Cycle books and stories free download online pdf in Gujarati

સાયકલ

રમેશ એટલે કિશોરવય અને જુવાનીની વચ્ચે હાલક-ડોલક કરતું છતાં પણ સ્થિર માનસ ધરાવતું એક સંપૂર્ણ સમજદાર વ્યક્તિત્વ .

રમેશ એક સાધારણથી પણ સાધારણ ઘરનો એકનો એક દીકરો હતો . એના ઘરમાં પોતે અને એની માઁ બે જણાનો પરિવાર હતો .

રમેશની ઓરડીની સામે જ રહેતા... એ ખાન ચાચા....
ખૂબ ભલો માણસ ,
એમની દુકાન રમેશની ઓરડીની સામે જ હતી . અને દુકાનની પાછળ ઘર ,
ખાન ચાચાની દુકાનમાં દૂધ સિવાય અન્ય નાની મોટી જરૂરિયાતની વસ્તુઓ મળી રહેતી .
ખાન ચાચાના કુટુંબમાં એમનું પોતાનું કોઈ હતું જ નહીં .
પોતાના અમ્મી-અબ્બુનું કંકાશ ભર્યું લગ્નજીવન જોઈને એમણે આ જીવન કુંવારા રહેવાનો જ નિર્ધાર કર્યો હતો .

ખાન ચાચા બોલવામાં ખૂબ મીઠા અને દિલ તો દરિયાદીલી હતું . પુરી શેરીમાં અડધી રાતે પણ કોઈને કંઈ કામ પડે તો ખાન ચાચા હાજર જ હોય .

રમેશની સાઈકલને લઈને ખાન ચાચા અને રમેશ વચ્ચે મીઠી નોકજોક ચાલ્યા જ કરતી .

ચાચા હંમેશા રમેશને કહેતા ,
' અલ્યા રમેશ હવે તો તારી સાઇકલ ભંગારને લાયક છે હો ... ,
તૂટેલું પેડલ , બ્રેકના પણ કોઈ ઠેકાણા છે જ નહીં , અડધા તૂટેલા ને કટાઈ ગયેલા સળિયા ..... એમ જુવો તો તારી પુરી સાઇકલ જ કાટ ખાઈ ગયેલી છે .

' રમેશ એમની વાતને હસવામાં ઉડાડી દેતો . અને મનમાં ને મનમાં વિચારતો એક સાઇકલ ખરીદવા માટે પૂરતા પૈસા તો જોઈએ ને ...
માઁ ની થોડીઘણી કમાઈ હતી એ તો બાપુ દારુમાં ઉડાડી દેતા .

રમેશ નાનો હતો ત્યારે પોતાની ઉંમરના છોકરાવ ને એના બાપુની સાથે સાઈકલની સીટ પર બેઠેલા જોઈને મનમાં ખૂબ દુઃખ થતું . અને વિચારતો કાશ , એના બાપુ પણ એને અને માં ને સાઇકલ પર બેસાડી દૂર દૂર સુધી ફરવા લઈ જતા...
પણ બધુ વ્યર્થ હતું ...

રમેશ પોતે એક ચા ની દુકાનમાં કામ કરતો હતો . રોજ પોતાની જાનથી પણ પ્યારી એવી સાઈકલ લઈને નીકળી પડતો .

એની માઁ પારકા ઘરના કામ કરતી .
પોતાના જીવનમાં બાપુની ગેરહાજરી હતી . એના બાપુને ઇશ્વરના ઘરનું તેંડુ ઘણું વેલુ આવી ગયું તું .
પૂરો દિવસ શરાબનો વ્યસની શરાબના નશામાં પડ્યો રહેતો અને માઁ ને ખૂબ મારતો . નાનકડી એવી રૂમનું રોજનું એ દ્રશ્ય રમેશની નજર સામે ચાલ્યા કરતું . માઁ ની આવી હાલત જોઈ રમેશનું હૃદય હંમેશા દ્રવી ઉઠતું .

અંતે એક દિવસ દારૂના નશામાં લથડીયા ખાતા રસ્તા વચ્ચે ચાલીને આવી રહેલા રમેશના બાપુને ટ્રકનો ગમખ્વાર એકસિડેન્ટ થતા એના બાપુએ આ દુનિયામાંથી કાયમી વિદાય લીધી .

રમેશનું ઘર એટલે તૂટેલા ફૂટેલા નળિયાથી ગોઠવેલી છત , એમાં પણ નળિયાની વચ્ચે-વચ્ચે કાણાં ...
એટલે દરેક ઋતુઓની ખબર આપતું એ નળિયા વચ્ચેનું કાણું ....
માઁ અને દીકરાને બસ સવાર સાંજ રોટલો મળી રહેતો .
રમેશ અને એની માઁ એ ઘરની તપતી દિવારોની સાથે જીવનમાં પણ ઘણો તાપ જેલ્યો હતો .

રમેશ માટે નવી સાઇકલ ઘણી જરૂરી હતી . ભર બપોરે તડકામાં આવવું જવું , અને એમાં પણ સાઈકલની ચેન વારંવાર ઉતરી જતી , ખટર - ખટર અવાજ કરતી સાઇકલની સવારી એટલે એની માટે શહેનશાહી સવારી ....
રમેશના નસીબમાં ભણતર નો તું , પરંતુ ઘડતર ખોબો ભરી ભરીને હતું .

એકદિવસ વૈશાખની ભરી બપોર અને ધોમધખતો તડકો ...
રમેશ પોતે જે ચા ની દુકાનમાં કામ કરતો હતો . એ પોતાના ઘરથી ખાસ્સી દૂર હતી .
માથા ઉપર તપતો સૂરજનો તાપ અને પાણી માટે તરસી થયેલી એની જીભ ..... એમાં એની સાઇકલે દગો દીધો .
પૈડા માંથી હવા જ ગાયબ... પંચર.. બળબળતી બપોર અને સાઈકલને હાથેથી હંકારતો ચાલ્યો આવતો હતો .
દુકાનથી ઘેર જતા રસ્તામાં એક મંદિર આવતું હતું . અને મંદિરની લગોલગ તળાવ ...
રમેશે સાઈકલને ઝાડને સહારે મૂકી અને તળાવમાંથી ખોબે ખોબે પાણી પીવા લાગ્યો .

એવા સમયે ભરબપોરે મંદિરમાં ઘંટનો નાદ સંભળાતા રમેશનું ધ્યાન એ તરફ ગયું ...

ધ્યાનથી જોયુતો એની માઁ જ હતી .

રમેશ વિચારવા લાગ્યો ...!!
આટલી ભર બપોરે માઁ અહીં ?

પરંતુ માઁ ની બાજુમાં ઉભેલ વ્યક્તિ પણ મંદિરમાં નત મસ્તકે પ્રભુની સામે હાથ જોડીને ઉભા હતા .
એ હતા ખાન ચાચા ....
બે ઘડી માટે તો રમેશની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ .!!!

પણ ધીરે ધીરે એનું અંતર મન કૈક જુદું જ વિચારવા લાગ્યું ...
બળબળતી બપોરનો તડકો આજે એને ઠંડી હવાનો અહેસાસ કરાવી રહ્યો હતો . અચાનક ઠંડી ઋતુનું આગમન થયું હોય એમ રમેશના પુરા શરીરમાં ઠંડક વ્યાપી ગઈ .

સાંજના સમયે વાળું કરવાના ટાઈમે માઁ બોલી ' આજે તારા બાપુની વરસી હતી એટલે ઘરમાં જે થોડુંઘણું હતું એ મંદિરના પૂજારીને આપી આવી .

તારા ખાન ચાચા પણ આજે મારી સાથે મંદિર આવ્યા હતા .
ખાન ચાચાનું નામ લેતા માઁ ના ચહેરા પર આવેલું ચહેરા પરનું સૌંદર્ય રમેશ પારખી ગયો .

ઘરની નાની મોટી કોઈપણ બાબતમાં એની માઁ ખાન ચાચાની સલાહ સુચના લેતી....
બાપુની દારૂની લતના કારણે એમણે કરેલી ઉઘરાણી વાળાની રકમ પણ ખાન ચાચાએ પુરી કરી હતી .
એમ પણ હજુ તો માઁ ની જિંદગી ખાસ્સી એવી લાંબી હતી .

એકલવાયી જિંદગી જીવવા કરતા કોઈ પોતાનું બનીને કદમથી કદમ મિલાવી જીવે તો એ જિંદગી જીવવાની મજા જ કંઈ ઔર છે .

આજે વિચારોમાં ને વિચારોમાં જ અડધી રાત વીતી ગઈ ...
બીજા દિવસની સવારની શરૂઆત કઈ રીતે કરું ???
એ બધા વિચારોની ગડમથલમાં વ્હેલી સવારે એની આંખોમાં નિંદ્રાદેવી પધાર્યા ....એની ખબર જ ના રહી .

સવારે આંખો ખુલતા જ જોયું તો ઘણું મોડું થઈ ગયું હોય એવું લાગ્યું . આંખો ચોળતા ચોળતા બહાર નીકળ્યો . બહાર નીકળતા જ જોયું તો ઘરની ભીતને અડીને ઉભેલી એક સુંદર નવી નક્કોર સાઇકલ......!!! ,

રમેશે માઁ ને જોરથી બૂમ પાડતા બોલ્યો ... ' માઁ જલ્દી આવ તો આ સાઇકલ કોની છે ? '

રમેશની અવાજ સાંભળી માઁ ઓરડીની બાર નીકળી અને આશ્ચર્યથી બોલી ' અરે ,આ નવી નક્કોર સાઇકલ કોની છે ? '

માઁ - દીકરા બંનેનો અવાજ સાંભળતા સામે ઉભેલા ખાન ચાચા હસ્તા હસ્તા રમેશ આગળ આવીને બોલ્યા
' કાલે મારા એક ખાસ મિત્રએ સાઈકલની દુકાન ખોલી
એમને મારા તરફથી બોણી પણ થાય એટલે મેં લઈ જ લીધી .... '

પણ ચાચા આ તો...

અરે દીકરા , મારે તો સાવ મફતના ભાવમાં જ પડી છે ....સાઇકલ માટે મારે એક પૈસો દેવાનો નથી .

લે ...લે આ કંકુ ને ચોખા ,
નવી સાઈકલની પૂજા કરી તૈયાર થઈને ઉપડ ...

રમેશની આંખોમાં આસું ભરાય આવ્યા....

ચાચા ...બસ એક ઈચ્છા હજી છે જો ...

રમેશ ને વચ્ચેથી જ બોલતો અટકાવતા ચાચા બોલ્યા ' અરે બોલ બોલ દીકરા શુ ઈચ્છા છે ? '

' હું નાનો હતો ને ત્યારે મને એવી ઈચ્છા ખૂબ હતી કે મારા પિતાની સાથે સાઇકલ પર બેસીને દૂર દૂર સુધી ફરવા જાવ ...

આજે પણ એવી ઈચ્છા છે કે પિતા સાઇકલ ચલાવે અને હું આગળની સીટ પર બેસું...

તારી વાત સાચી છે દીકરા ...
.... તારા પિતાને યાદ કરીને જા અને એક રાઉન્ડ મારીને આવ ....

' યાદ કરીને શુ કામ ?? , '
જેણે પુરી જિંદગી મારો બાપ બની મારુ ધ્યાન રાખ્યું છે . એમની સાથે હું સાઇકલ પર બેસવા માગુ છુ ...

' એટલે હું સમજ્યો નહીં... '

' રમેશ સાઈકલ લઈને ચાચાની સામે આવીને ઉભો રહ્યો ..અને બોલ્યો '
પેલા મારા બાપુ બેસે પછી હું....

અચાનક આવા સંબોધનથી ખાન ચાચાનું હૈયું ભરાય આવ્યું . રમેશને ગળે વળગાડી ખૂબ રડી પડ્યા...

દરવાજાની ઓથે ઉભેલી રમેશની માઁ આ દ્રશ્ય જોય રડી રહી હતી .

રમેશ અને ચાચા બંને સાઇકલ ઉપર બેસી ગયા...
રમેશે પોતાની આંખો મટકાવતા ચાચાને કહ્યું .... ' બાપુ પાછલી સીટ ખાલ્લી જ છે કોઈને બેસવું હોયતો ...

પોતાના ઓઢણાંનો છેડો દાંતની વચ્ચે દબાવતી અને શરમાયેલા લાલઘૂમ ચહેરે રમેશની માઁ ધીરે રહીને સાઈકલની પાછલી સીટમાં બેસી ગઈ...

સાઈકલના અરીસામાં દેખાય રહેલું રમેશની માઁ નું અનુપમ સૌંદર્ય નિહાળી રહેલ ખાન ચાચા જીવનની નવી ડગર પર ચાલી નીકળ્યા ...

બાળપણમાં રહી ગયેલી અધૂરી ઈચ્છાઓને માણતો રમેશ ભલે આજે જુવાનીની અટારીએ પહોંચ્યો હતો . પણ આજે એના મનને બે-બે ખુશી એકસાથે મળી હતી .
એક તો સાઇકલ અને પોતાની માઁ ની ખુશહાલ જિંદગી.....

🚲🚲🚲🚲

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED