પ્રકરણ-૧ શ્રદ્ધા નો પરિવાર
નામ એનું શ્રદ્ધા. પણ નામ પ્રમાણે ના એનામાં કોઈ જ ગુણો નહીં. શ્રદ્ધા માં આત્મશ્રદ્ધા નો બિલકુલ અભાવ. ખૂબ ભીરુ ગભરુ કહી શકાય એવો એનો સ્વભાવ. આ શ્રદ્ધા એના કુટુંબમાં સૌથી નાની. અને સૌથી નાની હોવાના કારણે એના દાદીની એ સૌથી લાડકી હતી.
શ્રદ્ધા ને એક ભાઈ અને એક બહેન. બંને શ્રદ્ધા કરતાં મોટા. ભાઈ કુશલ સૌથી મોટો અને કુશલથી નાની અને શ્રદ્ધા કરતાં મોટી બહેન નિત્યા.
શ્રદ્ધા ના પરિવાર માં કુલ છ જણા રહેતા હતા. છ જણા થી ભર્યો એનો પરિવાર હતો. એના પરિવારમાં આ ત્રણ ભાઈબહેન ઉપરાંત પિતા કૃષ્ણકુમાર અને માતા કુસુમબહેન તેમ જ તેના વિધવા દાદી સરસ્વતી બહેન રહેતા હતા. શ્રદ્ધા ના દાદી નાની ઉંમરમાં જ વિધવા થઈ ગયા હતા એટલે સ્વબળે જ આગળ આવેલા હતા. પતિની છત્રછાયા એમણે બહુ નાની ઉંમરે જ ગુમાવી દીધી હતી એટલે એમના બંને બાળકો પુત્ર કૃષ્ણકુમાર અને પુત્રી નર્મદા ની જવાબદારી એમના એકલાના જ શિરે આવી પડી હતી. પણ એમાંથી એ ખૂબ હિંમત થી પાર ઉતર્યા હતા. એક વિધવા સ્ત્રી માટે બે બે સંતાનોને એકલા હાથે ઉછેર કરવો એના જેવું અઘરું કાર્ય તો કોઈ હિંમતવાળી સ્ત્રી જ કરી શકે. શ્રદ્ધા ના દાદી ખૂબ જ હિંમતવાળા હતા.
શ્રદ્ધા ના પિતા કૃષ્ણકુમાર ખૂબ મોજીલા સ્વભાવના. અને એમની પત્ની અને શ્રદ્ધા ની માતા કુસુમબહેન ખૂબ જ શાંત સ્વભાવના. કૃષ્ણકુમાર એના નામ પ્રમાણે જ કૃષ્ણ ની જેમ જ ખૂબ નટખટ સ્વભાવના. એમનો સ્વભાવ થોડો મસ્તીખોર અને ટીખળી. બાળપણમાં લોકોની ખૂબ મસ્તી કરતાં. ક્યારેક લોકો એની માતાને ફરિયાદ પણ કરતાં તો બા ખિજાતા પણ તો પણ મજાક કરવાનો એમનો સ્વભાવ સુધરતો નહીં.
કુસુમબહેન સાથે એમના પ્રેમવિવાહ હતા. બંને કોલેજમાં સાથે ભણતાં અને પછી કોલેજમાં જ એમનો પ્રેમ પાંગર્યો હતો અને લગ્નમંડપ સુધી પહોંચ્યો હતો. બંને નું લગ્નજીવન સુખી હતું. અને હવે તો એમના પ્રેમના આ બગીચામાં ત્રણ ત્રણ પુષ્પો પણ ખીલી ઉઠ્યા હતા.
આ હતો શ્રદ્ધા નો પરિવાર. આપણી મૂળ વાર્તા તો શ્રદ્ધા અને તેના જીવનની સફર વિષે ની છે પણ એની આસપાસના પાત્રોને પણ આપણે જાણવા જરૂરી બની જાય છે. કારણ કે આ બધાં જ પાત્રો એવાં છે કે જે શ્રદ્ધા ના જીવન સાથે અભિન્ન રીતે જોડાયેલા છે. શ્રદ્ધા ની આ સફરમાં આ દરેક પાત્રોનો ખૂબ મહત્વ નો રોલ છે. અને સમયે સમયે દરેક પાત્ર એના જીવનમાં પોતપોતાનો રોલ ભજવવાના જ છે. અને આગળ જતાં હજુ બીજા પણ ઘણા પાત્રો એના જીવનમાં ઉમેરાશે પણ એની વાત યોગ્ય સમય આવશે ત્યારે કરીશું.
વાર્તા ની શરૂઆત આપણે શ્રદ્ધા ના જન્મથી જ કરીએ. જ્યારે કુસુમબહેન ત્રીજી વખત ગર્ભવતી બન્યાં હતા ત્યારે બધાંને લાગ્યું હતું કે દીકરો અવતરશે પરંતુ લોકોની એ ધારણા ખોટી પડી અને કુસુમબહેન એ દીકરી ને જન્મ આપ્યો. ત્રીજી દીકરી ના જન્મથી પહેલાં તો શ્રદ્ધાના દાદીને દુઃખ થયું. એમને હતું કે બે ભાઈઓ હોય તો એકબીજા નો સથવારો રહે અને એક તો દીકરી હતી જ એટલે એમની મનોમન ઈચ્છા તો એવી જ હતી કે કુસુમબહેન પુત્ર ને જન્મ આપે પણ થયું એથી ઉલટું. એમણે તો દીકરી ને જન્મ આપ્યો. પણ શ્રદ્ધા હતી જ એટલી સુંદર અને રૂપાળી કે એનું મોઢું જોતા જ એની દાદી ને દીકરો ન જન્મ્યા નું દુઃખ ભુલાઈ ગયું. અને ધીમે ધીમે એ એના દાદીની સૌથી લાડકી અને ચહીતી બની ગઈ.
ધીમે ધીમે શ્રદ્ધા મોટી થવા લાગી. સમય વીતવા લાગ્યો હતો. અને અંતે એ સમય આવી પહોંચ્યો જ્યારે શ્રદ્ધા ને સ્કૂલ માં બેસાડવાનો સમય આવ્યો.
શ્રદ્ધા નો આજે શાળા એ જવાનો પહેલો દિવસ હતો.
*****
કેવો રહેશે નાનકડી શ્રદ્ધા નો શાળાનો પહેલો દિવસ? એની વાત આવતા અંકે.
શ્રદ્ધા ની આ સફર છે, જીવનની નવી શરૂઆત છે.
શ્રદ્ધાથી સભર જીવનની આ અનોખી રજૂઆત છે.
*****