છે. આમ તો મારી મોટી દીકરી નિત્યા પણ આ જ સ્કૂલમાં વર્ગ 2 માં અભ્યાસ કરે છે. જો શ્રદ્ધા શાંત ન થાય તો તમે એને બોલાવી લેજો. એ જરૂર એને શાંત કરી શકશે." આટલું બોલી તેઓ અટક્યા અને શિક્ષક ની સામે જોયું.
"તમે બિલકુલ ચિંતા ન કરો સાહેબ. શ્રદ્ધા બિલકુલ સુરક્ષિત રહેશે. અમે તો દર વર્ષે અનેક બાળકોને સાચવીએ જ છીએ. શાળા નું દરેક બાળક એ અમારી જવાબદારી હોય છે. તમે બંને નિશ્ચિંત થઈ ને ઘરે જાઓ." આટલું કહીને શિક્ષક એ શ્રદ્ધા ના માતાપિતાને ત્યાંથી વિદાય કર્યા.
શાળા નો આજે પહેલો દિવસ હતો એટલે શિક્ષકે બધા બાળકોને રમવા માટે રમકડાં આપ્યા. બધા બાળકો રમકડાં જોઈને ખૂબ ખુશ થઈ ગયા હતા. બાળકનો જીવ તો આમ પણ રમકડાં માં જ હોય છે.
શાળા પ્રત્યે બાળકને સ્નેહ બંધાય એ ખૂબ જ જરૂરી હોય છે કારણ કે જ્યાં સુધી એ સ્નેહ ન કરી શકે ત્યાં સુધી એ જ્ઞાન પણ પ્રાપ્ત નથી કરી શકતો. અને બાળકોને શાળા પ્રત્યે પ્રેમ બંધાય એનાં જ ભાગરૂપે આજે બાળકને રમવા માટે રમકડાં આપ્યા હતા.
બધા બાળકો રમકડાં થી રમી રહ્યા હતા પણ શ્રદ્ધા રમી રહી નહોતી. એ એક ખૂણામાં બેઠી આંસુ સારી રહી હતી. શિક્ષક નું એ તરફ ધ્યાન ગયું એટલે એમણે શ્રદ્ધા ને પૂછ્યું, "શું થયું શ્રદ્ધા? તું કેમ રમતી નથી? તને આ રમકડાં નથી ગમતા?"
શિક્ષક નો આ પ્રશ્ન સાંભળીને શ્રદ્ધા તો ખૂબ જોરથી રડવા લાગી અને બોલી, "મને મમ્મી પાસે જાવું છે. મને ઘરે જાવું છે.મને મારી મમ્મી પાસે લઈ જાવ."
શિક્ષકે એને સમજાવવા નો ખુબ પ્રયત્ન કર્યો પણ એમના બધા પ્રયાસો વ્યર્થ જઈ રહ્યા હતા. રીસેસ સુધીનો સમય તો તે માંડ રહેતી. રીસેસ પછી રોજ એના માતા પિતા એને ઘરે લઈ જતા. આવું થોડા દિવસ ચાલ્યું. આવું રોજ થવા લાગ્યું એટલે એક દિવસ શ્રદ્ધા ના દાદી એ પોતાના દીકરાને અને વહુ ને કહ્યું, "કાલથી તમે બંને એને સ્કૂલમાં થી પાછી લેવા નહીં જાઓ. શાળા છુટે પછી જ શ્રદ્ધા ઘેર આવશે. માતાની આવી વાત સાંભળીને કૃષ્ણકુમાર બોલ્યા, "પણ બા, હજુ એ નાની છે. એ ડરી જાય છે. એ કુશલ અને નિત્યા જેવી બહાદુર નથી. એટલે અમને બંને ને એની સવિશેષ ચિંતા રહે છે."
કૃષ્ણકુમારની વાતમાં સુર પુરાવતાં કુસુમબહેન એ પણ કહ્યું, "બા, તેઓ ઠીક કહે છે. ગમે તેમ તો પણ હું એની મા છું. એનું દુઃખ તમે નહીં સમજી શકો."
વહુની આવી વાત સાંભળીને સરસ્વતી બહેન તરત બોલી ઉઠ્યા, "હું નહીં સમજું? મેં સાવ એકલા હાથે મારા બંને છોકરાઓને મોટા કર્યા છે. પતિ વિના જીવવું સ્ત્રી માટે સહેલું નથી હોતું. વિધવા સ્ત્રીઓ ને અનેક કસોટીઓ માંથી પાર થવું પડે છે. તમે તો નસીબદાર છો કે મારો દીકરો તમારી સાથે છે. સ્ત્રી ને આજના જમાનામાં હિંમતવાળી બનાવવી ખૂબ જ જરૂરી છે એ મારાથી વિશેષ કોઈ નથી જાણતું. શ્રદ્ધા ને એની લડાઈ જાતે જ લડવા દો. એ જાતે જ એમાંથી બહાર નીકળશે. મારે તમને બંને ને એટલું જ કહેવાનું છે કે કાલથી શાળા છૂટ્યા પહેલાં તમે શ્રદ્ધા ને લેવા નહીં જાઓ."
સરસ્વતી બહેન નો આદેશ થાય એટલે પછી ઘરમાં કોઈ એની સામે બોલી શકતું નહીં એવો એમનો પ્રભાવ હતો. ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા તેઓ એટલે માતાની આજ્ઞાનું પાલન કરવા સિવાય હવે કૃષ્ણ કુમાર અને કુસુમબહેન પાસે કોઈ ઉપાય નહોતો.
શ્રદ્ધા શાળા માં રોજ રડતી. ઘરે જવાની જીદ કરતી પણ હવે એના માતા પિતા એને લેવા આવતાં નહીં. લગભગ એક અઠવાડિયા સુધી શ્રદ્ધા એ રડવાનું ચાલુ રાખ્યું પણ પછી ધીમેધીમે એને સમજાઈ ગયું કે, મારે આ શાળામાં જ ભણવાનું છે.
પછી શાળાના શિક્ષકો ના અથાગ પ્રયત્નોથી ધીમે ધીમે શ્રદ્ધા ને શાળા ગમવા લાગી. આ પહેલાં શાળાના શિક્ષકો એ કોઈ વિદ્યાર્થી પાછળ એટલી મહેનત નહોતી કરી જેટલી શ્રદ્ધા માટે કરવી પડી હતી.
શ્રદ્ધા ને હવે શાળા ગમવા તો લાગી હતી પરંતુ હજુ એના કોઈ ખાસ મિત્રો બન્યા નહોતા. રીસેસ માં પણ એ નિત્યા પાસે જતી રહેતી. પરિણામે નિત્યા પોતાના મિત્રો સાથે વાતો કરી શકતી નહીં. અને નિત્યાને તો ઘણાં જ મિત્રો હતા. નિત્યાને શ્રદ્ધાનું ખૂબ ધ્યાન રાખવું પડતું. ક્યારેક એને ગુસ્સો પણ આવતો કે આ કેમ આમ કરી રહી છે? શું મારી પોતાની કોઈ જિંદગી જ નહીં? મારે મારા મિત્રો જોડે શાંતિ થી વાતો પણ ન થાય? હંમેશા નાની બહેન પાછળ મારે દોડ્યા જ કરવાનું? પણ પછી પોતાના મનને મનાવી લેતી કે ગમે તેમ તો પણ મારી બહેન છે. એને બહેનની ચિંતા પણ થતી.
*****
ભયભીત બનેલી આ શ્રદ્ધા શું નીકળશે આમાંથી બહાર?
શું એના ખુદના અંતરના ભયને એ વેધશે હવે આરપાર?
*****