રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 8 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 8

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2

અધ્યાય:8

"આખરે આટલાં સમયથી શું વિચારી રહ્યાં છો રાજકુમાર રુદ્ર?" રુદ્રને વિશારશીલ મુદ્રામાં ઊભેલો જોઈ જરાએ પ્રશ્ન કર્યો.

"જરા અને દુર્વા, તમારી સાથે જે કંઈપણ થયું એ ખરેખર અક્ષમ્ય ગુનો છે. રાજા અગ્નિરાજને એનાં આ ઘાતકી કૃત્યની સજા આપવી આવશ્યક છે. પણ ગુનો અગ્નિરાજ કરે અને એની સજા એમની નિર્દોષ દીકરી ભોગવે એ ક્યાંનો ન્યાય? જો આવું જ કરશો તો તમારાં અને અગ્નિરાજ વચ્ચે શું ભેદ રહી જશે?"

રુદ્રના પૂછાયેલા આ પ્રશ્નોનાં કોઈ ઉત્તર ના મળતાં જરા અને દુર્વા નતમસ્તક થઈને નિરુત્તર ઊભા રહી ગયાં. એ બંનેને આમ નિરુત્તર ઊભેલા જોઈ રુદ્ર એમની નજીક ગયો અને એ બંનેની વચ્ચે ઊભો રહી એમના ખભે હાથ મૂકી શાંત સુરે બોલ્યો.

"મિત્રો, તમારી મનોસ્થિતિ હું સમજી શકું છું. આ પરિસ્થિતિમાં શાયદ હું પણ તમારી જગ્યાએ હોત તો આવો જ અવિચારી નિર્ણય લઈ બેઠો હોત. માટે તમે અત્યાર સુધી જે કંઈપણ કર્યું એ બદલ હું તમને દોષિત નથી ગણતો." રુદ્રના આ શબ્દો જરા અને દુર્વાને થઈ રહેલા પસ્તાવાને ઓછું કરવાનું કાર્ય કરતા ગયાં.

"રાજકુમાર, આવેશમાં આવી અમે રાજકુમારી મેઘનાની હત્યાનું જે કાવતરું રચ્યું એ બદલ અમને ખેદ છે. પણ રાજા અગ્નિરાજને સામી છાતીએ લલકારવાનું સામર્થ્ય અમે નથી ધરાવતાં." જરાના શબ્દોમાં લાચારીનો અનુભવ થઈ રહ્યો હતો.

"હું જે કાર્ય કરવા પૃથ્વીલોક પર આવ્યો છું એને જો યોગ્ય રીતે પૂર્ણ કરવું હશે તો મારે સાચી ઓળખ છુપાવી મેઘનાના અંગરક્ષક તરીકે મને સોંપવામાં આવેલું કાર્ય પૂર્ણ ના થાય ત્યાં સુધી પુરી નિષ્ઠાથી મારી ફરજ નિભાવવી પડશે." રુદ્રએ કહ્યું.

"રાજકુમાર, તમે જે કાર્ય કરવાં અહીં આવ્યાં છો એ વિષયમાં તમને કોઈ વાંધો ના હોય તો અમને જણાવશો?" દુર્વાએ રુદ્રને સવાલ કર્યો. દુર્વા અને જરા કરતા રુદ્રની આયુ ઓછી હોવાં છતાં એ બંને માટે રુદ્ર રાજકુમાર જ હતો અને એથી એમનું વર્તન રુદ્ર પ્રત્યે એ રાજકુમાર હોય એવું જ હતું.

"આજથી વર્ષો પહેલા પાતાળલોકમાં આવેલાં હેમ જ્વાળામુખીની અંદર રહેલા સુવર્ણભંડારની લાલચમાં અગ્નિરાજના પિતા રત્નરાજ અને પૃથ્વીલોકનાં અન્ય રાજવીઓએ મળીને પાતાળલોક પર હુમલો કરી મૂક્યો. આ હુમલો કરીને એમને પાતાળલોકનાં અંદરોઅંદર લડતાં રાજાઓને પરાસ્ત કરીને એમની જોડે એક અન્યાયી સંધિ કરી."

"સુવર્ણભંડાર લૂંટીને એ રાજાઓ પોતાની સાથે પૃથ્વીલોક પર લઈ ગયાં એનું દુઃખ નિમલોકોને નહોતું પણ મનુષ્યો દ્વારા કરવામાં આવેલી સંધિ મુજબ નિમલોકો પર જે નિયમો લાદવામાં આવ્યા એ ખરેખર નિમલોકોનાં આત્મસમ્માનને ઠેસ પહોંચાડનારા હતા."

"આ સંધિ મુજબ મનુષ્યોએ પાતાળલોકમાં આવતાં સૂર્યપ્રકાશ પર રોક લગાવી દીધી. આ ઉપરાંત પવિત્ર કુંભમેળામાં પણ નિમલોકોનો પ્રવેશ નિષેધ કરી દીધો. વર્ષો સુધી પોતાની સાથે થયેલાં આ અન્યાયનો ભાર ઉઠાવી નિમલોકો પ્રતાડીત થતાં આવ્યાં છે. હું અને મારાં મિત્રો કુંભમેળામાં આવવાનું બહાનું બનાવી અહીં આવ્યાં છીએ પણ અમારો અસલી ઉદ્દેશ નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિનો ખાત્મો કરવાનો છે."

"જો એ સંધિ ક્યાં છે એ અંગે મારે જાણવું હશે તો રાજા અગ્નિરાજ જોડે શક્ય એટલો ઘરોબો કેળવવો પડશે. એકવાર એ સંધિ ક્યાં રાખવામાં આવી છે એ માલુમ પડી જાય પછી એનો નાશ કરીને હું નિમલોકો સાથે જે અન્યાય થયો છે એનો પૂરતો હિસાબ અગ્નિરાજ જોડેથી લઈશ."

રુદ્રની વાત સાંભળી જરા અને દુર્વા વિસ્મયમાં મુકાઈ ગયાં. આખરે રુદ્ર એક ઉદ્દેશને સાકાર કરવાં મેઘનાનાં અંગરક્ષકની જવાબદારી નિભાવી રહ્યો હતો એ જાણીને એ બંને ભાઈઓને રાહત થઈ.

"તો તમારો ઉદ્દેશ પૂરો કરવાં તમે રાજકુમારીને હાથો બનાવી રહ્યાં છો, બરાબરને?" જરા દ્વારા પૂછવામાં આવેલા આ પ્રશ્નની અપેક્ષા રુદ્રને નહોતી એ એનાં ચહેરાનાં સંકોચાયેલા ભવા પરથી સ્પષ્ટ હતું.

જરા અને દુર્વાને હકીકત કહી દેવી જોઈએ એમ વિચારી રુદ્ર બોલ્યો.

"એવું નથી કે હું મેઘનાને મારો ધ્યેય સિદ્ધ કરવાં માટેનો હાથો બનાવી રહ્યો છું અને ભવિષ્યમાં પણ આવું કંઈ કરવાની મારી ગણતરી નથી. સાચું કહું તો હું મેઘનાને જોતાંવેંત જ એનાં પ્રેમમાં પડી ગયો હતો. અમારાં બંને વચ્ચેનો સંબંધ કઈ હદ સુધી આગળ વધશે એ વિશે થોડું પણ વિચાર્યા વગર હું એને હૃદયપૂર્વક પ્રેમ કરવા લાગ્યો છું."

"શું કહ્યું? તમે અગ્નિરાજની દીકરી મેઘનાને પ્રેમ કરવા લાગ્યાં છો? શું એ પણ તમને પ્રેમ કરે છે? પણ એની સગાઈ તો સાત્યકી જોડે નક્કી થઈ ચૂકી છે?" જરા આશ્ચર્ય સાથે એક પછી એક સવાલ કરતા બોલ્યો.

"મને નથી ખબર કે મેઘના મને પ્રેમ કરે છે કે નહીં! પણ એક વાત સ્પષ્ટ છે કે હું મેઘના સિવાય કોઈ અન્ય યુવતી સાથે વિવાહ નહીં કરું." રુદ્ર પોતાનાં વિચારોમાં સ્પષ્ટ હતો.

"સારું થયું રાજકુમારીને કંઈ ના થયું, નહીં તો બહુ મોટો અનર્થ થઈ જાત." જરા અને દુર્વા એકસુરમાં બોલી પડ્યાં.

"હવે જે થઈ ગયું એ વિષયમાં વિચારવાનો કોઈ અર્થ નથી. હવે એ વિચારવાનું છે કે આપણાં ઈચ્છિત ધ્યેયને સિદ્ધ કરવાં આપણે શું કરી શકીએ?" રુદ્રના આમ બોલતાં જ જરા અને દુર્વા જૂનું બધું ભૂલી હવે આગળ શું કરવું એ અંગે વિચારવા લાગ્યાં.

થોડું વિચાર્યા બાદ દુર્વા બોલ્યો.

"આવતીકાલે રાતે જ રાજા અગ્નિરાજ અહીંથી રત્નનગરી તરફ જવાં માટે પ્રયાણ કરશે. પુરા કાફલા સાથે અહીંથી રત્નનગરી સુધી પહોંચતા એમને શક્યવત દસથી બાર દિવસ લાગી જશે. કેમકે આટલી બધી સેના અને દાસ-દાસીઓ જોડે હોવાનાં લીધે એમને પોતાની યાત્રામાં વચ્ચે-વચ્ચે રોકાવવું પણ પડશે."

"હું અને જરા અમારાં પાણીદાર અશ્વો સાથે અત્યારે જ રત્નનગરી જવાં પ્રસ્થાન કરીએ અને વચ્ચે થોભ્યા વીનાં સતત પ્રવાસ ચાલુ રાખીએ તો પાંચેક દિવસમાં તો અમે રત્નનગરી પહોંચી જઈએ."

દુર્વાની ગણતરી એકદમ યથાયોગ્ય હતી એ સમજી ચૂકેલા રુદ્રએ આખરે દુર્વાની સંપૂર્ણ યોજના શું હતી એ જાણવાનાં ઉદ્દેશ સાથે પૂછ્યું.

"દુર્વા, તારાં કહેવા પ્રમાણે તું અને જરા અગ્નિરાજના રત્નનગરીમાં પહોંચ્યાં પહેલા રત્નનગરી પહોંચી જાઓ પણ ખરાં પણ એથી શું?"

"રત્નનગરી રાજ્યમાં સદાય સૈનિકો માટે યોગ્ય હોય એવાં યુવકોની તાતી જરૂર હોય છે. હું અને મારો ભાઈ જરા ત્યાં જઈને રાજા અગ્નિરાજના સૈન્યમાં જોડાઈ જઈશું. અગ્નિરાજ રત્નનગરી પહોંચે એ પહેલાં મહેલની અંદરની બનાવટ અને નિમલોકો જોડે થયેલી સંધિ ક્યાં છુપાવવામાં આવી છે એ વિશે જાણવાની અમે અમારી રીતે કોશિશ કરીશું." પોતાની યોજનાની વિગત જણાવતાં દુર્વા બોલ્યો.

પોતાનાં માટે દુર્વા અને જરાનો જીવ જોખમમાં મુકવાની રુદ્રને થોડી પણ ઈચ્છા નહોતી. આમ છતાં એ બંને ભાઈઓની યુદ્ધ કુશળતા અને બુદ્ધિ ચાતુર્યમાં પૂરતો ભરોસો હોવાથી એ બંનેને ના કહીને રુદ્ર એમનું મનોબળ અને જુસ્સો તોડવા નહોતો માંગતો.

"સારું જો તમે બંને આમ કરવાં ઇચ્છતાં હોવ તો તમે અવશ્ય અત્યારે જ રત્નનગરી માટે પ્રસ્થાન કરો. હું આ દિવસોમાં રાજપરિવાર સાથે વધુને વધુ નજદીકી બનાવવાનો પ્રયત્ન કરું." રુદ્રએ આમ બોલીને જરા અને દુર્વાને સ્નેહથી ગળે લગાવી લીધાં.

"સારું, તો રાજકુમાર અમે રજા લઈએ." રુદ્રની જોડે રત્નનગરી જવાની સંમતિ માંગતા જરા બોલ્યો.

"મહાદેવ તમારી રક્ષા કરે." જરા અને દુર્વાને વળાવતા રુદ્ર હોંશભેર બોલ્યો.

"હર મહાદેવ!" જરા અને દુર્વાએ મહાદેવનું નામ લઈ ત્યાંથી ચાલતી પડતી.

"હર હર મહાદેવ!" પ્રત્યુત્તર બોલતો રુદ્ર જરા અને દુર્વા નામનાં બંને ભાઈઓની પીઠ તકતો ઊભો રહી ગયો.

અચાનક પોતાની જીંદગીમાં આવેલાં બે ભાઈઓ દુર્વા અને જરાને મહાદેવ કેમ મોકલ્યાં હતા એ તો રુદ્રને નહોતું સમજાઈ રહ્યું પણ આમ કરવાં પાછળ મહાદેવનો કોઈ ખાસ ઉદ્દેશ હોવો જોઈએ એમ વિચારી રુદ્ર પોતાનાં શરીર પરની માટીને ખંખેરી નદીની તરફ ચાલતો થયો.

*********

રુદ્રએ પોતાની જરા અને દુર્વા સાથે થયેલી મુલાકાત અંગે ઈશાન અને શતાયુને મળીને વિગતે વાત કરી. પોતાની મુહિમમાં બીજાં બે લોકોનો પણ સાથ મળવાનો હતો એ સાંભળી શતાયુ અને ઈશાનને ખુશી થઈ.

એ દિવસે સાંજે રુદ્રની મુલાકાત પુનઃ સેનાપતિ અકિલાના પુત્ર બાહુક સાથે થયો. બાહુક સાથે વાર્તાલાપ કરવાની રુદ્રને ઘણી મજા આવી. આગળ જતાં બાહુક સાથેની મિત્રતા પોતાને અવશ્ય ઉપયોગી સાબિત થશે એવી રુદ્રની ગણતરી હતી.

મેઘના જોડે ગતરાતે બનેલી ઘટનાનાં અનુસંધાનમાં રાજા અગ્નિરાજ અને રાણી મૃગનયનીની ઈચ્છાને માન આપી મેઘના પોતાનાં અલાયદા શયનકક્ષમાં સુવા જવાનું ટાળી એમની સાથે મુખ્ય છાવણીની અંદર બનેલા કક્ષમાં સુવા ગઈ. રુદ્ર પોતાને સોંપાયેલી ફરજ નિભાવતો રાતભર મુખ્ય છાવણીની બહાર ખડેપગે ઊભો રહ્યો.

આખરે એ દિવસ આવી ગયો જ્યારે પૃથ્વીલોકનાં સૌથી શક્તિશાળી રાજ્યનાં પરમ ચક્રવર્તી રાજા એવાં અગ્નિરાજ અને એમનો કાફલો રત્નનગરી જવાં નીકળવાનો હતો. ત્રણથી ચાર હજાર જેટલાં સૈનિકો અને હજાર જેટલી ગણિકાઓ ધરાવતો રત્નરાજનો કાફલો સંખ્યાની દ્રષ્ટિએ રત્નનગરી સુધીની લાંબી યાત્રા માટે ઘણો મોટો કહી શકાય એમ હતો.

આમ છતાં સર સેનાપતિ અકિલાના પુત્ર બાહુક દ્વારા જે મુજબનું આયોજન યાત્રા માટેનું કરવામાં આવ્યું હતું એ પ્રશંસનીય હતું. કાફલાની જોડે હાથી, અશ્વ અને રથગાડીઓની પણ સંખ્યા સારાં એવાં પ્રમાણમાં હતી.

નિયત સમયે રાજા અગ્નિરાજનો કાફલો રત્નનગરી જવાં રવાના થઈ ગયો. રત્નનગરી સુધી નક્કી સમયે પહોંચવા આ કાફલાને સતત દસથી બાર દિવસની યાત્રા કરવાની હતી. આર્યાવતની ઉત્તર દિશામાંથી નીકળી છેક દક્ષિણ દિશા તરફ જતી આ યાત્રાનાં માર્ગમાં ઘણાં દુર્ગમ સ્થાનો આવતાં હતા. છતાં રાજા અગ્નિરાજને એની જરા અમથી પણ ચિંતા નહોતી કેમકે એમને ખબર હતી કે પોતાનાં કાફલા પર હુમલો કરવાની તો શું આંખ ઊંચી કરવાની હિંમત પણ કોઈ કરી શકે એમ નહોતું!

આ સમગ્ર યાત્રામાં રુદ્ર સતત રાજ પરિવાર અને ખાસ તો મેઘનાની જોડે રહેવાનો હતો. આ રુદ્ર જોડે એક મોટી તક હતી મેઘનાની વધુ ને વધુ નજીક આવવાની.!

********

વધુ આવતાં ભાગમાં

રુદ્ર જરા અને દુર્વાની પોતાનાં આયોજનમાં સફળ થશે? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)