Prem aetle.. books and stories free download online pdf in Gujarati

પ્રેમ એટલે....

પ્રેમ એટલે..... ??

વિચારો ઉપર લાગણીઓ!!,

હ્રદય ઉપર સ્પંદનો!!,

ને શ્વાસ ઉપર ચાહનાનું જોર વધતું જાય ત્યારે, તારાથી મારા સુધીનો સેતુ રચાવા લાગે. તું ને હુંધીરે-ધીરે આપણામાં પરિવર્તિત થવાનું શરૂ થાય ત્યારે જ ચાહનાનો રસાળ પ્રદેશ શરૂ થવા લાગે. વ્યક્તિગતતા છોડી એકમેકમાં ભળવાનું શરૂ થાય ત્યારે જ પ્રેમ નામનો અવિરત પ્રવાસ શરૂ થતો હોય છે. વરસાદી ઋતુમાં ખીલતી પેલી કાચબી!!, લે કાચબી ને ન ઓળખી ???, પેલું મેઘધનુષ્ય!!, ભલેને સાત રંગોનું બનેલું હોય, ભલેને સાત રંગો જુદા જુદા જોઈ શકાતા હોય, છતાં પણ તે રંગોને જુદા પાડી શકાય ખરા?? જાંબલી રંગ ક્યાં પૂરો થાય ને નીલો ક્યાથી શરૂ થાય એનું માપ ભલભલો ચિત્રકાર પણ ન કાઢી શકે. બસ આકાશમાં સંધ્યાનો રંગ ભળે એમ એકમેકમાં ભળવાની ઘટના ઘટે ત્યારે જીવન ઉત્સવ બનતું જાય છે.

ચાહવું કોને ન ગમે ? કોઈક પોતાને ચાહે એવું કોણ ન ઈચ્છે ? ખાલી ભગવાન જ ભાવનાનો ભૂખ્યો છે, એવું નથી. જગતનો દરેકે-દરેક જીવ પ્રેમનો ભૂખ્યો છે. ધૂત્કારી કાઢેલા ઘરની ડેલીએ, કૂતરુંય બીજી વખત નથી ફરકતું. આપણને દરેકને પ્રેમ, હૂંફ, સત્કાર અને લાગણીની જરૂર છે, ને છતાય નફરતના વાવટાઓ લઈ કોલાહલમાં મશગૂલ છીએ. અને પછી મંદિરમાં બે હાથ જોડી, દૂનિયાની કટુતાની ફરિયાદ કરવાથી શું વળે ?ોરડી વાવીને કેરી ખાવાની ઈચ્છા ફળે ખરી ? ને આંબો વાવનારાને પણ કેરી તરત ખાવી છે, એનો કશો ઉપાય ખરો ?

વિરોધાભાસી અને બનાવટી દૂનિયામાથી બહાર નીકળી, આપણાં જીવન-કવનને પરમ અને શાંતીથી ભરાવા દઈએ. ફરિયાદ કરવાનું માંડી વાળી, પ્રેમ કરતાં શીખી જઈએ. આપણાં અસ્તિત્વને પ્રેમમય બનાવી દઈએ. હું-હું ને મારુ-મારુ છોડી ‘‘આપણું-આપણું’’ માનવાનું શરૂ કરીએ, ને પછી દૂનિયા જાણે હાસ્યનું રંગ-મંચ જોઈ લ્યો. ચાહવાનું છોડશો, તો ચાહના ક્યારેય પામી નહી શકાય. વાવ્યા વિના લણશો શું ? હું તમને નફરત કરીને, તમારો પ્રેમ ક્યારેય પામી શકું નહી. આ જગતમાં પ્રેમ સીવાય બીજું કઈ છે જ નહી, “આ જગત એટલે જ પ્રેમાલય”

પરંતુ શરત માત્ર એટલી,

કે કોઈ શરત નહી.

કોઈ પણ શરત વિના તમે ચાહી શકો, તો દૂનિયાની કોઈ તાકાત એવી નથી, કે જે તમને નફરત આપી શકે.

વાસંતી ડાળ ઉપર કોયલનો ટહુકો, ને શ્રાવણ માં નાચતા મોરનો થનગનાટ પ્રેમપૂર્ણ હોય છે. તમે ક્યારેય ચકલીને નફરત કરતાં જોઈ ? પતંગિયાએ કે ભમરાએ ક્યારેય કોઈ ફૂલ સાથે વેર બાંધ્યું હોય એવું આજ સુધી બન્યું નથી, ને બનવાનું પણ નથી. કારણ કે એને નફરત કરતા આવડતું જ નથી. કુદરતમાં ક્યાય નફરત છે જ નહી. નફરત એ તો આપણે પંપાળી-પંપાળી મોટું કરેલું ગૂમડું છે. ત્રીજા વિશ્વ યુધ્ધના ભયમાં જીવતું જગત પ્રેમના અભાવનો શિકાર બન્યું છે. વીટામીનની જેમ, લાગણીના ઈંજેક્ષન મળતા હોત, તો સારું હોત!!!, કોઈ દવાખાનામાં નફરતનું રસીકરણ થતું હોય તો કેજો. જગતને ભયમુક્ત કરવું છે, પ્રેમ અને લાગણીથી તેનું સીંચન કરવું છે. પ્રેમ નામના યજ્ઞમાં આહૂતિ આપે તેવા બ્રાહ્મણોની જરૂર છે, તમારા ધ્યાનમાં હોય, તો કેજો ને!!

બે પ્રેમીને જુદા કરી લગ્ન નામના સમાધાનમાં બાંધી દીધા છી, સમાજ તેમની પાસે અપેક્ષા રાખે કે, તેમનું બાળક પ્રેમાળ થાય, તે તેના માતા-પિતાને પ્રેમ કરે, તો એ શક્ય નથી. જ્યાં સુધી લગ્નના નામે પ્રેમનું બાળમરણ થતું રહેશે ત્યાં સુધી, વૃધ્ધાશ્રમોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહેવાનો છે. લગ્ન પછી પરાણે પ્રેમ કરવો પડે, તો સાત ફેરાના યત્નની આહૂતિ હોમાય જાય. બે પરીવારોને એક કરી સમાજમાં નિખારી શકાય તો જ લગ્નનું થવું સાર્થક થાય. પ્રેમ વીના પરણેતર અધૂરું રહી જવા પામે. વરઘોડીયા વચ્ચે પ્રેમ ન હોય, તો લગ્ન નહી કરાવવાની પ્રતિજ્ઞા ગોરબાપા લે, તો ચોરીના મંડપનું ગૌરવ જળવાઈ રહે.

નદીએ કોઈદી પોતે દરિયાને આપેલા પાણીનો હિસાબ કર્યો છે ખરો ? એ તો ચૂપચાપ વહયે જ જાય. આપવું એટલે જ પ્રેમ” હજારો વર્ષોથી દરિયો, અગણિત નદીઓને પોતાનામાં સમાવતો રહ્યો છે, એણે કોઈ નદીને રોક ફરમાવી ખર? કે, “બસ!!, હવે નહી” એવું કહીને ક્યારેય એણે છલકાવાનું શરૂ કરી દીધું હોય એવું બન્યું નથી. પ્રેમ એટલે જ આપવું, પ્રેમ એટલે જ સ્વીકારવું, પ્રેમ એટલે જ સંપૂર્ણ સ્વતંત્રતા. ઉનાળામાં સુકાઈ ગયેલી નદી, ચોમાસામાં બે કાંઠે આવે, ત્યારે “બારેમાસ વહેતી નદીને જ પ્રવેશ મળશે, એવું પાટીયું, દરિયા કિનારે જોવા મળતું નથી. તમે ચાહો કે ન ચાહો, હું તો ચાહીશ જ, મારા ચાહવામાં રતિભાર પણ ફર્ક નહી પડે એવી તત્પરતા એટલે પ્રેમ.

સાહેબ!!, દૂનિયા બદલાય જાય, સમય અને સંજોગ બદલાઈ જાય, તમને સામેની વ્યક્તિનો જે ગમતો હતો, એ સ્વભાવ બદલાય જાય, અને તેમ છતાં તેની કાળજી લેવાનું મન થાયને એ પ્રેમ. સ્વતંત્રતાનું બીજું નામ પ્રેમ, રૂઢીચુસ્તતા અને સંસ્કૃતિના નામે સામેની વ્યક્તિના સહજ સ્વભાવનું દમન ક્યારેય પ્રેમને વિકસવા ન દે. માતા હોય કે મિત્ર, પિતા હોય કે પ્રેમિકા, તેના જીવનમાં સહેજ પણ ખલેલ પાડ્યા વિના માત્ર એને ચાહો, આપી શકાય એટલું હિસાબ રાખ્યા વિના આપો, તો તમારો સંબંધ સોળે કળાએ ખીલી ઉઠશે. “મે આ આપ્યું” ને “મે તે આપ્યું” ના હિસાબો, પ્રેમથી હજાર ગાવ છેટા હોય છે. એલા ભાઈ! તું પ્રેમ કરે છો કે, વ્યાપાર ??!!!

લેવાની ખેવના જન્મે એટલે, પ્રેમનું રામ નામ સત્ય. ચોર ખિસ્સામાં કડકડતી નોટ દબાવી, ચારેય ખાલી ખિસ્સા બાતાવી દેવાથી મિત્ર નથી બનાતુ. પોતાના કોઠારના તળીયે રહેલા છેલ્લા ત્રણ મુઠ્ઠી તાંદુલ આપી દેવાની તત્પરતા ખીલે ત્યારે સુદામા થઈ શકાય. ખિસ્સામાં મૂઠી વાળી દેવાથી મિત્ર ધર્મનું અપમાન થતું હોય છે. ભીતરે કેલ્ક્યુલેટર રાખીને પ્રેમ ન થઈ શકે. ગણતરી વિનાનો વિષય એટલે પ્રેમ, આપીને ભૂલી જવાની આવડત એટલે પ્રેમ. સ્વીકારી લેવાની તત્પરતા એટલે પ્રેમ. સંપૂર્ણ સ્વતંત્રતા આપી, હૂંફ અને કાળજીથી સાથી મિત્રના જીવનને ખીલવવાની, કેળવવાની અને નિખારવાની ઘટના એટલે પ્રેમ. અને આ બધુ કર્યા પછી પણ મે કશું કર્યું નહી, હું કશું જ આપી ન શક્યો એવી લાગણી થઈ આવે તો સમજવું કે તમે પ્રેમમાં છો, ને પ્રેમ તમારામાં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED