પ્રેમ તપ ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ તપ

પ્રેમ તપ

***

આજે તો દિલની વાત કહી જ દેવી એવું નક્કી કરીને એ જમણી બાજુના કાન પાછળથી નીકળી આવેલી લટને આંગળીઓમાં રમાડતી

ડેસ્ક પર સ્થિત ૧૪ ઇંચના સ્ક્રીનમાં ખોવાઈ ગઈ. એ પિકનિકમાં લીધેલ પ્રણયના ફોટાઓ જોઈ રહી હતી. ગઈ કાલે કોલેજના ટી. વાય. બી. એ. ના ક્લાસની પીકનીક હતી. બધાની નજર ચૂકવીને અને સખીઓથી છુટા પડી એણે પ્રણયના ફોટાઓ લીધાં હતાં ફક્ત પોતા માટે પર્સનલ. એની દરેક અદા ઉપર એ ફિદા હતી એટલે દરેક ફોટો એ મિનીટો સુધી જોયા જ કરતી, નજરની સાથે કલ્પનાની દુનિયાએ એક બીજી દુનિયા રચી હતી. ત્યાં ફક્ત પ્રણય અને પલ્લવી એ બે જ હતાં. ફૂલ અને સુગંધની દુનિયા ! પ્રણય નગરી કહો કે પ્રેમ નગર ! પ્રેમથી રંગાયેલ આસમાન, પ્રેમથી ઝુમતી વેલીઓ, પાંદડાઓ, ફૂલો ! પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ !

પ્રણય હૅન્ડસમ હતો. અભ્યાસમાં પણ હોશિયાર. મિત્રોનો ચહીતો. ગિટાર બહુ સરસ વગાડતો. વોટ્સ અપ અને ફેસ બુક ઉપર પોસ્ટ

લખવાની એને ગમતી. એની પોસ્ટ કંઈક અલગ પ્રકારની જ હોય. એના વિચારો કંઈક જુદાજ ! કંઈક શોધતો હોય તેવા ! મિત્રો પાસે

એનો ફોન નંબર ખરો પણ ફોન ઉપર મિત્રો જોડે વાતો કરવાની એને ગમતી નહિ. આ વાત મિત્રો પણ જાણતાં, પરંતુ એની

પાછળનું કારણ કોઈ દિવસ કોઈને કહ્યં નહોતું. હા ! કોલેજમાં બધાં જોડે સામ-સામે બેસીવાતો કરે, ગપ્પા કરે, પરંતુ ફોન ઉપર નહિ.

એના આઉટ ગોઈંગ અને ઇનકમિંગમાં બે જ નામ હોય, પપ્પા અને મમ્મી.

પલ્લવીને પ્રણય ખુબ ગમતો. કોલેજમાં પ્રણય જોડે ઘણાં છોકરા છોકરીઓનું ટોળું હોય જ. એમ સમજોને કોલેજનો હિરો. પલ્લવીને

ઘણીવાર પોતાના પ્રેમની વાતો કરવાની ઈચ્છા થતી, પરંતુ એ ફોન ઉપર અને કોલેજના સમયમાં એ શક્ય બનતું નહોતું. વાત મનની

મનમાં જ રહી જતી. પરંતુ ગઈ કાલે પિકનિકથી આવ્યાપછી પોતાની જાતને રોકવી એના માટે મુશ્કેલ હતું. મનમાં એમ પણ થયું કે એના ઘરે જઈને ગપસપ કરું અને દિલની વાત કરી દવું પણ એ શક્ય નહોતું.

આજ સુધી પ્રણયે કોઈ મિત્રને ઘરે બોલાવેલ નહિ. દોસ્તી સ્કૂલ અને કોલેજ સુધી જ માર્યાદિત. એના પિતાનો મલ્ટીનેશનલ બિઝનેસ

હતો. પપ્પા કાયમ બિઝનેસમાં રોકાયેલા રહે તેથી એમની ફોરેનની વિઝિટ પણ રેગ્યુલર હોય. પપ્પા ની ગેરહાજરીમાં પ્રણય જ ઘરનાં બધાં વ્યવહાર કરે.

પ્રેમની આગ આ બાજુ પણ હતી. ગઈ કાલથી પ્રણયના નજરોથી પલ્લવી હટતી નહોતી. વાત ફક્ત એક તરફા પ્રેમની નહોતી.

પલ્લવીની આંખોએ સહજ ઈશારાથી કહી દીધું હતું. જાણ તો પ્રણયને પણ થઇ હતી. ફક્ત જરૂર હતી એકરારના નજરની. આજે પલ્લવીને થતું હતું કે પ્રણયને, દિલની બધીજ વાત કહી દવું. પલ્લવીની પ્રેમની એક એક અદા, કોઈક પ્રેમ-ગીત લખી રહી હતી. એમ કહોને... આજે એ પ્રેમના દરિયામાં તરી રહી હતી. પ્રેમની પ્રકૃતિમાં ઝૂમી રહી હતી. પ્રણય ભમરો હોત તો કેદ કરી લેત નાજુક પાંખુડીઓ વચ્ચે !

પ્રણય સ્વસ્થ થવા પ્રયત્ન કરી રહ્યો હતો. એને ઉતાવળ કરવી પાલવે એમ નહોતી. પ્રેમના અઢી અક્ષરોમાંનો … ર… પ્રણય કે પલ્લવી બે માંથી કોઈ એકને રખડાવી કે રડાવી નહિ નાંખેને એ વિચારથી તે ધ્રુજી જતો.

હંમેશ બધાંને ખુશ રાખનાર પ્રણય કોઈને દુઃખી જોઈ શકતો નહોતો. કોઈ એના માટે દુઃખી થાય એ એને મંજુર નહોતું. કોઈની

સહાનુભૂતિ એને ગમતી નહિ. સતત હાસ્ય એના ચહેરા ઉપર રમતું હોય. એની મુસ્કુરાહટ ઉપર બધા આફરીન રહેતા. પરંતુ એ હાસ્ય પાછળ કંઈક ન કળાય એવી ગંભીરતા હતી.

આજે લગભગ ત્રણ મહિના થવા આવ્યાં હતા. પ્રણય કોઈને દેખાયો ન હતો. એના બંગલાનો મુખ્ય દરવાજો બંધ હતો. પીકનીક પછીના

ત્રણ ચાર દિવસથી પ્રણયનો ફોન સ્વિચ્ડ ઓફ આવતો હતો. હવે ન તો એની વોટ્સ અપ ઉપર કોઈ પોસ્ટ હતી, ન તો ફેસ બુક ઉપર.

એના આજુબાજુના બંગલાઓ લગભગ બંધ રહેતાં હોવાથી માહિતી મેળવવી મુશ્કેલ હતી. પ્રણયના મિત્રો તાગ મેળવવા પ્રયત્ન

કરતાં, પરંતુ નકામું.

પલ્લવીની ઇંતેજારી હવે ખુબ વધી ગઈ હતી. પ્રણયના ન દેખાવાતી એ મૂંઝાયેલી રહેતી. મઝદારમાં સરકતી જતી હોડી જેવી. કિનારા

બંને તરફ હતા, પણ જવું કઈ તરફ ? એક તરફ કોલેજની પરીક્ષા હતી, બીજી તરફ પ્રેમની પરીક્ષા. પલ્લવીને બંનેમાં પાસ થવું હતું.

મિત્રોના સતત સંપર્ક છતાં કોઈ એને પ્રણયનો સંપર્ક કરાવી શક્યા નહોતા. આજનો સ્માર્ટ ફોન એને સુમ મારી ગયેલ ફોન લાગતો હતો.

પ્રણયને કળવું એક મોટી પઝલ લાગતી હતી. એ જાણી જોઈને એવું કરે છે કેકોઈ સમસ્યા હશે ? એ વિચાર મગજમાં સતત ઘૂમ્યા કરતો હતો. પ્રણયની ગેરહાજરી બહુ આકરી લગતી હતી.

આજે પરીક્ષાના અડધા કલાક પહેલાં પ્રણય દેખાયો અને બધાંએ એને આનંદથી ઘેરી લીધો. જાતજાતના સવાલ,વાતો, આક્ષેપોને

પ્રણયે એના લાજવાબ હાસ્યથી ટાઢાં પાડ્યા. વાતો પછી કરીશું એમ કહી આજના પરીક્ષાના પેપર ઉપર વાત કરવાની શરુ કરી, પરંતુ

એની નજર હવે કોઈકને શોધી રહી હતી.

દૂરથી પ્રણયને જોઈ પલ્લવી આનંદથી ઉછળી અને તરત સંતાઈ ગઈ. પલ્લવી અને પ્રણયના પરીક્ષા હોલ જુદાં જુદાં હતાં. પલ્લવી પરીક્ષાના સમયે હોલમાં દાખલ થતી અને પરીક્ષાનું પેપર લખી ચુપચાપ કોલેજથી નીકળી જતી. પ્રેમની સંતા-કુકડી રમાઈ રહી હતી. હવે જયારે પ્રણય આવ્યો ત્યારે કોઈ મિત્રોને પલ્લવી દેખાતી, તો કોઈ મિત્રોને નહિ. કદાચ એ સાચા પ્રેમને ચકાસી રહી હતી. વાત પ્રણયના ધ્યાનમાં આવી હતી. પ્રણય પલ્લવીને મળવા વ્યાકુળ હતો. આજે પરીક્ષાનું છેલ્લું પેપર હતું. પેપર સહેલું હોવાથી પ્રણયનું પેપર વહેલું લખાયું અને તે આપી ક્લાસની બહાર નીકળી, પહેલો વોટ્સ અપ મેસેજ પલ્લવીને કર્યો – જ્યાં કોઈ ડિસ્ટર્બ ન કરે એવી એક જગ્યા ઉપર મળવા માટે.

વર્ષો બાદ એકબીજાને મળતાં હોય તેમ બંને મળ્યા. અશ્રુંભીની આંખોમાં એક અનોખી ચાહત હતી, ઉમળકો હતો. કહેવાનું અને સાંભળવાનું ઘણું હતું, પણ શરૂઆત ક્યાંથી કરવી બંનેને સમજાતું નહોતું. ફક્ત આંખોજ વાત કરી રહી હતી એક બીજાના વિરહની. નજરોએ ઘણી વાત કરી લીધી હતી, ઘણી વાતો સમજી લીધી હતી. પ્રેમના એકરારને કોઈ અવકાશ નહોતો. નજરોએ નજરથી પ્રેમનો એકરાર કરી દીધો હતો.

પ્રણયે છલકાતી આંખોએ કહ્યું - "હું છેલ્લા ત્રણ મહિનાથી મમ્મી જોડે ઓસ્ટ્રેલિયા હતો. મમ્મીને ઘણાં વરસથી ઓસ્ટિયોપોરોસિસ (અસ્થિ સુષિરતા) ની તકલીફ છે. તેથી તેને સારવાર માટે ઓસ્ટ્રેલિયા લઇ ગયેલ છીએ. દર મહિને સારવાર દરમિયાન મમ્મીને એક ચોક્કસ પ્રકારનું ઈન્જેકશન આપવાનું હોય છે. મમ્મીના તબિયતમાં કદાચ સુધારો તો આવશે, પણ બીમારી ક્યોર થાય એમ નથી. હું અને પપ્પા સતત એની દેખભાળ કરીયે છીએ. ડોક્ટરોના મત અનુસાર વરસો સુધી એની સેવા કરવી પડે એમ છે જે મારી પ્રથમ પ્રાયોરિટી અને જવાબદારી છે. લગ્ન બાદ તારા સપનાઓને હું પહોંચી ના શકું એ કરતા લગ્ન ના કરું એ જ ઉત્તમ થશે.” એમ કહી એને એક ઊંડો શ્વાસ લીધો. એના અવાજમાં વ્યાકુળતા હતી પણ નિશ્ચય પાકો હતો.

પલ્લવી શાંત ચિત્તે એને સાંભળી રહી હતી. પલ્લવીને બધાં જવાબો મળી ગયા હતાં.

ચાર મહિના પછી…. તેઓ ઓસ્ટ્રેલિયાથી પરત ફરી રહ્યાં હતાં.

પલ્લવીના માતા-પિતા, દિકરી પલ્લવી અને જમાઈ પ્રણયના પરિવારને એરપોર્ટ ઉપર રિસીવ કરવાં ઉભાં હતાં.

પ્રણયના મમ્મીના ચહેરા ઉપર અનેરો આનંદ હતો ! સ્ટ્રેચરની આજુબાજુ હવે ત્રણ સભ્યો સેવામાં હાજર હતાં !

***