General Rozno Zansine gherav books and stories free download online pdf in Gujarati

જનરલ રોઝનો ઝાંસીને ઘેરાવ

જનરલ રોઝનો ઝાંસીને ઘેરાવ

(વીરાંગના ઝલકારી બાઈ)

ARUN AMBER GONDHALI

૩૧ ડિસેમ્બર, ૧૬૦૦ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સ્થાપના દિવસ. ભારતમાં ધંધો કરવાનો ઈજારો અપાયો અને સન ૧૬૦૮માં એમનું પહેલું વહાણ સુરતના બંદરે લાંગર્યું. ભેદ પાડી, કાન ભંભેરણીની નીતિથી અંગ્રેજો ભારત ઉપર પકડ જમાવતાં ગયાં. અલગ અલગ રાજાઓ અને એમની લાલચું સ્વભાવનો અંગ્રેજોએ લાભ લીધો. રાજાઓમાં સંપ નહોતો. સહન કરનાર ફક્ત પ્રજા હતી અને અંગ્રેજોની સેનામાં સામેલ થયેલ ભારતીય સિપાહીઓ.

આખરે એક વૈચારિક ધડાકો થયો અને સ્વધર્મ માટે આઝાદીની લડાઈએ રણશીંગુ ફૂક્યું સન ૧૮૫૭ની સાલમાં. એક યુદ્ધની શરૂઆત થઇ બળવાથી. તેનાં ઘણાં કારણો હતાં – લોર્ડ દલ્હૌઝીની હડપનીતિ. સાતારા, ઝાંસી, સંભલપુર, ઉદયપુર અને નાગપુરનો વિલય. અવધ સાથેનો વિશ્વાસઘાત. ભારતીયો સાથે અમાનુષી વ્યવહાર. ઇસાઇ ધર્માંતરણ. ઇસાઇ ધર્માંતરણ કરનારને સૈન્યમાં ઉચ્ચ પદો આપવાની લાલચ. આર્થિક કારણોમાં ભારતીય ઉદ્યોગોનો નાશ. અતિવૃષ્ટિ અને દુકાળમાં કોઈ પ્રાંતને સહાયતા નહી. ભારતીય સૈનિકોની સતત અહેવાલના અને સૈન્યમાં સામિલ કરેલ નવી એન્ફીલ્ડ બંદુકની ગાય અને સુવરની ચરબીયુક્ત કારતુસ. અંગ્રેજોના સૈન્યમાં રહેલ ભારતીય સૈનિકોએ ૧૦ મે ૧૮૫૭ના દિવસે પલીતો ચાંપ્યો મેરઠમાં. દિલ્હીથી ૬૦ કિલોમીટરના અંતરેથી. પ્રથમ શહાદત મંગલ પાંડેએ વહોરી. લાખ લાખ સલામ એ વીરને !

આઝાદીની આગ હવે દરેકનાં દિલમાં પ્રજ્વલિત થઇ રહી હતી. એક પ્રદેશથી બીજા પ્રદેશમાં આગળ વધી રહી હતી. ક્યાંક કવિતાઓથી, તો ક્યાંક શેરી નાટકોથી, તો ક્યાંક કઠપુતળીના માધ્યમથી.

ઉત્તર ભારતનો એક પ્રદેશ એટલે આજનો ઉત્તર પ્રદેશ. પવિત્ર વારાણસીમાં ૧૯ નવેમ્બેર ૧૮૨૮ માં એક બ્રાહ્મણ કુટુંબમાં મણીકર્ણિકાનો જન્મ થયો. મનુ ના હુલામણાં નામે ઘરમાં એ સૌની પ્રિય હતી. પિતા મોરોપંત તાંબે અને માતા ભાગીરથી બાઈ. નાના સાહેબના એ પિતારાઈ હતાં અને મહારાષ્ટ્રથી આવ્યાં હતાં. મણીકર્ણિકા ચાર વરસની હતી ત્યારે એમની માતાજીએ દુનિયાથી વિદાય લીધી. પિતાજી બીથુરના પેશવાની કચેરીમાં કામ કરતાં એટલે મણીકર્ણિકાની બધી જવાબદારી પેશવાએ લીધી હતી. તાત્યા તોપેની સાથે એમણે યુદ્ધ કળાની સંપૂર્ણ તાલીમ હાંસિલ કરી હતી. ઝાંસીના રાજા ગંગાધર રાવ નેવાલકર સાથે ૧૮૪૨માં એમનાં લગ્ન થયાં અને તેઓ લક્ષ્મીબાઈ નું બિરુદ પામ્યા. એક પુત્રને જન્મ આપ્યો પરંતું એ ચાર મહિનામાં મૃત્યુ પામતાં એમણે પિતરાઈ ભાઈના પુત્રને દત્તક લીધો અને એનું નામકરણ કર્યું દામોદર રાવ તરીકે. ૧૮૫૩માં મહારાજનું નિધન થયું. અંગ્રેજ સરકારના દલ્હૌઝીએ દતક પુત્રને રાજગાદી નહી મળી શકે એવી સુચના આપી હુકમ કર્યો. અંગ્રેજોની ચાલ તેઓ સમજી ગયાં અને તે જ ઘડીએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ હુંકાર કર્યો - “મેરી ઝાંસી નહી દુંગી !”

રાણી લક્ષ્મીબાઈની મહિલાઓની સેનામાં એક વિશેષ સ્થાન ધરાવતી સ્ત્રી હતી ઝલકારી બાઈ. એમનો જન્મ ૧૮૩૦ માં એક કોળી જાતિમાં થયો હતો. સદોબા સિંઘ એમનાં પિતા હતાં અને માનું નામ જમુનાદેવી હતું. નાનપણથી ઝલકારી બાઈ એક ચતુર, ચપળ અને શક્તિશાળી હતી. બાળપણમાં જંગલમાં એ લાકડાં ભેગાં કરવા ગઈ હતી. લાકડા ભેગાં કરી લાકડાની ભારી માથે મૂકી એ પરત ફરી રહી હતી ત્યારે એક વાધે ઝલકારી બાઈ ઉપર હુમલો કર્યો. પરંતું સદનસીબે માથે લાકડાની ભારી હોવાથી વાઘની પહેલી તરાપથી બચી ગઈ અને જમીન ઉપર પડી. વાધ પણ એનું નિશાન ચુક્યો હતો. તરત જ બાલિકા ઝલકારીએ ક્ષણનો પણ વિલંબ ન કરતાં, લાકડાની ભારીમાં મુકેલ કુહાડી હાથમાં લીધી અને વાઘ એની ઉપર તરાપ મારે તે પહેલાં એનાં જડબાં પર જોરદર ઘા કર્યો, વાધ વધુ ખુંખાર બને તે પહેલાં કુહાડીથી એનાં શરીર પર ઉપરા છાપરી ઘા કરવાનું ચાલું રાખ્યું. થોડીકવારમાં બાલિકા ઝલકારીએ એક માત્ર કુહાડીથી ખુંખાર વાઘનો સફાયો કર્યો. ગામ ભોજલામાં વાત પ્રસરી અને બધાએ બહુ શાબાશી આપી એનાં સાહસ અને બહાદુરી માટે. એકવાર કેટલાંક ડાકુઓ ગામનાં એક પૈસાદાર વ્યક્તિને ત્યાં દરોડો પાડવા આવ્યાં હતાં. આ વાત જયારે ખબર પડી ત્યારે ઝલકારી બાઈ ત્યાં પહોચી ગઈ અને ડાકુઓને ત્યાંથી ખાલી હાથે પરત ફરવાં મજબુર કર્યા હતાં. લોકવાયકા પ્રમાણે એમની બહાદુરીની ઘણી વાતો છે જે ઇતિહાસના પાનાઓમાં અંકિત થઇ શકી નથી.

ભારતની ભૂમિ એ વીરોની ભૂમિ કહેવાય છે. આજની આઝાદીના પાયામાં ઘણાં વીર પુરુષો, ઈમાનદાર સૈનિકો, દેશ પ્રેમીઓ અને અનેક નિષ્ઠાવાન નાગરિકોનું લોહી લડાઈમાં વહ્યું છે. વરસો સુધી આઝાદીની મશાલને સળગતી રાખનાર ઘણાં વીરો અને વીરાંગનાઓ હતી પરંતું એની માહિતી કદાચ કોઈના કલમે લખાઈ નહી હોય. ઘણી બધી વાતો અને એમનાં પરાક્રમો જે તે પ્રદેશમાં કે એમના સ્થાનિક ભાષાઓમાં આજે પણ જીવંત છે. એમનાં ગીતો છે, એમનાં સ્થાનિક ભાષાના નાટકો છે અને કવિતાઓ પણ છે.

માતાના મરણબાદ પિતાએ ઝલકારી બાઈને દિકરાની જેમ ઉછેરી હતી. માતા વિહોણી બાલિકા ઝલકારીનું ખૂબ સંભાળ કરી એનાં સ્વભાવને અનુરૂપ તાલીમ આપી. પ્રતિકુળ સામાજિક પરિસ્થીતીના લીધે શાળાનું શિક્ષણ એમનાં નસીબમાં નહોતું પરંતું ઘોડેસવારી અને શસ્ત્રો ચલાવવાની વિદ્યા એમણે હસ્તગત કરી. એમની ઘોડેસવારી ખૂબ કૌશલ્યવાળી હતી અને શસ્ત્રો ચલાવવામાં એ નિપુણ હતાં. વિધીએ પણ એમની બહાદુરીને બિરદાવવા માટે અનુકુળ સંયોગો ગોઠવી આપ્યા હતાં. કદાચ એમની પાસેથી કંઇક અસામાન્ય કાર્ય માટે આ ભારતભૂમિ ઉપર જન્મ આપ્યો હશે. પ્રારબ્ધ પણ એમની સાથે હતું, મા ભોમ માટે ફરજ બજાવવા માટે રાણી લક્ષ્મીબાઈના તોપખાનામાં સૈનિક તરીકે ફરજ બજાવતા પુરણ સિંઘ સાથે એમનાં લગ્ન થયાં. બે વિશેષ શુર વ્યક્તિમત્વ બંધનમાં બંધાયા.

એક પ્રસંગમાં પુરણ સિંઘે રાણી લક્ષ્મીબાઈ સાથે ઝલકારી બાઈની મુલાકાત કરાવી અને એમનાં બહાદુરીની વાતો કરી. રાણી લક્ષ્મીબાઈ એમની બહાદુરીની વાતોથી ખુશ થયાં અને ઝલકારી બાઈની અનોખી પ્રતિભા રાણીને ખૂબ ગમી. રાણી લક્ષ્મીબાઈએ તેઓને પોતાનાં મહિલા સૈન્યમાં જોડાવા કહ્યું.

દિન પ્રતિદિન ઝલકારી બાઈએ પોતાનું કૌવત મહિલા સૈન્યમાં બતાવવાં માંડ્યું અને વાત રાણી લક્ષ્મીબાઈના કાને ગઈ. હવે લક્ષ્મીબાઈની નજર ઝલકારી બાઈ ઉપર હતી કારણ એમને પોતાની દુર્ગા સેના માટે ચાલાક, હોશિયાર, બહાદુર, ચોક્કસ નિર્ણય લેનાર, ઘાતક પરિસ્થિતિમાં ટકનાર, સામ, ભેદ, દંડની નીતિ સમજનાર, નિષ્ઠાવાન, કુટનીતિક અને ચબરાક મહિલાઓની જરૂર હતી. તે દિવસોમાં ઝાંસીની રાણીના મહિલા સૈન્યનો એક પ્રથમ પ્રયાસ હતો. દુર્ગા સેનાના મહિલા સૈનિકોને તેઓ પોતે ઘોડેસવારી શિકવતા, શસ્ત્રો ચલાવવાનું શીખવતાં અને કુશળ મહિલા સૈનિકો બનાવતાં. ઝલકારી બાઈનું કૌવત થોડાંક દિવસોમાં તેઓ પારખી ગયાં અને એમણે ઝલકારી બાઈને મહિલા સૈન્ય અને પોતાની મુખ્ય સલાહકારનું સ્થાન આપ્યું. તે વખતે એમની પાસે ભારતની જમીનનો ૧૬૦૦ ચોરસ માઈલનો મોટામાં મોટો વિસ્તાર હતો જેમાં ઝાંસીનો કિલ્લો હતો. રાણીનો હુંકાર અને પાકો નિર્ણય એક જ હતો – “મેરી ઝાંસી નહી દુંગી.”

મંગલ પાંડેની ફાંસીની વાત વિજળી વેગે પ્રસરી અને ભારતની પ્રજામાં આઝાદીની આગ લાગી. હવે હર કોઈ આઝાદી ઝંખી રહ્યું હતું. આઝાદીની માંગ અને આગ દરેક પ્રદેશોમાં પહોચી રહી હતી તે સમયે અંગ્રેજ સૈન્યના વડાઓ પણ ખૂબ પરેશાન હતાં. તેઓએ હવે ભારતીયોને ખૂબ પરેશાન કરવાનું શરુ કર્યું હતું.

સપ્ટેમ્બર ૧૮૫૭ માં ભારતીયોએ લોર્ડ કક્લીડ ઉપર પ્રેશર વધાર્યું હતું. અંગ્રેજ સરકાર પણ ઈચ્છતી હતી કે વહેલી તકે ઝાંસીનો મોટો વિસ્તાર કબજે કરવો એટલે એમણે ઝાંસીની રાણીને હેરાન કરી ઝાંસી પડાવી લેવો. એ દિશામાં પગલું ભરવા જનરલ રોઝને જવાબદારી સોપવામાં આવી અને મધ્ય ભારતના વિસ્તારથી કલ્પી તરફ અંગ્રેજ સૈન્ય સાથે કુચ કરવા કહ્યું. જનરલ રોઝ માટે પ્રદેશ નવો હતો અને પૂરતા સાધનો નહોતાં છતાં એણે ઝાંસી તરફ રાત દિવસની પરવા કર્યા શિવાય નિરંતર કુચ ચાલું રાખી.

ઝાંસીમાં ૧૧૦૦૦ સૈનીકો કિલ્લાની રખેવાળી કરી રહ્યાં હતાં. જનરલ રોઝે કિલ્લાને ઘેરી લેવાનો પ્લાન કર્યો. તેણે કિલ્લા ઉપર ભારી તોપમારો ચાલું કર્યો પરંતું રાત્રે ખબર મળી કે લગભગ ૨૦૦૦૦ સૈનિકો સાથે તાત્યા ટોપે પાછળ આવી રહ્યાં છે, ઝાંસીને મદદ કરવા. કદાચ તાત્યા ટોપે જનરલ રોઝના સૈન્યને ઘેરાવ કરવાના હતાં. અંગ્રેજ સૈન્યના ખતરાના ઝંડાઓ જનરલ રોઝને હેરાન પરેશાન કરી રહ્યાં હતાં. જનરલ રોઝને નિર્ણય લેવામાં વાર નહી લાગી, લુચ્ચા જનરલ રોઝે એક ચાલ રમી. પડાવની આજુબાજુમાં ઘાસના ઘણાં જંગલો હતાં. દુશ્મનો ઉપર પ્રહાર કરવા માટે ઘાસની આડશ ખૂબ ફાયદાકારક હતી. કિલ્લા તરફ તોપમારો ચાલું રાખી, તોપના દાગીઓને બીજી તરફના ઘાસનાં જંગલો ઉપર પણ તોપમારો શરુ કરવાનું કહ્યું. બીજી બાજુ ઘાસના આડશમાં તાત્યા ટોપે, જનરલ રોઝની ચાલમાં ફસાઈ ગયાં. આગ અને ધુમાડાથી સૈન્યમાં ભાગદોડ મચી ગયી અને એમાં તાત્યા ટોપેના ઘણાં સૈનિકો માર્યા ગયાં. છેવટે તાત્યા ટોપેને ત્યાંથી ભાગવું પડ્યું, તેથી પેશવા નાના સાહેબનું સૈન્ય ત્યાં પહોંચી નહી શક્યું. રાણી લક્ષ્મીબાઈને યુદ્ધ માટે સૈનિકોની સહાય ના મળી.

રાણી લક્ષ્મીબાઈની ઈચ્છા હતી કે કિલ્લાના દ્વાર ખોલી સામી છાતીએ અંગ્રેજો સામે લડી લેવું, પરંતું સલાહકારોએ અને ઝલકારી બાઈએ એવું કરવા ના કહી. એમણે કહ્યું – “રાણી સાહેબા, તમારી જીન્દગી ખૂબ કિંમતી છે અને આઝાદીના યુદ્ધનો ભાર તમારાં ઉપર છે, એટલે આવું પગલું લેવું ન જોઈએ. આવનાર સમયને દુર્ગા સેના પહેલી હરોળમાં ઉભી રહી સામનો કરવા તૈયાર છે અને અંગ્રેજો સામે લડવા થનગની રહી છે.”

જનરલ રોઝ માટે એક મોટો પડકાર કિલ્લામાં ઘુસવાનો હતો. કિલ્લાને આઠ ફૂટ જાડી અને ખૂબ ઊંચી દિવાલો હતી. જડબે સલાખ બંદોબસ્ત અને ઉપરથી સૈનિકોનો પ્રહાર ચાલું હતો. કિલ્લામાં ઘૂસવું મુશ્કેલ હતું એટલે બામ્બુની સીડીઓ બનાવી, પરંતું સીડી દ્વારા સૈનિકોને ઉપર પહોંચવું મુશ્કેલ હતું. વધુ સૈનિકો સીડી ઉપર ચઢવાની કોશિશ કરે તો સીડીઓ તૂટી જતી હતી. ઉપરાંત રાણીની સેનાનો કિલ્લા પરથી સતત પ્રહાર ચાલું જ હતો.

રાણી લક્ષ્મીબાઈ પાસે સૈનિકો ઓછાં હતાં. મહિલાઓની દુર્ગા સેનાની લીડર ઝલકારી બાઈ યુદ્ધમાં ટકી રહેવાની યોજનાઓ બનાવી રહી હતી. ઝાંસી આપવી નથી એ બધાએ નક્કી કરેલ હતું. મહિલાઓની ખુમારીને ઝલકારી બાઈ પાનો ચડાવી રહી હતી – ઝાંસી કી જય હો !

જયારે જનરલ રોઝ માટે કિલ્લા ઉપર ચઢવાનું ભારે પડ્યું ત્યારે એણે એક હલકી ચાલ રમી. જો કિલ્લાનો એક દરવાજો ખુલી જાય અને દરવાજામાંથી સૈનિકો અંદર પહોંચી જાય તો ફતેહ મળે. આખરે જનરલ રોઝનું હલકટપણું કામ કરી ગયું. કિલ્લાના એક દરવાનને લાલચ આપી ફોડવામાં સફળ થયો. એ લાલચું દરવાન હતો – દુલા જુ. હિન્દુસ્તાનની ગુલામી માટે આવાં ઘણાં લાલચું થઇ ગયાં અને મોટી કિંમત ચૂકવવી પડી છે આઝાદીના લડાવૈયાઓને. દુલા જુ એ અંગ્રેજ સૈનિકોને કિલ્લામાં પ્રવેશવા માટે એક દરવાજો ખોલી આપ્યો. ધીરે ધીરે અંગ્રેજ સૈનિકો કિલ્લામાં પ્રવેશી રહ્યાં હતાં. કિલ્લાની તળેટીનું યુદ્ધ હવે કિલ્લામાં આકાર લઇ રહી હતું. કિલ્લામાં અંગ્રેજ સૈનિકોએ કોહરામ મચાવી દીધો. રાણીનું સૈન્ય ધીરે ધીરે ઓછું થઇ રહ્યું હતું. અંગ્રેજો સામે ટકવું મુશ્કેલ બનતું જતું હતું.

ઝલકારી બાઈએ અલગ અલગ પડાવ માટે દુર્ગા સૈન્યની ટુકડીઓ ગોઠવવા માંડી. શસ્ત્ર ભંડારમાંથી જરૂરી શાસ્ત્રોને સમયસર સૈનિકો પાસે પહોંચે તેની ઝડપ વધારી. તોપખાનાનો મારો કિલ્લા પરથી સીધો તળેટીમાં વધારી દીધો જેથી દાખલ થતાં અંગ્રેજ સૈન્યનો ખાતમો કરી શકાય. ઝલકારી બાઈ હવે ખુબ જ આક્રમક બની હતી. એમનાં માથે બે જવાબદારીઓ હતી એક કિલ્લામાં ચાલી રહેલાં યુદ્ધનો મુહતોડ જવાબ આપી જનરલ રોઝને ખદેડવાનો અને રાણી લક્ષ્મીબાઈને સંપૂર્ણ રક્ષણ આપવાનો.

યુદ્ધનો તાગ તેઓને સમજાઇ ગયો હતો. સર્જાયેલ પરીસ્તિથી ટાળી શકાઈ હોત જો તાત્યા ટોપેના સૈન્યની મદદ આવી હોત. બીજી બાજુ જનરલ રોઝના ખબરીઓ પણ કિલ્લામાં હતાં અને તેઓ થોડાંક પૈસા માટે બધી ખબરો પહોંચાડતાં હતાં. મા ભોમના ગદ્દાર હતાં, નપાવટ હતાં !

એ કપરી પરીસ્તિથીમાં ઝલકારી બાઈને એક ખૂબ જ દુખદ સામાચાર મળ્યાં કે એમનાં પતિ પુરણ સિંઘ જે રાણીનાં તોપખાનામાં હતાં એમનું યુદ્ધમાં મૃત્યુ થયું છે. સમાચાર જાણી તેઓ દુઃખી થયાં પણ પળનો પણ વિચાર ન કરતાં તેઓ બીજા એક કઠીન સંજોગને સામે જવા તૈયાર થઇ ગયાં.

ઝલકારી બાઈએ હવે એક યુક્તિ કરી. તેઓ રાણી લક્ષ્મીબાઈના ખંડમાં ગયાં. રાણી લક્ષ્મીબાઈ અને ઝલકારી બાઈના શરીરનો બાંધો, ઊંચાઈ અને લાલિત્ય રાણી લક્ષ્મીબાઈ જેવું હતું. ઝલકારી બાઈએ રાણીનાં વસ્ત્રો અને આભૂષણો પહેરી લીધાં અને પોતાને રાણીની જેમ સજાવી. રાણી લક્ષ્મીબાઈને સંદેશો મોકલી એમણે એક ગુપ્ત મંત્રણા કરી. જયારે રાણી લક્ષ્મીબાઈ પોતાનાં ખંડમાં આવ્યાં ત્યારે તેઓ એકદમ અવાક બની ઝલકારી બાઈને જોઈજ રહ્યાં. ઝલકારી બાઈ આબેહુબ રાણી લક્ષ્મીબાઈ જેવાં જ દેખાઈ રહ્યાં હતાં. ઝલકારી બાઈએ રાણી સાહેબને વિનંતી કરી જણાવ્યું કે યુદ્ધની પરીસ્તિથી ગંભીર બની રહી છે. વહેલી સવારથી ચાલી રહેલ યુદ્ધ એક ખતરનાક વળાંક લે એ ચોક્કસ છે. ઝલકારી બાઈએ રાણી સાહેબને કહ્યું કે તેઓ તરત જ કિલ્લાના છુપા માર્ગે અહીંથી બહાર નીકળી જાય અને સુરક્ષિત સ્થાને પહોંચી જાય. બીજો મુદ્દો મુક્યો કે રાણી લક્ષ્મીબાઈની જગ્યાએ પોતે લડશે અને એ માટે જ પોતાને રાણી સાહેબની જેમ સજાવી છે. તેમણે કહ્યું – “રાણી સાહેબા, ફક્ત હવે જરૂર છે તો ફક્ત તમારાં પાઘડી અને કલગીની જેથી કોઈને શંકા કે ખબર નહી પડે કે રાણી સાહેબા કિલ્લા ઉપર નથી કે યુદ્ધમાં નથી. આ પરિસ્થિતીમાં રાણી સાહેબનું કિલ્લા ઉપર લડવું અને રહેવું જોખમી છે.” રાણી લક્ષ્મીબાઈએ એમની સલાહને માની અને ઝલકારી બાઈના કુશળ દિમાગને દાદ આપી તેઓ કિલ્લામાંથી બહાર નીકળી જવા તૈયાર થયાં. રાણી લક્ષ્મીબાઈને પુરતું સંરક્ષણ અને સૈન્યબળ આપી એમણે કિલ્લાના ગુપ્ત માર્ગે રાણી સાહેબને વળાવ્યાં.

અંગ્રેજો સામે રાણી લક્ષ્મીબાઈની સેના લડી રહી હતી તેમાં રાણી જેવી આબેહુબ દેખાતી ઝલકારી બાઈ સૈન્યમાં ચુપચાપ ઘુસી ગયાં. રાણીના વેશમાં ઝલકારી બાઈ લડી રહી છે એ સૈન્યમાં કોઈને ખબર નહી પડી. રાણી સાહેબાના આગમનથી તેઓ હવે ખૂબ તાકાતથી લડી રહ્યાં હતાં. સામે બાજુ અંગ્રેજો અને જનરલ રોઝને પણ શંકા નહી ગયી કે રાણીની જગ્યાએ કોઈ બીજું યુદ્ધ કરી રહ્યું છે.

અંગ્ર્રેજો અને રાણીનાં સૈનિકો વચ્ચે ખૂબ ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું. જનરલ રોઝને ખૂબ આનંદ થઇ રહ્યો હતો કે વર્ષોથી રાણી લક્ષ્મીબાઈ કહી રહી હતી કે “મેરી ઝાંસી નહી દુંગી” તે ઝાંસી અને ઝાંસીની રાણીને જીતી શકાશે અને કેદ કરી અંગ્રેજ સરકાર સામે પેશ કરી શકાશે. પોતાને આ યુદ્ધ પછી અંગ્રેજ સરકાર જરૂર બઢતી આપશે એ ખુશીના લડવા એનાં મગજમાં ફૂટી રહ્યાં હતાં. ઝાંસી ઉપર પ્રહાર કરી એણે તાત્યા ટોપેના સૈન્યને પણ પરાસ્ત આપી હતી.

વીરાંગના ઝલકારી બાઈ સૈન્યમાં ખૂબ શૌર્યથી લડી રહી હતી. એમનાં શરીર ઉપર અનેક ઘા હતાં અને આખરે એક જીવલેણ ઘા થતાં એ ઘોડા પરથી નીચે પડ્યાં. અંગ્રેજ સૈનિકોએ એ વીરાંગનાને ઘેરી લીધી. જનરલ રોઝ ત્યાં આવ્યાં અને ખુશ થતાં બોલ્યા – “ઝાંસીકી રાણી કો કૈદ કર લો ! ઉન્હેં જિંદા લે જાના હૈ !” તેઓ રાણીને ઓળખી શક્યા નહોતાં. કોઈ જાણકારે કહ્યું કે આ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નથી ત્યારે એમનાં પગ તળેથી જમીન ખસી ગઈ. જીતનો આનંદ ઓછો થઇ ગયો. વીરાંગના ઝલકારી બાઈએ છેલ્લાં શ્વાસ લેતાં કહ્યું – “ઝાંસીકી જય હો ! ઝાંસીકી રાણી લક્ષ્મીબાઈ કી જય હો !” હવે બધાંને ખબર પડી કે આ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નથી પરંતું રાણી સાહેબ જેવી આબેહુબ દેખાતી ઝલકારી બાઈ છે.

વીરાંગના ઝલકારી બાઈનું કૌવત જોઈ જનરલ રોઝથી પણ બોલાઈ ગયું કે – “સલામ છે ભારતની વીર નારીઓને. ફક્ત એક ટકો નારી સૈન્ય પણ અંગ્રેજોને હરાવવા માટે કાફી છે.”

ઝાંસીના કિલ્લામાં એમની યાદમાં એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. ભારત સરકારે એમના સન્માનમાં એક પોસ્ટની ટીકીટ પણ બહાર પાડેલ હતી.

લાખ લાખ સલામ એ વીરાંગના ઝલકારી બાઈને !

(સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED