અર્પણ કરતા શીખીએ HARDIK RAVAL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્પણ કરતા શીખીએ

શિયાળાની સવાર એટલે શરીરનો રાજયોગ, પ્રકૃતિએ આપેલી અનુપમ ભેટ, સૂરજદાદાનાં સોનેરી કિરણોનો મીઠો વરસાદ, જાણે આપણા દેહ ઉપર ઉમળકો લઈને ઠલવાય. સોનામાં સુગંધ ભળે એમ પંખીઓની કિલકારી રોમેરોમમાં આનંદ પ્રસરાવી જાય. માનવીની ભીડભાડ અને ઘોંઘાટથી અલાયદી હોય એમ ઉગમણી ક્ષિતિજે, ઉષા કેસરિયો સાફો પહેરી ઉગી નીકળે. સુરજને દાદા કેમ કહેતા હશે એનું કારણ આજ મને જડ્યું છે, ઉનાળાની ધોમધખતી બપોરે, લાલ ચટ્ટાક થઇ ગયેલા આકરા સ્વભાવના હોય, જ્યાં એકાદ મિનિટ ઉભુ રહેવામાં પણ હાંફ ચડે, અને શિયાળાની ગુલાબી સવારે મીઠા મધ જેવા, હળવી હુંફમાં બેસી રહેવાનું મન થાય તેવા નિર્મળ. ઘરનાં મોભી, આપણા દાદા પણ એવા જ હોય ને..!!, ખીજાય ત્યારે કોઈના નહિ, અને રીઝાય ત્યારે વાર્તાઓનો વરસાદ.

સવારમાં ગોદડામાંથી બહાર નીકળવું એ જાત સાથે યુધ્ધ ખેલવા બરાબર છે. પંખો બંધ કરી, રૂમની બહાર નીકળી, સૂર્યોદયને માણવો એ કાંઈ જેવી તેવી સિદ્ધિ નથી હોતી. પ્રકૃતિના દિવ્ય વાતાવરણમાં હોઈએ તો બધું જ સહજ લાગે. ઇચ્છાઓ શમી જાય, પીડા ઓગળી જાય ને રુવે-રુવે રોમાંચ ફૂટી નીકળે. અસીમ આકાશ સાથે જાત એકાકાર થાય તો અહંકારની ઉપર સવાર થયેલું જ્ઞાન, યશની લાલસા, અને પૈસા તરફનો મોહ પળવારમાં ખરી પડે.

માણસે જગતને ફોર્માલીટીથી ભરી દીધું છે. માનવજાતની બહાર ક્યાંય આવી ફોર્માલીટી નથી. આપણે કોઈકના ઘરે જવું હોય તો કેટકેટલી ફોર્માલીટી કરવાની ? પ્રથમ ફોન કરી પૂછવાનું,
ઘરે તો છો ને ? સમય છે ? હું મળવા આવું તો ફાવશે ? આટલા સવાલોના જવાબ હકારમાં મળે પછી સમય નક્કી કરીને, દરવાજે ટાંગેલા બિહામણા ડોરબેલને રણકાવી અંદર જવાનું, સોફાનાં કવરમાં ગડી ન પડે તેમ અદબ વાળી બેસવાનું અને પછી કામકાજની વાતોનું પ્લેટફોર્મ બનાવી બોલવાનું. આવા ફોર્માલીટીનાં જમાનામાં આજે વહેલી સવારે બે ચકલીઓ મારા ફળીયે ચણવા આવી છે, ત્યારે મને રમેશ પારેખની કવિતા સાંભરી છે.

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું, મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,
તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે, મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે.

કશી જ ફોર્માલીટી વીના એ આવી અને મારા ફળીયામાંથી એને જે ભાવતુ’તુ એ લઈને ઉડી ગઈ. ચણવાનુંય મારા ફળીયે, રમવાનુય મારા ફળીયે અને માળો નાખી રેવાનુંય મારા જ ઘરમાં ? કોઈ પણ જાતના ભાડા કરાર વિના એ મન ફાવે ત્યારે આવે અને જાય. ચકલીઓ સિવિલ ઇજનેર નથી, એટલે દીવાલો વિશે એ કશું જ જાણતી નથી. એને મારી કાઇ જ પડી હોતી નથી, ન તો મારા આવવાની પ્રતીક્ષા એને છે, ન તો મારા જવાનું દુઃખ. સવારે બે-ચાર કુદકા મારીને, એ મને જીવન જીવવાની સાચી રીત શીખવી ગઈ. હું સ્તબ્ધ હતો, ચિંતિત હતો, ભૂત-ભવિષ્યની ઝંઝાળમાં ફસાયેલો હતો, એ બધું જ એ બે પાંખના ફફડાટમાં ઉડાડી ગઈ.

બપોરે દસના ટકોરે પાડોશીના લીમડા ઉપર કોયલ આવીને બેઠી, ને કોઈ પણ જાતની ઓળખાણ વિના, સાવ જ મફતમાં, બે-ચાર ટહુકા આપી ગઈ. ઘરની બહાર નીકળેલી રેઢીયાર ગાય, મે નાખેલી રોટલીની સામું જોયા વિના, દિવ્ય ઔષધિ સભરનો પોદળો ઘરનાં આંગણમાં ઠાલવી ગઈ.

‘આપવું’ એ પ્રકૃતિ પાસેથી શીખવું રહ્યું, આપવું એ આપણું ગજું નહિ, આપણે તો પડાવી લેવા વાળા. પ્રેમ એ સર્વસ્વ અર્પણ કરવાની પરાકાષ્ટા છે. મને તો શંકા થાય કે, શું આપણે પ્રેમ પણ સાચો કરી શકતા હશું ખરા ? લેવાની દાનત વાળા પ્રેમને શું જાણે ? સંબંધોમાં સ્વાર્થના કુંડાળા રચીને બેઠેલો માનવી શું જાણે કે પ્રેમ કઈ બલાનું નામ. ગણતરી માનવી મગજની ઉપજ છે. લેતી વેળાએ કશુંક ઓછું ન રહે એવા આશયે માનવે સરવાળા માંડ્યા. અને બાદબાકી ન આવડી માટે માનવજાતે હજારો યુધ્ધો ભોગવ્યા.

સહજ અને સરળ બનવું એ મનુષ્ય માત્રનો ધ્યેય છે, અને આપણે પેઢી દર પેઢી કોમ્પ્લીકેટેડ બનતા જઈએ છીએ. ખેર સમજાય એને વંદન. હું તો ઉમળકાથી જીવવામાં માનું છું. બાદબાકી શીખવાની કોશિશોમાં જીવું છું. હું દાવો નથી કરી શકતો કે, હું સ્વાર્થી નથી. પરંતુ મારા સ્વાર્થનું કુંડાળું નાનું થાય તો મારું જીવન ધન્ય. મને જે મળે છે, એના બદલામાં હું થોડુક આપતા શીખી જાવ તો મારો બેડો પાર છે. પતંગિયાનું જીવન કેટલું ? એક પતંગિયું દસ થી બાર દિવસ જીવતું હોય છે. છતાં ફૂલો સાથે પ્રગાઢ નાતો રચે છે, અને પચ્ચીશ વર્ષનું દામ્પત્ય છૂટા છેડા લેવા કોર્ટમાં સામસામે ઉભું હોય ત્યારે જાત ઉપર પ્રશ્નો ઉદભવે.

કશું પણ મૂલ્ય ચૂકવ્યા વિના જે મળે છે, તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરતા શીખવે તેવી શાળા વિકસાવવી જોઈએ. જ્યાંનાં સીલેબસમાં, અનંત આકાશની વિશાળતા, નદીઓની નિર્મળતા, સુરજદાદાની નિયમિતતા, ચાંદામામાની શીતળતા, પંખીઓના કલરવની મધુરતા અને ઘુઘવતા મહાસાગરોની અનંતતા હોય. જ્યાં શીખવવામાં આવે મોરના ટહુકાનો આભાર, જંગલની ગરીમાને થેંક્યું બોલતા શીખવે તેવા શિક્ષકો હોય, રીસેસ અને રજાના બેલની જગ્યાએ બપૈયો બોલે તો સોનામાં સુગંધ ભળે. સુઘરીનો માળો ગુથવાની કળાનું પ્રદર્શન ગોઠવાય તો કેવી મજા પડે ?

વ્યવહાર ઘણા શીખી લીધા, લેવડ-દેવડનાં ગણિતની બહાર નીકળી અર્પણ કરવાનું વિજ્ઞાન શીખવું રહ્યું. અર્પણ શબ્દ કેટલો મજાનો છે. જ્યાં કશું જ લેવાની કે મેળવવાની લેશ માત્ર અપેક્ષા વિના આપવામાં આવે તેને ‘અર્પણ’ કહેવાય. સૂર્યનારાયણને જળ અર્પણ કર્યું એમ કહેવાય, કારણ કે, સુરજદાદા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની એ રીત છે. જ્યાં કૃતજ્ઞતા છે, ત્યાં અર્પણ છે. લઇ લેવાની વૃત્તિમાં ઓટ અને અર્પણ કરવાની પ્રવૃત્તિમાં ભરતી આવે તો જીવન સોળે કળાએ ખીલી ઉઠે. વહેતા આવડી જાય તો લીલ નો વળે, પાણી વહેતું હોય ત્યાં સુધી ચોખ્ખું, બંધાણું એટલે ગાંધાણું. ચંદ્ર સુધી પહોચી ગયા, શીતળતા સુધી પહોચી જવામાં મજા છે.

લાગણીઓથી લથબથ થવાનું શીખવે એ સાચા માતા-પિતા, કૃપા કરી, મહેમાન આવે ત્યારે રમકડા સંતાડી દેવાનું બાળકને ન શીખવો. એને વહેતા શીખવો, પ્રેમ કરતા શીખવો. વસુધૈવ કુટુમ્બકમની ભાવના ઉજાગર થાય તેવું વાતાવરણ પૂરું પાડો. કુદરતના અનુપમ ખજાના પ્રત્યે કૃતજ્ઞતા વિકસે તેવા સંસ્કાર અર્પણ કરો, જીવન પ્રત્યેની દિવ્યતા આપોઆપ ખીલી ઉઠશે.