પાનખરનું ગુલાબ ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાનખરનું ગુલાબ

પાનખરનું ગુલાબ

આજે ફર્સ્ટ ઈયર કોમર્સના એડમિશન ફોર્મ સબમીટ કરવાનાં હતા. ઘણી લાંબી લાઈન હતી. સૌમ્યએ વિન્ડોમાંથી ફોર્મ આપ્યું અને કોલેજના ફોર્મ સ્વીકારનાર ક્લાર્ક જોડે ફોર્મ અંગે કંઈક વાત કરી રહ્યો હતો એટલામાં પાછળથી કોઈ બોલ્યું -

“એક્સકુઝ મી !” સૌમ્યએ પોતાની વાત ચાલુ રાખી.

પાછો એજ અવાજ આવ્યો – “એક્સકુઝ મી !”

સૌમ્ય એ જવાબ આપ્યો, “સોરી મેમ, હું લાઈનમાં જ છું અને મારુ એડમિશન ફોર્મ વેરિફિકેશનનું કામ ચાલુ છે”.

તરત જ લાઈનમાંથી બુમાબુમ શરુ થઇ, “ઓ….. મેડમ, લાઈનમાં આવો, આમ વચ્ચે ના ઘૂસો. અમે પણ ક્યારથી ફોર્મ આપવા માટે ઉભા છીએ”.

"સ્ટોપ … સ્ટોપ...! હું લાઈનમાં જ હતી, મારા ફોર્મનું વેરિફિકેશન થઇ ગયેલ છે, ફક્ત થોડી વિગત ફોન ઉપર લઈને એડ કરવાની હતી એટલે બહાર નીકળી હતી. મારે તો ફક્ત ફોર્મ જ આપવાનું છે" - એ બોલી. એના કડક અવાજ અને જવાબથી બધાં શાંત થઇ ગયા.

સૌમ્યના ફોર્મનું વેરિફિકેશન થયું અને બારીમાંથી એ જેવો હાથ બહાર કાઢતો હતો તે જ ઘડીએ પેલીએ બારીમાં ફોર્મ સાથે હાથ નાખ્યો અને તેણીએ પહેરેલ નકશીદાર કડાની ધારનો લાંબો ઉઝરડો સૌમ્યના હાથ ઉપર પડ્યો અને ચામડી ઉપર લોહી ધસી આવ્યું. હાથ બહાર કાઢી પેલીને બતાવવાની કોશિશ કરી પણ પેલીનું ધ્યાન ક્લાર્ક તરફ હતું. સૌમ્ય જોરથી બોલ્યો, - "સારું થયું શીંગડા નહોતા ! "

આ શબ્દો માત્ર પેલીના કાને પડ્યા.

એક નાના ઝાડ નીચે સૌમ્યના મિત્રો ઉભા હતા. સૌમ્ય પણ ત્યાં આવીને ઉભો રહ્યો અને હાથ ઉપરના ઉઝરડાની વાત કરી. એ વાત કરી રહ્યો હતો અને મિત્રો એની મઝા લઇ રહ્યા હતા.

“નસીબદાર છે યાર - ફક્ત હાથ ઘાયલ થયો... હવે દિલ નો વારો છે "

એટલી વારમાં પેલી સૌમ્યને શોધતી હોય તેમ ત્યાં આવીને ઉભી રહી ગયી અને ગુસ્સામાં બોલી – “ઓ મિસ્ટર, બારી આગળ શું બોલ્યા ? હું શીંગડાંવાળી છું ? હેં..? હેં ...? તમને શીંગડા દેખાય છે ?... હા…..”

એ કંઈક વધુ બોલે તે પહેલા બાજુમાં ઉભા રહેલ શરદે સૌમ્યનો હાથ ઉંચો કરીને બતાવતાં કહ્યું – “ ઓ મેડમ.. આ દેખાય છે ? આ ઉઝરડો દેખાય છે ?” હવે સૌમ્યના નરમ ગોરા હાથ ઉપર લોહી જામી ગયું હતું. સૌમ્ય બોલ્યો – “ આ તમારા કડાની મહેરબાની, સારું થયું ઓછામાં પત્યું, જો શીંગડા હોત તો તમે મારુ એડમિશન ડાયરેક્ટ સ્વર્ગમાં જ કરાવ્યું હોત ... નહિ ... ?”

હવે પેલી થોડી શાંત થઇ અને સૌમ્યનો હાથ જોઈ એને એહસાસ થયો કે ઉતાવળમાં ખોટું થયું છે.

એણે તરત જ સૌમ્યનો હાથ પકડીને કહ્યું - "સોરી યાર... આઈ એમ રીઅલી વેરી સોરી.. મને માફ કરો, પ્લીઝ ! ઉતાવળમાં અજાણતાં થઇ ગયું. બધાં બૂમો પડતા હતા એટલે મેં ઉતાવળ કરી અને કહ્યું – ચાલો… આપણે દવાખાને જઈએ."

એટલે બીજો એક મિત્ર બોલ્યો -- હા યાર…. દવાખાને જવું જ જોઈએ, જો સેપ્ટિક થાય તો ?

હવે ત્રીજો ધીમેથી બોલ્યો - "ઐસા જખમ દિયા હૈ જો દવાશે નહિ ભરેગા"

હવે પેલી થોડી ખિસિયાની થઇ અને ગાલ ઉપર એક શરમનો શેરડો પડ્યો. જબરદસ્તીથી સૌમ્યનો હાથ પકડ્યો અને ત્યાંથી ખેંચી ગયી.

બંને આગળ ગયા એટલે શરદ જાણે ભવિષ્યવાણી ઉચ્ચારતો હોય તેમ બોલ્યો - " લાગે છે હાથ ઉપર પડેલ ઉઝરડાની રેખા, સૌમ્યના તકદીરની રેખા બદલશે”. “એક સાથે બે જગ્યાએ એડમિશન થઇ ગયું”.

સૌમ્યનો હાથ હજુ પણ તેણીએ પકડી રાખેલ હતો. ચાલ… અહીં નજીક જ દવાખાનું મેં જોયું છે. આપણે ત્યાં જઈએ. પરંતુ સૌમ્ય એને ના કહી રહ્યો હતો. કઈ નહિ થાય. ઉઝરડો જ પડ્યો છે ને ? આપોઆપ રૂઝાઈ જશે. ઘરે જઈને સોફ્રામાઇસિન ચોપડી દઈશ. તું ચિંતા ના કર.. ટેઈક ઈટ ઇઝી ! છતાં પેલી માની નહિ, એને હજુ પણ પોતાના વર્તન માટે અફસોસ થઇ રહ્યો હતો. ઘણી રિકવેસ્ટ બાદ સૌમ્ય માન્યો નહિ એટલે પેલીએ સૌમ્યને કોફી ઓફર કરી અને બંને સામેના કોફી હાઉસમાં દાખલ થયા.

સૌમ્ય અને પેલીને જતા જોઈ બાકીના મિત્રો પણ ધીમે ધીમે એમનો પીછો કરી રહ્યાં હતા. સૌમ્ય કંઈપણ કહ્યા વગર પેલી બલા જોડે ખેંચાઈ ગયો એટલે એક મિત્ર ગીત ગાઈ રહ્યો હતો – “ દોસ્ત દોસ્ત ના રહા... પ્યાર પ્યાર ના રહા.. સૌમ્ય હમકો તેરા એતબાર ના રહા…”

બંને ખુરશીમાં બેઠાં અને પેલીએ વેઈટરને બે કોફી લાવવા કહ્યું, એટલે પાછળથી અવાજ આવ્યો, બે નહિ... છ... સૌમ્ય અને પેલી ખિસિયાના પડ્યા એટલે બધા એમની બાજુમાં આવી ગોઠવાઈ ગયા. એમાંથી રાકેશ બોલ્યો, ભાઈ આ તો દવાખાના જેવું લાગતું નથી, શું કોફી હાઉસમાં પણ દર્દીઓને સારવાર આપવાનું ચાલુ કર્યું છે કે શું ? એટલે બધા એકદમ હસી પડ્યા. સુકેતુ બોલ્યો, ચાલો ભાઈ જે હોય તે, પણ દર્દી સાથે આવેલ લોકોને પણ કોફી પીવા મળે છે એનો આપણને આનંદ છે. હવે કુમાર બોલ્યો.. કોઈ દર્દી છે કે શિકાર થઇ ગયો છે ? તપાસ તો કરો .... હા… હા... પાછી હાસ્યની છોળો ઉડી. હવે શરદનો વારો હતો... શાંતિ ... શાંતિ.. કોફી આવે ત્યાં સુધી આપણા ટોળીમાં શીંગડા માર્યા વગર દાખલ થયેલ મેડમનું નામ તો જાણીએ ? બધા શાંત થયાં. બધાની નજર પેલી તરફ હતી, સૌમ્યની પણ. મારુ નામ શર્વરી. શર્વરી દિવાકર મહેતા. બધાએ તાળીઓ પાડી. શરદે બધાનો પરિચય કરાવ્યો. પ્રથમ તો તમારો પહેલો ઘાયલ થયેલ શિકાર એટલે સૌમ્ય. સૌમ્ય શાંતિલાલ દવે. એક પછી એક, શરદ, સુકેતુ, કુમારે પોતાનો પરિચય આપ્યો. રાકેશે પોતાનો પરિચય પોતાની હરદમ ગીત ગાવાની સ્ટાઇલમાં આપ્યો - “રાકેશ મેરા નામ... રાકેશ મેરા નામ... હિન્દૂ મુસ્લિમ શીખ ઈસાઈ સબકો મેરા સલામ…” વાહ..વાહ.. કહી બધાએ તાળીઓથી એનું અભિવાદન કર્યું.

શર્વરી સુંદર અને પાણીદાર આંખોવાળી એક ઉચ્ચ મધ્યમ કુટુંબની દીકરી હતી. તેના પિતા દિવાકરભાઈ એક્સસાઈઝ ડિપાર્ટમેન્ટમાં હતા અને માતા કાંતાબેન એક બેંકમાં સર્વિસ કરતાં હતા. શર્વરી બંનેનું એક જ સંતાન હતું. ખુબજ લાડથી ઉછરેલી. નાનપણથી જ વિવિધ રમતોમાં ભાગ લેતી. કરાટેમાં એ એક્સપર્ટ હતી એટલે સ્વભાવ સ્વરક્ષણવાળો, પાણીદાર. ગુસ્સો સદા નાક પર હાજર. બોલવા બેસે તો નો કંટ્રોલ. ભારે જિદ્દી. પોતાને ગમે તે જ કરવાની હંમેશ ચાહના. લાંબો વિચાર નહિ. જિંદગી માટે બહુ સિરિયસ નહિ પરંતુ કેરિયર ઊંચું બનાવવાની તીવ્ર ઈચ્છા. પોતાને ગમ્યું છે એટલે એ જ સારું અને સર્વોત્તમ એ સમજનાર. કોઈ એને કન્વિન્સ નહિ કરી શકે એવાં જક્કી વર્તનવાળી.

સૌમ્ય પણ એક મધ્યમ વર્ગના પિતા શાંતિલાલભાઈ અને માતા શારદાબેન એકનો એક દિકરો. સૌમ્ય હૅન્ડસમ હતો. રોજ જીમમાં જવું એને ગમતું. ફાઈવ પેક્સ ના લીધે એની પ્રતિભા અને હસમુખો ચહેરો કોઈને પણ ગમી જાય તેવો. કોઈક હીરો જેવો. ઓછું બોલવાનું એને ગમતું. ભણીને સારી નોકરી કરવી એ જ એક ધ્યેય. લાગણીશીલ સ્વભાવ એની મૂડી હતી. એ દરેક વ્યવહારને તોળતો. પોતા થકી કોઈને નુકસાન થાય એ એને ગમતું નહિ. સામે આવતા દરેક પ્રશ્નોને કે સમસ્યાઓને સમજવાની એની સૂઝ ભારે હતી. ગંભીર પ્રશ્નોનું નિરાકરણ બહુજ સારી રીતે કરી શકતો અને એ છતાંય પોતાનું હાસ્ય કાયમ ટકાવી રાખતો. એમ કહોને એવરગ્રીન અને કુલ (cool).

બધાં કોફી પીને બહાર નીકળ્યા. શર્વરીએ સૌમ્ય અને દોસ્તોની બનેલ ઘટના માટે માફી માંગી અને કોફીનું બિલ પોતે ભરશે એની જાહેરાત કરી અને હસતા હસતા કહ્યું - "ફક્ત આજના માટે". સૌમ્ય અને એના મિત્રોને શર્વરી સાથેનો આજનો વાર્તાલાપ ગમ્યો. શર્વરીને પણ સારા મિત્રો મળ્યા હોય એવો આનંદ થયો. શર્વરીના કોઈ મિત્રો હતા નહિ, કારણ તાજેતરમાં જ એના પિતાની એ શહેરમાં બદલી થઇ હતી.

બધાં કોલેજ ઉપર પાછા ગયા. કોલેજ ના કાર્યાલયમાં તાપસ કરતાં ખબર પડી કે ચાર દિવસ બાદ એડમિશનનું ફાઇનલ લિસ્ટ નોટીસબોર્ડ ઉપર મુકાશે. એટલે બધાં બાય બાય કહી છુટા પડ્યા.

ચાર દિવસ પછી બધા કોલેજમાં એડમિશનનું લિસ્ટ જોવા ભેગા થયા. બધાના એડમિશન એક જ ક્લાસમાં હતા. થોડી વાર પછી શર્વરી પણ એ ઝાડ નીચે દોડતી આવી એનું નામ પણ સૌમ્યના ક્લાસમાં છે એ જાણી આનંદ થયો.

કોલેજના ત્રણ વર્ષ અભ્યાસ, મસ્તી અને વિવિધ પ્રવૃત્તિમાં સહજ પુરા થયા. દર વર્ષે હવેથી કોલેજમાં સ્ટુડન્ટ ડે ની ઉજવણી વિવિધ રીતે થતી. કોઈક વાર બધા અનાથાશ્રમમાં જઈ વડીલો સાથે વાતચીત કરતા. એમને ભાવતી વાનગીઓ આશ્રમમાં જ બનાવી ખવડાવતા. એમની જિંદગીમાં પડતી અગવડતા અંગે માહિતી મેળવતા. સૌમ્ય દરેક વખતે એમની વાતો બહુજ શાંતિથી સાંભળતો. દરેક વૃદ્ધ વ્યક્તિના પાછલી જિંદગીના કેટલાક અન ઉકેલ્યા પ્રશ્નો એને વ્યતીત કરતા. ઘણા વૃધ્ધો પાસે પૈસા હતા, પરંતુ સહારો નહોતો. એમના શારીરિક તકલીફના પ્રશ્નો હતા. કોઈ પોતાનું હોય એવું એમને સતત લાગતું. કોઈકોઈ વાર એકલતા એમને ખલતી હોય એનો એહસાસ થતો. બધાની સાથે પણ ઘણીવાર પોતે અલગ પડી જતા હોય એવું કળાય આવતું. આ એકલતાનો પ્રશ્ન જયારે જયારે દરેક સ્ત્રી અને પુરુષ વૃધ્ધો સામે માંડ્યો ત્યારે મહદઅંશે એ ફલિત થતું કે આપણા સમાજની બંદિશો, રિવાજો, સમાજમાં ચાલી આવતાં એક ચોક્કસ પ્રકારના વલણને લીધે એ પ્રશ્ન દબાઈ જાય છે. આપણે ઘણીવાર બહુ લાંબો વિચાર કરતા નથી કે નિરાકરણ લાવવાની કોશિશ પણ છોડી દઈએ છીએ સહજ એક સામાન્ય શંકાથી કે "લોકો શું કહેશે, સમાજ શું કહેશે” એ ડરથી. સહારા વગરના સ્ત્રી, પુરુષ વૃધ્ધોને જો ફરી સાથે મળી જિંદગી વિતાવવાની ઈચ્છા હોય તો શું એ ખોટું થશે ? કદાચ વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટશે. એ એક બીજાનો સહારો બની શકે છે. એવા વિચારોમાં સૌમ્ય ખોવાઈ જતો.

થર્ડ ઈયર બી. કોમ. ના રીસલ્ટ આવ્યા બધા મિત્રો સારા માર્ક સાથે પાસ થયા. કેટલાકની ઈચ્છા નોકરી કરવાની હતી તો કેટલાક આગળના ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ લેવાના હતા. શર્વરી એમ. બી. એ. કરવાની હતી. સૌમ્યની ઈચ્છા જોબ કરવાની હતી. શર્વરીએ સૌમ્ય સાથે લગ્ન કરવાની વાત કરી દીધી હતી, પરંતુ લગ્ન બે ત્રણ વર્ષ બાદ કરવાની શરતે. એ ગાળામાં સૌમ્ય કોઈ સારી નોકરીમાં સેટ થઇ જાય એવી એની ઈચ્છા હતી અને સૌમ્યના માં-બાપ પણ એમજ ઇચ્છતા હતા. શર્વરીએ બધી વાત પોતાના પપ્પા અને મમ્મીને કરી અને એક દિવસે સૌમ્યને ઘરે બોલાવી ઓળખાણ પણ કરાવી. સૌમ્યની પ્રતિભા હેન્ડસમ હીરો જેવી હતી એટલે જોતાજ કોઈને પણ ગમી જાય. શર્વરીના ઘરવાળાઓએ પણ એની પસંદગીને સંમતિ આપી.

શર્વરીએ એમ. બી. એ. નું એડમિશન મુંબઈમાં લીધું. બે ત્રણ મહિનામાં જ સૌમ્યને પણ મુંબઈમાં નોકરી મળી. શર્વરી હોસ્ટેલમાં રહેતી હતી. સૌમ્યને કંપની તરફથી એક ઘર મળ્યું હતું. ઓફિસથી ઘર ખાસ્સું નજીક હતું. હવે બંને પ્રેમીઓને વિરહ નહોતો. રોજ ફોન ઉપર વાત થતી અને દર વીકે એકવાર અચૂક મળવાનું થતું. પોતાના માં બાપને મળવા બંને સાથેજ બરોડા આવતા અને પાછા વળતાં. ઉપરવાળાની ઘણીજ મહેર હતી બંને પ્રેમ પંખીડાઓ ઉપર.

શર્વરીને એમ. બી. એ. ના છેલ્લા કેમ્પસ ઇન્ટરવ્યૂ માં મુંબઈ સ્થિત એક સારી કંપનીમાં જોબની ઓફર મળી. શર્વરી ખુબ જ ખુશ હતી. શિક્ષણ બાદ નોકરી પણ મુંબઈમાં જ કરવાની હતી અને સાથે સૌમ્ય પણ મુંબઈમાં જ હતો. એક પછી એક બધું સારું થઇ રહ્યું હતું અને શર્વરીના સપનાઓની ઉડાન હવે આકાશ આંબવા માંગતી હતી. શર્વરી પોતાના કેરિયરમાં ખુબ જ આગળ વધવા માંગતી હતી. ડગલે ને પગલે સફળતા મેળવવાની ઈચ્છા કરતી.

બે વરસમાં સૌમ્ય સારી રીતે સેટ થઇ ગયો હતો. આ વર્ષે ઓફિસમાં એને બઢતી પણ મળી. શર્વરીએ છેલ્લા સેમિસ્ટરની પરીક્ષા આપી. પરીક્ષા બાદ શર્વરીએ જોબ જોઈન કર્યો એની ઓફિસ હોસ્ટેલથી દૂર હતી. લોકલ ટ્રેનનો પ્રવાસ રોજ કરવો પડતો હતો. સવારે આઠ વાગે નીકળી જવું પડતું હતું અને સાંજે આવતા મોડું થતું હતું. સૌમ્ય અને શર્વરીએ હવે લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું.

ખુબજ ધામધૂમથી બંનેના લગ્ન થયા. હનીમૂન બાદ બંને પાછા ફર્યા. શર્વરીનું ઓફિસ સૌમ્યના ઘરથી એટલે કે એમના ઘરથી દૂર જ હતું. તે સવારે બંનેનું ટિફિન બનાવી વહેલી નીકળી જતી. સૌમ્યની ઓફિસ નજીક હોવાથી ઘરના બાકીના કામો એ આટોપી લેતો. છેલ્લા બે વરસનો અનુભવ એને કામ આવ્યો. હવે રજાઓમાં બરોડા જવાનું ઓછું થયું. બંને પ્રેમી પંખીડા રજાઓમાં ખુબ ફરતા, પિક્ચર જોતા અને પોતાના શોખ પુરા કરતા. જિંદગી ખુશહાલ ગુજર રહી થી.

શર્વરીનું એમ. બી. એ. નું પરિણામ આવ્યું તે તેના બેચમાં ડિસ્ટિંક્શનમાં પાસ થઇ ગોલ્ડ મેડલ સાથે. પોતાની કંપનીમાં એણે વાત જાહેર કરી અને કંપનીએ એક સરસ મઝાની પાર્ટીનું આયોજન કર્યું. પાર્ટીમાં સૌમ્યને પણ આમંત્રિત કરવામાં આવેલ હતું. પાર્ટીમાં કંપનીના સી.ઈ.ઓ. એ શર્વરીના પ્રમોશનની જાહેરાત કરી. જાણે સોને પે સુહાગા.

બંનેનું ગૃહસ્થ જીવન ખુબ આનંદમાં વીતી રહ્યું હતું. સૌમ્યને પણ હવે એક સારી પોઝિશન કંપનીમાં મળી હતી અને શર્વરી દર વર્ષે પ્રમોશન મેળવી કંપનીના ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચી ગયી હતી. હવે ઈકોનોમીમાં ચેન્જ આવી રહ્યો હતો તેની સાથે એની જવાબદારી ઓ પણ વધી ગયી હતી સાથે સાથે યુ એસ એ માં એક નવી બ્રાન્ચ ઓફિસ શરુ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી. ઘણીવાર શર્વરીને ઓફિસમાં રાત થઇ જતી ક્યારેક એ એકલી ઘરે આવતી તો ક્યારેક સૌમ્ય એણે પીક અપ કરવા જતો.

શર્વરીના કામકાજથી સૌમ્ય ઘણી વાર અપસેટ થઇ જતો, પરંતુ કે કહી નહોતો શકતો. શર્વરીની ઈચ્છાઓ અને સપનાઓ હવે કંઈક અલગ હતા. તેને ઉચ્ચ સ્થાને બિરાજવાની ઝંખના હતી. નવી ઓફિસના કામકાજ માટે શર્વરીને યુ એસ એ જવા આવવાનું શરુ થઇ ગયું હતું. નવું કામકાજ એણે ખુબ ગમતું. યુ એસ એ થી આવી સૌમ્યને એ ત્યાંની લાઈફ અને લોકો અંગે વાતો કરતી. એનામાં હવે એક ચેન્જ સૌમ્ય જોઈ શકતો હતો.

આજે એમના લગ્નની પાંચમી વર્ષગાંઠ હતી. શર્વરીએ ખાસ આલીશાન પાર્ટી આપી હતી. ઘણા ઉચ્ચ અધિકારીઓ અને બિઝનેસવાળા હાજર હતા. સૌમ્ય અને શર્વરીના આનંદનો પાર નહોતો. મોડી રાત્રે પાર્ટી પુરી થઇ. શર્વરીનું પરિવાર અને સમયનું પરિવાર પણ ખાસ હાજર હતું. ઝાખમઝોળવાળી પાર્ટી જોવાનો આનંદ એમના માટે કંઈક ઓર જ હતો.

સવારે જયારે શર્વરી ઓફિસ પહોંચી ત્યારે કંપનીના ટોપના અધિકારીઓ સાથે એની મિટિંગ થઇ અને પ્રમોશન સાથે યુ. એસ. એ. ના ઓફિસનો ચાર્જ લેવાનો લેટર આપવામાં આવ્યો એની સાથે બીજા એક અધિકારી અભિનવ સિન્હા આસિસ્ટન્ટ તરીકે સામેલ હતા. લેટર વાંચી શર્વરી ખુબ જ ખુશ થઇ. જિંદગીમાં માન, મર્તબો અને પોઝિશન જે પામવાની એની ઈચ્છા હતી તે પુરી થઇ. ઓફિસેથી જ એણે સૌમ્યને પ્રમોશનની વાત કરી અને સાથે સાથે પોતાના માં-બાપ અને સાસુ-સસરાને પણ ખુશ ખબર આપ્યા.

સૌમ્ય એના પ્રગતિથી ખુશ હતો. એ એની જીદ સમજતો. શર્વરીએ પ્લાન પણ બનાવી દીધો. પોતે ત્યાં જઈ થોડાક દિવસોમાં કે મહિનાઓમાં સૌમ્ય ને બોલાવી સેટ કરી દેશે એવી એની ગણતરી હતી. સૌમ્યની મંજૂરી અંગે એણે પૃચ્છા પણ ના કરી. સૌમ્ય મનમાં ને મનમાં અપસેટ હતો પણ એણે જાહેર થવા ના દીધું.

આજે શર્વરીને ફ્લાઈટમાં બેસાડીને સૌમ્ય પાછો ફર્યો ત્યારે પહેલી વાર એકલતાનો અનુભવ કર્યો. આંખોમાં પ્રેમના આંસુઓ રમત રમી રહ્યાં હતા. આંખની સુંવાળી પલકોં વારે ઘડીયે બંધ થઇ દિલાસો દઈ રહી હતી. પોતાનો મોટો આલીશાન ફ્લેટ એક મોટા જંગલ જેવો લાગતો હતો. પોતે રાહ ભૂલી ગયો હોય અને એકલો અટૂલો ભૂલો પડી ગયો હોય તેમ. આજે કોલેજના સમય દરમિયાન લીધેલ વૃદ્ધાશ્રમ અને વૃદ્ધાશ્રમના વડીલોની યાદ આવી. એમની એકલતાના સાંભળેલા કિસ્સાઓ અને એમની વ્યથા. જુના દૃશ્યો એના માનસપટ ઉપર અંકિત હતા…..! જોતા જોતા એ સુઈ ગયો. સવારે ઉઠવામાં મોડું થયું હતું તેથી તેણે એક નજીકના વૃદ્ધાશ્રમની મુલાકાત લેવાનું નક્કી કર્યું અને પહોંચી ગયો કંઈક ભેટ અને સોગાતો લઈને.

શર્વરી અને સૌમ્યની વાતો શરૂઆતમાં ફોન ઉપર રોજ થતી પરંતુ ધીરે ધીરે વાતો વચ્ચેનો અવકાશ વધતો ગયો. સૌમ્ય ફોન કરતો ત્યારે ઘણીવાર ફોંનની રિંગ વાગીને બંધ થઇ જતી. કોઈક વાર મોડો મોડો જવાબ આવતો તો કોઈવાર નહિ. કદાચ કામકાજનો ભાર વધુ હશે. જયારે શર્વરી ફોન કરતી ત્યારે સૌમ્ય તરત જ ફોન ઉપાડી લેતો પરંતુ વાતોમાં હવે પહેલા જેવો ઉમળકો, પ્રેમ, સાંત્વન, લાગણીઓની ઉણપ લાગતી. શર્વરી હવે સંપૂર્ણ પ્રોફેશનલ થઇ ગયી હતી. લાગણીઓ ખોવાઈ ગયી હતી. વ્યવહાર બિઝનેસ જેવો લાગતો હતો. કંપનીની મિટિંગો માટે કે ઉપડૅટ માટે એ મુંબઈની ઓફિસે આવતી અને તરત એક કે બે દિવસમાં પાછી ફરી જતી. કોઈવાર બરોડા જઈ માં-બાપ અને સાસુ સસરાને પણ મળતી. કામકાજ બાદ શર્વરી અને સૌમ્ય ભાગ્યે જ એક કે બે કલાક મળી શકતા. સૌમ્યએ પોતાની બધી જરૂરિયાતોને એક યોગીની જેમ ધરબી દીધી હતી. શર્વરી બધું સમજતી એટલે સૌમ્યને ખબર ના પડે તેમ એવોઈડ કરી દૂર જ રહેતી. જાણે અંધારામાં આગિયો ઉડતા ઉડતા દૂર નીકળી જાય તેમ. સૌમ્યની ઈચ્છા યુ. એસ. એ. સ્થિત થવાની નહોતી. એ શર્વરીને ગમ્યું નહોતું. થોડાક વર્ષો બાદ શર્વરી ભારતની ઓફિસમાં પાછી આવી જાય એમ સૌમ્યની ઈચ્છા હતી. પરંતુ શર્વરીની ઉડાન હવે ખુબ જ ઊંચી હતી એના માટે પાછું ફરવું શક્ય નહોતું.

આમને આમ દસ વરસ વીતી ગયા. એક વાર સૌમ્યને શર્વરી સાથે એમના હનીમૂનની એક ઘટનાની વાત યાદ આવી અને એણે શર્વરીને ફોન કર્યો. ત્યાં લગભગ મોડી રાત્રી હશે અને સામેથી અવાજ આવ્યો, હેલો અભિનવ સ્પીકિંગ .....

ફોન કટ કર્યા બાદ એ બંનેની કોઈ દિવસ વાત ના થઇ. સૌમ્ય હવે ખરેખર એકલો થઇ ગયો હતો.

ઓફિસના કામકાજ બાદ તે સાંજે સીધોજ વૃદ્ધાશ્રમ સેવા આપવા ચાલી જતો. કોઈવાર તે જરૂરિયાત મુજબ વૃદ્ધાશ્રમમાં રોકાઈ પણ જતો. ત્યાં વડીલોની સાથે રહી એ ઘણું શીખ્યો. માનસિકતાનો અભ્યાસ કર્યો. સેવાધર્મ જાણ્યો. ટ્રસ્ટીઓએ એની સેવાને મહોર મારી આપી. આવકના અમુક પૈસા એ ત્યાં જમા કરાવી દેતો.

બહુ જ ઈચ્છા થાય તો પોતાના ફ્લેટમાં જઈ એક બે કલાક બેસતો અને “તેરે લિયે હમ હૈ જીએ, હોંઠોકો સિયે.... હર આંસુ પીએ” - ગીત ઘણીવાર રિપીટ કરીને સાંભળતો અને પોતાના પ્રેમને અકબંધ રાખતો. સૌમ્યનો પ્રેમ અને દિલની વ્યથા સમજવી મુશ્કેલ હતી. શર્વરી માટે એનો પ્રેમ અગાધ હતો. ખરેખર ! વધે નહિ ઘટે નહિ એ જ પ્રેમ, આસક્તિ વગરનો પ્રેમ. એક પતંગિયા જેવો પ્રેમ પોતાને ફના કરી દે તેવો પ્રેમ.

વરસો બાદ…..

આજે જયારે ફ્લેટમાં આવ્યો ત્યારે કંઈક સુગંધ અનુભવી, કંઈક માટીની સુગંધ જેવી. બાલ્કનીમાં જઈને જોયું તો બાલ્કનીના કુંડામાં નવા છોડવાઓ દેખાયાં. કૂંડાઓની માટી ભીની દેખાઈ. કોઈએ નવા છોડ રોપ્યા હોય તેમ. સૌમ્યને આશ્ચર્ય થયું. હવે તે રોજ મોડી સાંજે આવતો. છોડના માટીની સુગંધ ગમતી.

લગભગ મહિના પછી રવિવારનો દિવસ હતો, એને કોઈક ડોકયુમેન્ટની જરૂર પડી એટલે સવારમાં એ ફ્લેટ પર આવ્યો. જોયું તો ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો. એ દબાતે પગલે અંદર દાખલ થયો. બાલ્કનીમાં સાડીમાં સજ્જ ગૃહિણી જેવી એક સ્ત્રી છોડવાઓ ઉપર પાણી છાંટી રહી હતી. કોઈક અંદર પ્રવેશ્યું હોય એવું લાગતાં એણે પાછળ ફરીને જોયું.

એ શર્વરી હતી ! અશ્રુથી ઘેરાયેલી આંખો કહી રહી હતી, “વસંતની મોસમને તો માણી ના શકી, પણ પાનખરને તારી સાથે માણવાનો એક મોકો આપ !”

સૌમ્યનું દિલ કહી રહ્યું હતું, તું મારાથી દૂર ગઈ હતી હું નહિ. ખરા સમયે પાછી ફરી સારું કર્યું. પાનખરમાં જ એક બીજાના સહારાની જરૂર હોય છે !

બાલ્કનીના કુંડામાં ગુલાબના બે સુંદર ફૂલો પવનમાં ઝૂમી રહ્યાં હતાં !

(સમાપ્ત)