હું રાહી તું રાહ મારી.. - 38 Radhika patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું રાહી તું રાહ મારી.. - 38

ચેતનભાઈના ચહેરા પર અજીબ ઉદ્વેગ હતો.છેવટે તે શિવમને પોતાના ભૂતકાળ વિષે કહેવા જઈ રહ્યા હતા.શિવમને શું ખબર છે? કેટલું ખબર છે?તેને આ બધી વાતની જાણ ક્યાથી થઈ?તેને આ વાત વિષે શંકા ક્યાથી ગઈ તે વાતને લઈને પરેશાનીમાં હતા.પણ હવે શિવમને બધી જ વાત કહ્યે છૂટકો જ નહોતો અને ઇતિહાસ ગવાહ છે આ વાતનો કે ખરાબ ભૂતકાળને ગમે તેમ છુપાવવાની કોશિશ કરો તે એક દિવસ સામે આવીને જ રહે છે.
“શિવમ બેટા હું તને માંડીને બધી જ વાત કહીશ પણ તે પહેલા મારે તને કઈક પૂછવું છે.સત્ય જાણીને તું શું નિર્ણય લઇશ તે મને નથી ખબર પણ મે તને મારા પહેલા સંતાનની જેમ જ ઉછેર્યો છે અને હું તારાથી આજે પણ દૂર થવાનું પસંદ નહીં કરું.આ વાતનો મતલબ તે નથી થતો કે હું તને મારી લાગણી ભીની વાતમાં લઈ રહ્યો છું.પણ આ એક બાપની વ્યથા જ સમજી લેજે.બીજી એક વાત કે તને હકીકત જાણી કોઈ તકલીફ થાય અને તને લાગે કે તારી સાથે અન્યાય થયો છે તો મારાથી દૂર રહેવાની અને સુરત રહેવા આવવાની શરતમાથી હું તને મુક્ત કરું છું પણ મને વચન આપ કે તું મારી સાથે સંબંધ ક્યારેય નહીં તોડે.કેમ કે હું તારા વગર નહીં જીવી શકું.હવે હું તને વાત જણાવું તે પહેલા મને કહીશ કે આ વાતની જાણ તને કઈ રીતે થઈ?”ચેતનભાઈ.
“પપ્પા જે ડાયરીમાં તમે તમારી અંગત વાતો લખો છો,જે તમારી અંગત ડાયરી છે તે એક રાત્રે મને આ સત્ય સુધી લઈ ગઈ.મને ખબર છે કે આમ તે ડાયરીમાં લખેલું વાંચવાનો મને તમારી રજા વગર કોઈ અધિકાર નહોતો.તો પણ મને તે રાત્રે શું થયું કે મે તેમાં લખેલું અર્ધસત્ય વાંચી લીધું.આ વાતની ખબર તો હું મુંબઈ ભણવા જવાનો હતો તેની પહેલાથી ખબર છે.આટલા વર્ષ સુધી આ સત્ય મે આમ છુપાવી રાખ્યું.ઘણી વખત તમને પૂછવાની ઈચ્છા થઈ પણ જીભ સાથ આપતી નહોતી.પછી મે નક્કી કર્યું કે હું પહેલા મારા જીવનમાં કઈક બની જાઉં પછી હું આ અર્ધસત્યની પાછળ છુપાયેલું સત્ય શોધીશ.પણ પપ્પા મારો વિશ્વાશ કરો, મે આજ દિવસ સુધી ક્યારેય પણ તમારા કે મમ્મી પર આ બાબતને લઈને કોઈપણ શક નથી કર્યો.હું જાણું છું પહેલેથી જ કે હું તમારું સંતાન નથી તો પણ તમે મને હંમેશા ઘરના મોટા દીકરા જેવુ માન આપ્યું છે.માટે તમે ચિંતા ન કરો.સત્ય ગમે તેટલું આકરું કેમ ન હોય પણ આપણે બધા સાથે મળીને આ વાતનો સામનો કરશું.”શિવમ.
બધા શિવમને સાંભળ્યે જતાં હતા.રાહીનો પરિવાર પણ ત્યાં હાજર હતો.શિવમ રાહીના પપ્પા સામે ગયો.
“અંકલ હું જાણું છું કે સંબંધ બાંધતા પહેલા જ મારે આ વાતની જાણ તમને કરી દેવી જોઈતી હતી પણ હું મજબૂર હતો.તમને એક વિનંતી છે,કે સત્ય જાણ્યા પછી તમે રાહીને મારાથી દૂર નહીં કરો.રાહી મારૂ જીવન બની ગઈ છે.જો તે મારાથી દૂર ગઈ તો હું જીવતો તો રહીશ પણ જીવન જીવવાની ક્ષમતા ખોઈ બેસીશ.માટે તમે મને ખાસ સાથ આપજો.”શિવમ.
“બેટા, તારા જેવા દીકરાને તો લાખ લાખ વંદન.આ સમયમાં યુવાપેઢી જે રીતે વર્તે છે અને પોતાના જીવનના ખોટા-સાચા નિર્ણયો લે છે તેમાં તું આ લોકો માટે ઉદાહરણ છો કે જીવનમાં સત્ય સુધી પહોચવા માટે પોતાનાઓને દુખી કરવા પહેલા તે ખુદ સત્ય શું છે તે જાણવાનું નક્કી કર્યું.આટલું સ્થિર બનવું તે કોઈ સમાન્ય વાત નથી.રાહી જો તારી સાથે છે તો પછી સત્ય જે પણ હોય મને કે રાહીના મમ્મીને આ સંબંધ માટે કોઈ જ વાંધો નથી.”જયેશભાઇ.
શિવમ તેના મમ્મી-પપ્પા તરફ ગયો.દિવ્યાબહેન ચેતનભાઈનો હાથ પકડીને ઊભા હતા.તેને ડર હતો કે ક્યાક શિવમ કોઈ એવો નિર્ણય ન લે જેનાથી...
“મમ્મી તું ચિંતા ન કર.હું તને છોડીને જવાનો તો ક્યારેય વિચાર જ ન કરી શકું.જાણું છું કે મારી જન્મ દેનારી માતા હવે આ દુનિયામાં નથી.મને તેનો ચહેરો પણ યાદ નથી.કદાચ હું ખૂબ નાનો હોઈશ.પણ જ્યારથી સમજણો થયો ત્યારથી બસ મને તારો ખોળો જ વહાલો લાગ્યો છે.સ્કૂલમાં મિત્રો સાથે થયેલી લડાઈ હોય કે પછી મેચમાં હારવાનું દુખ, મારા પહેલા પ્રેમની લાગણી હોય કે નવા બાઈકની મળેલી ખુશી ...દરેક વખતે સુખ-દુખમાં તારા ખોળાએ જ મને રાહત આપી છે.માટે તું ચિંતા નહીં કર.બસ મને સત્ય જણાવ.”શિવમ.
દિવ્યાબહેન શિવમને વળગીને રડવા લાગ્યા.ત્યાં હરેશભાઈ હેમમાંને લઈને ઘરમાં પ્રવેશ્યા.
“બેટા તારા માં-બાપમાં સત્ય જણાવવાની હિંમત અત્યારે નહો હોય.માટે સત્ય હું જ જણાવીશ.સારું થયું કે સત્ય જાણતી સમયે તારા માં-બાપ પણ હાજર છે.હું દિવ્યાને ફોનમાં હંમેશા કહેતી કે શિવમ મોટો થઈ ગયો છે તેને સત્ય જણાવી દો.પણ આખરે આ વાત જણાવવાનું મારા જ નસીબમાં હતું.તારે સત્ય જ જાણવું છે ને? તો સાંભળ.”હેમ માં શિવમની નજીક જઈ બોલ્યા.
હેમમાં ને સોફા પર બેસાડી શિવમ તેમની નજીક બેઠો.
“તારા પપ્પા,હરેશ અને શિવરાજ ખૂબ જ પાક્કા મિત્રો હતા.તારા દાદાના સમયમાં અમે ગામડે રહેતા.બધા એક પરિવારની જેમ જ.પણ અચાનક એક દિવસ તારા દાદાએ સુરત જવાનું નક્કી કર્યું.ત્યાં તારા દાદાના કોઈ સંબંધીને હીરા ઉધ્યોગમાં ભાગીદારની જરૂર હતી માટે તમારો આખો પરિવાર ત્યાં રહેવા જતાં રહ્યા.ત્યારે તારો જન્મ પણ નહોતો થયો.તે સમયે શિવરાજના લગ્ન સૌથી પહેલા થયા હતા.ત્યારે હજુ ચેતન કુંવારો હતો.તને ખબર છે બેટા તારી માતાનું નામ?”હેમમા એ શિવમ સાથે જોતાં કહ્યું.
શિવમની આંખો ભીની હતી.
“તેનું નામ શાંતિ હતું. શાંતિ...... મને હજુ પણ યાદ છે.એકદમ સુંદર...શાંત..કોમળ સ્વભાવ..સુંદરતાની મુર્તિ , સંસ્કારોથી સભર તે સ્ત્રી હતી.શિવરાજના પિતા નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા.શાંતિના આવવાના થોડા જ સમયમાં શિવરાજના માતા પણ મૃત્યુ પામ્યા હતા.માટે તેને મારી સાથે ખૂબ જ ભળતું હતું.માં-દીકરી જેવો સંબંધ અમારી વચ્ચે હતો.હરેશના લગ્ન નહોતા થયા.માટે મારા પગના દુખવાના કારણે હંમેશા મારૂ ઘણું કામ કરતી.ખૂબ સાથે રહ્યા છીએ હું અને તારી માતા.
ત્યારપછી ચેતનના લગ્ન થયા.તારા પિતાના લગ્ન સુરત રાખવામા આવ્યા હતા.કિસમતનો ખેલ જો..તારી જન્મ દેનારી માતાની હાજરીમાં તારી પાલક માતાના લગ્ન થયા હતા. બેટા આ એક પછી એક બનેલી ઘટના હું તને તે માટે જણાવું છું જેથી તારા મનમાં કોઈ સવાલ ન રહે.”હેમ માં.
“હા બા તમે મને કહો હું સાંભળું છું.” શિવમ.
“ ચેતનના લગ્ન પછી તારા દાદીમા ખૂબ જ બીમાર થઈ ગયા હતા.લગભગ ચેતનના લગ્નને ૨ વર્ષ થવા આવ્યા હતા.તારા દાદીમા દિવ્યાનો ખોળો ભરાય તે રાહમાં હતા.પણ કોઈ કારણવશ દિવ્યા બાળક સુખથી વંચિત રહેતી હતી.ચેતન પણ હવે બાળક ઈચ્છતો હતો.તે સમયે હરેશના લગ્ન હતા અને બધા સુરતથી ગામડે આવ્યા હતા.દિવ્યા પોતાની વ્યથા મને જણાવી રહી હતી.દિવ્યા પણ શાંતિ જેટલી જ મારી લાડકી હતી.
દિવ્યા હરેશના લગ્નમાં આવી ત્યારે બાળક માટેની ચિંતા મને કરી રહી હતી ત્યારે જ તારી માતા શાંતિએ કહ્યું કે , “જલ્દી તેનો ખોળો ભરાવાનો છે.તે માતા બનવાની છે અને તારો બાપ શિવરાજ ...મિત્રના લગ્ન અને બાળક આવવાની ખુશી બંને વાતને લઈને આખા ગામમાં મીઠાઇ વહેચી રહ્યો હતો.ચેતન પણ શિવરાજને પોતાનો મોટો ભાઈ માનતો.પોતાના ભાઈના ઘરે બાળક આવવાનું છે તે જાણી તે પણ પોતાની વ્યથા ભૂલી ગયો હતો.સાચું ને ચેતન ?”હેમ માં.
“હા બા..યાદ છે મને તે દિવસ..શિવમના આવવાની ખુશીમાં ત્રણેય પરિવારની ખુશી બમણી થઈ ગઈ હતી.મમ્મીને પણ લાગ્યું કે શાંતિભાભીનો ખોળો ભરાશે તો સાથે દિવ્યા પણ...”ચેતનભાઈ.
“મને પણ ક્યાક ને ક્યાક આશ હતી કે હવે મારા માતા બનવાનો દિવશ દૂર નથી.પણ..મને અને ચેતનને તે વાતની ક્યાં જાણ હતી કે આવનારું બાળક હંમેશા માટે અમારું થવાનું છે.”દિવ્યા.
“શિવરાજને ત્યાં દીકરાનો જન્મ થયો.તું આવ્યો હતો બેટા.ખૂબ જ સુંદર એકદમ રાજકુમાર જેવા દીકરાને શાંતિએ જન્મ આપ્યો હતો.તે પૂછ્યું હતું ને કે મે તને પહેલી જ વખતમાં કેમ ઓળખી લીધો હતો? ...કેમ કે પહેલી વખત મે જ તને મારા હાથમાં લીધો હતો.ફૂલ જેવુ કોમળ શરીર..આજે પણ મને તારો ચહેરો યાદ આવે છે..તે મસુમિયત હજુ તારા ચહેરા પર અકબંધ છે.માટે મે તને પહેલી વખતમાં ઓળખી લીધો હતો.ફરી ત્રણેય પરિવારમાં ખુશીની મહોર લાગી ગઈ.ચેતન-દિવ્યા તારા દાદીમાને લઈને ત્યારે પણ તને જોવા માટે ગામડે આવ્યા હતા.બેટા એક વાત કહું?”હેમ માંના ચહેરા પર વિતેલા દિવસોની સુંદર ચમક હતી.
“હા બા કહોને.”શિવમ.
“તારું નામ પણ ચેતન-દિવ્યાએ જ રાખ્યું હતું.”હેમ માં.
શિવમ તેના માતા-પિતા સામે જોઈ રહ્યો હતો.દિવ્યાબહેનની આંખમાં અશ્રુધારા વહી રહી હતી.
“પહેલીવાર જ્યારે મે તને હાથમાં લીધો.મને તો બાળક તેડતા પણ નહોતું આવડતું.તો પણ મે અને દિવ્યાએ તને ઘરે જવાના સમય સુધી અમારા જ હાથમાં રાખ્યો હતો.ભાગ્યે જ અમે તને બીજા કોઈને આપ્યો હતો.”ચેતનભાઈના અવાજમાં ભીનાશ હતી.
“..પણ મને નહોતી ખબર કે તારા આવવાની ખુશીમાં કોઈ આટલું નાસમજ બની જશે કે...ન થવાનું થઈ જશે.બધા સંબંધો,લાગણી,પ્રેમ બધુ જ થોડા દિવસમાં વેર-વિખેર થઈ ગયું.
એક દિવસ તારા દાદીમાનો ફોન આવ્યો કે ડોકટરનું કહેવું છે કે દિવ્યા ક્યારેય ‘માં’ નહીં બની શકે.આ આઘાતમાં જ તારા દાદીમાનું મૃત્યુ થયું.”હેમ માં.
“તે સમયમાં દિવ્યા ખૂબ જ દુખી રહેતી.પણ જ્યારે શિવમને જોતી ત્યારે તે ખૂબ જ ખુશ થઈ જતી.માં ના જવાનું મને પણ દુખ હતું પણ શિવમ સાથે રહી હું અને દિવ્યા બંને ખુશ રહેવા લાગ્યા.મારા માટે દિવ્યાની ખુશીથી વધારે કઈ નહોતું.માટે હું દિવ્યાને લઈને અવરનવાર સુરતથી ગામડે આવતો.
દરેક વખતે દિવ્યાને સાથે લાવવી મુશ્કેલ થતી.મારે અઠવાડિયામાં એક વખત તો મોરબી કામ માટે આવવાનું થતું....કે પછી એમ સમજી લો કે શિવમને મળવાનું તેને જોવાનું , તેને રમાડવાનું એક બહાનું મને મળી જતું.ત્યારે હું એક કેમેરો મારી સાથે રાખતો.દરેક વખતે દિવ્યાએ શિવમ માટે લાવી આપેલા નવા નવા કપડામાં શિવમના ફોટા પાડી હું દિવ્યા માટે લઈ જતો.દિવ્યા આથી ખૂબ જ ખુશ રહેતી.ધીમે-ધીમે દિવ્યા પોતાનું દુખ ભૂલવા લાગી...કે તે ક્યારેય ‘માં’ નહીં બની શકે.”ચેતનભાઈ.
“પણ ઘડીનો ખેલ નિરાળો હતો.કોને ખબર હતી કે એક ભાઈ તેના જ ભાઈને દુશ્મન સમજી બેસશે.એક માતાની હત્યા થશે...એક અધૂરી માતા હંમેશા માટે ‘માં’ બની જશે.એક પરિવાર વિખેરાય જશે..”હેમ માં.
શિવમે તેના પિતા સામે જોયું.તેને ખ્યાલ આવી ગયો કે હવે તેને કોઈ એવી વાત જાણવા મળવાની છે જે સાંભળવામાં ખૂબ જ અઘરી હશે.તેણે પોતાનું હદય એકદમ કઠણ કરી લીધું...(ક્રમશ:)
**************************
હલ્લો..વાંચકમિત્રો,
જે વાંચકો મારી વાર્તા ક્રમશ: નિયમિત વાંચતાં રહે છે તેનો હું હદયપૂર્વક આભાર માનું છું,તમે મારી વાર્તા વાંચી, મારા વિચારો સમજ્યા, અને આ વાર્તાને નિયમિત વાંચી મને ખૂબ જ સહકાર આપ્યો છે.જેથી મને દરેક વખતે લખવા માટે પ્રેરણા મળી છે.
ઘણા લોકોના મને વાર્તા વિષે મેસેજ આવ્યા છે.જે લોકો નિયમિત વાર્તા વાંચી મને તે વિષે રિપ્લાય કરે છે તેની પણ હું આભારી છું. હવે જ્યારે વાર્તાના થોડા ભાગ બાકી રહ્યા છે ત્યારે હું ચાહું છું કે દરેક વાંચક મને વાર્તા વિષે કોઈ સારી કે ખરાબ બાબત જણાવે.જેથી હું આગળ મારી ભૂલ સુધારી તમારા માટે કઈક નવું લેખન લઈને આવું.આભાર..
તો વાંચકો હવે હું તમારા દરેકના રિપ્લાયની રાહમાં...