મારી અગાશી HARDIK RAVAL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી અગાશી

સ્વની ખોજ એ માનવીનું મૂળભૂત લક્ષ છે, અંતર્મુખી થઇ ભીતર ચાલતી ભવ્યતાનું દર્શન કરવું અને પોતાનામાં નિરંતર ધબકતી ચેતનાની અનુભૂતિ કરવી એ જ જીવનની ખરી ઉપલબ્ધિ છે. બહારનો કોલાહલ શમી જાય, ત્યારે અંતર તરફ જવાની શરૂઆત થાય. શહેરીકરણ અને અત્યંત વ્યસ્તતા ભર્યા જીવનમાં વ્યક્તિને પોતાના તરફ ગતિ કરવાની તક સાંપડતી નથી. અતિશય થતી દોડધામ; ચિંતા અને તાણ જન્માવે છે. આજના સમયમાં નિરાંતનાં શ્વાસ લેવાની ફુરસદ માનવજાત પાસે રહી નથી. દિવસભરની ભાગદોડ પછી મોડી રાત સુધીનો સમય ટી.વી અને મોબાઈલ ભરખી જાય છે.

શાંતિ, સ્થિરતા અને સુખ જાણે કે માનવજાત માટે દોહ્યલા બન્યા છે. વિચાર કરવાની, મનન કરવાની કે કાંઈ નવું સર્જન કરવાની વાત જાણે વેગળી બની છે. પૈસા પાછળ થતી આંધળી દોડ અને વસ્તુલક્ષી સુખની મૃગજળ જેવી ઝંખનાએ માનવજાતની શાંતિનું હરણ કર્યું છે. આજે આપણી પાસે પુરતી સગવડો છે, રાચરચીલું છે, ઉપભોગના સાધનો છે. પરંતુ બે ક્ષણની નિરાંત કે કશેય પહોચવાની ઉતાવળ વિના સ્થિર થવાનું સાહસ નથી.

મારી અગાશી મને આ બધું જ આપે છે. વહેલી સવારનો મારો સંગાથી એટલે મારી અગાશી. પૂર્વની ક્ષિતિજે ઉષાની રંગત જામી હોય ત્યારે, સૂર્યના કુણા-કુણા કિરણોનું સ્વાગત કરવા માટેનું જબરું પ્લેટફોર્મ પૂરું પાડે છે, મારી અગાશી. પંખીઓનો કલરવ સીધો જ મારી ચોવીશ બાય ચોવીશની અગાશીમાં ઉતરે ત્યારે, એ વામનમાંથી કૃષ્ણનાં વિરાટ સ્વરૂપ જેવું રૂપ ધારણ કરે છે. પાણીના નાનકડા કુંડામાં ખિસકોલી એકાદ ઘૂંટડો ભરે, ત્યાં મારી જન્મોજન્મની તરસ છીપતી હોય તેવું લાગે. કશું જ કર્યા વિના અગાશીમાં બેસી ખુલ્લા આકાશને નિહાળવું એ ધ્યાનથી જરા પણ ઉતરતું નથી. ક્ષણે-ક્ષણે આખુય આભ મારી ભીતર અનંતતાનાં પડો ખોલતું રહે છે. કડવા લીમડામાંથી પસાર થઇ આવતો ચૈત્ર મહિનાનો પવન, મ્હોરી ઉઠેલા મોરની સુગંધ લઈને આવે છે.

ગામના સાવ જ છેડે આવેલા મારા ઘરની અગાશી જાણે મધ્યબિંદુ જેવી ભાસે છે. “અહીંથી જવાય રણ તરફ, અહીથી નદી તરફ” જેવી સ્થિતિ છે મારી અગાશીની. મારી અગાશીની એક તરફ સિમેન્ટ કોન્ક્રીટનાં જંગલો છે, તો બીજી તરફ લળી રહેલા ખેતરોની વણજાર. એક તરફ કોલાહલ, ભાગદોડ અને તાણ છે તો બીજી તરફ પ્રકૃતિ માતાએ રોપેલી નિરવ શાંતિનો વાસ છે. મધ્યબિંદુ સમાન બનેલી મારી અગાશી મને ઉર્ધ્વ તરફ લઇ જવામાં મદદ કરે છે.

સીમ ભણી ચાલી નીકળેલું ગૌ ધણ નયન રમ્ય લાગે છે. ગાય માતાની ઘંટડીઓનો રણકાર જિંદગીની જંજાળમાં જીવવાનું જોમ જન્માવે છે. ભવ્યતા અને અખિલતાનું દર્શન માત્ર પંદર પગથીયા છેટું હોય ત્યારે ત્યાં પહોચવા પગ ઉતાવળા થાય છે. ઉગતા સુરજની સાક્ષીએ સૂર્ય નમસ્કારની મજાને શબ્દોમાં વર્ણવી શકાય નહિ.

ચકલીના ચી... ચી... માં ભૂતકાળની વાતો અને ભવિષ્યની ચિંતા, આંખના પલકારામાં ખરી પડે. જીર્ણ થઇ ગયેલો ઈચ્છાઓનો પોપડો, સવાર-સવારમાં ખરી પડે, અને ખખડધજ અહંકાર તૂટે પછી નિરાકાર વર્તમાન ધીરેથી જન્મે છે. આ બધાની એકમાત્ર સાક્ષી એટલે મારી અગાશી.

ઘડિયાળનાં કાંટાની સાથે વધતો જતો તડકો ધીરે-ધીરે આંખો લાલ કરે ત્યારે એ બધું જ સહન કરે છે. ભર બપોરે એ સુરજ સાથે આંખ મેળવીને મારા માટે રૂમમાં સુવાની સગવડ કરી આપે છે. ટાઢ, તડકો અને વરસાદની સાથે-સાથે એ મારી મુંજવણ અને ઉદાસીને પણ સહે છે.

સમી સાંજે વળી પાછું નવીનતમ રંગદર્શન કરવા સારું તે મને ઉપર તરફ ખેંચી જાય છે. પંખીઓને માળા ભણી દોડતા જોઈ આનંદ થાય છે. પશ્ચિમનાં રવેસ ભણી જાણે પ્રસંગ હોય તેવું દ્રશ્ય પ્રસરાય છે. લાલ ચટ્ટાક પાનેતર ઓઢી મંડપમાં પ્રવેશતી સંધ્યાનો વૈભવ, વર્લ્ડ ટૂરથી પણ ચડિયાતો લાગે છે. મંદિરની ફરકતી ધજા સાંજને વિદાય આપતી હોય તેમ લહેરાતી રહે છે. ગોવાળોના હાકોટા, આરતીનાં કર્ણપ્રિય નાદની સાથે સૂર પુરાવે છે. ગમે છે આ બધું જ, ઉજવાય છે દરેક સાંજ, એના નવા રૂપમાં. પાનેતરનો રંગ દરરોજ જુદો લાગે છે. કુંજડાની હાર અવનવા આકારો સર્જે છે.

આખું આભ જાણે રંગોત્સવની ઉજાણી કરી રહ્યું છે, સ્થિર થઇ ગયેલો પવન ધીરે-ધીરે પગ પેસારો કરતી રાતને પ્રસરવામાં મદદ કરે છે. એક કાળાશ ધરતીને આલિંગન કરવા દોડતી આવે છે. અને પછી સર્જાય છે કુદરતનો એક નવો આયામ, એક નવું સ્વરૂપ, દિવસ આખાના થાકને આગાળી દેવા ધસમસે છે. ઠંડી થતી જતી રાત અકળામણને દૂર કરે છે. આકાશમાં રમવા ચડ્યા હોય એમ તારોડીયા ટમટમે છે.
નાના-નાના વાદળોની સાથે સંતાકુકડી રમતો હોય એમ ચાંદો રમતે ચડે છે. કુદરતની આ બધી જ લીલા થીયેટરમાં ફિલ્મ જોતો હોવ એમ હું મારી અગાશીમાંથી જોયા કરું છું, ને એમ હું મારી જાતને જીવ્યા કરું છું.

મહેલોની બંધ બારી વાળા શયનખંડ કરતા પણ મને મારી ખુલ્લી અગાશી વધુ વાલી લાગે. ખુલ્લી ચોપડીની જેમ એ હંમેશા ઉઘડતી રહે છે મારામાં. એક જગ્યાએ હોવા છતાં સતત વહેતી રહે છે. મને
સો એ સો ટકા ખાતરી છે, કે તમે તમારી જાતને અગાશીમાં ઓળઘોળ કરી દ્યો, તો એ તમારામાં નવીનતમ ઉર્જાનું સિંચન કરે છે, એક સાચા મિત્રની જેમ તમારી ઉદાસી, તમારું દુઃખ, તમારી ચિંતા પળવારમાં દૂર કરે છે, નિરાકાર વિશ્વનું દર્શન કરાવે છે, પ્રકૃતિની સઘળી રમણીયતાને તમારામાં રોપે છે. અગાશી તમારા સુખ દુઃખના સાથીની જેમ તમારી સમીપ રહે છે.

મારી ખુલ્લી અગાશી એ મારો સીધે સીધો ઈશ્વર સાથેનો નાતો છે. અગાશીમાં હોવ ત્યારે હું ઈશ્વરની સૌથી નજીક હોવાનું અનુભવું છું. એક સાક્ષી ભાવ જન્મે છે મારામાં. ક્યાય પહોચવાની ઈચ્છાઓ, મારામાં બરફની જેમ થીજી જાય છે. એ બધું જ છે મારી અગાશીમાં, જે મારે જોઈએ છે, બીજા શબ્દોમાં કહું તો મારે કશુય જોતું નથી, અગાશીમાં ગયા પછી, શું આને જ મોક્ષ કહેવાય ? શું આ જ નિર્વાણ છે ? મૃત્યુ પછીના જગતને ક્યારેય કોઈએ જોયું નથી. પરંતુ હું અનુભવું છું કે, આ જ સ્વર્ગ છે. પ્રકૃતિની અનુપમ લીલા સાથે રહેવું એટલે જ જીવવું. અગાશી એ જ મારી દ્વારિકા, ને એ જ મારી અયોધ્યા. અગાશી એ જ મારું કાશી.