ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૩ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૩

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું તેરમું

છેલ્લા ઘણા મહિનાથી આત્મહત્યાનો કોઇ કેસ હત્યાનો સાબિત થયો ન હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરને એ વાતનો કોઇ અફસોસ ન હતો. ધીરાજીને આ વાતની નવાઇ જરૂર લાગતી હતી. ધીરાજી કહે,"સાહેબ, આપણે આટલા બધા આત્મહત્યાના કેસ નોંધ્યા પણ એ ખરેખર આત્મહત્યાના જ હતા એ છાતી ઠોકીને તો કહી જ ના શકાય. ઘણા કેસમાં એ હત્યાના જણાતા હતા. પણ તમે પાકા સબૂત વગર એને હત્યાના ગણ્યા ન હતા. તમારા માટે પોલીસ વિભાગને માન છે. તમને આવા પ્રકારના કેસની પડતાલ માટે જ ખાસ રોકવામાં આવ્યા છે. અને ઘણા સમયથી કોઇ આત્મહત્યાનો કેસ હત્યાનો સાબિત થયો નથી. છતાં વિભાગ તરફથી તમને કંઇ કહેવામાં આવ્યું નથી કે તમારી કાબેલિયત ઉપર શંકા વ્યક્ત થઇ નથી. તમારી સાથે મને કામ કરવાની તક મળી એને હું મારું સૌભાગ્ય સમજુ છું....."

"ધીરાજી...બસ...બસ...! મારી આટલી પ્રશંસા ના કરો. હું તો મારી ફરજ જ બજાવું છું. આત્મહત્યાના જે કેસ થયા એ ખરેખર આત્મહત્યાના જ હોય એવી મારી અપેક્ષા છે. જો એમાં ખરેખર કોઇ હત્યાનો કેસ રહ્યો હશે તો કુદરત એને સજા આપશે. આપણા હાથમાં જેટલું છે એટલું આપણે કરતા રહેવાનું. બાકી કુદરત પર છોડી દેવાનું...." ઇન્સ્પેક્ટર ઠાકોર હજુ આગળ કંઇ બોલે એ પહેલાં જ એમના ફોનની ઘંટડી રણકી ઊઠી.

ફોન પર વાત કરી ઇન્સ્પેક્ટર ઠાકોર બોલ્યા:"ધીરાજી, ચાલો એક નવો આત્મહત્યાનો કેસ આવી ગયો છે....જોઇએ શું પરિણામ આવે છે."

ધીરાજીએ તરત જ જીપ બહાર કઢાવી અને બધા ઉપડ્યા સન્મીરના બંગલા પર.

શહેરના એક ખૂણાના વિસ્તારમાં આવેલ 'બંગલા મહેલ' નામની જગ્યાએ અનેક છૂટાછવાયા બંગલા છે. એમાં એક જાણીતી કંપનીના ભાગીદાર સન્મીરના બંગલામાં આત્મહત્યા થઇ હતી. ખુદ સન્મીરે કેમિકલનો ઉપયોગ કરીને પોતાના બીમાર જીવનનો અંત લાવી દીધો હોવાનો ફોન તેની પત્ની શીમલે પોલીસને કર્યો હતો.

ઇન્સ્પેક્ટર ઠાકોર સન્મીરના બંગલા પર પહોંચ્યા ત્યારે કેટલાક લોકો બંગલા બહાર એકત્ર થયા હતા. ઇન્સ્પેક્ટર ઠાકોરે સગા-સંબંધી સિવાયના લોકોને ત્યાંથી નીકળી જવા વિનંતી કરી અને પોલીસને તેનું કામ કરવા સહકાર આપવા કહ્યું.

બંગલામાં પહેલા માળ ઉપર આવેલા બેડરૂમમાં એક આરામ ખુરશી પર સન્મીરનો દેહ ઢળી પડેલો હતો. તેનું શરીર સુકાઇ ગયું હતું. તેમણે પત્ની શીમલ પર એક નજર નાખી. તે જીન્સ અને ટીશર્ટમાં હતી. તેની આંખો રડીને સુકાઇ ગઇ હતી. તેનું શરીર થોડું ભારે હતું. તે જાડી ન હતી પણ માલેતુજાર પતિની પત્ની હોવાનું સાબિત કરતી હતી.

ઇન્સ્પેક્ટર ઠાકોરે આખા બેડરૂમમાં એક નજર નાખી. બધું અસ્તવ્યસ્ત હતું. બેડની ઉપર તેમના લગ્નજીવનની સાબિતિ આપતી મોટી ફ્રેમ હતી. સન્મીર અને શીમલના લગ્ન સમયના ફોટાની એ ફ્રેમ હતી. એમાં સન્મીર એકદમ તંદુરસ્ત દેખાતો હતો અને શીમલનું શરીર સપ્રમાણ જણાતું હતું. અત્યારે બંનેના શરીરની સ્થિતિ અવળી હતી. શીમલના શરીર પર ચરબીના થર થઇ રહ્યા હતા. અને સન્મીર સુકાઇને કાંટો થઇ ગયો હતો. સન્મીરના હાથમાં ઇન્જેક્શનની સિરિંજ લગાવેલી હતી. તેનું શરીર માંદગીને કારણે લેવાઇ ગયું હોવાનું સ્પષ્ટ દેખાતું હતું. ઇન્સ્પેક્ટર ઠાકોરે થોડું અવલોકન કર્યા પછી શીમલને દિલસોજી વ્યક્ત કરીને કેવી રીતે સન્મીરના પ્રાણ ગયા એ વિશે ધીમેથી પૂછપરછ શરૂ કરી.

શીમલ ધીમેધીમે બોલતી ગઇ અને ઇન્સ્પેક્ટર ઠાકોર એકએક વાતને પોતાના મગજમાં નોંધતા ગયા. સન્મીર પ્લાસ્ટીકના દાણા બનાવતી એક કંપનીમાં મિત્ર હરસન સાથે અડધો ભાગીદાર હતો. છેલ્લા છ-સાત માસથી સન્મીર વધુ માંદો થયો હતો. તે અનિયમિત રીતે કંપનીમાં જતો હતો. મિત્ર હરસન દયાળુ હતો. તે સન્મીરને આરામ કરવા કહેતો હતો. સન્મીર પણ પોતાની માંદગીને કારણે હવે ઓછું જતો હતો. તેને હતું કે સાજો થઇને જ જશે. પણ કેટલીક બીમારીઓએ તેના પર કબ્જો જમાવી લીધો હતો. ડાયાબિટિસ તો એકદમ વકરી ગયો હતો. બીજી દવાઓ સાથે તેણે દરરોજ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ લેવા પડતા હતા. એ સરળતાથી લઇ શકે એ માટે તેના હાથમાં ડોકટરે અગાઉથી જ નસમાં જગ્યા કરી આપી હતી. તેણે રોજ ફ્રીઝમાંથી બોટલ લઇ ઇન્જેક્શનમાં ભરી એને હાથમાં મારી દેવાનું રહેતું હતું. મોટાભાગે આ કામ તે જાતે જ કરતો હતો. આજે સવારથી તે ઉદાસ હતો. તેણે પોતાના બે-ત્રણ મિત્રો અને કંપનીના ભાગીદાર હરસન સહિત ચાર-પાંચ જણને ફોન કરીને બોલાવ્યા હતા. કદાચ તેણે આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું હતું. સાંજે બધા જ જતા રહ્યા પછી સન્મીરે પ્રથમ ઊંઘની ગોળી ગળી લીધી અને પછી કેમિકલવાળું ઇન્જેક્શન હાથમાં લઇ લીધું. કંપનીની પ્રોડક્ટ માટેના કેટલાક કેમિકલ તે ઘરે જોવા માટે મંગાવતો હતો અને તેની ચકાસણી કરતો હતો. એમાંનું જ એક કેમિકલ તેણે વાપર્યું લાગે છે. હું જ્યારે ઘરનું કામ પરવારીને તેની પાસે પહોંચી ત્યારે લાઇટ બંધ હતી. તે ઊંઘતો લાગ્યો. પણ તેના હાથમાં ઇન્જેક્શન જોઇને હું ચમકી. મેં લાઇટ કરી નજીક જઇને જોયું તો તેના શ્વાસ ચાલતા ન હતા. મેં બધાને જાણ કરી.

ઇન્સ્પેક્ટર ઠાકોરે શીમલની વાતો સાંભળી કેટલાક પ્રશ્ન કર્યા અને પછી સ્ટાફ પાસે બાકીની કાર્યવાહી કરાવી પોલીસ મથક પર આવી ગયા. તેમનું મન વિચાર કરવા લાગ્યું. પણ પોસ્ટ મોર્ટમના રીપોર્ટ પછી વધારે વિચાર કરવાનું યોગ્ય હતું. તે રાહ જોવા લાગ્યા.

*

ઇન્સ્પેક્ટર ઠાકોર પોસ્ટ મોર્ટમ રીપોર્ટ વાંચીને બોલ્યા:"ધીરાજી, આમાં તો ચોખ્ખુ લખ્યું છે કે શરીરમાં કેમિકલનું આરોપણ કરવાથી સન્મીરનું મોત થયું છે. તેણે ઊંઘની ગોળી અગાઉથી જ લઇ લીધી હોવાથી તેને બહુ દરદ પણ થયું નહીં હોય. ઇન્જેક્શન ઉપર પણ સન્મીરના હાથના જ નિશાન છે. મતલબ કે તેની પત્ની કે તેના ભાગીદાર મિત્ર હરસન પર આ બાબતે શંકા થઇ શકે એમ નથી....."

"હા સાહેબ, મેં સન્મીરના મોબાઇલના ડેટા જોયા છે. એ દિવસે સવારે તેણે તેના મિત્રો વગેરેને જાતે જ ફોન કરીને બોલાવ્યા હતા. એમાંના બે-ત્રણ સાથે મેં વાત કરી ત્યારે તેમણે કહ્યું કે સન્મીરે આજે તેમને મળવા બોલાવ્યા હતા. હરસનને તેણે કંપની અંગે ઘણું કહ્યું. અને બરાબર સંભાળવાની સલાહ આપી. હવે તમે કયા સમીકરણ માંડી રહ્યા છો?" ધીરાજીએ ઇન્સ્પેક્ટર ઠાકોરના વિચારો જાણી લીધા હોય એમ પૂછ્યું.

"ધીરાજી, મારું મગજ તો એક નહીં અનેક સમીકરણ માંડી શકે છે. જેમકે, હરસન અને શીમલ વચ્ચે ચક્કર હોય અને એમણે આ ચાલ રમી હોય. અથવા શીમલને બીજા કોઇ સાથે પ્રેમ હોય અને એણે સન્મીરને પતાવી દીધો હોય. અથવા હરસને જ તેને ભાગીદાર તરીકે હટાવવા મોકો જોઇ છેતરીને કેમિકલવાળું ઇન્જેક્શન મારી દીધું હોય. પરંતુ એક પણ સમીકરણ પુરાવા સાથે બંધબેસતું નથી. જ્યારે કેસ આત્મહત્યાનો સાચો હોય ત્યારે જ આવું બને છે. છેલ્લા એક સપ્તાહની તપાસમાં શીમલનું હરસન કે બીજા કોઇ સાથે ચક્કર હોય એમ જણાયું નથી. અને તે એટલી સુંદર પણ નથી કે તેનો કોઇ સાથે સંબંધ હોય. તેના મત મુજબ તો સન્મીરે બીમાર જીવનથી કંટાળી કોઇ નબળી ક્ષણે જીવનનો અંત લાવી દીધો છે. તે ઘણા દિવસથી આ બીમારીથી કંટાળ્યો હતો....." ઇન્સ્પેક્ટર ઠાકોરનું મગજ આ કેસમાં હવે આગળ ચાલી રહ્યું ન હતું.

એક અઠવાડિયા પછી ઇન્સ્પેક્ટર ઠાકોરે ધીરાજીને કહ્યું:"ચાલો, શીમલને છેલ્લી વખત મળી લઇએ અને આ કેસ પૂરો કરી દઇએ...."

ધીરાજીને થયું કે વધુ એક કેસ આત્મહત્યાનો બનીને રહી ગયો છે.

ઇન્સ્પેક્ટર ઠાકોર પોતાના સ્ટાફ સાથે શીમલના બંગલા પર પહોંચ્યા. તેમણે ધીરાજી અને મહિલા કોન્સ્ટેબલને પણ સાથે આવવા કહ્યું.

શીમલ ઇન્સ્પેક્ટર ઠાકોરને સ્ટાફ સાથે આવેલા જોઇ ખુરશીમાંથી ઉભી થઇ.

ઇન્સ્પેક્ટર ઠાકોર બોલ્યા:" શીમલ, ખરેખર સન્મીરે આત્મહત્યા કરી લીધી હશે?"

શીમલ નવાઇથી બોલી:"ઇન્સ્પેક્ટર સાહેબ, હજુ તમને કોઇ શંકા છે?"

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"ના મેડમ, શંકા નથી....વિશ્વાસ છે કે તેણે આત્મહત્યા કરી નથી..."

ઇન્સ્પેક્ટર ઠાકોરની વાત સાંભળી શીમલના ચહેરા પરનો ડર છુપાયો નહીં. તેના મોંમાંથી એક શબ્દ નીકળ્યો નહીં.

"તું હત્યાનો આરોપ સ્વીકારે છે કે હું પુરાવા આપું?" ઇન્સ્પેક્ટર ઠાકોર કડક સ્વરે બોલ્યા.

"સાહેબ, બધા જ પુરાવા તો કહે છે કે તેણે આત્મહત્યા કરી હતી. પીએમ રીપોર્ટ અને ફિંગર પ્રિન્ટ રીપોર્ટથી તો સાબિત થયું જ છે કે સન્મીરે આત્મહત્યા કરી છે..." શીમલમાં અચાનક આત્મવિશ્વાસ આવી ગયો હોય એમ મોટા અવાજે બોલી.

"હા, પણ એ સિવાય મારી પાસે ઘણા પુરાવા છે, જે સન્મીરનું મૃત્યુ આત્મહત્યા પુરવાર કરવા કાફી છે." ઇન્સ્પેક્ટર ઠાકોરે એક કાગળ ધરી કહ્યું.

શીમલને ખબર ના પડી.

ઇન્સ્પેક્ટર ઠાકોર બોલ્યા:"આ રીપોર્ટ ઇન્જેક્શનની કંપનીનો છે. તેં જે ઇન્જેક્શનમાં કેમિકલ ભર્યું હતું એ બહારથી અલગથી લાવવામાં આવેલું હતું. અને એ દિવસે સન્મીરે બધાને ફોન કર્યા હતા એ તેં કરાવ્યા હતા. જો એણે આત્મહત્યાનો વિચાર કરી લીધો હતો તો પછી એના કે તારા સગા સંબંધીને મળવા કેમ ના બોલાવ્યા? મેં એ દિવસે મુલાકાત લેનાર દરેક સાથે બે વખત વિગતે વાત કરી ત્યારે તેના મિત્ર અને ભાગીદાર હરસન પાસેથી મને એવી વાત જાણવા મળી કે બધાને બોલાવવા શીમલે તેના પર દબાણ કર્યું હતું. ઓળખીતાઓને મળીને સન્મીરને ગમશે એમ દલીલ કરી હતી. સન્મીરને તો કોઇને મળવાની ઇચ્છા ન હતી. મતલબ કે તેં આખું કાવતરું રચ્યું હતું. આ તો હરસનની વાત અને ઇન્જેકશન અલગ પડ્યું એટલે આખી વાત મારા મગજમાં ગોઠવાઇ...."

શીમલ બોલી ઊઠી:"ઇન્જેક્શન તો બીજી કંપનીનું હોય શકે..... તેના પર નિશાન તો સન્મીરના હાથના જ છે ને?"

"હા, પણ ઘરમાં આટલા બધા ઇન્જેક્શન પડ્યા હોય ત્યારે એક અલગથી ખરીદવાની જરૂર ન હતી. તું જાતે જઇને ઇન્જેક્શન ખરીદી લાવી હતી. અને કેમિકલ જે બોટલમાંથી ભર્યું ત્યાં ઢોળાયેલું હતું. અને ત્યાં તારા જ ચંપલના નિશાન હતા....હવે વધારે દલીલ કર્યા વગર સાચી વાત કહી દે....." ઇન્સ્પેક્ટર ઠાકોર ઊંચા સ્વરે બોલ્યા.

શીમલને ખ્યાલ આવી ગયો કે હવે પોતાની પોલ ખૂલી ગઇ છે. એટલે તે રડવા લાગી.

ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને થોડી વાર રડવા દીધી.

આખરે શીમલે પોતાનો ગુનો કબૂલી લીધો:"સાહેબ, હું સન્મીરની બીમારીથી કંટાળી હતી. તેનો સ્વભાવ પણ બગડી ગયો હતો. ડોક્ટરોનું કહેવું હતું કે તેને સાજા થતાં ઘણો સમય લાગી જશે. હું હવે આ ત્રાસમાંથી મુક્ત થવા માગતી હતી. એક નબળી ક્ષણે મેં તેને મારવાનું જાતે જ આયોજન વિચારી લીધું. એ દિવસે તેની પાસે મેં જબરદસ્તી ફોન કરાવ્યા હતા. જેથી એમ લાગે કે તે મરતા પહેલાં બધાને મળી લેવા માગે છે. મેં સગાંને એટલે ફોન નહોતા કરાવ્યા કેમકે એમાંથી કોઇક તો રોકાઇ જ જાત. બધા આવીને ગયા પછી મેં એને જલદી ઊંઘની ગોળી ખવડાવી દીધી. મને એમ કે ઇન્જેક્શન ખલાસ થઇ ગયા છે. મને ખબર ન હતી કે તેણે અલગ જગ્યાએ મૂક્યા છે. એને પૂછવાને બદલે બે દિવસ પહેલાં ખરીદી લાવેલા ખાલી ઇન્જેક્શનમાં તેની કંપનીનું કેમિકલ ભરી દીધું. મને ખબર ન હતી કે ઇન્જેક્શન અલગ કંપનીનું આવશે અને એ વાત ઉપર પણ તમે ધ્યાન આપશો. ઊંઘની ગોળીથી તે ઘેનમાં સરવા લાગ્યો એટલે મેં ગ્લોવ્ઝ પહેરીને એના હાથમાં પકડાવી ઇન્જેક્શન મારી દીધું. જે ઇન્જેક્શન એનો જીવ બચાવતું હતું એના દ્વારા જ મેં એના પ્રાણ હરી લીધા...એક દિવસ તેણે વાતવાતમાં મને કંપનીના ખતરનાક કેમિકલ વિશે વાત કરી હતી. શરીરના બાહ્ય ભાગ માટેની પ્રોડક્ટ માટે આ કેમિકલ નુકસાનકારક ન હતું. પણ ભૂલથી આંખમાં કે મોંમાં ચાલ્યું જાય તો જીવલેણ સાબિત થઇ શકે. પ્રોડક્ટ ઉપર પણ એવી ચેતવણી અપાય છે. એટલે મેં એ જ કેમિકલનો ઉપયોગ કર્યો. હું એને પરણી ત્યારે તે મને મીઠી છૂરી કહેતો હતો. એને ખબર ન હતી કે હું એની પીઠમાં દુશ્મનની જેમ છરી મારીશ...."

સતત બોલીને શીમલ થોડીવાર માટે શાંત થઇ ગઇ.

ઇન્સ્પેક્ટર ઠાકોરે ઇશારો કર્યો એટલે મહિલા કોન્સ્ટેબલે તેની ધરપકડ કરી લીધી.

ઇન્સ્પેક્ટર ઠાકોર બોલ્યા:"શીમલ, તું પ્રકૃતિએ આળસુ અને નિરાશાવાદી લાગે છે. તેં એની બરાબર સારસંભાળ લીધી હોત તો એ જલદી સાજો થઇ શકયો હોત. અને તેને પોઝીટીવીટીના ઇન્જેક્શનની જરૂર હતી. તેનામાં જિજીવિષા પ્રબળ હતી. તેમાં શ્રધ્ધાની શક્તિ ઉમેરવાની હતી કેમિકલનું ઇન્જેક્શન નહીં. તેં એની સાથે તારી જિંદગી પણ બરબાદ કરી દીધી...."

શીમલ પાસે પસ્તાવાના ભાવ સિવાય કોઇ જવાબ ન હતો.

*

વાચકમિત્રો, આપને કારણે જ મને તા.૨૬/૧/૨૦૨૦ ના રોજ અમદાવાદ ખાતે માતૃભારતી તરફથી વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" એનાયત થયો હતો. ૨૦૧૯ માં મારી બુક્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ એ માટે આ એવોર્ડ મળ્યો છે. મારી તમામ ૧૬૬ ઇ બુક્સના ૩.૩૦ લાખથી વધુ ડાઉનલોડ થઇ ગયા એ બદલ આપનો આભાર!

માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" ના માર્ચ-૨૦૨૦ માં ડાઉનલોડ ૨.૮ લાખ ઉપર પહોંચી ગયા એ બદલ આપનો આભાર! શું તમે "રેડલાઇટ બંગલો" હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ, બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી બીજી નવલકથા 'લાઇમ લાઇટ' પણ પસંદ કરવામાં આવી છે. માર્ચ-૨૦૨૦ માં ૭૯૦૦૦ ડાઉનલોડ છે. એક રૂપાળી યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને ૪૮ પ્રકરણ સુધી જકડી રાખશે એવી મને ખાતરી છે.

***