અંગારપથ. - ૪૬ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગારપથ. - ૪૬

અંગારપથ.

પ્રકરણ-૪૬.

પ્રવીણ પીઠડીયા.

રિસોર્ટની પાછળનો સમગ્ર વિસ્તાર અલાયદો અને કિલ્લેબંધ હતો. એ વિસ્તારમાં પ્રવેશવાનો રસ્તો પણ અલગ હતો. તેના માટે સીસીટીવીની નજરો હેઠળથી પસાર થવું પડતું હતું. સીસીટીવીનાં મોનીટરોનું ધ્યાન રાખવા બે સિક્યુરીટી ગાર્ડ રાખવામાં આવ્યાં હતા જેને અભિમન્યુએ હમણાં જ પરાસ્ત કર્યા હતા અને દિવાલ પાછળની દુનિયામાં પ્રવેશવાનો રસ્તો શોધી રહ્યો હતો. ખરેખર તો સિક્યૂરીટીનો એ બંદોબસ્ત ઘણો ઓછો કહેવાય કારણ કે ડગ્લાસ જેવા અંડરવલ્ડ ડોનની સેફ્ટી પાછળ તો લોખંડી બંદોબસ્ત હોવો જોઈએ પરંતુ અત્યારે આ વ્યવસ્થા જાણી જોઈને કરવામાં આવી હતી જેથી કોઇને તેના અહીં હોવાનો શક ન જાય. રિસોર્ટનો આ તરફનો ભાગ દુનિયાથી અલિપ્ત રાખવાની પૂરી તૈયારી કરવામાં આવી હતી. તાજ્જૂબીની વાત હતી કે એ તરફ જવાનો રસ્તો કોઇ રહસ્યમય ખજાના જેટલો જ રહસ્યમય હતો. કેમ, એ અભિમન્યુ સમજી ચૂકયો હતો. તેની મંઝિલ એ દિવાલની પાછળ હતી. વાર હતી તો ફકત ત્યાં સુધી પહોંચવાની. ગાર્ડન એરીયા વટાવીને ડાબી તરફની રૂમોની પરસાળમાં તે આવ્યો કે અચાનક ઠઠકીને ઉભો રહી ગયો. તેની નજરોએ કશુંક ભાળ્યું હતું અને તેના જીગરમાં ઉત્તેજના ફેલાઇ હતી.

@ @ @

ગોવાની સરકારી હોસ્પિટલમાં પત્રકારોનાં ધાડેધાડા ઉમટી પડયા. ચારેકોર ભયંકર ઉત્તેજના ફેલાઈ હતી. ગોવાનાં ઉચ્ચ અધિકારીઓ એક પછી એક ઘાયલ થઇને હોસ્પિટલમાં આવી રહ્યાં હતા એ સનસનાટીભરી ખબરને કવર કરવાં તેમનામાં જાણે હોડ લાગી હતી. કોઈપણ ભોગે તેઓ આ ખબરને સૌથી પહેલાં પોતાનાં અખબાર કે ટીવી ચેનલ ઉપર પ્રસારીત કરવાં માંગતા હતા જેથી તેમની ટીઆરપી વધે. એ લોકોને હોસ્પિટલની અંદર પ્રવેશતાં અટકાવવા ગેટ ઉપર ઉભેલા સિક્યુરીટી ગાર્ડને ભારે મશક્કત કરવી પડતી હતી. જોકે એટલી જ મહેનત હોસ્પિટલનાં ડોકટરો કરી રહ્યાં હતા. ઘાયલ થઇને આવેલાં ડેરેન લોબોની હાલત તો સુધારા ઉપર હતી પરંતુ પેટ્રિકની હાલત ક્ષણ-પ્રતીક્ષણ નાજૂક તબક્કામાં પ્રવેશી રહી હતી. ગોળી તેના ગળામાં વાગી હતી જે શરીરનો સૌથી નાજૂક ભાગ હતો. ઓપરેશન દરમ્યાન સહેજ નાનકડી અમથી ગફલત તેના જીવનું જોખમ ઉભું કરવા સક્ષમ હતી એટલે ડોકટરો પૂરી ગંભીરતાથી ઓપરેશનમાં જોતરાયા હતા.

@ @ @

આમન્ડા પેલા પઠ્ઠાની પાછળ ચાલતી અંદર પ્રવેશી. તેનું હદય અપાર ઉત્તેજના અને આશંકાથી ધડકતું હતું. ડગ્લાસની મરજી વિરુધ્ધ તે અહી આવી પહોંચી હતી એટલે ડગ્લાસ શું પ્રતિક્રિયા આપશે એ વિચારે તેને નર્વસ બનાવી મૂકી હતી. અને… એ દેખાયો. તેમની નજરો આપસમાં ટકરાઇ. એ સાથે જ ડગ્લાસની આંખોમાં એક વિશિષ્ઠ પ્રકારની ચમક ઉદભવી. પેલા પઠ્ઠા સામે જોયા વગર જ તેણે હાથનાં ઈશારાથી તેને બહાર જવા જણાવ્યું. પઠ્ઠો ધીરે રહીને બહાર સરકી ગયો.

સ્વિમિંગ પૂલની ધારે ગોઠવાયેલી આરામ ખુરશીની બાજુમાં ઉઘાડા ડીલે એ ઉભો હતો. સંપૂર્ણપણે સૂર્ય પ્રકાશમાં નહાઈ ઉઠેલું… અથાગ કસરત કરી-કરીને કસાયેલું તેનું ગોરું બદન આટલે આઘેથી પણ કોઈ એથ્લેટ્સને શરમાવે એવું દેખાતું હતું. છ ફૂટથી પણ થોડી વધુ હાઈટ, વિશાળ છાતી, પહોળા ખભા, લાંબા સ્નાયુંબધ્ધ પગ, એટલા જ લાંબા હાથ. જાણે ડબલ્યૂ ડબલ્યૂ એફ નો કોઈ પહેલવાન જ જોઈ લો. આમન્ડા ઘડીભર અપાર આશક્તિથી તેને તાકતી ઉભી રહી. તેની નજરમાં તોફાન ઉમડયું. તેના જીગરમાં કશેક ખળભળાટ ઉદભવ્યો. અને પછી… રીતસરની તેણે દોટ મૂકી. એ પ્રેમ નહોતો… આવેગ હતો. આવેગનાં નશામાં જ ભાન ભૂલીને તે દોડી હતી અને ધસમસતી આવીને ડગ્લાસનાં શરીર ઉપર તેણે રીતસરનું પડતું મૂકયું. ડગ્લાસે બાહોં ફેલાવીને તેને ઉંચકી લીધી. આમન્ડાનું સુંવાળું ગોરું બદન ડગ્લાસનાં કસદાર શરીર સાથે સખ્તાઈથી ભિંસાયું. તે લગભગ ટિંગાઇ જ ગઇ હતી અને તેના પાતળા લાંબા પગ ડગ્લાસની પીઠ પાછળ વિંટળાયા. એ હાલતમાં જ તેણે તોફાની નજરે ડગ્લાસની ભૂખરી આંખોમાં ઝાંકયું. એ ક્ષણ બે-ઘડી માટે એમ જ થંભી ગઇ. અને પછી ભયાનક ઝનૂનથી ડગ્લાસનાં હોઠ ઉપર તેણે પોતાનાં હોઠ ચાંપી દીધા. તેના હદયમાં ભયંકર રાહત ઉદભવી હતી. તેનો ડર એકાએક દૂર થયો હતો. ડગ્લાસ શું કહેશે, શું કરશે એ બીક હવા બનીને ઉડી ગઇ હતી.

ડગ્લાસને પણ જાણે આ ક્ષણનો જ ઈંતજાર હોય એમ તેણે આમન્ડા ને વધું જોરથી દબાવી. તેના મજબૂત લાંબા હાથ આમન્ડાની લીસી મૂલાયમ પીઠ ઉપર સખ્તાઈથી ભિંસાયા. તેમનું આલીંગન વધું ગાઢ… વધું મજબુત બન્યું. તેનું ટેન્શન, તેની પરેશાની… પળભરમાં ગાયબ થઇ ગઈ હતી અને તે આમન્ડાનાં સાનિધ્યમાં ખોવાઈ ગયો.

આ સમયે બે માંથી કોઇને ખબર નહોતી કે અભિમન્યુ રૂપી એક ખતરો છાના પગલે તેમની તરફ આગળ વધી રહ્યો છે.

@ @ @

યસ… એ દરવાજો જ હતો. અભિમન્યુની આંખોમાં ચમક પથરાઈ. ક્યારનો તે પેલી દિવાલ પાછળની દુનિયામાં પ્રવેશવાનો રસ્તો શોધી રહ્યો હતો એમા અચાનક તેને જ સફળતા મળી. હોટલનો ગલીયારો જ્યાં સમાપ્ત થતો હતો ત્યાં છેવાડે જમણી તરફ બીજી એક ગલીયારા જેવી રચના હતી. એ ગલીયારામાં તે પ્રવેશ્યો તો તેના અંતે પણ એક કમરો હતો જેનો દરવાજો બંધ હતો. પહેલા તો લાગ્યું કે એ કમરો હોટલનો જ એક ભાગ છે પરંતુ તેની અનુભવી આંખો દરવાજાની અનાખી રચના જોઈને ચમકી હતી અને તેનું માથું ઠનકયું હતું. એ દરવાજની સાઈઝ સામાન્ય દરવાજા જેટલી નહી પરંતુ તેનાથી ઘણી મોટી હતી. કોઈ રેસ્ટોરન્ટમાં પ્રવેશવાનાં… બે ભાગમાં ખુલતા દરવાજા જેવો ઘણો મોટો કહી શકાય એવો એ દરવાજો હતો. તેનો મતલબ સાફ હતો કે એ દરવાજાની પાછળ કોઈ કમરો નહી હોય! તો શું હોઈ શકે? તેનો એક જ જવાબ અભિમન્યુનાં જહેનમાં ઉભરતો હતો અને એ જવાબ તેનો ઉત્સાહ વધારવા કાફી હતો. તે ઝડપથી એ ગલીયામાં પ્રવેશ્યો અને દરવાજાને ધકેલ્યો. દરવાજો ખુલ્લો જ હતો અને તેના ધક્કાથી અંદર તરફ બારણું ધકેલાયું હતું. તે સાવધાનીથી અંદર પ્રવેશી આગળ વધ્યો. તેનું અનુમાન બીલકુલ સાચું હતું. એ દરવાજો દિવાલ પાછળની જગ્યામાં લઈ જતો હતો.

બપોરનો તડકો પૂરજોશમાં તેનો પ્રકોપ વરસાવી રહ્યો હતો પરંતુ અહીનું વાતાવરણ કંઈક અલગ જ હતું. દરવાજાની અંદર પ્રવેશતા જ ઠંડી હવાની એક લહેરખી તેના રુક્ષ ચહેરા સાથે અથડાઈ. એવું લાગતું હતું કે જાણે હમણાં જ અહી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે જેની ઉપર થઇને વહેતા પવનમાં એ ઠંડક ભળી છે. અભિને કંઇ સમજાયું નહી કે કેમ આવી સાવ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? પરંતુ એ સમજવા બહું દિમાગ લગાવવાની જરૂર તેને જણાઈ નહી. ડગ્લાસ અહી સંતાયો છે એટલે તેની સુરક્ષા માટેની વ્યવસ્થા તો હોવાની જ ને. તેને ખાતરી હતી કે હવે તે ડગ્લાસની પહોંચથી બહુ દૂર નથી. અત્યંત સાવધાની વર્તતો તે આગળ વધ્યો. તેને ડર હતો કે ક્યાંક આ એરિયામાં પણ સીસીટીવી લગાવેલા હશે તો તેની હિલચાલ પકડાઈ જશે પરંતુ ત્યાં કોઇ કેમેરા લગાવ્યાં હોય એવું નજરે ચડયું નહી.

ખરેખર તો પેલો પઠ્ઠો આમન્ડાને જ્યાંથી ડગ્લાસ પાસે લઈ ગયો હતો તેની બીલકુલ વિરુધ્ધ દિશામાંથી અભિમન્યુ અંદર દાખલ થયો હતો. દુનિયા માટે આ રિસોર્ટ ફક્ત પેલી દિવાલ સુધી આવીને ખતમ થઇ જતો હતો પરંતુ ગણતરીનાં બહુ ઓછા લોકો જ જાણતા હતા કે રિસોર્ટ જેટલો જ, કે તેનાથી પણ બહુ મોટો વિસ્તાર એ દિવાલ પાછળ હતો અને એ વિસ્તાર કોઇ સ્વર્ગથી સહેજે કમ નહોતો. ડગ્લાસે અહી પોતાનું અલગ જ સામ્રાજ્ય સર્જયું હતું. તે ભાગ્યે જ ક્યારેક અહી આવતો પરંતુ તેણે આ જગ્યાને ડેવલપ કરવામાં કોઈ કચાસ છોડી નહોતી. દુનિયાથી છૂપાવીને બનાવાયેલી આ અદ્ભૂત સૃષ્ટિ એક વખત તો ઈન્દ્ર દેવને પણ ઈર્ષા પમાડે એવી અદભૂત હતી. તેમા પ્રવેશવાનો માર્ગ રિસોર્ટનાં લાઉન્જ વિસ્તારમાં થઇને જતો હતો. લાઉન્જ વિસ્તાર અને તેની પાછળની ભવ્ય બિલ્ડીંગ વટાવતાં એક સીધો રસ્તો એ સૃષ્ટિમાં પ્રવેશવાનો સીધો રસ્તો હતો પરંતુ તેની જાણ કોઈને નહોતી. એ રસ્તાની બરાબર સામેની… એટલે કે વિરુધ્ધ દિશામાં બીજો એક દરવાજો હતો જ્યાંથી રિસોર્ટનો સ્ટાફ અંદર બધી સગવડતા પહોંચાડતો હતો. અભિમન્યુ એ દરવાજામાંથી જ અંદર પ્રવેશ્યો હતો.

@@@

એ આલિંગન બહું લાંબું ચાલ્યું. કોઇ વેલ ની જેમ આમન્ડા ડગ્લાસનાં શરીર ઉપર સખ્તાઈથી વિંટળાઈ હતી. તેના ગરમા ગરમ શ્વાસોશ્વાસ ડગ્લાસનાં ચહેરા સાથે અથડાતા હતા. તેના જીગરમાં ઉંફાણ સર્જાયું હતું. તેણે ત્યાં જ… ખૂલ્લા આકાશ નીચે, સ્વિમિંગ પૂલની ધારે, મખમલી લોન ઉપર જ પ્રણય ગીત રચ્યું હોત પરંતુ એકાએક તે અટકી ગઈ. તેની અર્ધ બિડાયેલી… અર્ધ ખૂલ્લી આંખોમાં અપાર વિસ્મય ઉમડયું. જાણે કોઇ ભૂત જોઈ લીધું હોય એમ તેના હદયમાં ધ્રાસકો પડયો. એ સાથે જ ડગ્લાસનાં શરીર ઉપરની તેની પકડ ઢિલી પડી.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. જો આપ મારી નવલકથાઓને આપની પર્સનલ લાઇબ્રેરીમાં વસાવવા માંગતાં હોવ તો મારા વોટ્સએપ નંબર પર કોન્ટેક કરવા વિનંતી. ધન્યવાદ.