રુક્મિ ખૂબ જ પરેશાન હતી. એનું જમવામાં આજે મન લાગતું નહોતું. સતત એક જ વિચાર અને એક જ વાત વારેવારે સતાવી રહી હતી. વરસો પહેલાં સાસુએ કરેલી વાત, એ ઘટનાનાં દ્રશ્યો, ભલે એણે જોયાં નહોતાં પરંતું એ શબ્દદ્રશ્યથી એ વ્યાકુળ થઇ જતી. હકીકત ઘટના પામી ગઈ હતી. હવે કદાચ એવાં પ્લેગની મહામારી જેવી ઘટના બને એ શક્ય નહોતું પણ સ્વાતિબેનને ત્યાં કામ કરતાં કરતાં ટીવીમાં સાંભળેલા સમાચારથી આવેલાં અનેક વિચારોએ એની શાંત જીન્દગીમાં તોફાન મચાવ્યું હતું. ચેન છીનવાઈ ગયું હતું. માંડ માંડ એ એનાં પતિ ભગાને સરકારી દવાખાનામાંથી સારું કરીને ઘરે લાવી હતી. બે વરસનો બાબો અને પાંચ વરસની તુલસી, ચાર માણસનું કુટુંબ. રુક્મિ અભણ હતી, પરંતું સુઝ સારી. લોકોના ઘરે કામ કરી ગુજારો કરે. ભગો આમ પહેલાં શાંત અને સારો હતો પરંતું માં ના મરણ બાદ ખૂબ આઝાદ થઇ ગયો અને વસ્તીમાં રહેતાં લોકો સાથે દારૂની લતે ચઢી ગયો કારણ હવે એને માં ની બીક નહોતી. પત્નીનું સાંભળવામાં એને રસ નહોતો. બસ કોઈ એને રોકટોક કરે એ પસંદ નહોતું. દિવસે દિવસે ઘરની પરિસ્થિતિ વણસી, નોકરી ગયી અને રુક્મિને કામ શોધવાની અને કરવાની ફરજ પડી. છતાં એ ખુશ હતી, એક જ આશા ઉપર કે દિવસો ક્યાં બેસી રહેવાનાં છે, સમય કંઇક તો એની સાથે સારું કરશે !
વિચારોમાં એ તણાઈ રહી હતી ત્યારે સ્વાતિબેન ભણવા ગયેલ એકના એક પુત્રને ચીનથી ઘરે લાવવા માટે વ્યાકુળ હતી. આખું ઘર, પરિવાર અને સગાઓ પરેશાન હતાં. ત્યાં કરોનાની મહામારી શરૂ થઇ ગઈ હતી. એમની પરેશાની, વ્યાકુળતા, ટીવીના સમાચારો, લોકોની વાતો, સરકારની તૈયારીઓ, અન્ય દેશોની દશા, વાહન વ્યવહાર, દવાની શોધ, સાધનોની કમી જેવી વાતો રુક્મિને, સાસુએ કરેલ વાતો સાથે બંધ બેસતી લાગતી હતી. સાસુએ વર્ણવેલા દ્રશ્ય એની આંખ સામે તાદૃશ થતાં હતાં.
રુક્મિની સુઝ ભારે હતી. આજ સુધી કઠીન પરીસ્તિથીને પાર કરતી કરતી એ પોતાનાં મનને શાંત રાખી શકી હતી. એણે એક ખૂબ મોટો નિર્ણય લીધો હતો. બહુજ સમજ પૂર્વક અને જડબેસલાક. વગર શસ્ત્રથી એ યુદ્ધ જીતવા માંગતી હતી. સુઝ અને સમજ એનાં શસ્ત્ર હતાં.
સ્વાતિબેનનો ચહેરો જે ચમકદાર હતો તે નિસ્તેજ લાગતો હતો. ઘરમાં કોઈના મુખ ઉપર હાસ્ય નહોતું. સરકાર, એમ્બસી જેવાં શબ્દો રુક્મિ સાંભળી વિચારોમાં ખોવાઈ જતી. કેટલીક વાતો દિવસો જતાં સમજાઇ. સ્વાતિબેનના પરિવારની વ્યથા એ મહેસુસ કરતી હતી.
આખરે સ્વાતિબેનના પરિવારની મહેનત અને સરકારી તંત્રની પહેલ ફળી અને સ્વાતિબેનનો એકનો એક દિકરો દિશાંગ ભારત પાછો ફરી રહ્યો હતો.
એરપોર્ટની કાર્યવાહી અને ભારત સરકારે લીધેલ પગલાથી, ભારતમાં પણ દિશાંગ હજુ એમનાંથી દુર હતો. એ કોરોના થી સંક્રમિત હોઈ શકે એ આધારે સરકારની સ્વાસ્થ સેવા કામ કરી રહી હતી. સ્વાતિબેન અને પરિવારને થોડી શાંતિ થઇ હતી પરંતું ચિન્તા પણ હતી. દુનિયામાં મહામારી પ્રસરે એ ચોક્કસ હતું.
એમનાં પરિવારમાં થતી વાતચીતથી રુક્મિના સૂઝને અનુમોદન મળ્યું હતું. એનો નિશ્ચય દૃઢ થઇ રહ્યો હતો. સ્વાતિબેનને એણે જાણ કરી કે આવતી કાલે એ કામ ઉપર મોડી આવશે. એક નિર્ણયને અમલમાં મુકવાં માટે સમય આપવો જરૂરી હતો.
‘*****
એક ખાલી જગ્યા એનાં ધ્યાનમાં હતી, હાઇવેના બાજુથી પસાર થતાં રસ્તા ઉપર. ત્યાં એક ભંગારવાળાનું ગોડાઉન જેવું હતું. એક ખૂણામાં એક ઝાડ નીચે એણે એક નાનકડી ઝુંપડી બનાવી. આજુબાજુમાં પડેલ ભંગારના સામાનથી. ઘણાં દિવસથી એણે કોઈને ત્યાં જોયાં નહોતાં એટલે ઝુંપડી બનાવવામાં કોઈ તકલીફ પડી નહી. બે બાળકો અને પતિ માટે જગ્યા પુરતી હતી. થોડાં અંતરે એક સરકારી બોરિંગ પણ હતું એટલે પાણીની ચિન્તા નહોતી.
‘*******
ભગાને એ ખૂબ વિનંતી કરી રહી હતી કે વહેલામાં વહેલાં આપણે આ વસ્તી છોડી દઈએ જેથી આવનાર દિવસોમાં તકલીફ નહી પડે અને સલામત રહીએ. આખરે ધૂની ભગો દારૂના નશામાં સાંજે માની ગયો અને રુક્મિ સાથે રુક્મિએ બનાવેલ હાઇવે નજીકના ઝુંપડીમાં બે બાળકો સાથે આવી સુઈ ગયો. રાત્રે નવી જગ્યાએ રુક્મિ પણ શાંતિનો શ્વાસ લઇ સુઈ ગયી. ખુલી જગ્યામાં ચેન મળ્યું.
સવારે પાથરેલ ફાટેલી ચાદરમાં ભગો નહી દેખાયો. રોજની આદત પ્રમાણે સવારે એ દારૂ પીવા જતો. રુક્મિએ પોતાની દિનચર્યા પતાવી તુલસીને નાનો ભાઈ સોંપી એ કામે ગયી.
અચાનક રુક્મિના હાથમાં પૈસા મુકતા સ્વાતિબેને વિનંતી કરી કે હવેથી તું કામે આવીશ નહી. આ એક મહિનાના પગાર કરતાં વધારે પૈસા છે. સાચવીને વાપરજે. બહાર અવરજવર હવે થશે નહી કારણ રાત્રીથી આપણા શહેરમાં લોકડાઉન જાહેર થયેલ છે. જરૂરી સામાનની લેવડ દેવડ માટે સરકારે જાહેર કરેલ સમય પ્રમાણે વરતવું પડશે. કોરોનાથી બધાં પીડિત ન બને તે માટે સરકારે આ વ્યવસ્થા અને પગલા લીધાં છે. બધાએ એકબીજીથી એક મીટર દુર રહી વ્યવહાર કરવાનો છે. જેને કોરેનટાઈન (સંસર્ગનિષેધ) કહે છે.
વાત અને શબ્દો સાંભળી રુક્મિ ખુબ ખુશ થઇ. સમય પહેલાં, સરકારી સુચન બહાર પડે તે પહેલાં એણે પોતાનાં પરિવારને ‘કોરેનટાઈન’ કરી લીધાં હતાં. બચાવી લીધાં હતાં, સલામત, સુરક્ષિત કરી લીધાં હતાં. અડધું યુદ્ધ જીત્યાં હોય એવું લાગ્યું. ભૂખનો વિચાર એને નહોતો આવ્યો. અન્ન વગરના દિવસો એણે અનુભવ્યા હતાં. જાન હૈ તો જહાન હૈ એવું એણે સંભાળેલ હતું. ઘરનાં બધાં ભેગાં થઇ ગયાં. રુક્મિ બધાંને ઉભાં રહેવાનું કહી અંદર દોડી. હાથમાં એક દિવો પ્રગટાવી ટેબલ ઉપર મુકતા બોલી આ ઘર આમજ ઝગમગશે. કાળજી નહી કરો દિશાંગભાઈ સાજામાજા વહેલાં પાછાં આવશે. તે દિવસે ઘરમાં જરૂર દિવા કરશો. સ્વાતિબેનના પતિ અવાક થઇ ગયાં !
રસ્તાની અવર જવર ઉપરથી એ વાતની ગંભીરતા સમજાતી હતી. સરકારની મદદ, સ્વાસ્થ સંસ્થાઓની તડામાર તૈયારી અને સેવા, પોલીસની કાર્ય દક્ષતા એક અભણ નારીને સમજતાં વાર નહી લાગી કારણ એની સમજ અને સુઝ આગળની હતી.
થોડાંક દિવસો બાદ પણ ભગો ઘરે નહી આવ્યો ત્યારે ખબર પડી કે સરકારી સ્વાસ્થ સંસ્થાવાળા એને ઉપાડી ગયાં છે જેથી વસ્તીમાં સંક્રમણ નહી ફેલાય.
સ્વાતિબેનની મહેરબાનીથી થોડાંક દિવસો સારા નીકળ્યા. બીજાં લોકોએ પણ કામ ઉપર આવવાની ના તો પાડી પણ કોઈએ મદદ ના કરી. એક બેને તો રુક્મિએ લીધેલ પૈસા પાછાં આપી જવા માટે ધમકાવી.
હવે ઝુંપડામાં બેસવાં શિવાય કોઈ આરો નહોતો. બાળક અને બાળકી મંગલાને સાચવવાનો અને એમની સાથે રહેવાનો સમય હતો જે આજ સુધી એ આપી શકી નહોતી. માતૃત્વ વ્યક્ત કરી શકી નહોતી એ વ્યક્ત કરવાનો, વહાલ કરવાનો, મમતા અને પ્રેમ બાળકો જોડે વહેંચવાનો સમય હતો. એમને એમ નવ દિવસો વીતી ગયાં. આજે નવમાં દિવસે રાત્રે નવ વાગે ઘરની બહાર દિવો કરવો એવી એને ખબર પડી. સવારની રસોઈમાં તેલ નહી વાપરીને એણે રાત્રીના દીવા માટે તેલ બચાવી રાખ્યું.
દુર સુધી નજર કરતાં શહેરમાં ટમટમતા દિવા જોયાં અને નાની બાળકી તુલસી નાચી ઉઠી. એને પણ દિવા કરવા હતાં. માંની સાથે. માણસાઈ માટે. જગતના સુખ માટે, જગત કલ્યાણ માટે, સંસ્કૃતિ માટે, આનંદ તરફ જવા માટે. અંધારું દુર કરી માનસ રોશની માટે, સજ્જનતા માટે, શ્રદ્ધાને ઉજાગર કરવા માટે, આવેલ પ્રકોપ ટળી જાય એ માટે, અંધારું દુર થાય અને બધે જ ઉજાસ પથરાય એ માટે.
સુમસામ જગ્યામાં ઝુંપડીની બહાર ટમટમતા દિવાને જોઈ એક આલીશાન કાર આગળ ન જતાં રીવર્સમાં પાછી આવી અને ઝુંપડીની દિશામાં ઉભી રહી. તેમાંથી પ્રથમ એક વ્યકિત ઉતરી, થોડીવાર પછી બીજી ત્રણ વ્યક્તિઓ ઉતરી. એ બધાં એ ઝુંપડી તરફ આવી રહ્યાં હતાં. ઝુંપડીની સામે એ બધાં ચાર જણા ઉભાં હતાં. રુક્મિ બહાર આવી એનું મન નાચી ઉઠ્યું. સ્વાતિબેન અને એનું પરિવાર દિશાંગને, પોતાનાં કુળદિપકને ઘરે લઇ જતાં હતાં. દિશાંગ સંક્રમિત નહોતો. સ્વાતિબેનના પતિ રુક્મિ ને ઓળખી ગયાં. થોડાંક દિવસો પહેલાં રુક્મિ એ એમનાં ઘરમાં પ્રગટાવેલ દિવો અને એનાં શબ્દો એમનાં કાનમાં ગુંજી રહ્યાં હતાં. રસ્તા પરથી પસાર થતાં એજ શબ્દો એમનાં કાને ફરી ગુંજ્યા અને ડ્રાયવરને ગાડી રીવર્સમાં લેવાં કહયું.
પ્રજ્વલિત દીવડાએ રુક્મિના ઝુપડીના હાલ વર્ણવી દીધાં. ખીસામાં જેટલી નોટો હતી તે રુક્મીના હાથમાં આપતાં અને નમસ્કાર કરતાં બનતી મદદ કરવાની ખાતરી આપી.
બધાએ વિદાય લેતાં જાણે આભાર માન્યો... રુક્મિનો. એક સુઝનો, સમજનો, શ્રદ્ધાનો.
‘*****
રુક્મિના સેંથીમાં સિંદુર ઉગમતા સુર્યની જેમ ચમકી રહ્યું હતું. આજે થોડાં દિવસો બાદ ભગો સાજો થઈ પાછો આવ્યો હતો.
‘*****’