પતંગિયાનો વૈભવ HARDIK RAVAL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પતંગિયાનો વૈભવ

પતંગિયાનો વૈભવ

ફૂલની સાથે મિત્રતા બાંધવા જેવી છે, પોતે કરમાય તોય સુગંધ તમારા હાથમાં છોડતું જાય. અલૌકિકતાનો આનંદ પાળવા પ્રકૃતિના ખોળે જાવું પડે, ન્યુઝપેપરના પાનાઓમાં એ આહલાદકતા ન જડે. ટચ સ્ક્રીન ફોનમાં વોટરફોલનું વોલપેપર આંખને બે ઘડી ગમે. બાકી જાતને પલાળવા ધોધમાંથી ઝીણા ઉડતા ફોરાને ચહેરા ઉપર પામવા રહ્યા.

વૃક્ષને વસંત સાથે મિત્રતા હોય છે પરંતુ પાનખરનું એ દુશ્મન નથી. પાનખર આવે ત્યારે એ હોંશે-હોંશે લીલાશ ખંખેરી નાખે, ને એટલી જ સહજતાથી વસંતને નવી કુંપળોથી વધાવી લે. સુખ અને દુખ વચ્ચેની આવી સ્થીતપ્રજ્ઞતા શીખવા જેવી છે. ચપટીક દુઃખથી ખાંગો થઈ જાય તે માણસ ને એટલા જ સુખથી તેને છકી જતા વાર કેટલી ? પ્રકૃતિ પાસેથી આપણે ઘણું શીખવાની જરૂર હોય એવું નથી લાગતું ? ઉત્ક્રાંતિમાં આપડે પૂછડીની સાથે-સાથે પતંગિયાનો વૈભવ પણ ગુમાવી દીધો છે. પંખી જેટલી હળવાશ પામી લેવાય તો જીવનનો ભાર ન લાગે. તમારી જાણ માટે કહી દઉ : માણસ સિવાય જગતનું એકેય પશુ-પંખી આત્મહત્યા કરતુ નથી.

પ્રેમ કરતા શીખી જઈએ તો બેડો પાર થઈ જાય. આપણને પ્રેમ કરતા આવડે છે પરંતુ માત્ર સારપને જોવાની ટેવ પડી છે. આપણને ગમે તેવું વર્તન કરી શકે તો જ સામે વાળાને આપણે ચાહી શકીએ. સમગ્ર અસ્તિત્વને ચાહવાની ટેવ પડે તો સારું. કચવાટ, ઈર્ષા ને દ્વેષ મનનો કાટ છે. આવો કાટ લઈ ફરીએ તો ધીરે ધીરે મનની દશા સ્ટોરરૂમ જેવી થતી જાય. દિવાળીનો અવસર હોય તોય સ્ટોરરૂમની સાફસફાઈ બહુ જાજી થતી નથી. ઘરની વધારાની, નકામી અને ભાગ્યે જ ઉપયોગી વસ્તુઓને અવ્યવસ્થિત રીતે પકડી રાખવી એ સ્ટોરરૂમની નિયતિ છે.

મનને ઉકરડો બનતા રોકવું એ જ માણસનો પહેલો ધર્મ છે. વાંચન અને ચિંતન મનની પીતાંબરી છે. મનના કાટને એ દૂર કરે છે, પ્રેમ કરતા શીખવું હોય તો હળવા થવું પડે, ઈર્ષા અને અહંકારના ઉકરડા ઉપર પ્રેમ નામનું પુષ્પ ખીલી ન શકે. અંતરમાં ઉઘાડ થાય ત્યારે પ્રાર્થના કરવી નથી પડતી, ત્યારે મંદિરમાં જવાને કોઈ પ્રયોજન રહેતું નથી. હૃદયમાં પ્રેમનું સ્થાપન થાય પછી મૂર્તિ પ્રતિષ્ઠાની કશી જરૂર રહેતી નથી. મનમાં પ્રેમ અને હૃદયમાં ભાવ જાગે તો પછી ચાર ધામની યાત્રા ક્ષણ વારમાં પૂર્ણ થાય છે.

પ્રકૃતિને માણતા શીખી જઈએ. પતંગિયાનો વૈભવ જડી જાય તો માણસ હોવાનું ગૌરવ થઈ આવે. ચકલીના “ચી....ચી...” ઉપર પી.એચડી. કરવાની આવશ્યકતા આ યુગમાં જરૂરી બની છે. ફૂલની કોમળતા અને અણુબોંબની ભયાનકતા આ બે અંતિમબિંદુ સાથે આ જગતનું અસ્તિત્વ ચાલી રહ્યું છે. મોરના ટહુકાઓ સાંભળશો તો ઘડપણ બે-ચાર વર્ષ દૂર ઠેલાશે. સ્માર્ટ ફોનની ડિસ્પ્લેમાં વયોવૃદ્ધ બનવાના ચાન્સ વધુ છે.

સૂર્યોદય પહેલા જાગવાનું, પંખીઓનો કલરવ સાંભળવાનું, નદીના ખળ-ખળ વહેતા નીરમાં જાત આખી પલાળવાનું, ડુંગરોની કઠોરતા અને પુષ્પના પમરાટની નજાકત પામવાનું આપણે ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલાના ભૂતકાળમાં છોડી આવ્યા છીએ. મંદિરે જવાનું આપણને યાદ રહ્યું પણ ઝાલરના રણકારને અનુભવવાનું ચુકી ગયા. ઘંટનો નાદ રોગમુક્ત કરે છે, અંધશ્રધ્ધાનું આવરણ ચડાવી પ્રાર્થનાયુક્ત બનવું અશક્ય છે.

ધર્મ-અર્થ-કામ-મોક્ષની વિચારધારા અત્યંત સુંદર છે, ગોટાળો આપડી ગેરસમજણથી થયો છે. અર્થ અને કામની ઉપાસનામાં ધર્મ અને મોક્ષ કલ્પનાતીત રહી જવા પામ્યા છે. ‘ધર્મ’ ધર્મગુરુઓ અને કહેવાતા અનુયાયિઓના પાખંડમાં અને ‘મોક્ષ’ સ્વર્ગ-નર્કની અંધશ્રધ્ધાયુક્ત કલ્પનામાં નામશેષ થઈ રહ્યો છે.

પડોશી ધર્મ પાળતા આવડી જાય તોય આપડા શાસ્ત્રોને ગર્વ થઈ આવે. સામાન્ય જીવનમાં નીતિશાસ્ત્ર કે મિમાંસાની બહુ જરૂર નથી. વેદનું જ્ઞાન નહી હોય તો ચાલશે, પારકી વેદનાનો જાણકાર હોય ત્યાં સંબંધ બાંધવા જેવો ખરો. આપણે ખૂબ મોટા મોટા શબ્દોના ભાર હેઠળ જીવીએ છીએ સ્વર્ગ, ધર્મ, મોક્ષ જેવા ભારેખમ શબ્દો આપણને ન પોસાય. મને તો ખૂબ સરળ હોય એવી સમજ ગળે ઉતરે. ધર્મ અને સંપ્રદાયના નામે બોજો સહન કરવાની ક્ષમતા મારામાં નથી. ફૂલને ખીલવા માટે એના છોડને પૂરતું ખાતર પાણી અને પ્રકાશ મળે એટલે બહુ થયું, એ માટે ટીચિંગ કે કોચિંગ ક્લાસ હોય ખરા ??

મારા મતે તો ધર્મ આવો હોય, પૂરાણોની સમજણ મારા મતે આટલી......

કે, “વહુ પ્રત્યેની ઈર્ષા નીકળી જાય એટલે સાસુ ધર્મ પૂરો, ને ખાનગીમાં પતિની માતા માટે કટુવેણ નીકળે તો સમજવાનું કે વહુ આજે મંદિરમાં જવાનું ચુકી છે. ચહેરા ઉપર સ્મિત લીધા વિના વર્ગખંડમાં પ્રવેશનાર શિક્ષકને બ્રહ્મ હત્યાનું પાપ લાગે, અને ઉમેદવારને ખોટો ધક્કો ખવરાવનાર લાલસુ કારકુન સાત ભવ સુધી સ્વર્ગનો દરવાજો ન ભાળે.”

હળવા થઈને જીવતા શીખવાડે એ સાચો ધર્મ, હસવાનું ભુલાવી દે એવા કોઈ ધર્મ-સંપ્રદાયમાં મારી ચાંચ ન ખૂંચે. બાળક જેવી સહજતા અને ફૂલ જેવી નિર્મળતા આરોપિત કરે એવી ઘટનાની આપડા સમાજને જરૂર છે. લાફીંગ ઝોનમાં જવું પડે તો સમજવું કે આપડામાં નીતિમત્તા ખૂટી છે. અને પછી કોઈ વેદ-પૂરાણ કે કોઈ પણ ધર્મ-સંપ્રદાયનો પવિત્રમાં પવિત્ર ગ્રંથ પણ તમારી મદદ ન કરી શકે. કારણ કે ભરાવા માટેની પૂર્વ શરત એ છે કે ઘડો વરસાદની દિશામાં હોવો જોઈએ. ઊંધા રહેલા ઘડાને મૂશળધાર વરસાદ પણ ભરી શકે નહિ. ભીતરે અંધારું રાખીએ તો બહારના ઉજાસનો શો અર્થ ? આંખો બંધ કરી દિધા પછી, હજારો સૂર્યો પણ નકામા નીવડે.

ચહેરા ઉપર સ્મિત અને મનમાં અહંકારશૂન્યતા જળવાઈ રહે તો બધી પંડિતાઈ પૂરી. હોમ-હવનની અંતિમ આહુતિ આપ્યા પછી પણ પડોશી સાથે ઝઘડો કરવો પડે તો એવા હવનને હું વેઠ ગણું. શાંતિ શીખવે તે ધર્મ. અઢાર *અક્ષૌહીણી સેના હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનની સભામાં શાંતિ પ્રસ્તાવ લઈને ગયા હતા.

(*યાદ રહે ૨૧૮૭૦ હાથી, ૨૧૮૭૦ રથ, ૬૫૬૧૦ રથમાં જોડેલા સિવાયના

ઘોડા અને ૧૦૯૩૫૦ પાયદળથી એક અક્ષૌહીણી સેના રચાય છે.)

હું મંદિરે નથી જતો, કારણ કે, હું મારામાં સતત ઈશ્વરને અનુભવું છુ. જે કણેકણમાં વ્યાપ્ત છે, એવા એ સર્વેશ્વરને, માત્ર મંદિરના ગર્ભગૃહમાં શોધવાની ભૂલ કોણ કરે ? અલબત્ત,!! હું તો ન જ કરું. હું ઈશ્વરને જ્યાં સુધી મારામાં ન અનુભવી શકું, ત્યાં સુધી એક પણ મંદિર, મસ્જીદ કે ગુરુદ્વારા; અથવા તો દૂનિયાના કોઈ પણ ધર્મનું કોઈ પણ દેવળ મને ઈશ્વરીય અનુભૂતિ કરાવી શકે નહી. અને જો હું મારામાં સ્થિત થઈ જાવ તો પછી ઈશ્વરનું મારાથી જુદાપણું કોણ સાબિત કરી શકે?

ફૂલની કોમળતા, પતંગિયાની પાંખનો વૈભવ, ચકલીનું ચી..ચી... અને કરોળિયાની કર્મનિષ્ઠા એટલે મારા ચાર વેદ અને મને નથી લાગતું કે આટલું પામ્યા પછી મોક્ષ દુર્લભ બનતો હોય. પ્રકૃતિને પામી લેવાય તો સમજો પરમેશ્વરને પામી લીધા.