આખું મેદાન શાળાના બાળકો અને અન્ય શહેરીજનોથી ખચાખચ ભર્યું હતું. એ કહેવાની જરૂર ન હતી કે અડધાથી વધારે સંખ્યા યુવતીઓની હતી. એનું કારણ હતું શહેરનો યુવાન, ડેશિંગ અને હિંમતવાન કલેકટર. જ્યારથી તે કલેકટર તરીકે જિલ્લામાં હાજર થયો હતો ત્યારથી એની ચર્ચાઓ ચાલ્યા જ કરતી.
અનિરુદ્ધે હાજર થઈને તાબડતોબ નિર્ણયો લેવા માંડીને બધાને અચંબિત કરી દીધાં.
એને જોયા પછી એના દેખાવ અને વ્યક્તિત્વના પ્રભાવમાંથી નીકળવું કોઈ પણ યુવતી માટે સરળ ન હતું.
કોઈને કોઈ બહાને યુવતીઓ એના બધા કાર્યક્રમોમાં જતી. નામ પણ કેવું! અનિરુદ્ધ! મોટે ભાગે સુટ કે કોટિમાં જ સજ્જ હોય. કેમેરા જેવી નજર બધે ફરતી જ હોય. ઝીણામાં ઝીણી વિગતો નોંધતા એને વાર જ ના લાગતી.
અનિરુદ્ધનો દેખાવ ખૂબ જ પ્રભાવશાળી હતો.એના ગોરા ગોરા મોં ઉપર દાઢી અને મૂછ ખૂબ શોભતી. બુદ્ધિ તો એની જ. પ્રથમ જ પ્રયત્ને યુપીએસસી પરીક્ષા પાસ અને તુરંત નિમણૂક. ઝડપી અને સમય સૂચક રીતે નિર્ણય લઈને એણે નોકરી ના પ્રથમ જ વર્ષમાં આખા જિલ્લામાં પોતાની શાખ પ્રસરાવી હતી.
સાથે જ સારા કાર્યમાં વિઘ્ન નાંખનાર દુશ્મનો પણ ઉભા થયા હતા. એના પ્રજાલક્ષી કામો ઘણાને આંખમાં કણાની જેમ ખૂંચતા, પરંતુ અનિરુદ્ધ ને કોઈનાથી કશો ફરક પડતો ન હતો. એ તો પોતાનું કામ કરવામાં તલ્લીન હતો.
અનિરુદ્ધ ની એકમાત્ર નબળાઈ હતી એનો ગુસ્સો. ખોટું કરનાર ઉપર એને વારંવાર ગુસ્સો આવી જતો. પોતાના ગુસ્સા ઉપર એનો કશો કાબુ પણ ન હતો. એના પરિચયમાં આવનાર દરેક એનો ગુસ્સો જાણતા હતા. સ્ત્રીઓ તો અને યુવતીઓ તો માત્ર એનો દેખાવ જોઈને જ નરમ પડી જતી એટલે એ લોકોને કદી એનો ગુસ્સો સહન કરવો પડતો નહીં.
આર્યા, અવની અને અનાથ આશ્રમની અન્ય છોકરીઓ ધ્વજવંદન માટેની મેદનીમાં જોડાઈ ગઈ હતી.
“એ એની મમ્મી ના પેટમાં હશે ત્યારે એની મમ્મી એ અમિતાભ બચ્ચન અને રણધીર કપૂર ના પિક્ચરો ખૂબ જોયા હશે.” રેખાએ એની હંમેશની ટેવ મુજબ ઢંગધડા વગરની વાત રજૂ કરી. ઢંગધડા વગરની વાતો હોતી છતાં પણ એની વાત થી બધાને હસવું પણ આવતું અને રસ પણ પડતો. એણે તકલીફોને પણ જોક્સ બનાવીને જાણે જીવન જીવવાની ચાવી શોધી લીધી હતી.
“રેખાજી, આવું કહેવાનું કારણ સમજાવશો?”
“મને ખબર જ હતી કે તું તો નહીં જ સમજે. અરે યાર!!! એ કેટલો ગોરો દેખાય છે! અને હેન્ડસમ પણ કેટલો છે! એટલે નક્કી એની મમ્મીએ રણધીર કપૂરની ખૂબ ફિલ્મ જોઇ હશે. અને વળી નાક ઉપર તો એનો ગુસ્સો હોય જ છે. ધ એંગ્રી યંગમેન! અમિતાભ બચ્ચનની ફિલ્મોનો પ્રભાવ!”
“ધન્ય હો! ધન્ય હો! રેખાજી!”કહીને પાસે બેઠેલી અનાથાશ્રમની બધી છોકરીઓ રેખાને નતમસ્તક થઈ ગઈ.
એ બધીઓનો હસવાનો ખીખીખી અવાજ સાંભળીને આગળ બેઠેલા બે ત્રણ બુઝુર્ગોએ ચૂપ થવાનો ઈશારો કર્યો.
આજનું ધ્વજવંદન એ મુખ્યમંત્રીના હસ્તે થવાનું હતું. એ વિસ્તારના ધારાસભ્ય અને કલેક્ટર બંનેનું એક સાથે જ આગમન થયું. સહેજ સહેજ વાદળછાયા વાતાવરણની વચ્ચે સવારના કુમળા કિરણ મેદાનના ઘાસ પર પડી રહ્યા હતા.
જેવો અનિરુદ્ધ મેદાનમાં આવ્યો એવી જ જોર જોરથી ચિચિયારીઓ થવા લાગી. ધારાસભ્યને એમ થયું કે લોકો એમને વધાવી રહ્યા છે માટે તેઓ સહુનું અભિવાદન ઝીલવા લાગ્યા. પરંતુ થોડી જ વારમાં એમને પણ સમજતા વાર ન લાગી કે આ બધો આવકાર અનિરુદ્ધ માટે છે.
અનિરુદ્ધે પોતે મેદાનમાં જઈને ફરતા-ફરતા છેલ્લીવાર બધું નિરીક્ષણ કર્યું. અનાથ આશ્રમના બાળકોને અને યુવતીઓને જ્યાં બેસાડવામાં આવ્યા હતા એ જગ્યાએ આવતાં જ એ થંભી ગયો. દોરીની કરેલી વાડ ની પાછળ બેઠેલા નાના નાના ભૂલકાઓને તે જોઈ રહ્યો. એમાંથી ચારેક વર્ષના એક નાનકડા બાળકને એણે તેડી લીધું અને તેની સાથે વાતો કરવા લાગ્યો.
એ નાના ભૂલકાઓ ની પાછળ જ અનાથાશ્રમની યુવતીઓ બેઠી હતી. અનિરુદ્ધ અને આટલે નજીકથી એ બધી એ પહેલી વાર જોયો હતો. અમુકના મોમાંથી તો આનંદથી ચિચિયારીઓ નીકળી ગઈ.
“અરે યાર! આજ તો અહીં આવવું સફળ થઈ ગયું.”
“એની કાનની બૂટ તો જો! કેટલી લાલ છે!”
“પરફેક્ટ મેન! એના આઠ એબ્સ તો હશે જ એવું લાગે છે.”
આર્યા અકળાઈ રહી હતી. પેલો સામે ઉભો હતો તો પણ પેલી બધીઓ ગમે એમ બોલી રહી હતી. એ નક્કી સાંભળી જવાનો!! આર્યાથી અનિરુદ્ધ સામે એકવાર જોવાઈ ગયું.
આ બધી ઓ ખોટું તો નહોતી બોલી રહી. અનિરુદ્ધ જોવામાં તો પહેલી જ નજરે સામેનાને આકર્ષી લે તેવો હતો. આર્યાએ અનિરુદ્ધ સામેથી પોતાની નજર વાળી લીધી અને જોયું તો છોકરીઓ કે જેની પાસે ફોન હતો એ બધી અનિરુદ્ધનો ફોટો લઇ રહી હતી.
અનિરુદ્ધ પોતાના શરીરથી સભાન હતો. પોતે જ્યાં જાય ત્યાં છોકરીઓની આવી પ્રતિક્રિયા સામાન્ય હતી. અને આજે કશી નવાઈ લાગતી ન હતી પરંતુ આજે એનાથી પણ એ છોકરીઓ સામે જોવાઈ ગયું.
સામાન્ય રીતે કોઈથી આકર્ષાઈ ન શકનાર એની નજર ઘડીભર થંભી ગઈ. એની સામે!!