પ્રેમમાં કંઈ સીમાઓ હોતી નથી, કે નથી હોતા નાત-જાતના વાડાઓ, એ જાણતા હોવા છતાં, એકવીશ વર્ષની રૂપાળી નંદીનીના બાપ માટે, પ્રેમ ધર્મને સમજવાની ન તો હિંમત હતી; ન તો સાહસ. પ્રેમચંદ, દિવાળીમાં હાથ ધરેલા, પત્નિના અધૂરા રહેલા સ્વચ્છતા અભિયાનને પૂર્ણ કરવામાં મશગુલ હતા. ત્યાં જ, નંદિનીના ત્રીજા વર્ષની સાયકોલોજીની બૂકમાંથી, એક ગુલાબી કાગળ સરકી આવ્યો. પોતાનાં નામના અર્થને પૂરી રીતે જાણનાર શેઠના બેતાળા ચશ્મા, કાગળનો રંગ જોતાં જ ગડી વાળેલા ગુલાબી કાગળમાં રહેલા પ્રેમ નામના રહસ્યને પામી ગયા. સુગંધી કાગળને ઉપલા ખિસ્સામાં મૂકી, વધુ પુરાવાઓની શોધખોળ કરવા, તેમણે સ્વચ્છતાનો ઉપક્રમ ઝડપી બનાવ્યો, પરંતુ ડીટેકટીવ પ્રેમચંદ તેમાં નિષ્ફળ રહ્યા. કોઈ પણ પ્રકારના વધુ પુરાવાઓ હાથ ન લાગ્યા.
ઘરમાં એકાંત હતું. પોતાની એકની એક દીકરી નંદીની, કોલેજની છેલ્લા વર્ષની ટૂરમાં ફરવા ગઈ હતી. અને અત્યંત સુંદર પત્ની, પુત્રી ધર્મ નિભાવવા, પોતાની અચાનક બીમાર પડી ગયેલી ‘માં’ ની સેવા કરવા અંતરિયાળ ગામડામાં ગઈ હતી. એટલે જ તો’ !! દિવાળીની સફાઈનું અધૂરું કામ, પ્રેમચંદના પનારે પડ્યું હતું !! અને ઉપરથી આ ગુલાબી રહસ્યએ પિતા પેમચંદની ચિંતામાં વધારો કર્યો હતો.
બેતાળીશ વર્ષના અનુભવનું પોત, ચશ્માના કાચ સોસરવું, કાગળને ઉકેલવામાં રોકાયું હતું. ચિંતા અને આશ્ચર્ય વચ્ચે પ્રેમચંદની આંખો પત્રમાં રહેલી લાગણીઓ ખોળવામાં મશગૂલ હતી. પરંતુ ગુલાબી કાગળમાં રહેલી કાળાશ, ઉડીને આંખે વળગે એટલી સ્પષ્ટ હતી.
“પ્રિયે,
આ પત્ર મળે એટલે તરત જ, આપણે નક્કી કરેલી જગ્યાએ,
જરૂરી એવા ઓછામાં ઓછા લગેજ સાથે આવી જજે,
રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે,
તું સાથે પૈસા લેતી આવજે.
વધુ કાઈ લખતો નથી,
સુંદર હોવાની સાથે-સાથે તું સમજદાર છો જ.
તને ખોબો ભરીને પ્રેમ.
લી. તારો અને માત્ર તારો જ પ્રેમી..... !!!!
સ્પષ્ટ અને ટૂંકો પત્ર બે મીનીટમાં પૂરો થયો, પરંતુ બે મિનિટનાં આ પત્રએ, પિતાના એકવીશ વર્ષના પ્રેમનાં ચીંથરા ઉડાવી દિધા. પિતાને પહેલો હ્રદયાઘાત (હાર્ટ એટેક) અપાવવા, આટલા શબ્દો જ પૂરતા હતા. પિતાનો શ્વાસ ઊંચકાયો, જોરદાર આઘાત સાથે હૃદય ધીમુ પડ્યું, શ્વાસનો લય તૂટવા લાગ્યો. શ્યામુકાકાએ હોસ્પીટલમાં ઈમરજન્સી કોલ કર્યો...!!!, લગભગ દસેક મિનિટમાં એમ્બ્યુલન્સ દોડી આવી.
એમ્બ્યુલન્સનું સાયરન, પિતાના હ્રદયની વ્યથાને છેક હોસ્પીટલના ઈમરજન્સી ડોર સુધી ખેંચી ગયું. દવા, ઈન્જેકશનો, નર્સ અને ડોક્ટરોની દોડધામ પ્રેમચંદની નાજુક હાલતની સાક્ષી હતી. સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી હતી. ઈમરજન્સી સારવાર હેઠળ વિતાવેલા હોસ્પીટલના ચાર કલાકના રોકાણે, મીસ્ટર પ્રેમચંદને પહેલો હ્રદયાઘાત જીરવવામાં મદદ કરી. મોટા શહેરમાં, નવા નવા રહેવા આવેલા પ્રેમચંદની ખબર પૂછવા કોણ આવવાનું હતું ?!! હોસ્પિટલની પ્રક્રિયા પૂર્ણ કરી, શ્યામુકાકા ટેક્સીમાં શેઠને ઘરે લઈ આવ્યા. રૂમમાં સુવરાવ્યા અને એક હાથમાં દવાની આઠ-દસ ટીકડીઓ અને બીજા હાથમાં પાણીનો ગ્લાસ લઈ આવ્યા, શેઠે એક પછી એક એમ બધી ટીકડીઓ લીધી. કડવી દવાનો ઘુટ તો પ્રેમચંદ ઉતારી ગયા, પણ પેલા કડવા ઘુંટનું શું ? જે તેમના હ્રદયાઘાતનું નિમિત્ત બન્યો હતો. ડોક્ટરની કડક સૂચના અને શ્યામુકાકાના નમ્ર નિવેદન છતાં, શેઠ પથારીમાં બેઠા થયા. પ્રેમચંદભાઈ બેડરૂમમાં રહેલી તિજોરી તરફ, છાતી ઉપર હાથ રાખી આગળ વધ્યા. તિજોરી ખોલવાનો ઈશારો જોઈ શ્યામુકાકાએ તિજોરી ખોલી; પણ આ શું ??!! ખાલી તિજોરીએ શેઠ અને નોકર બંનેને ઝટકો આપ્યો. સાડા ત્રણ લાખ રૂપિયા રોકડા અને આઠેક તોલાના ઘરેણાં.......!!!, ગાયબ...!!! બીજો એટેક !! પ્રેમચંદભાઈ ચૂપ થયા ને શ્યામુકાકાની ચીસ નીકળી ગઈ. બહારથી જ શ્યામુકાકાની ચીસ સાંભળી ખબર પૂછવા આવેલા મિત્ર, ડો. રોહિતભાઈ અંદર દોડી આવ્યા. તેમણે કેસ હાથમાં લીધો. લગભગ અડધા કલાકની સતત ટ્રીટમેન્ટ પછી હૈયુ બેઠુ થયુ. પરંતુ ધબકારાનો ફિગર હજી સદી ફટકારતો હતો અને શ્વાસમાં હજી પીડા હતી.
મિત્ર પ્રેમચંદની તબિયત હવે સારી હતી, એટલે શ્યામુકાકાને જરૂરી સુચના અને થોડીક દવા આપી ડૉ. રોહિતભાઈ પોતાના દવાખાના તરફ જવા રવાના થયા, પ્રેમચંદ જેવા બીજા ઘણા બધા દર્દીઓ તેમની રાહ જોતા હશે. રોહિતભાઈનો ખાલીપો, પ્રેમચંદભાઈને વધુ નિ:સહાય બનાવતો હતો. પોતીકું કહી શકાય એવું કોઈ પાસે ન હતું. પાસે હતું તો માત્ર આટલું : ખાલી તિજોરી, ગુલાબી કાગળની આડમાં; પ્રેમ નામના શબ્દને જીવી જાણવા; નાસી ગયેલી દીકરી, અંતરીયાળ ગામડામાં ‘માં’ ની સેવા કરવા ગયેલી; સંપર્ક વિહોણી પત્ની, હમણાં જ આવેલા બે હ્રદયાઘાત, શ્યામુકાકાની સેવા, વફાદાર મોન્ટુ અને કરડવા દોડતું ખાલી ઘર.
ઘરની બધી જ જવાબદારી શ્યામુકાકા ઉપર હતી. શ્યામુકાકાએ નંદિનીને ચારેક વાર કોલ કરી જોયા પરંતુ તેનો ફોન આઉટ ઓફ રીચ હતો. અચાનક આવેલા બે હૃદયાઘાતે ઘરને જાણે ભયભીત કરી નાખ્યું હતું. પ્રેમચંદભાઈનાં હૈયામાં ભારે ખાલીપો હતો. પ્રેમચંદભાઈના આ ખાલીપાને જાણે તોડવા મથતો હોય, એમ ડોર બેલ વાગ્યો. શ્યામુકાકાએ દરવાજો ખોલ્યો. ‘બેટા નંદીની તું’ એવા શ્યામુકાકાના આશ્ચર્યભર્યા અવાજે, પ્રેમચંદના ધબકારા બેવડાવી દીધા. માંડ માંડ ટેકો લેતા-લેતા ભારે હૈયે પ્રેમચંદ બહાર આવ્યા. નંદિનીને જોઈને બાપનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો. “હવે તું શું લેવા આવી છો ? તારા બાપનું નાક કપાવીને તને ધરવ નથી થયો ? મારો જીવ લેવો છે તારે ? નાલાયક, ઘરમાં પગ મૂકતાં પેલા તને મોત નો આવ્યું ??” બાપની આબરૂના ધજાગરા કર્યા, ને હવે કાળું મો લઈને ઘરમાં આવતા શરમ નો થઈ ? બાપની હૈયા વરાળ, લગભગ દસેક મીનીટ સુધી નીકળતી રહી.
ઉગ્ર થઈ ગયેલો પિતાના સ્વર અને લાલ આંખોનું મનોવિજ્ઞાન આજે નંદીનીના ભાવવિશ્વથી સો ગાવ છેટું હતું. તે કશું સમજી શકતી ન્હોતી, જાણે આ બધાથી સાવ અજાણ હોય, તેમ નંદિની સ્તબ્ધ બનીને જોતી રહી. તે કશું સમજે એ પહેલા જ એક સોહામણા યુવકે ગૃહ પ્રવેશ કર્યો. ગાડી પાર્ક કરતાં-કરતાં, ઘરમાંથી આવતા ઉગ્ર સ્વરનો ભેદ પામવા મથતો યુવાન, આવતા વેત જ પૂછી બેઠો!! “સર, શું થયું ? એની પ્રોબ્લેમ ?” “હા તું છો પ્રોબ્લેમ, કાળા કરમનો કરનાર જ તું છો, ને હવે પાછો ડાયો થા’ છો? મારી પારેવડા જેવી દીકરીને ભોળવી લઈ ગયો, તને શરમ નથી આવતી ? ને હવે તું શું લેવા આવ્યો છો ?? બાપ પૈસાદાર છે, પણ એટલું યાદ રાખજે ફૂટી કોડી તને મળવાની નથી, મારી દીક્રીના નામે મારા પૈસા પડાવવાનું તારું ષડયંત્ર કામ નહિ કરે. બહાર નીકળ મારા ઘરમાંથી” ઠંડી પડેલી હૈયા વરાળે, પાછો વેગ પકડ્યો. “સર, હું તો......!!!”, “કાંઈ બોલતો જ નહી” એમ કે’તા જ પ્રેમચંદે પ્રણવના જવાબને દાટી દીધો.
“પણ પપ્પા, મમ્મી.....!!” મમ્મી વાળીની થા’માં, ને ઘરની બાર નીકળ, એમ કે’તા બાપે દીકરીની લાગણીય દબાવી દીધી. નંદીની અને પ્રણવ કાંઈ સમજે એ પહેલા જ, ફોનની ઘંટડી વાગી, હલ્લો, મને ગોતવાની કોશીશ ન કરતાં, હું તમારાથી હંમેશને માટે દૂર જાવ છુ. સંબંધના નામે શૂન્ય મૂકી દેજો. ફોન કટ થયો, ટૂંકી વાત મોટો આઘાત આપી પૂરી થઈ. “કોણ હતું પપ્પા ??” નંદીનીએ ધારદાર સવાલ પૂછી લીધો. “તા..રી....મમ્મી.... !!” જવાબ અધૂરો રહ્યો, પ્રેમચંદના શ્વાસ ખૂટી પડ્યા, સંબંધની સાથે-સાથે, ત્રીજા અને છેલ્લા હ્રદયાઘાતે, ધબકારનો હ્રદય સાથેનો સંપર્ક પણ તોડી નાખ્યો.
નંદીની, પિતાની ફાટી પડેલી નિસ્તેજ આંખોને, કોલેજની ટૂર પરથી નંદીનેને ઘરે મૂકવા આવેલો પ્રણવ; નંદીનીની ચોધાર રડતી આંખોને અને શ્યામુકાકા; શેઠના ઉપલા ખિસ્સામાથી ડોકાતા ગુલાબી કાગળને રહસ્યભરી દ્રષ્ટીથી જોઈ રહ્યા. મોન્ટુ ખાલી પડેલી તિજોરી સૂંઘીને, શેઠનું રૂણ ચૂકવવા, અપરાધીની શોધખોળમાં મશગુલ હતો.