રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2
અધ્યાય:7
પોતાને નામથી બોલાવનાર અને ધમકીભર્યા સુરમાં ચેતવણી આપનાર વ્યક્તિ આખરે કોણ હતો એ જોવા રુદ્રએ અવાજની દિશામાં પોતાની ગરદન ઘુમાવી.
પોતાને નામથી બોલાવનાર વ્યક્તિનો ચહેરો જોતાં જ રુદ્ર એને ઓળખી ગયો. એ વ્યક્તિ એ જ હતો જેની રહસ્યમય હાજરી મેઘનાનાં શયનકક્ષ જોડે રુદ્રએ નોંધી હતી. પોતાનો પીછો કરનાર અને મેઘનાને મારી નાંખવાની કોશિશ કરનાર વ્યક્તિ એકબીજાનાં ભાઈ હોવાનું પણ રુદ્ર સમજી ચુક્યો હતો. હાથમાં ધારદાર તલવાર લઈને પોતાનાંથી માંડ સાત-આઠ દૂર ઊભેલા વ્યક્તિને રુદ્ર પગથી લઈને માથા સુધી અમુક ક્ષણો સુધી જોતો રહ્યો.
"તને મારું નામ કઈ રીતે ખબર?" રુદ્રએ એ વ્યક્તિને ઉદ્દેશી આશ્ચર્ય સાથે સવાલ કર્યો.
"મને તમારું નહીં પણ તમારાં પૂરાં પરિવારનું નામ ખબર છે!" એ વ્યક્તિની ઉચ્ચારેલી આ વાતે રુદ્રને ચોંકાવી મુક્યો.
"તમે બંને કોણ છો? તું કાલે સાંજે રાજકુમારી મેઘનાનાં શયનકક્ષ જોડે મોજૂદ હતો. નક્કી તે જ સર્પમિત્રાનાં સુકાયેલા પાનને તાંબાના પાત્રમાં મૂકી, એ પાત્ર મેઘનાની શૈયા નીચે મુક્યું હોવું જોઈએ."
"આપનું અનુમાન સાચું છે રાજકુમાર. મેં જ રાજકુમારીની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ ખબર નહીં કેમ એક નિમ રાજકુમાર દ્વારા નિમલોકોનાં સૌથી મોટાં શત્રુ રાજા અગ્નિરાજની પુત્રીને બચાવવાનું નિંદનીય કાર્ય કરવામાં આવ્યું." એ વ્યક્તિનાં અવાજમાં રોષ માલૂમ પડતો હતો.
"એક અંગરક્ષક તરીકે એ મારી ફરજ હતી." રુદ્ર મક્કમ અવાજે બોલ્યો.
"તો તમે પાતાળલોકમાંથી પોતાનાં બે મિત્રો સાથે આ કાર્ય કરવા ધરતીલોક પર આવ્યા છો?" રુદ્ર દ્વારા પોતાની ગરદન પરની પકડ ઢીલી થતાં એનો પીછો કરનાર વ્યક્તિ રુદ્રના હાથમાંથી છૂટી પોતાનાં ભાઈ જોડે ઉભો રહી રુદ્રને કટાક્ષભેર સવાલ કરતા બોલ્યો.
પોતાની સામે ઊભેલા બંને ભાઈ પોતાની માફક જ રાજા અગ્નિરાજના શત્રુ હોવાનું અનુમાન એમની કહેવાયેલી વાતો પરથી લગાવી ચૂકેલો રુદ્ર સત્ય જણાવવામાં કોઈ ચિંતા નથી એવું વિચારીને બોલ્યો.
"મારો ઉદ્દેશ અલગ છે, અને રાજકુમારીનો અંગરક્ષક બનવું એ મારાં એ ઉદ્દેશને પૂર્ણ કરવાનું પ્રથમ પગથિયું છે."
"અમે જાણી શકીએ કે પાતાળલોકનાં દયાવાન અને તેજસ્વી રાજા દેવદત્તના પુત્રનો સાચો ઉદ્દેશ આખરે શું છે?" હાથમાં તલવાર લઈને ઊભેલા વ્યક્તિએ પૂછ્યું.
"એ હું ત્યારે જ જણાવીશ જ્યારે તમે લોકો પોતાની સાચી ઓળખ આપશો. આ ઉપરાંત તમારે મને એ પણ જણાવવું પડશે કે તમારે રાજા અગ્નિરાજ જોડે એવી તે શું દુશ્મની છે જેનાં લીધે એમની માસૂમ દીકરીની હત્યાનો પ્રયત્ન તમારે કરવો પડે?" સામે એક અજાણ્યો વ્યક્તિ તલવાર લઈને ઊભો હોવા છતાં રુદ્ર સહેજ પણ ખચકાટ વગર બોલ્યો.
"તમારે જાણવું જ છે કે રાજા અગ્નિરાજ જોડે અમારે એવી તે શું દુશ્મની છે જેનાં લીધે અમારે એમની પુત્રીની હત્યાની કોશિશ કરવી પડી તો સાંભળો." આ સાથે જ રુદ્રનો પીછો કરનાર વ્યક્તિએ પોતાની વિતકકથા સંભળાવવાની શરૂ કરી.
"મારું નામ દુર્વા છે અને આ છે મારો નાનો ભાઈ જરા. અમે બંને ભાઈઓ તમારા પિતાના પરમમિત્ર એવા કિલાક્ષ કબીલાનાં સરદાર ગામાના સંતાન છીએ."
દુર્વા દ્વારા કિલાક્ષ કબીલાનો ઉલ્લેખ થતાં જ રુદ્ર સમજી ગયો કે આખરે એ બંને ભાઈઓ પોતાને કઈ રીતે ઓળખતા હતા. હકીકતમાં વિંધ્યની પહાડીઓની ઉત્તર તરફ આવેલો કિલાક્ષ કબીલો જંગલી લોકોની એવી વસ્તી ધરાવતો હતો જેમનો પાતાળલોકમાં પ્રવેશ સામાન્ય વાત હતી.
દુર્વા અને જરાના પિતાજી સરદાર ગામા અવારનવાર પાતાળલોકમાં આવતાં અને પૃથ્વી પર થતી વિવિધ વનસ્પતિઓ અને શાકભાજીનાં બીજ દેવદત્તને આપી જતાં. જેના બદલામાં તેઓ ભસ્મા સરોવર જોડેથી સર્પમિત્રા વનસ્પતિ પોતાની સાથે લઈ જતાં. સર્પમિત્રા વનસ્પતિનો ઉપયોગ કરી એ લોકો ઝેરીલા તીર બનાવી પોતાનાં દુશ્મનો સાથે મુકાબલો કરતાં.
દુર્વા અને જરાને રાજા દેવદત્તની વિનંતી પર ગુરુ ગેબીનાથ એક વર્ષ સુધી યુદ્ધકળા અને વિવિધ દ્વંદ્વની તાલીમ આપી ચૂક્યા હતા. દુર્વા અને જરાનું નામ દીધા વગર ગેબીનાથે ઘણી વાર રુદ્ર સામે પૃથ્વીલોકનાં બે મનુષ્યોને પોતે તાલીમ આપી હોવાની વાત કરી હતી. ગેબીનાથની આ તાલીમનાં લીધે જ દુર્વા દ્વંદ્વમાં રુદ્રને બરાબરની ટક્કર આપી શક્યો હતો.
પોતાની અને પોતાનાં ભાઈની ઓળખાણ આપ્યાં બાદ દુર્વાએ રાજા અગ્નિરાજ જોડે પોતાની દુશ્મનીનું મૂળ શું હતું એ જણાવવાનું શરૂ કર્યું.
"અમે લોકો શેષનાગને અમારાં આરાધ્ય દેવ ગણી એમની ઉપાસના કરીએ છીએ અને આથી જ અમારી મૂળ ભાષા સર્પલિપી છે. દર વર્ષે નાગપંચમીનાં દિવસે અમારા કબીલામાં શેષનાગને રીઝવવા માટે એક ઉત્સવનું આયોજન થાય છે જેનું નામ હોય છે સર્પોત્સવ."
"આજથી અઢી વર્ષ પહેલાં આવા જ એક મહા ઉત્સવનું આયોજન અમારાં કબીલાના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. સૌ લોકો ખૂબ ખુશ હતા. પોતાની જ દુનિયામાં મસ્ત રહેનારા અમારા કબીલાનાં લોકો મનમૂકીને નાચગાન કરી આ ઉત્સવની મજા લઈ રહ્યાં હતા. ચારે તરફ ફક્ત હર્ષોલ્લાસ અને આનંદનું વાતાવરણ હતું." આટલું બોલી દુર્વા અચાનક અટકી ગયો. જાણે એનાં ગળામાંથી નીકળતાં શબ્દોએ રસ્તામાં જ આત્મહત્યા કરી લીધી હતી. દુર્વાની આંખો પણ ભીની થઈ ચૂકી હતી.
જરાએ પોતાનાં જોડે રહેલી પાણી ભરેલી મશક દુર્વાને આપી એને પાણી પીવા કહ્યું. દુર્વાને સાંત્વના આપી દુર્વાએ અધૂરી મુકેલી વાતને આગળ ધપાવતા જરા બોલ્યો.
"ચારે તરફ આનંદની છોળો ઉછળી રહી હતી. કબીલાનાં અબાલ, વૃદ્ધ, સ્ત્રી-પુરુષો શેષનાગને રીઝવવા માટેનાં પરંપરાગત નૃત્યમાં મનમૂકીને ઝૂમી રહ્યાં હતા એ જ સમયે દુષ્ટ અગ્નિરાજના હજારો સૈનિકોએ અમારાં કબીલા પર હુમલો કરી દીધો. એ સમયે અમારાં લોકો આ હુમલા માટે બિલકુલ તૈયાર નહોતાં."
"અમે વધુ કંઈ સમજીએ એ પહેલાં તો અગ્નિરાજના ક્રૂર સૈનિકો કાળો કેર વર્તાવી ચૂક્યાં હતા. ચારે તરફ પડેલાં માસૂમ બાળકો અને સ્ત્રીઓનાં રક્ત નીતરતા મૃતદેહ જોઈ અમારાં પિતાજીનું મન દ્રવી ઊઠ્યું. એમને મને અને જરાને બચેલા સ્ત્રીઓ અને બાળકોને લઈને કોઈ સુરક્ષિત સ્થાને જવાનો આદેશ આપી અમારાં કબીલાનાં સૈનિકોની સાથે અગ્નિરાજની વિશાળ સેનાનો મુકાબલો કરવાનું નક્કી કરી લીધું."
"પાતાળલોકનાં લોકો સાથે સંપર્કમાં રહેવાની સજારૂપે અગ્નિરાજે અમારાં કબીલાનાં લોકોને પાઠ ભણાવવા આ સજા આપી હતી. પિતાજીનો આદેશ માથે ચડાવી હું અને દુર્વા બચેલા બાળકો, સ્ત્રીઓ, બાળકો અને થોડાં યુવાનોને લઈને ત્યાંથી દૂર જવા નીકળી પડ્યાં."
"એ દિવસે અગ્નિરાજના સૈનિકોએ મારાં પિતાજીની સાથે અમારાં કબીલાનાં દરેક લડવૈયાને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી મૂક્યાં. નિર્દોષ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડી હું અને દુર્વા જ્યારે પાછા ફર્યા ત્યારે અમારી નજરો સામે ફક્ત લોહી નીતરતા મૃતદેહો હતા. ભારે હૈયે એ બધાંનો અગ્નિસંસ્કાર કરી અમે ત્યાંથી એ સ્થાને આવ્યાં જે બાકીનાં નિર્દોષ લોકોને અમે છુપાવ્યા હતા."
"હવે અમારાં જન્મસ્થાને અમારું જવું હિતાવહ નહોતું, આથી હું અને જરા બચેલા લોકોને લઈને સુરક્ષિત સ્થળની શોધમાં પૂર્વ તરફ ચાલી નીકળ્યાં. છ મહિનાની રઝળપાટ પછી અમને યોગ્ય સ્થાન મળી ગયું જ્યાં અમે સુખેથી નિવાસ કરી શકીએ. બે વર્ષ સુધી એ લોકોને પુનઃ સ્થાપિત કરવામાં અને જીવનનિર્વાહ માટેનાં સંસાધનોની ગોઠવણ કરવામાં બીજાં બે વર્ષ વીતી ગયાં."
"આ સમયગાળામાં અમે બંને ભાઈઓ સતત બદલાની આગમાં સળગતા રહ્યાં. આખરે અગ્નિરાજને સબક શીખવાડવાનો યોગ્ય વખત આવતાં હું અને મારો ભાઈ રત્નનગરી જવાનું વિચારતા હતા ત્યાં ખબર મળી કે અગ્નિરાજ પોતાનાં પરિવાર સાથે કુંભમેળામાં ભાગ લેવાં માટે જવાનાં હતા. આ ખબર મળતા જ અમે બંને અહીં આવી પહોંચ્યાં."
રાજા અગ્નિરાજે કિલાક્ષ કબીલાનાં લોકો સાથે જે કંઈપણ કર્યું હતું એની વિતક સાંભળ્યાં બાદ તો રુદ્રને પણ અગ્નિરાજ પર પારાવાર ગુસ્સો આવ્યો.
"મિત્રો, તમારી સાથે જે કંઈપણ થયું એ ખરેખર દયનીય છે અને અગ્નિરાજનું આમ કરવું ખરેખર નિંદનીય! પણ તમે મને કઈ રીતે ઓળખો છો એ કૃપયા જણાવશો?" રુદ્રએ દુર્વા અને જરાને ઉદ્દેશીને કહ્યું.
"અમે જે દિવસથી અહીં આવ્યાં ત્યારથી અમારી નજર રાજકુમારી મેઘના પર હતી. મેઘનાની હત્યા કરી અમે રાજા અગ્નિરાજને એ તકલીફ પહોંચાડવા ઈચ્છતા હતા જે અમે ભોગવી હતી. રાજકુમારી જ્યારે મેળામાં ફરવા નીકળી ત્યારે મેં અને જરાએ જ મધમાખીઓ ભરેલો નાનો ઘડો ગજરાજની સૂંઢ આગળ ફેંકી એને અશાંત કરી મુક્યો હતો. ખરાં સમયે તે વચ્ચે આવી રાજકુમારી મેઘનાની જીંદગી ના બચાવી હોત તો એ દિવસે જ એનું કામ તમામ થઈ ગયું હોત."
"જે રીતે તમે મેઘનાને બચાવી એ જોઈ અમે સમજી ગયાં કે તમે કોઈ સામાન્ય વેપારી નથી પણ વેપારીના વેશમાં પોતાની અસલી ઓળખાણ છુપાવનાર કોઈ ભેદી વ્યક્તિ છો. જરાએ તમારી ઉપર નજર રાખવાની શરૂ કરી અને ચુપકેથી તમારી અને તમારાં મિત્રોની વાતો સાંભળી ત્યારે માલૂમ પડ્યું કે તમારું નામ રુદ્ર છે. અમે ક્યારેય તમને જોયાં નહોતાં પણ પિતાજી દ્વારા પાતાળનરેશ દેવદત્તના તેજસ્વી પુત્ર રુદ્રનું વર્ણન અમે ઘણી વખત સાંભળી ચુક્યાં હતા."
"તમે જ નિમલોકોનો ભાવિ રાજા રાજકુમાર રુદ્ર જ છો એ તમારાં દ્વારા વાનુરાના મેદાનમાં બતાવવામાં આવેલાં અભૂતપૂર્વ શૌર્ય અને હિમતે સાબિત કરી આપ્યું. આમ છતાં તમારાં દ્વારા રાજકુમારી મેઘનાનો અંગરક્ષક બનવાનો પ્રસ્તાવ સ્વીકારવાની વાત અમને થોડી પચી નહીં. અત્યારે નિમલોકો જે પીડાઓ અને યાતનાઓ ભોગવી રહ્યાં હતા એનું કારણ અગ્નિરાજ છે એ વાત જાણતાં હોવાં છતાં તમે અગ્નિરાજની દીકરીનાં અંગરક્ષક તરીકેનું હીન કાર્ય સ્વીકારો એ અમારાં માટે અચંબિત કરી મુકનારી બાબત હતી."
"ગતરોજ જ્યારે દુર્વા રાજકુમારીની હત્યાની તૈયારી માટે ગયો ત્યારે તમે એને જોઈ ગયાં હતા. અંગરક્ષક હોવાથી તમે રાજકુમારીનું રક્ષણ કરવાની પૂરતી કોશિશ કરશો કે તમારાં મગજમાં બીજું કંઈક ચાલી રહ્યું હતું એ અમારે જાણવું હતું. રાતે તમે મેઘનાને બચાવીને એ તપ સાબિત કરી દીધું કે તમે પોતાને સોંપવામાં આવેલી ફરજ તો યોગ્ય રીતે નિભાવી રહ્યાં છો પણ પોતાનો ખરો ઉદ્દેશ ભૂલી ગયાં છો. માટે જ હું જાણીજોઈને તમને અહીં સુધી દોરી લાવ્યો જેથી તમારાં મનમાં શું ચાલી રહ્યું છે એ જાણી શકાય." જરાએ રુદ્રના પ્રશ્નનો વિસ્તારે જવાબ આપતા કહ્યું.
જરા અને દુર્વાની વાતો સાંભળી રુદ્રને લાગ્યું કે એ બંને સાચા હતા. મેઘનાની હત્યા માટે એમનાં દ્વારા રચવામાં આવેલા કાવતરા એમના જોડે જે કંઈપણ વીત્યું હતું એના બદલા રૂપે હતા એ પણ રુદ્રને સમજાઈ ચૂક્યું હતું. પોતાનાં પિતાજી અને દુર્વા તથા જરાના પિતાજી સરદાર ગામા વચ્ચેની મિત્રતાને લીધે રાજા અગ્નિરાજ દ્વારા આચરવામાં આવેલ આવાં અધમ કૃત્ય વિશે સાંભળી રુદ્રના હૈયે પણ દાહ લાગી હતી.
આખરે પોતાનાં લોકોનાં દુશ્મન અને ક્રૂર શાસક એવાં અગ્નિરાજની દીકરી તરફનો લગાવ અને પ્રેમ યોગ્ય હતા કે નહીં એ રુદ્ર માટે ગહન મનોમંથનનો વિષય બની ચુક્યો હતો. આખરે જરા અને દુર્વાને પોતે કઈ રીતે પોતાનાં મનની વાત સમજાવે એ વિચારમાં રુદ્રનું મન ચકરાવે ચડી ગયું.
આ દ્વિધાની ઘડીમાં રુદ્રના કાને નદીકિનારે એને અઘોરી રૂપે મળેલા દેવાધિદેવ મહાદેવના શબ્દો ગુંજવા લાગ્યાં જેમાં એમને રુદ્રને એનો ખરો ધ્યેય શું હતો અને એ ધ્યેયને પ્રાપ્ત કેમ કરવો એ વિશે જણાવ્યું હતું.
"રુદ્ર, તું કોઈ સામાન્ય મનુષ્ય નથી. તારો જન્મ આ જગતનાં કલ્યાણ માટે થયો છે. તું જે કાર્ય કરવાં નીકળ્યો છે એને યોગ્ય રીતે પૂર્ણ કરી શકે એ માટે તારું ધ્યેય ફક્ત એ કાર્ય પૂરતું જ હોવું જોઈએ અન્યથા તું તારો સાચો માર્ગ ભટકી જઈશ. તારી ઉપર આ સૃષ્ટિનું અને સમસ્ત પાતાળલોકનું ભાવિ લખાયેલું છે. જ્યારે તારો જન્મ જ આ કાર્ય માટે થયો હોય ત્યારે તારું પણ કર્તવ્ય બને કે એ કાર્યને કોઈપણ ભોગે સિદ્ધ કરવું!"
"આ કાર્યને પૂર્ણ કરવાં જતાં તારે ઘણું બધું ગુમાવવું પડશે જેની ભરપાઈ ક્યારેય નહીં થઈ શકે. આમ છતાં એ બધી જ વિકટ પરિસ્થિતિમાં પણ અડગ રહી મક્કમ મને તારે ફક્ત તારાં ધ્યેય તરફ આગળ વધવાનું છે. તારી અંદર મોજુદ તારો આત્મા જ તારો પરમાત્મા બની તને તારો આગળનો રસ્તો બતાવશે, બસ તારે સાચા મનથી એ રસ્તે આગળ વધવાનું છે.!"
પોતાનાં આરાધ્ય દેવના શબ્દો યાદ આવતા જ રુદ્રએ પોતાની અંતર આત્માનો નાદ સાંભળવાની કોશિશ કરી. આખરે રુદ્રની અંતરાત્માએ એની મૂંઝવણ દૂર કરી દીધી હોય એમ એનાં ચહેરા પરનો તાણ દૂર થઈ ગયો અને એનાં સ્થાને ગજબની શાંતિ પથરાઈ ગઈ.
********
વધુ આવતાં ભાગમાં
આખરે રુદ્ર શું નિર્ણય લેવાનો હતો? રુદ્ર જરા અને દુર્વાની મદદ કરશે? શું રુદ્ર અંગરક્ષક તરીકેનાં પદનો ત્યાગ કરશે? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.
દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)