શ્રેયાનું મન આજે દુનિયાભરની શાંતિ અનુભવી રહ્યું હતું . મોબાઈલમાં પોતાનું મનપસંદ ગીત વગાડી જિંદગીનો આનંદ લઈ રહી હતી .
કેટલા વરસે પોતાના ઘેર પાછી ફરી હતી . ,
બસ હવે કાયમની શાંતિ , રોજના રાક્ષસી ચહેરાઓ હવે એની જિંદગીમાંથી વિદાય લઈ ચુક્યા હતા .
પુરી જિંદગી નરભક્ષી , રાક્ષસી લોકોએ મારા શરીર સાથે કરેલા ઢસરડા... ,
બાપ રે.... , કાળમુખી જિંદગી હતી ,
કોઠાવાળી નૈનાબાઈ ને કેટલી વિનવણી કરી છતાં માનતી જ નો તી...
ઉપરથી વળી શિખામણ આપતી ,
' હું તને સાચું કહું છું , તારું સ્થાન હવે એ દુનિયામાં ક્યાંય નથી .
અને હું વટથી કહેતી ' આટલા વરસે મારા મા-બાપ , ભાઈ-બેન બધા મને જોઈને પાગલ થઈ જશે .
તમને શું ખબર કુટુંબની લાગણી શુ હોય ? '
અંતે એકદિવસ રાતોરાત ભાગી છૂટી ...વર્ષો પછી પોતાના શહેરના આંગણે આવી પહોંચી .
શહેરની પુરી સિરત બદલાઈ ચુકી હતી . પૂરું શહેર નવું નવું લાગી રહ્યું હતું .
પોતાના ઘરની ગલી હજુ સુધી એને યાદ હતી . ઘરને જોતા જ અચંભિત બની ગઈ . બહારથી હવેલી જેવું નજર આવતું હતું .
અહાહાહા... આ શું ... , મારુ જ ઘર હશે ? આટલું શાનદાર મારુ ઘર !!! ? ,
શ્રેયાના અચાનક આગમનથી ઘરમાં બધા રાજી થયા . પરંતુ એ લોકોના વ્યવહાર ઔપચારિક લાગ્યા .
ઊંડે ઊંડે ક્યાંક અપાર લાગણીની ઇચ્છાએ શ્રેયાએ પોતાના ઘરમાં પગ મૂક્યો હતો . આટલા વર્ષો પછી માઁ ને ભેટીને રડવા માંગતી હતી .
પણ માઁ ના ચહેરા પર લાગણીનો એક અંશ ના દેખાયો .
ઉપરછલ્લો આવકાર જોઈ શ્રેયાનું મન હતાશ થઈ ગયું .
હજારો સપના લઈને ત્યાંથી ભાગી નીકળી હતી . પણ સપનાઓ જાણે ચકનાચૂર થઈ ગયા . ,
પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવી હોય એવું લાગ્યું . ,
ખેર , જિંદગી કદાચ આવી જ હશે શુ ખબર ??? ' ,
પણ આ તો મારા પોતાના જ લોકો , એ લોકો માટે નરક જેવી જિંદગી જીવી અને કમાણી કરી ,
નાની હતી ત્યારથી ભણતર તો ક્યાં નસીબમાં જ હતું !!! ,
આ ઘરમાંથી બહાર પગ મૂક્યો ત્યારે તો ઘણી નાની હતી . પોતાના સગા મામાએ એની જિંદગી સાથે ખીલવાડ કર્યો હતો .
' આ વાતની માઁ ને ખબર પણ હશે કે નહીં કોને ખબર ? ,
મારા આ ઘરમાંથી ગયા પછી કોઈએ મારા સમાચાર જાણવાની કોશિશ પણ ક્યાં કરી હતી ...
' હું ક્યાં છું ? , કઈ દશામાં છું ? '
બસ જિંદગી ચાલતી રહી .. , મને મળતી કમાણી માંથી આ ઘરની જાહોજલાલી વધતી રહી ..
પોતાના ભાઈનું જીવન વ્યવસ્થિત ગોઠવાઈ ગયુ . બંને બેનોનું ભણતર હજુ ચાલુ હતું . ખબર નહી કેટલી ડિગ્રીઓ પાસ કરી તી...
ભાઈનું ભણતર પૂરું થઇ ગયું હતું . બસ હવે બીજું શું જોઈએ ???
હવે તો એને પણ નોકરી મળશે . ધીરે ધીરે એ પણ પોતાની જવાબદારી સમજશે .
' મારી જવાબદારી હવે પુરી ..' ,
નાની હતી ત્યારે પિતાને પેરેલીસિસ નો એટેક આવેલો હોવાથી ઘરમાં રોજીરોટી નો સવાલ થયો . શ્રેયા ઘરનું મોટું સંતાન હોવાથી માઁ એ બધી જવાબદારી એની પર નાખી દીધી અને કૈક કામધંધો શીખસે જ એવું વિચારી પોતાના ભાઈ સાથે મોટા શહેરમાં મોકલી દીધી .
મામો પણ જોરદાર ખિલાડી હતો .
શ્રેયાનું ખીલતું રુપ જોઈ એમના મનમાં અનેક વિચારો ઉથલપાથલ કરી ગયા . શ્રેયાને કોઈ કોઠા વાળીને ત્યાં વેચીને પોતે લાખોની કમાણી કરી લીધી . એ પછી શ્રેયાને સમજાવતો ગયો અહીં તને જે પૈસા મળેને એમાંથી તારે ઘેર મોકલવાના છે . બાકી તારું ભરણપોષણ તો અહીં મફતમાં જ થશે સમજી ,
એ સમયની કિશોરાવસ્થા , કુમળું માનસ જવાબદારીના બોજ તળે રહેસાતું ગયું . રોજ રોજ રૂપિયાના ઢગલા થવા લાગ્યા .
શ્રેયાના માઁ-બાપનું ઘર જાણે હવેલી બની ચૂક્યું હતું . એક ભાઈ , બે બેનો , અને માં-બાપ .... ખાસ કરીને તો માં...બધાએ શ્રેયાની કમાણી પર જિંદગીની આલીશાન સવારી માણી હતી .
શ્રેયાની જિંદગીમાં ઘણું બધુ ખૂટી રહ્યું હતું . પોતાના જ લોકોના પ્રેમ માટે તરસી રહી હતી .
રોજ રાત પડે ને ઓશિકા પર આસું વરસાવતી . પોતાના જ ઘરમાં પ્રેમ અને લાગણી માટે તરસતી શ્રેયાને જાણે કોઈએ ઊંડી ખાઈમાં ધક્કો માર્યો હોય એવું લાગતું હતું .
અઢળક અને અપાર ઈચ્છાઓને લઈને પોતાના ઘરમાં પાછી ફરી હતી .
અડધી રાતે આકાશમાં રહેલા ટમટમતા તારલાને દિશાશૂન્ય બની તાકી રહેતી ...
શ્રેયાને ચાર પાંચ દિવસ થઈ જતા માઁ એ વાતવાતમાં પૂછ્યું ' તારે જ્યારે પાછા જવાનું હોય ત્યારે કહેજે હો ...
તારો ભાઈ રિઝર્વેશન કરાવી દેશે ...
માઁ ના વેધક સવાલથી શ્રેયા અંદરથી ઉકળી ઉઠી ... ,
' પાછા જવાનું ???? , '
' માઁ હું પાછી જવા માટે નથી આવી .'
એવી નર્ક ભરી જિંદગી હવે મારે નથી જીવવી ... ,
માઁ ના મોઢામાંથી એકદમથી શબ્દો નીકળી પડ્યા .. ' શુ વાત કરે છે દીકરા ? ,
તો આ ઘરનું કોણ કરશે ? ,
હજુ તો તારી બંને બેનોનું ભણતર બાકી છે . એ પછી એ લોકોના લગ્નનો ખર્ચો .... ,
અને તારા ભાઈને તો હજુ નોકરીના ક્યાં ઠેકાણા છે ? ' ,
એમ પણ એ તો મસ્તમોલા છે , ક્યારે નોકરી મળશે ? અને ક્યારે ઘરમાં પૈસા આવશે ? ,
' પરિવારનો થોડો વિચાર તો કર...,
' શ્રેયા મનમાં સમસમીને રહી ગઈ ...
થોડો વિચારરરરર.... ??? '
એ રાતે શ્રેયા ઘરની બહાર નીકળી ગઈ... ,
ફરી એ જ જૂની અને જાણીતી ગલીમાં જઈ પહોંચી ,
જ્યાં ઘૂંઘરૂંઓની અવાજમાં પોતાના જેવી કેટલીયે નિઃસહાય છોકરીઓના હૈયા રડતા હશે . અને રાક્ષસી ચહેરા હસ્તા હશે .
વ્હેલી સવારનું અજવાળું અને દરવાજો ખોલતા જ નૈનાબાઈ સામે ઉભી હતી . નૈનાબાઈની આંખો આંસુથી છલકાઈ ગઈ ...
શ્રેયા પણ નૈનાબાઈના ખોળામાં માથું નાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડી .
શ્રેયાને આજે આટલા વરસે માઁ ના ખોળામાં માથું નાખી રડી પડયાનો અહેસાસ થયો ....