LAY ETLE JIVAN books and stories free download online pdf in Gujarati

લય એટલે જીવન

જીવન એટલે શું ? એ વાતનો મને એક જ જવાબ જડે, સંવાદિતા એટલે જીવન, લય એટલે જીવન, તાલમેળ એટલે જીવન. સંગીત સાત સુરોનો લય છે. સા,રે,ગ,મ,પ,ધ,નિ, આ સાત સુરો વિના સંગીતશાસ્ત્રનું કશું ગજું નહિ. સાતમાંથી એકાદો સૂર પણ જો આડોઅવળો થયો એટલે સમજો કે માં સરસ્વતી કોપાયમાન થયા. કોઈ સંગીતકાર તેની મોજમાં સુરીલી ધૂન લલકારતો હોય, અને તેને વચ્ચે ટોકવામાં આવે, તો શું થાય ? તેનો લય કહો કે રીધમ કાચ તૂટે તેમ તૂટી જાય. શાંત જળમાં ખલેલ પહોચાડ્યા પછી પ્રતિબિંબ જોઈ ન શકાય એ સૌ કેમ ભૂલી જાય છે ?

માનવ શરીર પંચ મહાભૂતોનું બનેલું છે. અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ અને આકાશ, આ પાંચ મૂળભૂત તત્વના સમાયોજનથી જ જગતનો દરેક સજીવ ધબકે છે, એમ કહો કે જીવે છે. આરોગ્યશાસ્ત્ર કહે છે કે, સ્વાથ્યનો બધો જ આધાર વાત, પિત્ત અને કફ આ ત્રણેયનાં સંતુલન ઉપર છે, સંતુલન ખોરવાયું એટલે દવાખાનાના ધક્કા શરુ.

શાળા કોલેજોમાં શીખેલી વાતો આપણે બહુ જલ્દી ભૂલી જતા હોઈએ છીએ, અને કદાચ એટલે જ ભૂલો કરતા રહીએ છીએ. એક નાનકડી વાર્તાથી આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ.

“એક રાજા હતો, તેને હરણ ખુબ ગમે, તેના રાજ્યના જંગલમાં હરણોની ગણતરી કરવામાં આવી, તેમાં ૧૦૦૦ હરણ હતા. રાજાએ હરણનાં શિકાર ઉપર પ્રતિબંધ મુક્યો, શિકાર કરનારને ફાંસીની સજાનું ફરમાન કર્યું. હરણનો શિકાર સદંતર અટકી ગયો, પાંચ વર્ષ પછી ફરી વખત રાજાએ હરણની વસ્તી ગણતરી કરાવી, શિકારનો પ્રતિબંધ હોવા છતાં, હરણની સંખ્યા પહેલા જેટલી જ હતી. તપાસ કરાવતા ખબર પડી કે વાઘ, સિંહ, ચિત્તા જેવા હિંસક પ્રાણીઓ હરણને ખાઈ જતા હતા. આથી રાજા એ બીજું ફરમાન કર્યું, કે જંગલના તમામ હિંસક પ્રાણીઓને બીજા જંગલમાં મુકી આવો, અને તે પ્રાણીઓ ફરી વખત જંગલમાં ન પ્રવેશે તેની તકેદારી રાખો. હુકમનું પાલન થયા પછી ત્રણ વર્ષે ફરી વખત હરણની વસ્તી ગણતરી કરવામાં આવી, પરંતુ હરણની સંખ્યામાં વધારો ન થયો, જાણકારોએ સંશોધન હાથ ધર્યું, તો સાબિત થયું કે, હિંસક પ્રાણીઓના ગયા પછી, શરૂઆતમાં હરણની વસ્તીમાં વધારો થયેલો, પરંતુ ખોરાકના માર્યાદિત પુરવઠાને કારણે વધારાના હરણો મૃત્યુ પામવા લાગ્યા. રાજાને તેની ભૂલ સમજાણી અને તેને સુધારી.

પ્રાથમિક શાળામાં આહાર શ્રુંખલા ભણવામાં આવતી, એક પ્રાણી બીજા પ્રાણી ઉપર આધારિત હોય, નાની માછલી મોટી માછલીને ખાય, જંગલી પ્રાણીઓને દૂર કરી રાજાએ જંગલનો લય તોડ્યો. આપણે રાજા જેવી નાસમજી દાખવીએ છીએ, આપણને સૌને લય તોડવામાં મહારત હાંસલ છે. પ્રકૃતિ પોતાનાં સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે, કુદરતની પોતાની સંવાદિતા છે. માનવ જાતે સદીઓથી પ્રકૃતિના લયને તોડવાનું કામ કર્યું છે, પૃથ્વીના પેટાળમાંથી પાણી, ખનીજ તેલ, કોલસો જેવી પેદાશો બેફામ રીતે કાઢવા વાળો માણસ ડગલેને પગલે કુદરતના લયને તોડે છે.

સાંકળ અનેક કડીઓની બનેલી હોય છે, એમાંનો એક પણ મણકો તૂટે એટલે આખી સાંકળ કડડડભૂસ...!!! અને આપણે પાછા મણકા તોડવામાં એક્સપર્ટ. માનવજાતને પૃથ્વીનાં રૂપમાં કુદરત તરફથી એક અનુપમ ભેટ મળી છે, જેનું મૂલ્ય કોઈ પણ સંજોગોમાં આકી શકાય તેમ નથી. વિનાશ કાળે વિપરિત બુદ્ધીની જેમ, સંપૂર્ણ માનવ જાત પૃથ્વીના લયને તોડવાનું કામ કરે છે.

હૃદય ધબકે છે, ફેફસાં શ્વસે છે, ધમનીઓમાં રૂધિર ભમે છે, આ બધું જ કેવું લયમાં થાય છે, આપણી જાગરૂકતાની બહાર કેવો સતત લય આપણી અંદર પ્રસરેલો હોય છે. માતાના ગર્ભથી શરુ કરીને છેક અંતિમ શ્વાસ સુધી બધું લયમાં ચાલે છે. મિનિટમાં ૭૨ વખત હૃદય ધબકે ત્યાં સુધી બધું લયમાં, ૧૨૦ થાય તો લય તૂટે, પરસેવો છૂટે. ધમનીઓમાં પીઝા અને બર્ગર કોલેસ્ટ્રોલ બની જમા થાય ત્યારે રૂધિરાભિસરણનો લય તૂટે છે. પછી બાયપાસ સર્જરી વડે પણ આ લય જાળવી શકાતો નથી. કસરત કર્યા વિના, પાણીપુરીની લારીએ ખાઉધરા બનીને, વર્ષો સુધી કોલ્ડ્રીકનાં ઘુંટડાઓ ભરીને, તમે તમારો જે લય તોડ્યો છે, તેને રીપેર કરવાનાં નિરર્થક પ્રયત્નનું રૂપાળું નામ એલોપેથી છે, અને તેનાં સંચાલન કર્તાને ડોક્ટર તરીકે ઓળખવામાં આવે છે.

આપણે એ બધું જ કરીએ છીએ જે ક્યારેય કરવાનું હોતું નથી, અને એ કશું જ કરતા નથી
જે આપણા માટે સર્વથા યોગ્ય છે. ખાવાનું ખાતા નથી, સુવા ટાણે સુતા નથી, સૂર્યોદય થતો જોનારા
કેટલા ? વાંચવાની ટેવ છૂટી ગયા પછી પોતાની અંદર કશીક નવી કુંપળ ન ફૂટે તો એમાં દોશ કોનો ?
ખુલ્લા આકાશ નીચે બેસી, બગીચાનો શ્વાસ ભરી લેનારાને દમ થતો નથી. આપણી જાણીતી પંક્તિ છે,
“રાત્રે વહેલા જે સુવે, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર” સુવાનું અને ઉઠવાનું બંને મોડું છે, અને ત્રણેય ટાઈમ ટીકડીઓ ગળવામાં આપણને જાણે મજા આવતી હોય તેમ આનંદથી પેટમાં પધરાવીએ છીએ. આ બધુ થાય છે, કારણ કે આપણે કુદરતનો લય તોડ્યો છે, આપણે આપણા શરીરની સંવાદિતા ખોરવી છે, જીવનનાં સુર સાથે છેડછાડ કર્યા પછી સુખી કેવી રીતે થઇ શકાય.

કોરોના જેવો મહાભયંકર રોગ સમગ્ર વિશ્વને ભરડામાં લઈને બેઠો છે, શા માટે અવનવા રોગ માનવજાતનો નાશ કરવા ઉભા થાય છે ? કહેવાતી વિકસિત પ્રજાએ વિશાળ આકાશને ઘોંઘાટથી ભરી દીધું, મહાસાગરોની સપાટી ઓઈલ અને કેમીકલોથી ભરેલી છે, શાકભાજીમાં વિટામિન અને પ્રોટીનની જગ્યાએ જંતુનાશક દવાઓ ભરવામાં આપણે નંબર વન. કરોડો વર્ષોથી જમીનમાં ભેગું થયેલું પેટ્રોકેમિકલ આપણે દશકાઓમાં ખેંચી કાઢ્યું. જંગલો કાપીને ઉચામાં ઉચી ઇમારતો ઉભી કરવાની હરીફાઈ સૌને ઊંડી ખાઈમાં ધકેલી રહી છે. હવે પ્રકૃતિનો પ્રકોપ વેઠવો જ રહ્યો.

આપણી ખુબ જ જાણીતી કહેવત છે, ‘અન્ન તેવો ઓડકાર’ અને ‘વાવો તેવું લણો’ બાવળિયો વાવ્યા પછી કેરી ખાવાની ઈચ્છા ઠગારી નીવડે તો એમાં આશ્ચર્ય નથી. લીંબુનું અથાણું ખાધા પછી લાડવાનો ઓડકાર તો ન જ આવે. માનવજાત પ્રકૃતિના લયને ખલેલ પહોચાડવાનું મહાભયંકર કાર્ય દિન-રાત કરી રહી છે, માનવજાતે પૃથ્વી ઉપર ભાડાના મકાનની જેમ રહે છે, તેની જાળવણી કરવી પડશે, તેનો લય જાળવવો પડશે, આવનારી પેઢીને નિરાતનો શ્વાસ લેવા દેવો હોય તો કુદરતના લયને જાળવવો પડશે, ડાહ્યા ડમરા છોકરાની જેમ રહેવું પડશે એ નિશ્ચિત છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED